વિવિધ ગ્રેવી બનાવવાની ટિપ્સ
રસોઇમાં આધુનિક વાનગીઓમાં વિવિધ ગ્રેવીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અહીં આ ગ્રેવી બનાવાની રીત જણાવામાં આવી છે. આ ગ્રેવીને પહેલાથી બનાવીને ફ્રિજમાં રાખી શકાય છે, જેથી ઓચિંતાની જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઇ શકાય છે.
વ્હાઇટ ગ્રેવી
બાફેલા કાંદા, લસણ, આદુ, લીલા મરચા અને કાજુને ભેળવીને વાટી લઇને પેસ્ટ બનાવવી. તેમાં થોડું દહીં ભેળવી ફરી વાટવું, તેલમાં આ પેસ્ટને સાંતળવું, ગ્રેવી તેલ છોડવા લાગે ત્યારે તેમાં સફેદ મરચાનો પાવડર અને ક્રીમ ભેળવી બે મિનીટ વધુ સાંતળી ગેસ પરથી ઉતારી લેવું.
પિંક ગ્રેવી
બાફેલા કાંદા, બીટ, લસણ, આદુ, મરચાં, કાજુ ભેળવી વાટી પેસ્ટ બનાવવી, આ પેસ્ટનો રંગ બીટના કારણે હળવો ગુલાબી રંગનો થશે. તેલમાં આ ગ્રેવીને સાંતળવી અનેતેમાં સફેદ મરચાનો પાવડર અથવા તો કાશ્મીરી મરચાંની ભુક્કી અને ક્રીમ નાખી તેલ છોડે એટલે ચુલા પરથી ઉતારી લેવું.
રેડ ગ્રેવી
કાંદા, આદુ, લસણ, ટમાટા, બીટ,હળદર, ધાણા, લાલ મરચાની ભૂક્કીનો ઉપયોગ આ ગ્રેવીમાં કરવામાં આવે છે.
ટામેટા અને બીટને બાફી લઇ તેની પ્યુરી બનાવવી. કાંદા, લસણ, મરચા, વાટી તેની પેસ્ટ બનાવવી. તેલને ગરમ કરી તેમાં કાંદાની પેસ્ટને સાંતળવી તેમાં હળદર, ધાણાજીરૂ, લાલ મરચાંની ભુક્કી ઉમેરવી તેમજ ટામેટાની પ્યુરી નાખવી. પ્યુરી તેલ છોડવા લાગે એટલે ચુલા પરથી ઉતારી લેવી.
ગ્રીન ગ્રેવી
ટામેટા, કાંદા, લસણ અને આદુ અને બાફેલી પાલકની પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ગરમ તેલમાં સાંતળવી તેમાં અને થોડું ક્રીમ નાખવું.
બ્રાઉન ગ્રેવી
એક લોયામાં થોડી ખસખસ, સુકા કોપરાની પાતળી ચીરી, લવિંગ,એલચી, તજ મરી, સુકા લાલ મરચાં, તમાલપત્ર ધીમા તો સેકવા. ઠંડા પડે પછી વાટી લેવા. લોયામાં થોડું તેલ લઇ લાંબ ાકાપેલા કાંદા, લસણ,હળદર અને લાલ મરચાની ભુક્કી, ખસખસનો વાટેલો મસાલો ભેળવી સાંતળી ઠંડુ પડે એટલે વાટી લેવું.
- મીનાક્ષી તિવારી