Get The App

આયબ્રોનો આકાર વ્યક્તિત્વની ઓળખ આપે છે

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
આયબ્રોનો આકાર વ્યક્તિત્વની ઓળખ આપે છે 1 - image


- ભ્રમરનો સુંદર આકાર ચહેરાને આકર્ષક બનાવે છે

આંખો ચહેરાનું મુખ્ય આકર્ષણ છે. આપણા કવિઓ અને સાહિત્યકારોએ તેમની કૃતિમાં પણ નમણી ગોરીના નયનોના ભરપૂર વખાણ કર્યા છે. નયનોના તીર વડે ભલભલા પુરુષોના દિલ પણ વીંધાઈ જાય છે. પ્રેમીજનો પણ આંખોની ભાષા વડે એકમેક પ્રત્યેની લાગણી વ્યક્ત કરે છે. તેથી જ આંખોની સુંદરતા જાળવવી અત્યંત જરૂરી છે. આંખોની સુંદરતામાં ભ્રમરનું મહત્ત્વ આગવું છે. સુંદર ભ્રમરને કારણે ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ  લાગી જાય છે.

ભ્રમર આપણા ચહેરાની ફ્રેમ છે. કલ્પના કરો કે, એક સુંદર ચિત્રને ખોટી ફ્રેમમાં જડી દેવામાં આવે તો શું થાય? સ્ત્રીનો ચહેરો એકદમ આકર્ષક હોય પરંતુ જો તેની ભ્રમર એટલે કે આયબ્રોનો આકાર અનાકર્ષક હોય તો તેના ચહેરાની સુંદરતા ખત્મ થઈ જાય છે. તમારા ચહેરાને સુંદર અને આગવો દેખાડવા તથા ભીડમાં પણ તેને અલગ તારવવા માટે આયબ્રો સુંદર હોવી જરૂરી છે. ઘણા સ્ટાઈલીસ્ટો પણ આજ સિધ્ધાંતમાં માને છે તથા તમારી આયબ્રો દ્વારા તમારા વ્યક્તિત્વ અને સ્ટાઈલની ઓળખ થઈ શકે છે, એમ તેઓ માને છે. હંમેશા તમારી આયબ્રો આકર્ષક રહે તેવા પ્રયાસો કરવા.

આજકાલ માત્ર મહિલાઓ જ આયબ્રો કરાવતી નથી પુરુષો પણ તેમની જાડી તથા આડોઅવળો ગ્રોથ ધરાવતી ભ્રમરને આકર્ષક બનાવવા સલૂનમાં જાય છે. જ્યારે વધારાના તથા આડાઅવળા વાળને દૂર કરી ચહેરાને અનુરૂપ આયબ્રોને આકાર આપવામાં આવે ત્યારે ચહેરો પુષ્પની જેમ ખીલી ઊઠે છે. ચહેરો પાતળો, નમણો અને સુંદર હોય પરંતુ આયબ્રો એકદમ જાડી હોય ત્યારે ચહેરાનું નૂર હરાઈ જાય છે. પાર્લરમાં જઈને આયબ્રો કરાવ્યા બાદ ચહેરો એકદમ આકર્ષક અને તેજસ્વી લાગવો જોઈએ.

ભ્રમરના વધારાના વાળને બે પ્રકારે દૂર કરી શકાય- થ્રેડીંગ અને વેક્સીંગ. બને ત્યાં સુધી થ્રેડીંગ દ્વારા ભ્રમરને ઉચિત આકાર આપવો. પાર્લરમાં આયબ્રોને શેપ આપનાર આર્ટીસ્ટ એકદમ પ્રોફેશનલ હોય તો જ વેક્સીંગનો વિકલ્પ અપનાવવો જોઈએ. કારણ કે વેક્સીંગ દ્વારા ખેંચાઈ ગયેલા વાળને ઉગતા ઘણા દિવસો નીકળી જાય છે. એટલે જો વેક્સીંગ દ્વારા ભ્રમરનો આકાર બગડી જાય તો તે કારણે ચહેરો એકદમ બદસુરત બની જાય છે. એટલે બને ત્યાં સુધી થ્રેડીંગ દ્વારા જ ભ્રમરને આકાર આપવો થ્રેડીંગ કરાવતી વખતે ઉતાવળ ન કરવી. તેજ પ્રમાણે આયબ્રો કરાવતી વખતે ઉપર તથા નીચેના ભાગને ટાઈટ પકડી રાખવો. આના લીધે દુખાવો ઓછો થશે અને માત્ર વધારાના વાળ દૂર થશે.

નાક પાસે આયબ્રોના વાળ વધારે રાખવા નહિ. આના લીધે આંખો ઢળેલી રહેતી હોવાનો આભાસ થાય છે. યાદ રાખો કે બંને ભ્રમર એકસરખી હોતી નથી. તેઓ બંને સરખી દેખાવી જોઈએ તે વાત સાચી છે પરંતુ બંનેનો આકાર અદ્દલ સરખો હોતો નથી.

ઘણી મહિલાઓ એવું વિચારે છે કે, પાર્લરમાં રહેલી થ્રેડીંગ કરનાર બ્યુટિશીયન પર તેમની ભ્રમરનો આકાર રહેલો છે. પરંતુ આ ભ્રમ છે. તમારો ચહેરો અને ભ્રમરના મૂળ આકાર પ્રમાણે જ થ્રેડિંગ કરનાર બ્યુટીશીયન વધારાના વાળ દુર કરી તેને શેપ આપે છે.

ઘણી મહિલાઓની ભ્રમર એકદમ પાતળી હોય છે અથવા ત્યાં એકદમ ઓછા વાળ હોય છે. તે કારણે તેઓ આયબ્રો પેન્સિલનો ઉપયોગ કરે છે. પરંતુ આયબ્રો પેન્સિલને કારણે ભ્રમર એકદમ કૃત્રિમ દેખાય છે. તેના બદલે તમારી ભ્રમરને મેચ થતાં શેડનો અથવા બ્રાઉન રંગનો આયશેડો લગાડવો. આયશેડો લગાડવા બ્રશને  ઊભું નહિ  પણ થોડું આડું રાખવું. આના લીધે તમે આંખના ખૂણામાં પણ આયશેડો સરખી રીતે લગાડી શકશો. તે ઉપરાંત તમે બ્રો-બ્રશ અથવા બ્રો-સેટ પણ વાપરી શકો છો જે જુદા- જુદા શેડમાં મળે છે અથવા કલીઅર ગ્લોઝમાં પણ મળે છે. આના કારણે ભ્રમર સરસ રીતે સેટ કરી શકાય છે.

કેટલીક મહિલાઓની આયબ્રોનો આકાર કુદરતી રીતે જ સુંદર હોય છે છતાં આજુબાજુના વધારાના વાળને દૂર કરીને તેને વધુ આકર્ષક બનાવી શકાય છે. ભારતીય મહિલાઓની ભ્રમર કાળા રંગની જ હોય છે. આના કારણે ક્યારેક તેમનો ચહેરો એકદમ ભારે દેખાય છે. જો તમારે ખરેખર થોડી આગવી સ્ટાઈલ કરવી હોય તો ભ્રમરને સોનેરી અથવા લાઈટબ્રાઉન રંગની બનાવો. તે માટે બ્લીચનો ઉપયોગ કરો. બ્લીચ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી. એકદમ હળવા બ્લીચનો ઉપયોગ કરવો અને આયબ્રો એકદમ ઘેરી સોનેરી ન બની જાય તેનો ખાસ ખ્યાલ રાખવો.

આયબ્રો પરથી તમારા વ્યક્તિત્વનો પરિચય મળે છે

સામુદ્રિક શાસ્ત્રમાં વ્યક્તિની ભ્રમર દ્વારા તેના  વ્યક્તિત્વ વિશે ભાખી શકાય છે. આ શાસ્ત્ર અનુસાર વ્યક્તિની ભ્રમર તેની સર્જનશીલતા, માનસ અને જાતીય ઊર્જા સાથે સંકળાયેલી છે. તે ઉપરાંત તે દ્વારા સ્વાસ્થ્ય સમસ્યાની પણ જાણકારી મળે છે.

* જાડી અને ભરાવદાર ભ્રમર ધરાવનાર વ્યક્તિ આક્રમક તથા મનમાની કરનાર હોય છે.

* સુંદર ભ્રમર ધરાવનાર વ્યક્તિ સંવેદનશીલ હોય છે તથા તે વ્યક્તિનું શારીરિક બંધારણ નબળું હોવાની જાણકારી પણ મળે છે.

* આયબ્રોનો આડોઅવળો ગ્રોથ ધરાવનાર વ્યક્તિ ચિત એકાગ્ર કરી શકતી નથી તથા ઉતાવળી હોય છે.

* પોઈન્ટેડ આયબ્રો ધરાવતી વ્યક્તિ સ્વતંત્ર અને ધ્યેયનિષ્ઠ હોય છે. જ્યારે જાડી અને ગોળાકાર આયબ્રો ધરાવતી વ્યક્તિની છઠ્ઠી ઈન્દ્રિય એકદમ સતેજ હોય છે.


Google NewsGoogle News