અનેક રોગોમાં ઉપયોગી : શિરોધારા .
- આરોગ્ય સંજીવની
કેશસૌંદર્ય નિખારવા માટે 'શિરોધારા' ઉત્તમ સારવાર છે, વાળની સમસ્યાનાં દર્દીઓ, તેમજ જેમને માથામા ખૂબ જ ખોડો રહેલો હોય તે તમામ દર્દીઓ માટે શિરોધારાએ એકમાત્ર વિકલ્પ છે.
'શિરોધારા' એ પંચકર્મની ખૂબ અસરકારક સારવાર છે. 'શિરોધારા' એટલે શિર પર એકધારી પ્રક્રિયાથી પાડવામાં આવતી ઔષધિસિધ્ધ તેલ, ધૃત કે તક્ (છાશ)ની ધારા.
શિરોધારા અનેક રોગોમા અસરકારક સારવાર પધ્ધતિ સાબિત થયેલ છે. કેશના રોગો, વાળની સમસ્યા, અનિંદ્રા, ડીપ્રેશન, હાયબી.પી., એપિલેપ્સી, અપસ્માર, ઉન્માદ વગેરે જેવા રોગોમા 'શિરોધારા' એક ઉત્તમ સારવાર છે. ઉપરનાં તમામ રોગોમાં આ ચિકિત્સા પધ્ધતિ ખૂબ અસરકારક સાબિત થયેલ છે.
કેશસૌંદર્ય નિખારવા માટે 'શિરોધારા' ઉત્તમ સારવાર છે, વાળની સમસ્યાનાં દર્દીઓ, તેમજ જેમને માથામા ખૂબ જ ખોડો રહેલો હોય તે તમામ દર્દીઓ માટે શિરોધારાએ એકમાત્ર વિકલ્પ છે. આ સિવાય પણ સ્મૃતિમાંથી (યાદશક્તિ ઓછી હોવી) તેમજ જે લોકોને ગુસ્સો કે ચિંતા વધારે રહેતી હોય તેવા તમામ લોકો માટે પણ 'શિરોધારા'ની સારવાર શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે. આ ઉપરાંત ઓપલેપ્સી ખેંચ આવવી, અપસ્માર જેવાં રોગોમાં પણ શિરોધારાના શ્રેષ્ઠ પરિણામ મળેલા છે.
'શિરોધારા' સ્વસ્થ 'સ્ત્રી' કે 'પુરુષ' પણ આ ચિકિત્સા પધ્ધતિનો લાભ ઉઠાવી શકે છે. આગળ કહ્યું તેમ કોઈ પણ તકલીફ ન હોય છતાં વાળનો જથ્થો વધારવા, તેમજ વાળની ગુણવત્તા વધારવા તેમજ વાળનું મોઈશ્ચર, વાળનો ચળકાટ વગેરે જાળવી રાખવા માટે પણ શિરોધારાએ આયુર્વેદમાં દર્શાવેલો ઉત્તમ ઉપાય છે. આજ-કાલ મોટા મોટા બ્યુટી સેન્ટરોમાં મસમોટી કિંમતો લઇ હેરસ્પા, વાળ માટે પ્રોટીન થેરાપી વગેરે કરવામા આવતી હોય છે. જેની અસર પણ લાંબા સમય સુધી રહેતી નથી. અને તેની કિંમત પણ મધ્યમવર્ગના માનવીને પોસાય તેવી હોતી નથી. તેથી આયુર્વેદમાં દર્શાવેલ 'શિરોધારા' આની અવેજમાં શ્રેષ્ઠ સારવાર છે. અને આ સારવાર પછી વાળનું મોઇશ્ચર પણ લાંબા સમય સુધી જળવાઈ રહે છે અને વાળને કેમિકલયુક્ત હાનિકારક પદાર્થોથી સરળતાથી બચાવી શકાય છે. શિરોધારામાં જુદા જુદા તેલ, ધૃત કે ઔષધયુક્ત ક્વાથ વગેરેનું મિશ્રણ બનાવીને જુદા જુદા રોગોમાં આ ઔષધયુક્ત મિશ્રણથી આ શિરોધારા કરવામાં આવતી હોય છે. શિરોધારા એ એક એવી ચિકિત્સા પધ્ધતિ છે કે, જેનું પરિણામ પણ ખૂબ જ ઝડપથી દર્દી અનુભવી શકે છે. શિરોધારાની સમગ્ર પ્રક્રિયામાં એકથી પોણા કલાક જેટલો સમય લાગે છે.
શિરોધારાની સારવાર એ વાળનાં તમામ રોગો પર ખૂબ જ સારું રીઝલ્ટ આપે છે. વાળની અનેક સમસ્યાઓ જેવી કે, વાળ ખૂબ જ ખરવા, વાળમાં ખોડો હોવો, વાળમાં ઊંદરી હોવી કે વાળ ખૂબ જ બરછટ હોવા વગેરે તમામ સમસ્યાઓમાં શિરોધારા ખૂબ જ ઝડપી પરિણામ આપે છે. જે દર્દીઓને વાળ ખરવાની ખૂબ સમસ્યા હોય તે માટે વૈદ્યની સલાહ મુજબ અને પોતાની પ્રકૃતિ અનુસાર ભૃંગરાજ તેલ, ચંદનબલા લાક્ષાદિ તેલ વગેરે જેવા તેલથી શિરોધારા કરાવવી જોઇએ. જો વાળમાં ખોડો વધારે હોય તો, કરંજ તેલ, નિમ્બતેલ કે ધતુરપગાદિ તેલનો ઉપયોગ શિરોધારામાં અવશ્ય કરવો જોઇએ. જે દર્દીઓમાં વાળ અકાળે સફેદ થઇ ગયા હોય તેમના શરીરમાં પિત્ત વધી ગયેલ હોય છે તેથી આવા સમયે નિષ્ણાંતની સલાહ મુજબ પિત્તશામક ઔષધયુક્ત તેલ કે ધૃત્ત (ઘી) દ્વારા શિરોધારા કરાવવાથી અકાળે સફેદ થતાં વાળને અટકાવી શકાય છે.
અનિંદ્રા, અપસ્માર, એપિલેપ્સી, ડિપ્રેશન કે જે લોકોને ખૂબ જ તનાવ રહેતો હોય તેમણે બ્રાહ્મીતેલથી શિરોધારા કરાવવી જોઇએ. આવાં રોગોમાં શિરોધારા ખૂબ જ અદ્ભૂત પરિણામો આપે છે. શિરોધારામાં સતત માથા પર ઔષધસિધ્ધ તેલ કે ધૃતની ધારા સતત પડતી હોવાથી માથામાં લોહીનું પરિભ્રમણ સુચારુ રૂપે થાય છે, અને મગજનાં કોષોને પણ ખૂબ પોષણ મળે છે, જેથી ચિંતા, તનાવ, ટેન્શન, ગુસ્સો વગેરે જેવા તનાવથી મગજ મુક્ત થાય છે. જે દર્દીઓ, અનિંદ્રાના રોગથી વર્ષોથી પિડાતા હોય અને નિંદ્રા માટે ઊંઘની ગોળીઓ જેણે દરરોજ લેવી પડતી હોય તેવા દર્દીઓ ઉપર પણ શિરોધારાનાં અદ્ભૂત પરિણામો જોયેલ છે. ઘણાં દર્દીઓ તો ચાલુ શિરોધારાએ ટેબલ ઉપર જ ઘસઘસાટ નિંદ્રામાં ગરકાવ થઇ જાય છે. શિરોધારામાં લગભગ નવથી દસ આંગળની ઊંચાઈથી શિરોધારા પાત્રમાંથી ધૃત રોગીના મસ્તિષ્ક પર એકધારી પ્રક્રિયાથી પાડવામાં આવે છે અને આ દ્યૃત (થી) કે તેલ ટેબલ નીચે રહેલાં પાત્રમાં એકત્ર કરવામાં આવે છે, જેને ફરી સુખોષ્ણ કરી વપરાશમાં તેનાં તે જ દર્દી માટે લઇ શકાય છે. શિરોધારા દરમિયાન નસ્ય ચિકિત્સા, ઠંડા પદાર્થોનું સેવન તેમજ માથાબોળ સ્નાન કરવાનો આયુર્વેદમાં નિષેધ બતાવેલો છે.
ઉન્માદ, એપિલેપ્સી, અપસ્માર, બ્લ્ડપ્રેશર તેમજ વાળના તમામ વિકારોમાં આયુર્વેદની આ સારવાર પધ્ધતિ ખૂબ જ અદ્ભૂત અને ચમત્કારીક પરિણામ આપે છે.
- જ્હાનવીબેન ભટ્ટ