Get The App

આજની ગૃહિણી: મોર્ડન હાઉસ વાઈફ

Updated: May 31st, 2021

GS TEAM


Google News
Google News
આજની ગૃહિણી: મોર્ડન હાઉસ વાઈફ 1 - image


- સુંદર, સુઘડ,સ્માર્ટ અને ઘરનો વહીવટ કુશળતાથી કરતી નારી

મુંબઈના વરલી વિસ્તારમાં સોનલ પટેલનો ફર્સ્ટ ફ્લોર પર આવેલો ફ્લેટ એટલે કે તેનું ઘર. ડોરબેલ વગાડતાં રેડ કલરનો ડ્રેસ પહેરેલી એક સુંદર યુવતી દરવાજો ખોલે છે. અંદર પ્રવેશતાં એવું લાગે છે જાણે  ડ્રોઈંગહોલનો દરેક  ખૂણો તથા ચીજવસ્તુ ગૃહિણીની સુઘડતા પર પ્રકાશ પાડે છે. ડ્રોઈંગરૂમમાં તે એકલી નહોતી તેની સાથે બીજી કેટલીક મહિલાઓ પણ હતી તેમાંની કેટલીક સફળ કેરિયર વુમન છે તો કેટલીક ઘર ગૃહસ્થીને એક પ્રકારની 'ફુલ ટાઈમ' જોબ તરીકે જુએ છે, પરંતુ તે બધી સ્ત્રીઓ ખુદને 'ગૃહિણી' કહેતા શરમ સંકોચ નથી અનુભવતી.

મેં તેમને એક સવાલ પૂછ્યો કે આજના સંદર્ભમાં સુપર ગૃહિણી કોને કહેવાય?  આ પ્રશ્નનો બધાએ એક જ જવાબ આપ્યો હતો કે કોઈપણ સ્ત્રી કેરિયર વુમન હોય કે હાઉસવાઈફ, પરંતુ એક સ્તર પર આવીને સ્ત્રી મૂળભૂત રીતે ગૃહિણી બનીને રહી જાય છે. કેરિયરની, તેની જરૂરિયાતોની, આકાંક્ષાઓની, રસરુચિની પૂર્તિ અમુક હદ સુધી કરી શકે છે, એક પ્રસાર બની શકે છે પરંતુ તેની જીવનરૂપી સિરિયલમાં તેનો મુખ્ય રોલ ગૃહિણીનો જ હોય છે.

આજની સુપર ગૃહિણી એક ઓફિસરની જેમ ઘર ચલાવે છે. તે ઘર અને કેરિયર બંનેને એવી કુશળતાથી ચલાવે છે કે જોતાં જ રહી જઈએ. સુપર ગૃહિણી બાળકોની સાથે 'કહોના પ્યાર હૈ' જુએ છે અને પતિને નેટ પર સર્ફિંગ કરતાં છોડીને સાસુ-સસરાની સાથે 'સરફરોશ' જોઈ આવે છે.

  રીમા શાહ કહે છે, ''પહેલાં સ્ત્રીઓને પૂછવામાં આવતું હતું કે તું આખો દિવસ શું કરે છે? તે  કર્યું શું છે? પરંતુ આજની  સુપર ગૃહિણી પોતાના તથા પરિવાર માટે સૌથી વધારે જાગૃત થઈ ગઈ છે તે ઘરમાં બેસીને પોતાની શાન અને શોહરત માટે મહેનત કરતી હોય છે. તે ઘરમાં રહીને પણ પોતાનું અસ્તિત્વ, ઓળખ શોધતી રહે છે અને તેને જાળવી રાખવાના પ્રયત્નો કરે છે. હવે તે પહેલાં તો પોતાની નજરમાં ઉપર આવવા માગે છે પછી કંઈક આગળ વિચારે છે.''

એક સફળ ગૃહિણી  કહે છે કે તેને તેની કેરિયરની સાથે સાથે પરિવાર અને બાળકોનું પણ પ્લાનિંગ કરવાનું હોય છે.

 હંસાબેન તેમની પુત્રવધુ સાથે ઘણા લાંબા સમયથી હોબી ક્લાસિસ ચલાવી રહ્યાં છે. તેમનું કહેવું છે, '' આજની સુપર ગૃહિણીનું માઈન્ડ 'ઓવરટાઈમ' કામ  કરે છે. તે જેટલું મહત્ત્વ તેની કેરિયરને આપે છે તેટલું જ ગૃહસ્થીને પણ આપતી હોય છે. બંને જગ્યાએ કામ પ્રત્યેની નિષ્ઠા જરૂરી છે. તે આ જવાબદારીઓ માથે પડેલી છે  તવુંં નથી માનતી. તે તેને પોતાના પરિવાર કે ગૃહસ્થીનો એક ભાગ સમજીને પૂરી કરે છે, નિભાવે છે અને એટલા માટે તે સુપર ગૃહિણી કહેવાય છે.''

જીતનારનાં સપનાંઓ વિશાળ હોય છે અને આ સપનાંને સાકાર કરવા માટે સુપર ગૃહિણી ખુદ તેની ડેડલાઈન બનાવે છે. બાળકની ડિબેટ ટ્રોફીની વાત હોય કે પતિની વાર્ષિક સેલ્સ મીટિંગમાં સફળતાની વાત હોય તે બધાની સફળતા પાછળ તેનું પ્રોત્સાહન રહેલું હોય છે. તે તેની ગૃહસ્થીમાં 'જસ્ટ ડૂ ઈટ'ની નીતિ અપનાવીને ચાલે છે.

સ્ત્રીની કેરિયર, તેની સ્વતંત્રતા અને સફળતા હમેશાં ચર્ચાનો વિષય બન્યા છે. સ્ત્રી એવું માનવા માટે ક્યારેય તૈયાર નથી હોતી કે તેણે સફળ કેરિયર બનાવી છે તો તેણે ગૃહિણીના પદનો ત્યાગ કર્યા છે.

એક ફેશન ડિઝાઈનરનું કહેવું છે, ''કેરિયરની પસંદગી સ્વતંત્રતા મેળવવા માટે નથી કરવામાં આવતી. કેરિયરની પસંદગી તેની સફળતા તથા તેની સાથે જોડાયેલી પ્રગતિ માટે  કરવામાં આવે છે, જેની સીધી અસર સ્ત્રીની ગૃહસ્થી પર પડતી હોય છે. આજની સુપર ગૃહિણી એ છે, જે ખુલ્લા મને વિચારે અને પોતાની ક્ષમતાને ઓળખે.''

સુપર ગૃહિણી એને કહેવાય, જે એ જાણે છે કે તેને ઘર માટે શું જોઈએ છે? સુપર ગૃહિણી સમયની કિંમત જાણે છે. તે ખુશખુશાલ પરિવારનું રહસ્યક જાણે છે. તે બાળકને ભૂખ ન લાગે તો પંચારિષ્ટ ખવડાવે છે અને વધારે ખાય તો ના પણ પાડે છે. તે વધેલા શાકનો યોગ્ય ઉપયોગ કરવાનું પણ જાણે છે તથા જરૂર પડે ત્યારે શાકની છાલમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવીને પણ પીરસી શકે છે.

કેરિયર દ્વારા  સ્ત્રીને જો આર્થિક સ્વતંત્રતા મળતી હોય તો પણ તે પોતાના તથા કુટુંબ વિશે જ વિચારતી હોય છે. અને તે ઘરમાં રહીને પણ બાહ્ય જગતને જોઈને પોતાની સમજણનો વિસ્તાર, કરતી હોય છે.

ઉપભોગની વસ્તુ નથી

કોમ્પ્યુટર યુગની સુપર ગૃહિણી કોઈની અંદર એવો વિચાર વિકસવા નથી દેતી કે તેને એક ઉપભોગની વસ્તુની જેમ રાખી શકાય છે તે આવો હક ન તો તેના પતિને આપે છે કે ન તો બાળકોને આપવા ઈચ્છે છે. તેને પોતાની એક અલગ જિંદગીની ચાહના હોય છે. પછી ભલે ને તેના ભાગની મુશ્કેલીઓનો પણ સમાવેશ થતો હોય. તે સંપૂર્ણ જવાબદારી રાજીખુશીથી નિભાવ્યા પછી પોતાના માટે મુક્ત ચંચળ હવાની લહેરખી પણ શોધી લેતી હોય છે.

સુઘડ ગૃહિણી એને કહેવાય, જે પરેશાની સામે ઝઝૂમતા પતિને સંભાળી લે. તે જેટલી તેના સુખદુ:ખની ભાગીદાર હોય છે તેટલી જ તેની પ્રેમિકા પણ બની રહેતી હોય છે. સુઘડ ગૃહિણી કુટુંબીજનોેની સમસ્યાઓનું સમાધાન કરવામાં  સક્ષમ હોય છે. તે દરેક કામમાં ભાવનાઓ શોધતી રહે છે.

 આ સુઘડ ગૃહિણીએ પોતાનો ભાવનાત્મક દ્દષ્ટિકોણ અમુક હદ સુધી ઘણોબધો બદલી નાખ્યો છે. હવે તે મનમાં નેે મનમાં દુ:ખી થઈને બેસી રહેતી નથી, પરંતુ પુરુષોની જેમ સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન કરે છે. આવી ગૃહિણી પતિ તથા બાળકોમાં રચેલીપચેલી દેખાય છે.

સુપર ગૃહિણી પોતાના ખભા પર ગૃહસ્થીનો ભાર હોવા છતાં પણ પ્રેમાળ બની રહે છે. તે થાકતી પણ નથી અને ફરિયાદ પણ નથી કરતી. તેને તેના પતિની ખામીઓને સ્વીકારવામાં કોઈ તકલીફ પડતી નથી. પરંતુ તે ઈચ્છે છે કે તેનો પતિ હમેશાં તેને તેના દિલમાં રાખે.

સુપર હાઉસવાઈફ એવું ઈચ્છે છે કે તે જેટલી આકર્ષક લાગે છે તેટલો જ આકર્ષક તેનો બેડરૂમ અને કિચન પણ લાગે. સુઘડતા અને આત્મવિશ્વાસની સાથે સાથે પોતાની જાતને ઓળખવાની શક્તિ તેને સુપર બનાવી રાખે છે. તે ખુદ ઓછું બોલે છે અને  એવું ઈચ્છે છે કે બીજા લોકો તેની પ્રશંસા કરે.

બોડી ઈમેજ પ્રત્યે સજાગ

હાઈ કેલરી ફૂડ ખાતી હોવા છતાં પણ આ સુપર ગૃહિણી પોતાનું પળ વાર માટે પણ પત્નીપદ ભૂલતી નથી એટલા માટે પોતાની કમરની દરેક 'ઈંચ'ની વધઘટ તેના ધ્યાનમાં રહે છે. દરેક ગૃહિણી પોતાની બોડી ઈમેજ પ્રત્યે સજાગ થઈ ગઈ છે.  આજ કારણે ગૃહિણીઓ શારીરિક સૌંદર્ય મેળવવા માટે, જાળવી રાખવા માટે મહેનત કરે છે. તેથી તેને એવો ડર લાગતો નથી કે બાપ રે, મારાથી આવું નહીં ખવાય!

સુઘડ ગૃહિણીના ચહેરા પર સંતોષનો ભાવ જોવા મળે છે તેની ખૂબસૂરતી તેનાં વસ્ત્રો અને ફિગર કરતાં તેની આંખોમાં વધારે રહેલી હોય છે. કેમ કે ત્યાંથી જ એક રસ્તો તેના દિલ અને ઘર તરફ જાય છે. જ્યાં તેના જીવનનો પ્રેમ વસે છે.

આજની સુઘડ ગૃહિણી ચુસ્ત અને રોમાંચિત રહેવા ઈચ્છે છે. તે સમસ્યાથી ઘેરાયેલી રહેવા નથી ઈચ્છતી. આંસુને  હથિયાર બનાવવાનું હવે તેને ગમતું નથી.

આજે સુપર ભારતીય નારી સંપૂર્ણ દુનિયાને જીતી લેવા ઈચ્છે છે. તે એવું ઈચ્છે છે કે સફળતા તેના હાથવગી જ હોય. એક હાથથી તે ઘરની સફાઈ  કરતી હોય છે તો બીજા હાથથી રેસિપી બનાવતી હોય છે. એક તરફ પર્સનલ કોમ્પ્યુટર પર પ્રિન્ટ કમાન્ડ આપે છે તો બીજી તરફ બાળકોનું ડિક્ટેશન ચેક કરે છે. એક બાજુ તે બજારમાંથી લાવવાના માલસામાનની યાદી બનાવતી હોય છે તો બીજી  બાજુ તે મનમાં પ્લાનિંગ કરતી હોય છે કે આવતીકાલે તેણે કયા કામ પતાવવાનાં છે. વળી ત્રીજી બાજુ, તે એવું પણ વિચારતી હોય છે કે પતિની સાથે સાંજવાળી પાર્ટીમાં સૌથી અલગ કેવી રીતે તરી આવવું.

પોતાની સમજદારી અને અનુભવના નિચોડને લીધે આજની સુપર ગૃહિણીને હવે પ્રેમ અને પૈસાના દાવપેચ પણ સમજાઈ ગયા છે એટલા માટે ઘરના એક ખૂણામાં બનાવેલા કિચન સાથે પોતાની જિંદગી જોડી રાખવાની ન તો તેની લાચારી છે કે ન તો જરૂરિયાત.

જ્યારે ઓફિસના ટેબલ પર કોઈ પથારો પાથરેલો નથી હોતો તો ઘરમાં પણ કોઈ ખૂણે પથારો પાથરેલો ન હોવો જોઈએ. એકવીસમી સદીની સુપર સુઘડ ગૃહિણી સાંકડી શેરીમાંથી નીકળીને હાઈ-વેના ખુલ્લા રસ્તા પર ફાસ્ટ લાઈફ જીવવા લાગી છે. તે બિલ ક્લિન્ટનની સેક્સ લાઈફ પર હસી શકે છે. અને ટી.વી. પર પ્રસારિત થતાં રાજકીય તથા સામાજિક પ્રસંગોને પણ કોઈ સાયન્સ ફિક્શનની જેમ જુએ છે. તે બાળકોને વિટામિન મળે તેનું ધ્યાન રાખે છે અને જરૂર પડે ત્યારે સાસુ જુએ નહીં તેમ ઈન્સ્ટન્ટ મસાલાનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ફૂડ બનાવી વાહવાહ મેળવી લે છે.

ફેશન ડિઝાઈનર સંજના કપૂર કહે છે, ''આપણા હોર્મોન્સ જ આપણને ઘણી હદ સુધી સ્ત્રીત્વનો અનુભવ કરાવતા રહે છે, પરંતુ ગૃહિણી તો આપણે જાતે જ બનવું પડે છે. સુપર ગૃહિણી એ છે, જે પોતાના કુટુંબજીવનને પ્રેમ કરે તથા પોતાના પ્રેમની વહેંચણી કરે.''

જાહેરખબર એજન્સીઓ પણ આ સુપર ગૃહિણીની ઈમેજને બગાડતી રહે છે, જે ક્યારેક થાળીમાં જોઈને ચાંદલો ઠીક કરે છે કે જ્યારે જુઓ ત્યારે કપડાં ધોતી જોવા મળે છે, પરંતુ સુપર ગૃહિણી આના કરતાં ઘણી ચઢિયાતી છે તે સુંદર જ નહીં પરંતુ સુઘડ પણ છે. તે કુટુંબની માત્ર સદસ્ય જ નથી. પરંતુ તે એક સફળ તથા ઉત્તમ કુટુંબજીવનની આધારશિલા પણ છે.

Tags :