રોજિંદી રસોઈમાં પણ વાપરો સ્વાસ્થ્યવર્ધક રાઈનું તેલ
- માત્ર અથાણાંમાં નહીં
ગુજરાતી ગૃહિણીઓને અથાણાં બનાવવાના હોય ત્યારે રાઈનું તેલ સાંભરી આવે. ગુજરાતીઓ રોજિંદી રસોઈમાં મોટાભાગે મગફળીના તેલનો ઉપયોગ કરે છે. પરંતુ અથાણા બનાવવામાં રાઈના તેલને પ્રાથમિકતા આપવામાં આવે છે. જ્યારે ઉત્તર ભારતના લોકો રોજેરોજનું ભોજન રાંધવામાં પણ રાઈનું તેલ વાપરે છે. વાસ્તવમાં રાઈના તેલમાં મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ, સેચ્યુરેટેડ ફેટી એસિડ, પોલીસેચ્યુરેટડ ફેટી એસિડનું સરસ સંયોજન હોય છે જે આ તેલને સ્વાસ્થ્ય માટે ગુણકારી બનાવે છે. આપણા આયુર્વેદમાં રાઈના તેલના પુષ્કળ ગુણગાન કરવામાં આવ્યાં છે. આજે આપણે આ તેલના લાભો વિશે જાણીશું. તજજ્ઞાો તેના વિશે જાણકારી આપતાં કહે છે..,
હૃદયરોગનું જોખમ ઘટાડે : વિશ્વભરમાં થતાં મૃત્યુના કારણોમાં હૃદયરોગ મોખરાનું સ્થાન ભોગવે છે. અને હૃદયરોગ થવામાં રોજિંદા આહારમાં ઉપયોગમાં લેવાતા તેલની ભૂમિકા સૌથી મોટી છે. એક અભ્યાસ અનુસાર રાઈના તેલમાં રહેલું મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ શરીરમાં કોલેસ્ટરોલ ઘટાડવામાં સહાયક બને છે જેને પગલે હૃદયરોગનું જોખમ ઘટે છે.
સ્વાદ-સુગંધનો રાજા : રાઈના તેલમાં રહેલું અલાયલ આઇસોથિયાસાઇનેટ નામનું તત્વ રસોઈને અનોખો તીખો સ્વાદ અને તીવ્ર સોડમ બક્ષે છે. આ કારણે જ રાઈના તેલને સ્વાદ-સુગંધનો રાજા ગણવામાં આવે છે. એટલું જ નહીં, અલાયલ આઇસોથિયાઇનેટ મૂત્રાશયના કેન્સરનું જોખમ પણ ઓછું કરે છે.
કેન્સર ખાળવામાં ઉપયોગી : એક અભ્યાસ અનુસાર રાઈના તેલમાં રહેલું ઓમેગા-૩ પોલીસેચ્યુરેટેડ ફેટી એસિડ મોટા આંતરડાના કેન્સરને ખાળવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ અભ્યાસમાં એમ પણ જણાઈ આવ્યું હતું કે આ તત્વ ટયુમરનો પણ પચાસ ટકા સુધી નાશ કરી શકે છે.
પાચન સુધારે : રાઈના તેલમાં રહેલા સૂક્ષ્મજીવનિવારક તત્વો દાંતમાં ઘર કરીને બેઠેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. તેથી ખોરાક ચવાઈને પેટ સુધી પહોંચે તેનાથી પહેલા જ કોળિયામાં રહેલા હાનિકારક કિટાણુઓનો ખાત્મો બોલાઈ ગયો હોય છે. જે છેવટે પાચન સુધારવામાં તેમ જ પાચક રસો પેદા કરતાં લિવર અને બરોળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વજન અંકુશમાં રાખે : એક અભ્યાસમાં જણાઈ આવ્યું હતું કે ડાયસાયગ્લીસરોલ પ્રચૂર રાઈનું તેલ વજન ઘટાડવામાં સહાયક બને છે. સાથે સાથે આ તત્વ શરીર માટે લાભકારક એચડીએલ કોલેસ્ટરોલના સ્તરમાં વૃધ્ધિ કરતું હોવાથી શરીરમાં કુલ કોલેસ્ટરોલનું સ્તર આપોઆપ ઘટે છે. દાહ-બળતરા ઘટાડે : શરીરમાં દાહ પેદા કરતા રોગો ખાળવામાં રાઈનું તેલ અસરકાર બની રહે છે. રોજિંદા ભોજનમાં રાઈના તેલનો ઉપયોગ શરીરમાં રહેલા સંદેશવાહક ચેતાતંતુઓને સક્રિય રાખવામાં મદદ કરે છે. તદુપરાંત આ તેલમાં રહેલું અલાયલ આઇસોથિયાસાઇનેટ શરીરમાં દાહ-બળતરા ઘટાડવામાં પણ સહાયક બને છે.
- વૈશાલી ઠક્કર