સજના હૈ મુઝે, સજના કે લિયે... .

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
સજના હૈ મુઝે, સજના કે લિયે...                                  . 1 - image


- પતિને પોતાના તરફ આકર્ષવા પત્ની સદાય પ્રયત્નશીલ રહે તેમાં કશું ખોટું નથી

અમુક સ્ત્રીઓ પોતાના અંગત, દાંપત્યજીવન વિશે કદી જાહેરમાં કોઇ સાથે ચર્ચા કરતી નથી. તો કોઇ વળી સામે ચાલીને કહે છે કે, ''હું જાતીય આકર્ષણ અંગે બહુ વિચારતી નથી.'' પણ સાચી વાત એ છે કે દરેક સામાન્ય સ્ત્રી કે પુરૂષ સેક્સ વિશે દિવસમાં એકવાર તો જરૂર વિચારે છે. એક ગૃહિણી શોભનાબહેન કહે છે કે, ''હું તો મારા હસબન્ડ સાથેના સંબંધથી સંપૂર્ણ સંતુષ્ટ છું. પરંતુ એ ઇચ્છે છે કે મારામાં વધુ કામેચ્છા પ્રગટે. હું તેમની સાથે અંગત પળો માણતી હોઉં ત્યારે વધુ મુક્ત રીતે, બિનધાસ્ત બનીને વર્તું.''

ભૂખની માફક જાતિયતા પણ ભૌતિક જરૂરિયાત છે. સૌ જાણે છે કે જાતિય સંબંધ વગર આ સંસારનો વિકાસ જ ન થાય.

આમ તો એવી ઘણી મહિલાઓ છે, જેમને જાતીય આકર્ષણ નથી હોતું, પરંતુ તેઓ શૈયાસહવાસ દરમિયાન સંપૂર્ણ સંતુષ્ટ હોય છે. હા, એક એવી અનુભૂતિ થયા કરે છે કે, તેઓ આકર્ષવા અસમર્થ છે, એટલે કે અન્ય સ્ત્રીઓ જેવું જાતીય આકર્ષણ તેમનામાં નથી.

જાતીય આકર્ષણની દ્રષ્ટિએ મહિલાઓના ત્રણ વિભાગ પાડી શકાયઃ

પ્રથમઃ એવી મહિલાઓ જેઓમાં જાતીય આકર્ષણ હોતું નથી અને જે આકર્ષક બનવા પ્રયત્ન પણ કરતી નથી, પરંતુ આ ઉણપનો તેમના પર કોઇ જ પ્રભાવ હોતો નથી અને તેઓ સંતોષ માનતી હોય છે. પછી ભલે તેમના જીવનસાથી હેરાન થાય કે તેની અસર તેમના દાંપત્ય જીવન પર પડે.

બીજોઃ જાતીય આકર્ષણ ન હોય છતાં પણ આકર્ષક બનવાનો પ્રયત્ન કરતી હતાશ મહિલાઓ. તેઓ પ્રયત્નશીલ રહે છે. તે આકર્ષક કપડાં પહેરે છે. વળી હાવભાવ અને દેખાવમાં ફેરફાર કરે છતાંયે ધારી અસર ન પડે. એનું કારણ એમનો પ્રયાસ ખોટી દિશામાં હોય છે.

ત્રીજોઃ જાતીય રીતે આકર્ષક મહિલાઓ, જે પુરૂષો ઉપરાંત મહિલાઓ માટે પણ આકર્ષણ બની જાય છે.

પ્રશ્ન એ થાય કે ત્રીજા પ્રકારની મહિલાઓમાં એવું તે શું છે જે બાકીના બે પ્રકારની મહિલાઓમાં નથી? આ પ્રકારની સ્ત્રીઓના જીવનની ઘણી બધી સમસ્યાઓ આપોઆપ ઉકેલાઇ જાય છે. તેમને બધે જ અનુકૂળતા રહે છે, બસમાં આપોઆપ બેસવાની જગ્યા મળી જાય છે, ઓફિસમાં બિલ જલદી ભરાઇ જાય છે, બેન્કમાં કામથી ઝડપથી છુટકારો મળે છે અને આ બધાનું કારણ છે, તેમનો આકર્ષક દેખાવ.

પુરૂષોને રીઝવવા માટે શું તમને આકર્ષક બનવું ન ગમે? જો 'હા' તો કેવી રીતે?

એવી ઘણી મહિલાઓ મળશે, જેમને તેમના પતિ આકર્ષક માનતા નથી. જાતીય આકર્ષણનો આધાર શારીરિક સુંદરતાની સાથે સાથે વિચારો અને ભાવનાઓ પર પણ છે.

આપણે ત્યાં સમાજે પતિ સાથેના શારીરિક સંબંધને જ માન્યતા આપી છે. એટલે પતિ માટે જાતીય આકર્ષણ હોવું જરૂરી બને છે. તેમાં મુખ્યત્વે બે બાબત હોય છે, શારીરિક અને ભાવનાત્મક.

એવું નથી કે જેને જાતીય આકર્ષણ કહીએ તે સુંદર હોય જ. જો સંપૂર્ણ શરીરનું અવલોકન કરીએ તો ખબર પડશે કે એ આકર્ષક સ્ત્રીનું નાક નાનું હોઇ શકે. નિતંબ ભારે હોય, ત્વચા તૈલી કે અવાજ જાડો હોય, સામાન્ય રીતે લોકો અલગ અલગ અંગો તરફ જોતા નથી, પરંતુ સંપૂર્ણ સ્વરૂપે જ સ્ત્રીને જુએ છે અને એમાં જ સ્ત્રી આકર્ષક દેખાય છે.

માનસિક કે ભાવનાત્મક સ્વરૂપમાં તમે હાવભાવ કે વ્યવહાર દ્વારા પુરુષને તમારા આકર્ષણની અનુભૂતિ કરાવો છો.

જાતીય આકર્ષણ હોવા માટે પહેલાં તમે પોતે જ અનુભવો કે તમે આકર્ષક છો અને ત્યારે જ તમે તેવાં બની શકો. પછી તો તમે જેવાં ઓફિસમાં પ્રવેશો કે ઉત્તેજનાની લહેર ચારે બાજુ ફેલાઇ જાય, રૂમમાં થતી વાતોમાં જીવંતતા દેખાય, વાતાવરણ ખુશનુમા બની જાય. સ્ત્રી આકર્ષણની આ મહત્તા સમજીને જ મોટી કંપનીઓ તેમના રિસેપ્શન કાઉન્ટર પર આકર્ષક, દેખાવડી યુવતીને બેસાડે છે.

આમ બનવાનું કારણ એ છે કે શરીરનાં તમામ અંગ રૂપાળા હોય, તેવી યુવતી દેખાવે આકર્ષક હોવાથી બધાંનો સંપર્ક સહેલાઇથી સ્થાપી શકે છે. તેમાં પણ જો ચાલ, પહેરવેશ, વિચાર અને અભિવ્યક્તિ અલગ પ્રકારનાં હોય જે સામાન્ય રીતે બધામાં જોવા મળતાં ન હોય. તો તે યુવતીની હરકોઇ વાહ વાહ કરે છે.

વિવાહિત જીવન સંપૂર્ણપણે સફળ થાય તે માટે પતિની જાતીય ઇચ્છાઓને સંતુષ્ટ કરવી જરૂરી છે. કામની આડાશમાં તેને ટાળ્યા ન કરો.

કોઇ પણ સ્ત્રીમાં જાતીય આકર્ષણ હોવું એ તેના પતિ માટે ગૌરવની વાત હોય છે. જે ગૌરવ ઊંચી જગ્યા અને અમીરીથી અનુભવાય છે, તેવો જ અનુભવ જાતીય આકર્ષણ ધરાવતી સ્ત્રીને પત્ની રૂપે મેળવનારને થાય છે.

જાતીય આકર્ષણ એટલે માત્ર સુંદરતા જ નહીં. ગોરૂ, કમળ જેવી આંખોવાળી સ્ત્રી પણ ક્યારેક એટલી આકર્ષક નથી હોતી. જેટલી નટખટ આંખો અને રંગ પ્રમાણે પહેરવેશ ધરાવનારી શ્યામવર્ણી સ્ત્રી હોય છે. એટલે કે શારીરિક આકૃતિ જ આકર્ષણ માટે પૂરતી નથી, પરંતુ હાવભાવ અને પોતાના વ્યક્તિત્ત્વને રજૂ કરવાની લઢણ પણ મહત્ત્વપૂર્ણ છે.

કેટલીક અન્ય બાબતો પર પણ ધ્યાન આપવું પડે છે. પહેરવેશમાં પણ, સૂતી વખતે નાઇટડ્રેસ તરીકે તો અલગ કપડાં હોય છે જ, પરંતુ દિવસે પહેરવાનાં કપડાં પણ એવાં હોવાં જોઇએ કે, પતિ આકર્ષણ અનુભવે.

એક સમય હતો, જ્યારે એકદમ સ્થૂળ શરીર સંપન્નતાનું પ્રતીક ગણાતું હતું, આજે માન્યતા બદલાઇ છે. સ્ત્રીઓ પોતાના વજન પ્રત્યે ખૂબ જ સજાગ છે. આકર્ષણ માટે સંતુલિત વજન ખૂબ જ જરૂરી છે. પાતળી દેહલતાને વધુ આકર્ષક ગણવામાં આવે છે.

આકર્ષક પહેરવેશ અને સુંદર સંતુલિત શરીર હોય છતાં પણ ઘણી સ્ત્રીઓ આકર્ષણ ઊભું કરી શકતી નથી. સફાઇ અને સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે.

જાતીય આકર્ષણ માત્ર રાત્રે જ જરૂરી છે એવું નથી. તે માટે સંપૂર્ણ કામક્રીડાની પણ જરૂર નથી. ક્યારેક સ્પર્શમાત્રથી જ પતિ તમારું આકર્ષણ અનુભવે શકે છે. વળી, તે માટે આખો દિવસ તમારી પાસે વિચારોમાં પરિવર્તન જરૂરી છે. 'જાતીય આકર્ષણ ઊભું કરવું અયોગ્ય છે.' એવું માનવાનું બંધ કરો અને જાતે પહેલ કરો.

એ વાત સાચી છે કે કોઇ પણ પુરુષને જાતીય રીતે આકર્ષક સ્ત્રી જ પસંદ હોય છે અને લગભગ દરેક પુરૂષની આ અંગેની અલગ અલગ પસંદગી અને કસોટી હોય છે. દરેક સ્ત્રી જન્મથી આકર્ષક હોતી નથી. પતિની ઇચ્છા પ્રમાણે પોતાને આકર્ષક રૂપ આપી શકાય છે.

પતિમાં તમારા માટે વધુ આકર્ષણ ઊભું કરવું જોઇએ, જેથી તે અહીંતહીં ભટક્યા ન કરે અને સંપૂર્ણપણે તમારાથી સંતુષ્ટ થાય.

આકર્ષક દેખાવા તમે જે અંગોની ઉપેક્ષા કરી હોય, તેમના તરફ પણ ખાસ ધ્યાન આપો. તેમની તરફ ધ્યાન ન આપવાથી અન્ય લોકો ભલે તમને આકર્ષક સમજે, પરંતુ પતિની નજરમાં તમારું આકર્ષણ ન રહે.

શયનખંડમાં જતાં પહેલાં સ્નાન કરી, એકદમ સ્વચ્છ કપડાં પહેરી, છુટ્ટા વાળ રાખીને પતિ સન્મુખ જાવ. તમે એટલા માદક લાગશો કે પતિ સંપૂર્ણપણે તમારા આકર્ષણમાં ખોવાઇ જશે.

એ સ્વાભાવિક છે કે લાંબા સમય સુધી પતિ-પત્ની એકબીજા સાથે એક જ પ્રકારે સતત સહવાસ માણ્યા કરે, તેથી ક્યારેક કંટાળી પણ જાય. તે સંજોગોમાં સ્ત્રી એવું વિચારે કે, 'હવે તો પતિ મારી સાથે જ શારીરિક સંબંધ રાખશે, બીજે ક્યાં જશે' તો તેના કારણે સંબંધોમાં જડતા આવે છે અને આકર્ષણહીન સ્થિતિ ઊભી થાય છે.

જાતીય સુખ એ તમારું કે એમનું વ્યક્તિગત પાસું છે. તે તમારા બંનેના સંતોષનો વિષય છે અને બંનેનો સંપૂર્ણ સંતોષ જ પરિવારમાં સ્વસ્થ વાતાવરણ ઊભું કરે છે.

નવા વાતાવરણમાં નવી જગ્યાએ નવી રીતે જાતીય સુખનું આદાન-પ્રદાન કરો. જરૂરી નથી કે તે માટે દૂરના શહેરમાં જઇને મોંઘી હોટલમાં રહી જાતીય આનંદ મેળવવામાં આવે. તમારા શયનખંડમાં સામાન કે સજાવટમાં ફેરફાર કરીને તેમાં નવીનતા લાવી શકાય છે. તમારી ઇચ્છાને સંકોચપૂર્વક દબાવશો નહીં. એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે ચિડિયા સ્વભાવની પત્ની ભલે ગમે તેટલી સુંદર અને સર્વગુણસંપન્ન હોય, પણ કદી આકર્ષક બની શકતી નથી.

જ્યોતિનું કહેવું છે, ''હું વધુ આકર્ષક બનવા ઇચ્છતી નથી, કારણ કે તેથી કોઇ પુરુષ મારો દુરુપયોગ કરે. પછી જો મારી શારીરિક ઇચ્છાઓ વધી જાય અને પતિ શાંત ન કરી શકે તો?''

જો કે જાતીય આકર્ષણ ઊભું કરવાનો અર્થ એ નથી કે તમે કોઇ અવળા રસ્તે ચડી જાવ. અને કોઇ નવો સાથી શોધી લો અથવા પોતાનાં મનપસંદ કોઇને મેળવી લો. તમારો માત્ર પતિના જાતીય સુખ માટે જ પ્રયાસ કરવાનો છે, જેથી તમારું દાંપત્યજીવન હંમેશા સુખ-શાંતિથી ચાલ્યા કરે.

કેટલીક મહિલાઓ એટલા માટે આકર્ષણ ઊભું કરતી નથી કે તેઓ પોતાની ઇચ્છાઓને દબાવી રાખે છે અને તેમને એક ગુપ્ત વાત તરીકે જ રાખે છે. આવી સ્ત્રીઓ વિચારે છે કે જો તેઓ આ વિષયમાં ખુલ્લા મને કહે, તો તેમની ગણતરી બેશરમ લોકોમાં થાય. કેટલાક લોકો તો પોતાને સતત પ્રવૃત્તિશીલ બતાવે છે. તેમનું કહેવું છે કે આવી ફાલતુ બાબતો માટે એમની પાસે સમય જ ક્યાં છે? કેટલીક સ્ત્રીઓ જાતીય રોગોથી એવી ડરે છે કે પોતાના પતિ સાથેના સહવાસ દરમિયાન પણ ભયભીત રહે છે. હવે આવી ભયભીત સ્ત્રી પતિને શું આકર્ષી શકે?

જાતીય વિજ્ઞાાનના નિષ્ણાતોનું માનવું છે કે આવી સ્ત્રીઓની મુખ્ય સમસ્યા હોય છે ઇચ્છાનો અભાવ. તે માટે પોતાની જાતને તૈયાર કરવામાં વધુ સમય આપવો જોઇએ અને આકર્ષણ માટે વિચારવું જોઇએ. જો કે આ કોઇ મશીન નથી કે બટન દબાવો અને મગજ વિચારવા માંડે, છતાં પણ જિંદગીને એવી રીતે ઢાળો કે વચ્ચે વચ્ચે એકબીજા પ્રત્યેનું આકર્ષણ જળવાઇ રહે તેવાં પાસાંને પણ વિચારી શકાય.

પતિને પોતાના તરફ આકર્ષણ ઉદ્ભવે તે માટે સ્ત્રીઓ પણ ઘણી રીતો અજમાવે છે. એક મહિલાનું કહેવું છે, ''વક્ષસ્થળ પર અત્તર કે સુગંધી પાઉડર છાંટવાથી મારા મનમાં કોમળ ભાવનાઓ જાગી ઊઠે છે.'' બીજી એક મહિલા કહે છે, ''ફૂલોની સુગંધ જ મારામાં તરવરાટ લાવે છે.'' કેટલીક સ્ત્રીઓ સ્વચ્છ- સુઘડ બિછાના પર જ જાતીય ઉત્તેજના સારી રીતે અનુભવે છે. કેટલીક સ્ત્રીઓ પહેરવેશ પ્રત્યે ઘણી જાગૃત હોય છે. એક વાત ચોક્કસ છે કે પતિ તમારી આ પ્રકારની મનોરમ્ય પ્રવૃત્તિઓથી હંમેશા પ્રસન્ન જ રહેશે.

આ તમામ બાબતોમાં એક અગત્યની વાત એ છે કે, તમારે તમારું જાતીય આકર્ષણ મર્યાદિત રાખવું જરૂરી છે. તમામ છૂટ તમારા પોતાના વાતાવરણમાં જ લઇ શકાય. સાર્વજનિક સ્થળો પર તો નહીં જ. જો જાહેરમાં આ પ્રકારના હાવભાવ દર્શાવો, તો તમને ચાલુ પ્રકારની સ્ત્રી સમજી લેશે. આવી ગેરસમજ કોઇનેય ક્યારેય ન થવા દેશો.

તમે કોઇ લોલીપોપ તો નથી જ, કે જેને ગમે તે મેળવી લે. તમારે તમારી અંદર એવા આકર્ષણને ઓપ આપવાનો છે, જેની ગરમીથી પતિ ખુશખુશાલ રહે અને વાતાવરણમાં પણ રોનક આવી જાય. હા, બીજા મનમાં વાસના એટલી બધી ન ભડકાવશો કે તમારા પોતાના જ પગ ડગુમગુ થઇ જાય.

જાતીય આકર્ષણ અને જાતીય વાસના બે અલગ બાબત છે. હંમેશા સહવાસ જરૂરી ન પણ હોય, છતાં તમારામાં જાતીય આકર્ષણનો અનુભવ હોય તો શરીરમાં જાગૃતિ આવે છે અને તેથી જિંદગીમાં હંમેશા લાભ જ થાય છે.

કોઇ પુરૂષ દ્વારા દુરૂપયોગનો ભોગ મોટાભાગે સ્ત્રીઓ વધુ પડતી ચોરી-છુપીથી કે છાનું-છપનું રાખીને સંકોચપૂર્વક વ્યવહાર કરે અથવા ખૂબ જ સ્વચ્છંદી અને છૂટછાટ ભોગવતી હોય, તેમને બનવું પડે છે. તેમાં બધાની સાથે સામાન્ય મળતાવડો વ્યવહાર જ યોગ્ય ગણાય, જેથી આવી કોઇ સમસ્યાનો સામનો કરવો પડે નહીં.

કેટલાક પુરઉષો સાથે આ અંગે વાત થઇ કે તેઓ પોતાની પત્નીમાં કેવા પ્રકારનું આકર્ષણ અનુભવે છે? કે કેવા વ્યવહારથી તેમને તે આકર્ષક લાગશે?

બધા જવાબો લગભગ એક સરખા જ હતા. તેમનું કહેવું હતું કે જે પત્ની શૈયાસાથી તરીકે મુક્ત રીતે વ્યવહાર કરે, જે પારદર્શક કપડાં પહેરે, જેનો દેહ સુડોળ હોય, જે બહુ જ કોમળતાથી વર્તે તે વધુ પસંદ પડે. વિવિધ પ્રકારના વિચારોને એક જ સ્વરૂપે પુરુષ પત્નીમાં જોવા ઇચ્છે છે અને તે છે ખુશમિજાજ સ્વભાવ. હંમેશા હસેહસાવે તેવી પત્ની, પતિ માટે વધુ આકર્ષણ ઊભું કરે છે.

કેટલાક મનોવિજ્ઞાાનીઓનું માનવું છે કે આકર્ષક બનવું મુશ્કેલ નથી. તમારા સારાં પાસાં તરફ દ્રષ્ટિ કરો, પરંતુ જે ખરાબ પાસાં છે, તે વિશે વધુ વિચાર કરીને લઘુતાગ્રંથિ ન બાંધો. હા, જો સુધારો થઇ શકે તેમ હોય તો જરૂર પ્રયત્ન કરો.

જાતીય આકર્ષણની ભાવના આપણા સૌમાં છે, પરંતુ તે ઉપરછલ્લી જરૂર છે, આંતરિક ભાવનાઓને બહાર લાવવાની જરૂર પડે તો આ અંગે ક્યારેય કોઇ મનોવિજ્ઞાાનીની સલાહ લેવી તેમાં કશું ખોટું નથી.

એક સિધ્ધાંત છે, પોતાના સદ્ગુણો અને દુર્ગુણોનો સ્વીકાર કરતાં શીખવું જોઇએ. આત્મનિરિક્ષણ અને સ્વદર્શન માટેનું આ પગલું તમે પોતે લઇ શકો કે પછી કોઇ મનોવિજ્ઞાાનીની મદદ પણ લઇ શકાય. આ એકવાર અજમાવી જોવા જેવી બાબત છે.

કહેવાનું તાત્પર્ય એ જ છે કે, એકવાર તમારા પતિ માટે જાતીય આકર્ષણ ઊભું કરી જુઓ, સફળતા ન મળે એવું તો ન જ બને. તમારા ગુણોને વિકસાવીને કે તેમની ઉપર ખાસ ધ્યાન આપીને જાતીય આકર્ષણની અનુભૂતિ થવા દો એટલે પતિ પણ તમારું આકર્ષણ અનુભવશે. મનોવિજ્ઞાાનીઓનું કહેવું છે કે, 'આપણું વ્યક્તિત્ત્વ આપણે જ ઉપસાવી શકીએ. આપણે જેવા થવાનું વિચારીએ, તેવા જ થઇએ છીએ.'

- અમિતા


Google NewsGoogle News