ચામડી અને વાળ માટે પોષક તત્ત્વોનો ભંડાર ભર્યો છે કારેલાંમાં
- કડવા કારેલાંના ગુણ મીઠા
- ત્વચા નિષ્ણાતો કહે છે કે કારેલાં ત્વચાને કુદરતી રીતે કાંતિ બક્ષે છે, ત્વચામાં રહેલા વિષયુક્ત તત્ત્વો દૂર કરે છે, ખિલ દૂર કરવામાં સહાયક બને છે, કરચલી પડવાની પ્રક્રિયા ધીમી પાડે છે, ત્વચાની લવચિકતામાં વૃધ્ધિ કરે છે, તડકાને કારણે ચામડીને થતાં નુકસાનથી બચાવે છે, વાળ વધારવામાં મદદગાર બને છે,
કારેલાંનું નામ આવતાં જ યુવા પેઢી નાકનું ટીચકું ચડાવ્યા વિના ન રહે. બીજી તરફ પ્રૌઢ તેમ જ વૃધ્ધ પેઢીના લોકો બેમોઢે કારેલાંના ગુણગાન ૈગાય. અલબત્ત, તેમની વાતમાં તથ્ય પણ છે. કડવા કારેલાંના ગુણ ખરેખર મીઠાં હોય છે એ વાતમાં બે મત નથી. ખાસ કરીને ત્વચા અને વાળ માટે કારેલાં અત્યંત ગુણકારી ગણાય છે. તેમાં રહેલું એન્ટિઑક્ટિડંટ ત્વચા અને વાળ માટે લાભકારક બની રહે છે. કારેલા ખિલ સામે સુરક્ષા આપે છે. એટલું જ નહીં, ખિલને કારણે થતી દાહ-બળતરામાં પણ રાહત આપે છે.
ત્વચા નિષ્ણાતો કહે છે કે કારેલાં ત્વચાને કુદરતી રીતે કાંતિ બક્ષે છે, ત્વચામાં રહેલા વિષારી તત્વો દૂર કરે છે, ખિલ દૂર કરવામાં સહાયક બને છે, કરચલી પડવાની પ્રક્રિયા ધીમી પાડે છે, ત્વચાની લવચિકતામાં વૃધ્ધિ કરે છે, તડકાને કારણે ચામડીને થતાં નુકસાનથી બચાવે છે, વાળ વધારવામાં મદદગાર બને છે, વાળ ખરતાં અટકાવે છે અને માથામાં આવતી ખંજવાળ પણ મટાડે છે. ત્વચા અને વાળ માટે કારેલાનો ઉપયોગ શી રીતે કરવો તેની જાણકારી આપતાં ત્વચા નિષ્ણાતો કહે છે....,
કારેલા-કાકડીની પેસ્ટ
અડધું કારેલું અને અડધી કાકડી લો. કારેલામાંથી બી કાઢી નાખો. હવે કારેલા અને કાકડીના નાના નાના કટકા કરીને મિક્સચરમાં પીસી લો.
આ પેસ્ટ ચહેરા અને ગરદન પર લગાવીને ૧૦થી ૧૫ મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ સાદા પાણી વડે ચહેરો ધોઈ લો.
કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. પરિણામે તે ત્વચાને ભીનાશ બક્ષે છે અને ચામડી ચમકાવવામાં સહાયક બને છે. તેવી જ રીતે કારેલા તણ ત્વચા પરની અશુધ્ધિઓ દૂર કરીને ત્વચાને કાંતિવાન બનાવે છે.
જ્યાં સુધી ઇચ્છિત પરિણામ ન મળે ત્યાં સુધી દરરોજ આ પ્રયોગ કરો.
કારેલા-લીમડા-હળદરનું મિશ્રણ
એક કારેલું, લીમડાંના થોડાં પાન અને ચપટી હળદર મિક્સરમાં નાખીને પીસી લો. આ મિશ્રણ ચહેરા પર લગાવી ૧૦થી ૧૫ મિનિટ રહેવા દો. હવે હુંફાળા પાણી વડે ચહેરો ધોઈ લો.
લીમડા અને કારેલામાં રહેલું એન્ટિઑક્સિડંટ ત્વચાને પ્રદૂષણથી થતી હાનિથી બચાવે છે. ત્વચા પર આ મિશ્રણ લગાવવામાં આવે ત્યારે ખિલમાં રાહત મળે છે. જ્યારે હળદરમાં રહેલા સૂક્ષ્મ તત્વો ઉપરાંત તેમાં રહેલું એન્ટિઑક્સિડંટ ચામડી પર થતી દાહ-બળતરા શાંત કરે છે.
ઉપરોક્ત પેસ્ટ તમે દિવસભરમાં બેથી ત્રણ વખત લગાવો તો ઇચ્છિત પરિણામ ઝડપથી મળે છે.
કારેલાં અને સંતરાની સુકવેલી છાલ
બેથી ત્રણ સંતરાની સુકવેલી છાલ લો. સાથે કારેલાંમાંથી બી કાઢો અને બંને વસ્તુઓ મિક્સરમાં નાખીને દળી લો. હવે તમારું કારેલા અને સંતરાની છાલનું સ્ક્રબ તૈયાર છે. આ સ્ક્રબ ચહેરા પર ગોળાકારમાં એકદમ હળવા હાથે પાંચથી ૧૦ મિનિટ સુધી ઘસો. ત્યાર પછી ચહેરો હુંફાળા પાણી વડે ધોઈ લો.
સંતરાની છાલ અને કારેલામાં રહેલા એન્ટિઑક્સિડંટ ત્વચાને ચોક્ખીચણાંક બનાવવામાં મદદ કરે છે. અને તમારી ચામડી પર રહેલા પ્રદૂષિત તત્વો દૂર થવાથી તે ઝળકી ઉઠે છે.
આ સ્ક્રબનો ઉપયોગ અઠવાડિયામાં એક વખત કરવો.
હવે વાળ માટે કારેલાં શી રીતે ખપ લાગે છે તેની વાત કરીએ તો....,
કારેલાં અને દહીં
એક કારેલું લઈને મિક્સરમાં પીસી લો. હવે તેનો રસ કાઢીને તેમાં અડધો કપ દહીં ઉમેરીને સારી રીતે ભેળવી લો. આ મિશ્રણ વાળમાં લગાવીને અડધો કલાક રહેવા દો. ત્યાર પછી કેશ ધોઈ લો.
આ બંને વસ્તુઓ વાળને પોષણ આપીને કુદરતી રીતે ચમકદાર બનાવે છે.
કારેલાંના પતાંકા
એકાદ-બે કારેલાંની સ્લાઈસ કરીને માથામાં સિરે સિરે ઘસો. સેંથા પાસેથી શરૂઆત કર્યા પછી એ ભાગના વાળ એક તરફ લઈ લો અને ત્યાં પડેલી પાથી પર કારેલાની બીજી સ્લાઈસ હળવા હાથે ઘસો. આમ આખા માથામાં કારેલાંના પતાંકા ઘસો. થોડીવાર પછી માથું ધોઈ લો.
આ પ્રયોગ માથાની શુષ્ક બનેલી ત્વચાને કુદરતી રીતે મોઇશ્ચર કરે છે. પરિણામે માથામાં આવતી ખંજવાળમાં રાહત મળે છે.
- વૈશાલી ઠક્કર