Get The App

નવરાત્રિમાં પરંપરાગત ઘેરદાર પોશાકે ધર્યાં નવલાં રૂપ

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
નવરાત્રિમાં પરંપરાગત ઘેરદાર પોશાકે ધર્યાં નવલાં રૂપ 1 - image


નવરાત્રૌત્સવ એટલે ભરચક ભરતકામ અને આભલા ટાંકેલા રંગબેરંગી, ઘેરદાર ચણિયા-ચોળી અને ઓઢણી સાથે ચાંદીના કે એમ્બોઝ કરેલા ઘરેણાં પહેરીને ગરબે ઘુમવાનો અનેરો અવસર. આ પર્વ દરમિયાન બીજા કોઈ પ્રકારનો પોશાક પહેરવાનું આપણે ભાગ્યે જ વિચારીએ છીએ. પરંતુ સમય સાથે પરંપરાઓમાં પણ પરિવર્તન આવે છે. અને આ બદલાવ આ વર્ષે જ જોવા મળી રહ્યો છે. ભલે તેનું પ્રમાણ જૂજ છે, પરંતુ નવરાત્રિના પરંપરાગત પોશાકને થોડું આધુનિક રૂપ આપીને ધારણ કરવાનો આરંભ થઈ ગયો છે. તેવી જ રીતે આ તહેવારને છાજે એવા અન્ય ડિઝાઈનર પરિધાન પણ જોવા મળી રહ્યાં છે. આ વર્ષે ફેશન ડિઝાઈનરોએ નવરાત્રિના વસ્ત્રોને કેવી રીતે રજૂ કર્યાં છે તે જાણવું રસપ્રદ થઈ પડશે.

એક ફેશન ડિઝાઈનર કહે છે કે વર્ષોથી પહેરાતા ચણિયા-ચોળી-ઓઢણી, ચાંદીના કે કોડીના આભૂષણો સમગ્ર માહોલને  મનભાવન રંગોથી રંગીન બનાવી દે છે એ વાતમાં બે મત નથી. પરંતુ ખેલૈયાઓને તેનો ભાર પણ ઊંચકવો પડે છે. આવી સ્થિતિમાં હળવા વજનના છતાં પ્રથા-રૂઢિ સાથે મેળ ખાતા પરિધાન પહેરવાનું વધુ સુવિધાજનક લાગે. જેમ કે તમારા શારીરિક બાંધાને અનુરૂપ અને તમારા વ્યક્તિત્વને છાજે એ મુજબ શર્ટ ડ્રેસ, પલાઝો, મેક્સી, કુરતા ડ્રેસ, લહંગા ઈત્યાદિ સાથે જેકેટ અથવા શર્ટ પહેરીને તમારા ડ્રેસને નવું રૂપ આપી શકાય. તેઓ વધુમાં કહે છે કે હાથવણાટના બનારસી જેકેટ સાથે ઘેરદાર સ્કર્ટ પહેરીને રાસે રમતી માનુની ચણિયા-ચોળી પહેરીને ગરબે ઘૂમતી યુવતી કરતા જરાય ઊણી ઉતરતી ન લાગે. નવરાત્રિ દરમિયાન સાંજના કોઈ કાર્યક્રમમાં જવાનું હોય તો સાડી પર સ્લીવલેસ જેકેટ જેવો ભરતકામ કરેલો કબજો કેવો શોભી ઉઠે. જેવા વધુ બોલ્ડ હોય કે એકદમ નોખી તરી આવવા ઈચ્છતી હોય તે સાંજ અથવા રાતના સમયે સાડી ઉપર ફરસ પર ઘસડાતું જેકેટ પહેરીને સાડી અને ગાઉન બંનેનો દેખાવ ઊભો કરી શકે. જ્યારે દિવસના કાર્યક્રમ માટે સિગારેટ પેન્ટ પર જ્યોર્જટનું અનારકલી જેકેટ અથવા યોગ્ય ફિટિંગ ધરાવતી બ્રોકેડ પેન્ટ સાથે ઘેરા રંગનું ટોપ અચ્છો વિકલ્પ બની રહે.

ચણિયાની જેમ ઘેરદાર સ્કર્ટ અને પલાઝો પેન્ટ એકદમ ઢીલાં જ હોય. પરંતુ તેના ઉપર બ્લાઉઝ  પહેર્યાં પછી તેને આધુનિક લુક આપો.  આને માટે બંને બાજુથી આખેઆખું ખુલ્લું હોય એવું જેકેટ પહેરો. આ ડ્રેસમાં વજન ઓછું હોય છે, આમ છતાં તે ખુલતું હોવાથી ઘેરદાર હોવાનો ભાસ પેદા કરે છે.

માનુનીઓની જેમ યુવાનો પણ રાસ રમતી વખતે રૂઢિગત રીતે પહેરાતા ધોતી-કોડિયાના ડ્રેસ કરતાં કાંઈક જુદું પહેરતા જોવા મળે છે. ફેશન ડિઝાઈનરો કહે છે કે મોટાભાગે યુવાનો ધોતી-કોડિયું અને માથે પાઘડી પહેરે છે. જ્યારે જે લોકોને આ પોશાક પહેરવાની ઈચ્છા ન હોય તેઓ ચુડીદાર-કુરતા પર પાછળથી આગળ આવે એ રીતે બાંધણીનો દુપટ્ટો પહેરતા હોય છે. પરંતુ આ વર્ષે ભૌમિતિક ડિઝાઈનની પેન્ટ પર લાંબો ડગલો પહેરવાની ફેશન છે. આવા વસ્ત્રો સાથે નિયમીત રીતે પહેરતા શૂઝ અને જૂતી, બંને સરસ લાગે છે. તેઓ વધુમાં કહે છે કે આ વર્ષે શરૂ થયેલો આ ટ્રેન્ડ આવતા વર્ષે જામી જશે.


Google NewsGoogle News