પોકળ પ્રેમનો અંજામ .
- વાર્તા
- બંને એક જ રસ્તાના મુસાફરો હોવાને કારણે પ્રથમ દિવસે જ બંનેની દોસ્તી થઈ ગઈ. મોજશોખની વસ્તુઓ અને પૈસાના બદલામાં વિભાની ધીરજને પોતાના જોબનનો આસ્વાદ માણવા દેતી કેટલીક વાર તો તે ધીરજના બંગલે રાતવાસો પણ કરી લેતી.
એક દિવસ... 'ધીરજ આઈ એમ પ્રેગ્નનન્ટ. હું તારા બાળકની મા બનવાની છું.''
લેબર રૂમમાંથી વિભાનો કણસવાનો અવાજ આવતો હતો. વચ્ચે વચ્ચે તેની ચીસોથી વાતાવરણ ગૂંજી ઉઠતું હતું. બહાર ધીરજ બેેચેનીથી આંટા મારી રહ્યો હતો. કોણ જાણે કેમ તેનું દિલ અજ્ઞાાત ભયથી ધડકતું હતું. આજ સુધી તે આ હૉસ્પિટલમાં ત્રણ-ચાર યુવતીઓને એબોર્શન માટે લઈ આવ્યો હતો. પરંતુ ક્યારે તેને આવો અનુભવ થયો નહોતો.
ધીરજ એક શ્રીમંત પિતાનો પુત્ર હતો. બે પુત્રીઓ પછી જન્મેલો ધીરજ લાડકોડમાં ઉછર્યો હોવાને કારણે લંપટ બની ગયો હતો. શરાબ અને શબાબ તેના કાયમના સાથી હતા. પોતાનો બિઝનેસ હતો. મા-બાપનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. બંને બહેનો પરણીને અમેરિકા જતી રહી હોવાથી તેને કોઈ રોકનાર હતું નહીં. તેની ઓફિસમાં કામ કરી ચૂકેલી પ્રત્યેક યુવતી તેની વાસનાનો શિકાર બની હતી તેનો પ્રતિકાર કરનાર યુવતીને બીજે દિવસે નોકરી પરથી દૂર કરવામાં આવતી હતી. પોતાના આવા રંગીન મિજાજને કારણે તેણે આ પૂર્વે આ હૉસ્પિટલની ''સેવા'' લેવાની ફરજ પડી હતી.
થોડા મહિના પૂર્વે જ તેણે વિભાને નોકરીમાં રાખી હતી. ૨૫ વર્ષની વિભા આધુનિક્તાના રંગમાં રંગાઈ હતી. લગ્ન પછી એકાદ વર્ષની અંદર જ પતિને છોડી એક ફ્લેટ ભાડે રાખી રહેતી હતી. પોતાના શોખ પૂરા કરવા માટે તે કોઈને કોઈ પુરુષનો સાથ શોધી લેતી હતી. તેની સાંજ ક્લબ, ડિસ્કોથેક અને હોટેલમાં પસાર થતી હતી. ઘરમાં ભાગ્યે જ રહેતી હોવાથી પડોશીઓ સાથે તેને સંબંધ નહોતો.
ધીરજની ઓફિસમાં નોકરી મળવાનું કારણ તેની સુંદરતા અને માદક અદાઓ હતી. તેને જોતા જ ધીરજ પામી ગયો હતો કે આ યુવતી તેની રાતોને હસીન બનાવવામાં કોઈ આનાકાની કરશે નહીં.
બંને એક જ રસ્તાના મુસાફરો હોવાને કારણે પ્રથમ દિવસે જ બંનેની દોસ્તી થઈ ગઈ. મોજશોખની વસ્તુઓ અને પૈસાના બદલામાં વિભાની ધીરજને પોતાના જોબનનો આસ્વાદ માણવા દેતી કેટલીક વાર તો તે ધીરજના બંગલે રાતવાસો પણ કરી લેતી.
એક દિવસ... 'ધીરજ આઈ એમ પ્રેગ્નનન્ટ. હું તારા બાળકની મા બનવાની છું.''
આ સાંભળીને ધીરજ ઉછળી પડયો. ''આ તો ઘણા ખરાબ સમાચાર છે.''
''હું જાણું છું પરંતુ હવે આપણે કરી પણ શું શકીએ? મને લાગે છે કે આપણે પરણી જવું જોઈએ?'' વિભાએ કહ્યું.
વિભા સાથે પરણવાનો ધીરજનો કોઈ ઈરાદો હતો નહીં. હવે આ બલાને કેવી રીતે ટાળવી એ વિચાર ધીરજ કરવા લાગ્યો. અત્યારે બળથી નહીં પણ કળથી કામ લેવું પડશે. નહીંતર બગડી જશે એ વાત ધીરજ જાણતો હતો આથી તેણે સાપ મરે અને લાકડી ન તૂટે એવો માર્ગ કાઢ્યો.
''ડીયર, હમણા આપણા લગ્ન શક્ય નથી. મારી બહેનો અમેરિકાથી ન આવે ત્યાં સુધી હું લગ્ન કરી શકીશ નહીં. અને અત્યારે આપણી ઉંમર પણ શું છે? અત્યારે તો મોજમજા કરવાના દિવસો છે. એમા નાહક બાળકની જંજાળમાં પડવાની શી જરૂર છે. આવતે વર્ષે મારી બહેનો અમેરિકાથી આવે એટલે આપણે લગ્ન કરી લઈશું.''
''પરંતુ આ મુશ્કેલીથી પીછો કેવી રીતે છોડાવવો?''
''અબોર્શન કરાવી લે. મારા એક ઓળખીતા ડૉક્ટર છે તેની પાસે હું તને લઈ જઈશ. આ કામ સત્વરે થવું જોઈએ. જેટલું મોડું થશે એટલું જ જોખમ વધી જશે.''
શરૂઆતમાં વિભાએ જરા આનાકાની કરી પરંતુ ધીરજે કોણીએ લગ્નનો ગોળ ચીટકાવ્યો એટલે વિભા તૈયાર થઈ ગઈ.
તેજ દિવસે સુધીરે ડૉ.શોભાને ચેક કરી બીજા દિવસનો સમય લઈ લીધો. એ દિવસોમાં ગર્ભપાત ગેરકાયદે હોવાથી ધીરજે ખૂબ જ સાવધાની રાખવી પડી હતી. શોભા તેના કહ્યામાં હતી પરંતુ આ માટે તેણે શોભાને સારી એવી રકમ આપવી પડતી હતી.
નક્કી કરેલા સમય મુજબ શોભા વિભાને લેબર રૂમમાં લઈ ગઈ ત્યાં તેને દવાઓ ખવડાવીને ઈન્જેક્શન આપ્યું. ડૉક્ટરે સાંત્વન આપ્યું કે થોડી જ મિનિટોમાં કામ થઈ જશે. લેબર રૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવતા ધીરજની વિચાર તંદ્રામાં ભંગ પડયો. દરવાજો ખોલીને ડૉ.શોભા બહાર નીકળ્યા. ધીરજે પૂછ્યું, ''ડૉક્ટર કામ થઈ ગયું'' ''નહીં થયું હશે તો થઈ જશે. તમે ચિંતા શું કામ કરો છો? નામ પ્રમાણે તમારામાં ગુણ નથી. તમે અહીં પ્રથમવાર આવ્યા નથી.
ડૉ.શોભા પણ રંગીન મિજાજના હતા. ધીરજને તેઓ તેમની ''સેવા'' પણ આપી ચૂક્યા હતા. એટલું જ નહીં પણ શોભા સાથે તેની ઓળખ કરાવનાર રંભાને પણ ધીરજ પોતાની જાળમાં લપેટી ચૂક્યો હતો. નવાઈની વાત તો એ હતી કે આ રમણીઓની સૌંદર્ય જાળમાં ફસાઈ ગયેલા ધીરજે તેમના બેક ગ્રાઉન્ડ અંગે જાણવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો.
ધીરજને સાંત્વના આપી ડૉ.શોભા તેમના રૂમમાં જતા રહ્યાં.
થોડા સમય પછી વિભાનો અવાજ સંભળાતો બંધ થઈ જવાથી ધીરજ ગભરાઈ ગયો. તેણે આ વાત બીજા ઓરડામાં બેઠેલી શોભાને જણાવી. શોભા, ધીરજ અને રંભા લેબર રૂમમાં પહોંચ્યા ત્યારે વિભા મરી ગઈ હતી.
આ જોઈને ત્રણેના પગ તળેથી ધરતી સરકી ગઈ. શોભા બોલી 'પેશન્ટના પેટમાં બાળક ઉલટું હતું તેથી તે તકલીફ સહન કરી શકી નહીં. ખેર થવાકાળ થઈ ગયું હવે આ મુસીબતથી પીછો કઈ રીતે છોડાવવો એ વિચાર કરો.''
રંભાએ શોભાની વાતનો છેડો પકડીને કહ્યું, ''જે કરવું હશે તે ઝડપથી કરવું પડશે. વાત ફેલાઈ જશે તો પોલીસ આવીને આપણને જેલની હવા ખાવા લઈ જશે.''
પોલીસ અને ખૂનના ગુનાની સજાનો વિચાર આવતા જ ધીરજ કંપી ગયો. ભયને કારણે તેના હોઠ સીવાઈ ગયા.
રંભાએ પોતાની વાત આગળ વધારી. ''સૌ પ્રથમ તો લાશને ઠેકાણે પાડવી જરૂરી છે. ધીરજ પાસે ગાડી છે આપણે લાશને ડીકીમાં નાખી કોઈ કુવામાં પધરાવી આવીએ.''
''ના, ના આ ઉપાય યોગ્ય નથી.'' ધીરજ બોલી ઉઠયો.
''કેમ'' શોભાએ પૂછ્યું.
''પહેલી વાત તો એ કે લાશ પાણીમાં ડૂબશે નહીં પાણીમાં નીચે ડૂબી પણ ગઈ તો સવારે ઉપર તરવા માંડશે. પોલીસ તપાસ કરશે અને આપણને પકડી પાડશે.''
''તમારી વાત સાચી છે. અહીંથી થોડે દૂર એક નદી વહે છે. આપણે લાશને એ નદીમાં વહાવી દઈએ તો પાણીની સાથે તે માઈલો દૂર જતી રહેશે. અને નહીં જાય તો જળચર પ્રાણીઓ તેની ઉજાણી કરી લેશે.''
ગંભીર વાતાવરણમાં પણ ધીરજ હસી પડયો. તે બોલ્યો, ''વરસાદની મોસમ પૂર્ણ થઈ ગઈ છે. શિયાળો પણ પૂરો થઈ ગયો છે. ઉનાળાની મોસમ છે. તમે જે નદીની વાત કરો છો તે નદીનું પાણી ઓસરી ગયું છે. લાશને વહાવી જાય એટલું પાણીય નદીમાં નથી.''
''તો હવે તમે જ કહો આપણે શું કરવું જોઈએ'' રંભાએ કહ્યું.
''જુઓ અહીંયા વિભાના કોઈ સગાવહાલા નથી. તમે તેને કુદરતી મૃત્યુની સર્ટિફિકેટ આપો તો આપણે લાશને નજીકના સ્મશાને લઈ જઈને બાળી નાખીએ.
''ધીરજ તમારી વાત તો ઠીક છે પણ હું તમને આ સર્ટિફિકેટ આપી શકું તેમ નથી.''
''કેમ''
''મેં તમને ક્યારે પણ આ વાત જણાવી નથી અને તમે મને પૂછ્યું પણ નથી પરંતુ હું ડૉક્ટર નથી.''
આ સાંભળીને ધીરજને માથા પર જાણે બોમ્બ ફૂટી પડયો સોફા પરથી ઊભા થઈ જતા તે બોલ્યો, ''તમે ડૉક્ટર નથી તો શું છો?''
''એક મામુલી નર્સ''
''તો પછી તમે તમારી જાતને ડૉક્ટરમાં કેમ ખપાવી છે. દરવાજા પર પણ નામની આગળ ડૉક્ટરની પદવી અને ડિગ્રીનું પૂંછડું લટકાવ્યું છે?''
''તમે તો જાણો છો કે ગર્ભપાત ગેરકાયદે છે. આથી આમા થોડું ઘણું જુઠાણું તો ચાલે જ છે.
ધીરજ બે હાથે માથું પકડીને સોફા પર ફસડાઈ પડયો. હવે તે અકળાઈ ઉઠયો હતો. એક ઊંટવૈદના ચક્કરમાં પડી તેણે વિભાની જાન ગુમાવી તેની લાશ હવે તેના ગળામાં હાડકાની જેમ ખૂંચવા લાગી.
રંભાએ બગડતી બાજી સંભાળી લીધી ''એક બીજા સાથે ચર્ચા કરવામાં અને લડવામાં હવે વધુ સમય ગુમાવવો પાલવે તેમ નથી. સૌ પ્રથમ તો આપણે આ ઝમેલામાંથી આપણી જાતને મુક્ત કરવા અંગે વિચારવું જરૂરી છે. રાત વિતી જશે તો આપણે ત્રણે મુસીબતમાં ફસાઈ જશું. આથી જલદી વિચાર કરો કે વિભાની લાશનું શું કરવું.''
ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. ત્રણે વિચાર કરવા લાગ્યા. ધીરજે શાંતિનો ભંગ કરતાં કહ્યું, ''આપણે ખાડો ખોદીને લાશને દફનાવી દઈએ તો કેમ?''
''ક્યાં?''
''સ્મશાન નજીક આવેલા જંગલમાં'
''હા આ ઠીક રહેશે.'' બંને સ્ત્રીઓએ સંમંતી આપી.
અંધારું ફેલાઈ ગયું હતું. સડક સૂમસામ હતી. દૂર સુધી નીરવતા છવાઈ ગઈ હતી. ત્રણેએ શબને કારની પાછળની સીટમાં નીચે સૂવડાવી દીધું. પછી શોભા પોતાના ઘરમાંથી જમીન ખોદવાના સાધનો લઈ આવી તેને પણ કારમાં મૂકી દીધા. શોભા અને રંભા લાશ સાથે પાછળની સીટ પર બેસી ગયી ધીરજે ડ્રાઈવિંગ સીટ પર જગ્યા લઈ કાર ચાલુ કરી.
સ્મશાનની આગળ આવેલા જંગલમાં પહોંચી ધીરજે એક સ્થાન પર કાર રોકી દીધી. પછી ત્રણે પોત પોતાના ઓજાર લઈને બહાર નીકળ્યા. ચારે બાજુ ઘોર અંધારું છવાયેલું હતું. ધીરજે કારની બધી લાઈટો બંધ કરી દીધી.
અંધારામાં ત્રણે કબર ખોદવા માંડયા. તેમના નસીબજોગે માટી પણ પોચી હતી. આથી બે-ત્રણ કલાકની અંદર જ ખાડા ખોદાઈ ગયા. પછી તેમણે લાશ દફનાવી તેના પર પાછી માટી પાથરી દીધી.
કામ પૂર્ણ થયા પછી તેઓ પોતાના ઓજાર સહીત ગાડીમાં બેસી ગયા. ઝડપથી કાર ભગાવી તેઓ શહેરમાં આવી પહોંચ્યા. શોભા અને રંભાને હોસ્પિટલમાં ઉતારી ધીરજ ઘરે આવીને સૂઈ ગયો.
બે-ચાર દિવસ શાંતિમાં વિત્યા એટલે તેઓ નચિંત થઈ ગયા. ધીરે ધીરે ધીરજ પર પોતાના મૂળ રંગમાં આવતો ગયો.
પરંતુ પાપ છાપરે ચઢીને પોકારે છે એ વાત તેઓ ભૂલી ગયા હતા. ધીરે ધીરે મહિનો વિતી ગયો.
ચોમાસાની ઋતુ બેસી ગઈ. એક દિવસ સાંજે અચાનક ખૂબ જ વરસાદ આવ્યો. આ વરસાદ આ ત્રણે પાપીઓ માટે કાળ બનીને આવ્યો એમ કહી શકાય.
વિભાનું શબ દાટયું હતું ત્યાં થોડા સમય પૂર્વે જંગલ કાપવામાં આવ્યું હતું. આથી જમીન પોલી હતી. માટીમાં લાકડાનું ભૂસું પણ ભળ્યું હતું. આથી વરસાદના કારણે ઘણી માટી ઘોવાઈ ગઈ અને વિભાનો સડેલા પગ બહાર દેખાવા લાગ્યા.
જંગલમાંથી પસાર થનાર કેટલીક વ્યક્તિઓએ ધરતીમાં દટાયેલા માનવીના પગ જોયા તો તરત જ પોલીસને સૂચના આપી. પોલીસે આવીને લાશ બહાર કાઢી. તપાસ કરતા જણાયું કે ગુમ થયેલી વ્યક્તિઓના વર્ણન સાથે આ લાશનું વર્ણન મળતું આવતું નહોતું. એટલે તે કોઈએ પણ આ વ્યક્તિ ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી નહોતી.
લાશની તપાસ કરતાં તેણે પહેરેલા કપડા પર દરજીની દુકાનનું લેબલ હતું. તેમજ લાશ પાસેથી એક ઘડિયાળ મળી આવી. દરજીની દુકાનમાં તપાસ કરતા જણાયું કે આ કપડાં તેની પાસેથી વિભા નામની એક યુવતીએ સીવડાવ્યા હતા. આ યુવતી પોતા વિશે ખાસ કઈ જણાવતી નહીં. પરંતુ અહીં નજીકના બિલ્ડીંગમાં રહેતી હતી. દરજીએ જણાવેલા બિલ્ડીંગમાં તપાસ કરતાં પોલીસને નિરાશા હાથ લાગી. બિલ્ડીંગના રહેવાસીઓ આ યુવતી અંગે વિશેષ જાણકારી આપી શક્યા નહીં. તેઓ માત્ર એટલું જ જણાવી શક્યા કે આ યુવતી ભાગ્યે જ કોઈ જોડે વાત કરતી, વહેલી સવારે નીકળી જતી અને મોડી રાત્રે પાછી ફરતી. ઘણી વાર તો દિવસોના દિવસો સુધી તેની રૂમનું તાળું ખુલતું નહીં.
પોલીસે હવે પેલી ઘડિયાળ તરફ ધ્યાન ગયું. ડી.કે.એન્ડ કંપની નામ લખ્યું હતું. હવે આટલા મોટા શહેરમાં ડી.કે.એન્ડ કંપની શોધવાનું કામ આસાન નહોતું. પરંતુ પોલીસ આ કેસનો તાગ મેળવવા કટિબદ્ધ હતી. પોલીસે આ કેસના મૂળ સુધી પહોંચવાનું નક્કી કર્યું હતું. કેટલાક પોલીસો દુકાને દુકાને ફરીને આ ઘડિયાળ કઈ કંપની માટે બનાવી હતી. એની શોધ કરવા નીકળી પડયા તો કેટલાક રજીસ્ટાર ઓફ કંપનીમાં રજીસ્ટર થયેલી ડી.કે.એન્ડ કું. ની શોધ ચલાવવા નીકળી પડયા.
આખરે તેમની મદદ રંગ લાવી ધીરજની કંપનીએ આ ઘડિયાળ પોતાના કર્મચારીઓને ભેટ આપી હોવાનું જાણવા મળ્યું. ધીરજની ઓફિસમાં તપાસ કરતા જણાયું કે આ ઓફિસમાંથી છેલ્લા એક મહિનાથી વિભા નામની એક કર્મચારી ગાયબ હતી. વધુ પૂછપરછ કરતા વિભા અને ધીરજ વચ્ચે સંબંધ હોવાનું જણાયું. વિભાના પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં ગર્ભપાત દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આમ ધીરજ પ્રત્યે શંકાની સોઈ તણાઈ. ધીરજની પૂછપરછ કરવામાં આવી શરૂઆતમાં ધીરજ પોતાને આ ખૂન સાથે કોઈ સંબંધ ન હોવાની વાત પર વળગી રહ્યો. પરંતુ પોલીસે થર્ડ ડિગ્રીની શરૂઆત કરી એટલે ગભરાઈને ધીરજ વધુ કહેવા તૈયાર થયો. તેણે અથથી ઇતિ સુધીની ઘટનાનું વર્ણન પોલીસ સમક્ષ કર્યું. ગર્ભપાત કરનાર ઉટવૈદ શોભા તેમજ તેની મદદનીશ રંભાનું નામ પણ જણાવ્યું. પોલીસે ધીરજને કસ્ટડીમાં લીધો અને ધીરજે આપેલા સરનામા પર જઈ રંભા અને શોભાને પણ પકડી પાડયા.