Get The App

ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો...

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો... 1 - image


- અંતર - રક્ષા શુક્લ

તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું

ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું

મારાં સઘળાં દુવારને કરી દીધા બંધ

ને આમ તમે આંખોને કરી દીધી અંધ

તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ

ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.

હું તો વહેણમાં તણાઇ મને કાંઠો નથી

ને આપણા સંબંધની કોઇ ગાંઠો નથી

અછાંદસ જેવો છે આપણો આ પંથ

ને એનું તે નામ તને છંદ રાખ્યું

- પન્ના નાયક

વન્સ વોટ્સેપ ઉવાચ...

પ્રેમ એટ્લે....'સાંભળો છો ?' થી લઇને...'બેરા થઈ ગયા છો ?' સુધીની સફર..!!. 

પ્રેમ એટલે....'તમે મળ્યા એ નસીબ'થી લઈને, 'મારા ફૂટેલા નસીબ' સુધીની સફર..!!

પ્રેમ એટલે....'તારા જેવુ કોઇ નથી' થી લઈને 'તારી જેવી ઘણીયે છે' સુધીની સફર..!!

જો કે આ તો સ્વાનુભવની વાત છે કોઈ કહે કે પ્રેમ એટલે આ બૈલ મુઝે માર કે હાથના કર્યા હૈયે વાગ્યા...તો ઘણા ભડવીરો માટે એ ભુખ- તરસ, ઊંઘ બધુ અનઇન્સ્ટોલ કરનાર જાદુઈ છડી છે. પ્રેમ એટલે કિંકર્તવ્યમૂઢ થઈ જવુ... પ્રેમ એટલે બર્મુડા ટ્રાઈન્ગ્લ પણ ખરી હકીકત એ છે કે સમયના પારખા થાય ત્યારે સમજાય કે પ્રેમ એટલે લાંબા સમય સુધી ખુદને છેતરતા રહેવાની આદત પડી જવી... ટૂંકમાં પ્રેમ એટલે.. એટલે કદાચ હજી સુધી કોઇને પાક્કી ખબર નથી !!

પોતાની ફિયાન્સી અર્ધબળેલી હાલતમાં હોય છે અને 'વિવાહ' ફિલ્મમાં હીરો શાહિદ કપૂર તેની સાથે લગ્ન કરી વફાદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આવું જ એક જીવંત ઉદાહરણ આ રહ્યું. લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. જે દિવસે સાંજે જાન આવવાની હતી તે દિવસે બપોરે જ લગ્નોત્સુક યુવતી છત ઉપર રમતા ત્રણ વર્ષના ભત્રીજાને બચાવવા જતા છત ઉપરથી નીચે પડી. આ ઘટનામાં તેની કરોડરજ્જુંનું હાડકું તૂટી ગયું અને તેના બંને પગે લકવો થઈ ગયો. સમગ્ર ઘટનાની સચ્ચાઈની જાણકારી દુલ્હાને પણ અપાઈ. યુવતીના ઘરના લોકોએ દુલ્હાને યુવતીની નાની બહેન સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો. પરંતુ સંબંધોનું મૂલ્ય સુપેરે સમજનાર યુવાન અકસ્માત પછી પણ યુવતીને આજીવન સાથ આપવા કટીબદ્ધ હતો. તેણે નક્કી કરી લીધું હતું કે ઈજાગ્રસ્ત યુવતી જ તેની જીવનસંગિની બનશે અને એ જીવનભર નિષ્ઠાપુર્વક યુવતીનો સાથ નિભાવશે. રિયલ લાઈફની આ સ્ટોરી રિલ લાઈફને પણ પાછળ પાડી દે છે. વર્તમાન સમયમાં વચન, સંબંધ કે વિશ્વાસ તોડવો એ સાવ સામાન્ય બાબત છે. માત્ર કોઈ નજીવા કારણોસર લોકો વર્ષો જુના સંબંધો તોડી નાખતા હોય છે. ત્યારે આ યુગલે એક પ્રેરણારૂપ નિર્ણય લઈને પ્રેમનું એક અનોખું પાસું ઉજાગર કર્યું છે. વેલેન્ટાઇનનો 'વ' એટલે વફાદારીનો 'વ'.

પ્રેમ એ શું છે ? કોઈની ભૂરી આંખો કે કોઈ ગાલમાં પડતા રૂપાળા ડિમ્પલને જોઇને આખા શરીર સાથે પરણી જવું તે ? ...તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો...' (મુકુલ ચોકસી) કે કોઈની મોહક અદા કે સિક્સ પેક પર ફિદા થઈ પાગલ થવું તે ? પણ આવો પ્રેમ તો જે આંખ સામે દેખાય છે તેનો મોહ એ શારીરિક આકર્ષણ પણ હોય શકે. ગીતામાં કૃષ્ણ કહે છે કે 'અંતવંત ઇમે દેહાઃ'. શરીર તો નાશવંત છે. જે પ્રેમ શરીરનો મોહતાજ છે એ તો ફટકિયા મોતીની માફક ફૂટી જવાનો. આવા પ્રેમીઓ તો એકબીજાની નજીક આવતા જ દૂર થઈ જાય છે. 'અતિ પરિચયાત્ અવજ્ઞાા ભવેત્' અહીં તરત સાબિત થાય. વ્યક્તિની સંસ્કારિતા કે ચરિત્રની ઓળખ તો સાથે રહેવાથી, વધુ પરિચય પછી બહાર આવે છે. સાચો પ્રેમ હંમેશા ત્યાગ, સમર્પણ, જતું કરવું, એકબીજાની દરકાર, વિશ્વાસ અને ક્ષમાભાવ જેવી ભાવનાથી ભીનો હોય છે. જેમાં 'સ્વ'ની બાદબાકી સાથે અહંકાર ઝીરો લેવલ પર હોય છે. જાત ઓગળી જતા જન્નતની અનુભૂતિ આપે એવો અદભુત પ્રેમ જો તમને સાંપડે તો તમારી જાતને ભાગ્યશાળી માનજો. એકબીજાનો ખામીઓ સાથેનો પૂર્ણ સ્વીકાર એટલે પ્રેમ. તેમાં કોઈને બદલવાની કોશિશ જરા પણ હોતી નથી. આપણા સમાજમાં તો ઘણીવાર છોકરીનું નામ પણ કોઈ બહાના હેઠળ બદલી નાખવામાં આવે છે. કોઈની ઓળખ છીનવી લેતી આ રૂપાળી તરકીબ પુરુષસત્તાનો જ એક કીમિયો ગણી શકાય. કોઈ પુરુષનું નામ લગ્ન પછી ક્યારેય બદલાયું ?

આજે એફ.બી.માં ફૂટીને ફોનમાં ફોરે પછી દસ-બાર વાર 'આઈ લવ યુ'નું રૂટીન રટણ ચાલે છે. પછીથી રોઝ ડે, હગ ડે અને કિસ ડે ના રસ્તે ચડેલી પ્રેમની ગાડી પાટા પરથી ક્યારે ઉતરી જાય છે એ એમને ય ખબર નથી પડતી. તું નહીં તો ઓર સહી... પણ આવા છીછરા ખાબોચિયામાં તરવા નીકળેલા એ મહાન જીવોને તો સહજ સાત્વિક પ્રેમ કે વિચ્છેદ થયા પછીની લોહીઝાણ પીડાનો અહેસાસ પણ હોતો નથી... 'નો અફસોસ એટ ઓલ.' 

પ્રેમીઓના ચહેરા પર ઉડાઉડ થતા ઋજુ ભાવો, ભીડ વચ્ચે એક મલાજા સાથે જળવાતા અંતર છતાં ય ઇજન આપતી આંખો અને એના સંકેતો આજે કોઈને ઝાઝાં સમજાય પણ નહીં. એટલે પછી 'સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો' જેવી કવિતા નીપજે પણ ક્યાંથી ? ઉજ્જડ ભોમકા પર સાચી કવિતાના ફૂલો ખીલે જ ક્યાંથી ! તેમાં ય વળી આજની યુવતીઓના ચહેરા પર ધામા નાખી બેઠેલી પેલી બુકાની... ઓહ, ક્યા ક્યા બાધાએ હૈ ઇસ કવિતા કે માર્ગ મેં..

'કવિ બિચારો ઘાંઘો, શોધે બુકાનીનો ઈતિહાસ,

અણગમતી આડશ ઓળંગી કેમ મેળવે પ્રાસ ?

હાય, બુકાની કાં દોડવતી પ્રેમપંથમાં પાણો ?'

એક જમાનો હતો જ્યારે 'જિંદગીભર નહીં ભૂલેંગે વો બરસાત કી રાત' કહેતો પ્રેમી ખરેખર જીવન આખું એ સુકુમાર સંવેદન પાછળ વિતાવી દેતો. સામે લજામણી જેવી છોકરી હોય તો અરવિંદ ગડાની જેમ કવિતા ફૂટે કે 'એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે, અને છોકરો નવી નોટનાં પાનાં ફાડે !'

દોસ્તી અને પ્રેમ વચ્ચેનો પણ એક સંબંઘ છે, જેને 'પ્લેટોનિક લવ' કહી શકાય. પ્રેમના આ અદભુત સ્વરૂપે દોસ્તીથી થોડી આગળ અને પ્રેમથી થોડી પાછળની પવિત્ર જગ્યામાં પોતાનો અડ્ડો જમાવેલો હોય છે. સ્ત્રીઓ સંબંધની શરૂઆત કરતી વખતે મોટા ભાગે સામી વ્યક્તિ પાસેથી માત્ર સાથની જ આશા રાખે છે. કોઈ પણ માણસને હંમેશા પોતાની વાત સાંભળનાર પરાયો હોય તો પણ પોતાનો જ લાગે છે. સંબંધમાં આત્મીયતાનું પણ એક વિશિષ્ટ સ્થાન હોય છે જ્યાં વ્યક્તિ નિર્ભીક થઈને ખૂલે છે. પોતાનું ભીતર ઠાલવે છે. આ પણ એક પ્રેમ છે. ક્યારેક વિપરીત સંજોગોનાં કારણે લગ્ન ન કરી શકનાર બે મળેલા જીવ જીવનભર દોસ્ત બનીને રહે છે. અને એકબીજાના સુખનું કારણ બને છે. આ પણ એક પ્લેટોનિક લવ જ છે. 

હકીકતમાં ઈશ્વરે માણસને પ્રેમ કરવા સર્જ્યો છે અને વસ્તુઓને વાપરવા માટે. પણ આપણે આ ભૌતિક દોડમાં આ વાતને ઊલટી કરી નાખી છે. આપણે માણસને વાપરતા થયા અને વસ્તુઓને પ્રેમ કરતા. પ્રેમ એક વ્યક્તિને કરીએ બીજી વ્યક્તિ માટે ખૂટી જાય ? પ્રેમ તો વ્યાપક છે. એનો વિસ્તાર તો અનંત છે... અસીમ. જગ આખાને પ્રેમ વહેચો તો પણ ન કોઈને ઓછો પડે, ન ખૂટે. નિરંજન ભગત તો કહે છે કે... 'ચાલ, ફરીએ ! માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ !

કોઈની આંખમાં દેખાતું આપણું નહીં પણ આપણા આત્માનું પ્રતિબિંબ આપણને ખેંચે છે. એ આંખોમાં ડૂબ્યા પછી સ્વર્ગ કે સપનાઓ બધું જ બધું ગૌણ છે. ડેવિડ વિસ્કોટ કહે છે કે ‘To be loved is to feel the sun from both sides.' કોઈ તમને પ્રેમ કરે છે અર્થાત્ તમે કોઈના પ્રેમને લાયક છો. આ એક જાદૂઈ અહેસાસ 

છે. તમને થાય છે કે તમે કંઈ પણ કરવા કે જીતવા સક્ષમ છો. પ્રેમ ખરેખર ચમજાચિબા છે. અવ્યક્ત છે. એ અનુભવવાની વસ્તુ છે.. 'પ્યાર કોઈ બોલ નહીં, પ્યાર આવાઝ નહીં... એ માત્ર આત્માથી અનુભવાતો અહેસાસ છે. આવો પ્રેમ ટકાઉ હોય છે. પ્રેમ એટલે માત્ર પામવું જ નહીં. પણ પ્રેમ એટલે તો છોડી દેવું, ત્યાગ કરવો. પ્રેમમાં માણસ સર્વસ્વ ગુમાવીને અમીર બનતો હોય છે. પ્રેમ એટલે કોઈનો અડીખમ સાથ. એ પક્ષે વધે અને પક્ષે ઘટે નહીં. પ્રેમની વ્યાખ્યા તો કબીરસાહેબે કરી છે. જુઓ...

'ઘડી ચઢે, ઘડી ઊતરે, વોહ તો પ્રેમ ના હોય

અઘટ પ્રેમ હી હૃદય બસે, પ્રેમ કહીએ સોય.'

પ્રેમ શબ્દ માત્ર નથી, એ એક ક્રિયાપદ છે. પ્રેમ કરવાનો હોય. પણ આ કરવાનો એટલે શું ? માત્ર બે શરીરથી ઘટે તે નહીં. પ્રેમ એટલે કોઈ અપેક્ષા વગર આદર સાથે સામેના પાત્રની સતત સંભાળ રાખવી. પ્રેમની અભિવ્યક્તિ કઈ ? પ્રેમ હોય તેનું મસ્તક ઝગારા મારતું હોય ? તેના કપાળ પર લખ્યું હોય ? નાં જી, કોઈની ચિંતા કે દરકારમાં જ તેનો નિસ્વાર્થ પ્રેમ ઉજાગર થાય છે. કોઈ તમને કહ્યા કરે કે 'હું તને ખૂબ પ્રેમ કરું છું'. પણ તમે કહો કે 'મારે અત્યારે તાત્કાલિક હોસ્પિટલ પહોંચવાનું છે, મને મૂકી જઈશ ?' તો એ નકાર ભણીને પણ પાછું રટણ ચાલુ રાખે કે 'હું સાચે તને બહુ પ્રેમ કરું છું' તો તેના આ વાણીવિલાસ પર સામા પાત્રને કેટલો વિશ્વાસ બેસે ?

પ્રેમ એટલે માત્ર બે વિજાતીય વ્યક્તિ વચ્ચે હોય તે જ ? આપણી માનસિકતાની દોર તો મોટાભાગે આટલી જ લંબાય છે. શું મા-બાપ, ભાઈ-બહેન, મિત્રો કે અન્ય સંબંધો વચ્ચે નિપજતો પ્રેમ એ પ્રેમ નથી ? સાંજે ઘરે પાછા ફરતા આપણા આ પ્રિયજનોને જોઇને પણ આપણો થાક ઉતરતો હોય છે. ત્યારે 'ર્નપી અર્ે' એ માત્ર યુવાન પ્રેમીઓએ ગાવાનું ગાણું કઈ રીતે હોય શકે ! યુવાન પુત્ર કે પુત્રી પોતાની માતા યા બહેન/ભાઈને ચાહતા હોય તો શબ્દોમાં કઈ રીતે મુકે ? અલબત્ત, 'I love you' - હું તને ચાહું છું' કહીને જ. કોઈ અતિ પ્રિય વ્યક્તિ સાથે હોય ત્યારે આપણે આપણે નથી હોતા. કોઈની ખાસ હાજરી આપણને સારા થવા કે બનવા પ્રેરે છે. રોય ક્રોફટના કાવ્યની આ પંક્તિઓ અતિ સુંદર છે..'I love you, not only for what you are, but for what I am when I am with you.' કોઈનો અવિરત વહેતો નિર્વ્યાજ અને બિનશરતી પ્રેમ આપના વ્યક્તિત્વને ઘડે છે. આપણને સારા માણસ બનવા ઉશ્કેરે છે. આપણા સંવેદનો અને અભિવ્યક્તિને ઉર્ધ્વ ગતિ આપે છે. પ્રેમ આપણી નબળાઈ પણ છે અને તાકાત પણ. આવો આપણે પ્રેમને તાકાત બનાવીએ. 

ઇતિ...

પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.

- રવીન્દ્રનાથ ટાગોર


Google NewsGoogle News