ઓમકારને નમસ્કારનો ચમત્કાર .

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News


ઓમકારને નમસ્કારનો ચમત્કાર                                           . 1 - image

- અંતર - રક્ષા શુક્લ

પથ્થરમાં ઈશ્વરને ભેટી જોયો,

માણસને પણ દિલમાં પેઠી જોયો.

દાનવ જેવા માણસ, મારે પથરા,

માણસ અહીં માણસનો વેરી જોયો.

હર રંગે રંગાયેલી દુનિયા અહીં,

રાવણ પારા જેવો વેઠી જોયો.

હોય રુહાનાય ભલેને વહેમી પણ,

ભીતર હરદિન રડતો પ્રેમી જોયો..

- આરતી સોની

હિંદુ ધર્મમાં ઓમને પ્રણવ કહેવામાં આવ્યો છે. પ્રણવ એટલે ઓંકાર, પ્રણવનો અર્થ સૃષ્ટિનું સર્જન એવો પણ થાય છે. આ એક અક્ષરરૂપ મંત્ર અર્થાત એકાક્ષરી મંત્ર જે જૈન અને બૌદ્ધ ધર્મનું પણ ખૂબ પવિત્ર પ્રતિક મનાય છે. ત્રિવિધ પ્રકારની સૃષ્ટિનો નિર્દેશ મૂળ મંત્ર ગણાતા ઓમ સમગ્ર પ્રતીકનો અર્થ થાય છે 'કોઈપણ પ્રકારના માપ, રૂપ કે આકારથી પર રહેલા પરમાત્મા' જે સંસ્કૃતના ત્રણ ધાતુઓ અ+ઉ+મ નો બનેલો શબ્દ છે અને ઓમકારમાં જે બિંદુ છે તે સૃષ્ટિના સ્વામી, સર્વસત્તાધીશ કે સૂત્રધાર પરમાત્માનું બોધક અને દર્શક છે. પતંજલિ દર્શનનો ભાષ્યકાર પણ કહે છે કે, 'ઓમકાર એ ઈશ્વરનો વાચક (દર્શક)  છે,' આ સમસ્ત સૃષ્ટિ ત્રિગુણાત્મિકા પ્રકૃતિમાંથી પ્રકટ થયેલી છે એટલે તેમાં સર્વે વસ્તુઓ ત્રિવિધ છે. અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધનાર પ્રકૃતિના ગુણ પણ ત્રણ છે : સત્ત્વગુણ, રજોગુણ તેમજ તમોગુણ. ત્રણ લોક છે : ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ અથવા સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ. માનવીય કક્ષાના દેહની ત્રણ અવસ્થાઓ : જાગૃતિ, સ્વપ્ન ને સુષુપ્તિ. ઈશ્વરનાં ત્રણરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. જીવની ત્રણ માયા : સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ. ત્રણ પ્રકારના જીવો : વિષયી, જિજ્ઞાસુ તથા મુક્ત. આ ત્રણ અક્ષરો ભૂત, વર્તમાન અને ભવિષ્યના ત્રણ કાળનું સૂચન કરે છે. આ ત્રણ અક્ષરો વિદ્યા આપનાર માતા, પિતા અને ગુરુનું સૂચન કરે છે. એ યોગાભ્યાસની ત્રણ કક્ષા આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારના સોપાનથી પ્રાપ્ત થતી સમાધિનું પ્રતીક બને છે. એવી રીતે આ સૃષ્ટિમાં બધું ત્રિવિધ છે. ઓમનો પ્રયોગ દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ ગ્વેદમાં  અનેક ઠેકાણે કરાયેલો છે. પૃથ્વીની સૌથી પ્રાચીન ભાષાનો આ ઓમકાર શબ્દ છે જેને બ્રહ્માંડની ઉત્પત્તિ પછીનો કે ઉત્પત્તિ સમયનો પ્રથમ શબ્દ ગણવામાં આવે છે. ઓમકારનો આકાર આગળથી ત્રગડા જેવો હોય છે જેના ઉપરના ભાગે બિન્દુ હોય છે. ઓમકાર વિશે સંસ્કૃતના એક શ્લોકમાં જણાવ્યા અનુસાર...

ઓમકારબિન્દુસંયુક્તંનિત્યંધ્યાયન્તિયોગિન:।

કામદંમોક્ષદંચૈવઊંકારાયનમોનમ:।।

અર્થાત 'ઓમકાર સર્વ પ્રકારની કામનાઓને પૂરી કરનાર અને મોક્ષ આપનાર છે. એ બિંદુ સાથેના ઓમકારનું યોગીઓ નિત્યનિરંતર ધ્યાન કરે છે. એવા ઓમકારને હું નમસ્કાર કરું છું.' એવો અર્થ થાય છે.

વીસમી સદીમાં થઇ ગયેલા ગુજરાતના સાહિત્યકાર અને સંત યોગેશ્વરે પોતાના પુસ્તક 'સાધના'માં 'ઓમકારનું રહસ્ય' લેખમાં જણાવ્યું છે કે, 'ભારતના પ્રાત:સ્મરણીય ષિવરોએ એકાંતમાં વાસ કરીને પોતાની જાતની શુદ્ધિ સાધી, અને પોતાના સ્વરૂપોનું અનુસંધાન કર્યું, ત્યારે એ અનવરત અનુસંધાનના ફળરૂપે એમને પોતાની અંદર રહેલા પરમાત્મતત્વનું દર્શન થયું. પરમાત્મા સાથેની એકતાનો એવી રીતે એમને અનુભવ થયો, પોતાની શોધ એમણે 'કોઅહમ' થી શરૂ કરી હતી. એટલે કે હું કોણ છું ? મારૃં મૂળભૂત કે સત્ય સ્વરૂપ શું છે ? આ શરીરની અંદર કોઈ તત્વ કે ચેતના છે જે મારી સાથે સંકળાયેલી હોય ? એ એમના અન્વેષણનો આરંભ હતો. અને એની પૂર્ણાહુતિ થઈ.' 'સોઅહમ' માં એટલે કે હું પરમાત્મા છું અથવા પરમાત્મારૂપ છું. એ પરમાત્મા કેવા છે ? તો સંતે કહ્યું કે એ સત્યરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, આનંદમય છે, મંગલ છે, સુંદરતાની મૂત છે, પ્રેમમય છે, સમસ્ત સંસારમાં વ્યાપક છે, સર્વજ્ઞા છે તથા સર્વસમર્થ છે, માયાના અધીશ્વર ને મૃત્યુંજય છે, નિર્ભય છે, શોક તથા મોહથી રહિત છે અને સર્વોત્તમ છે. એ પરમાત્મા એટલે જ 'સોઅહમ' છે અથવા હું જ છું. એટલે સમસ્ત ભારતીય સાધનાનો નિષ્કર્ષ અથવા તો ભારતીય તત્વજ્ઞાનનો આત્મા સોઅહમમાં સમાઈ ગયો છે, અને ઓમ એનું મિતાક્ષરી, સંક્ષિપ્ત રૂપ છે. ઓમની અંદર ભારતના વૈદિક કાળના મહાપુરૂષોની સમસ્ત તાત્વિક વિચારધારા સમાયેલી છે, યુગોની અંતરંગ સાધના સાકાર બનેલી છે અને તેમની જ્ઞાનદ્રષ્ટિ આવિર્ભાવ પામી છે. ઓમ ના એક જ મંત્રમાં ભારતીય સાધનાનું હૃદય અકલ્પ્ય રીતે ધડકી રહ્યું છે, ભારતીય વિચારધારા ચતુ:સીમાએ પહોંચી છે, તેની કલ્પના આટલા વિચારવિમર્શ પછી સહેજે આવી શકશે. ઓમમંત્રને ભારતીય તત્વજ્ઞાનના પ્રતિનિધિ તરીકે સ્વીકારવામાં કોઈ પણ પ્રકારની ભૂલ કરી નથી, તેની પ્રતીતિ પણ આટલા પરથી દરેકને સહેલાઈથી થઈ શકશે.'

સતત, નિયમિત, ચોક્કસ સમયે, રોજ જો ઓમ નો ઉચ્ચાર કરવામાં આવે, એનું રટણ કરવામાં આવે કે ઈષ્ટદેવના નામની આગળ ઓમ લગાવવામાં આવે ત્યારે સાધક જલ્દી ધ્યાન અવસ્થામાં પહોંચી શકે છે. ઓમ બોલવાની સાથે વ્યક્તિ દુનિયાથી અલિપ્ત થઈ જાય છે અને અંદરની સફર શરૂ થાય છે. થોડો સમય ઓમકારનું રટણ કરીએ તો આંખ ખોલવી જ ના ગમે. એ જે દુનિયામાં થોડી ક્ષણો માટે હતા તે ખૂબ ગમવા લાગે છે અને એમ કરતાં કરતાં ધ્યાનનો સમય વધતો જાય છે. ઓમ નો પ્રભાવ શબ્દોમાં વર્ણવી ન શકાય. પરંતુ ખરેખર તો આ અનુભૂતિનો વિષય છે. રોજ માત્ર ૧૦ મિનિટ ઓમકારનું રટણ કરીશું તો ઘણી બધી ઇશ્વરીય ચેતના આપણામાં પ્રવેશ કરે છે. સંપૂર્ણ માનસિકતા અને બુદ્ધિજન્યતા, વિચારો અને શબ્દો બધું શમી જાય અને ઊંડી શાંતિ અનુભવ્યા બાદ જે અસામાન્ય સૂક્ષ્મ કંપન શેષ રહી જાય તેને આ દેશે ઓમ તરીકે ઓળખ્યો છે.

યોગ્ય રીતે કરેલી ઓમકારની સાધના પરમ સાથે નાતો બંધાવવા સક્ષમ છે. ઓમકારની સાધના કરવા માટે સ્વસ્થ ચિત્તે શાન્ત સીધા બેસી, હોઠ બંધ રાખી, જીભને તાળવા સાથે ચોંટાડી ઓમકારનો નાદ શરૂ કરો. આ નાદના ગુંજારવને હોઠ બંધ રાખી એટલો બુલંદ બનાવો કે જેથી બહાર પણ સાંભળી શકાય. આમ સતત કરવા રહેવાથી સાધનામાં ક્રમશ: પ્રગતિ થશે અને સાધનાની એક એવી સ્થિતિ આવશે જ્યારે તમે સાધનાની સ્થિતિમાં મસ્ત બની જશો અને મન તેમજ શરીર સ્વસ્થ બની જશે. ઓમકારના ગુંજારવથી ભીતર અમૃત ઝરવાનો મીઠો અનુભવ થશે. સંગીતની પોતાની આગવી અને અનોખી સુરા છે. ભીતર ઓમકારનો નાદ ગુંજવાથી તમે મદમસ્ત બની સ્ફુતથી ભરપુર બની જશો. અને આમ આ પ્રકારની સાધનામાં ઓમકારનો ધ્વનિ કરતા રહેવાથી એક સ્થિતિ એવી આવશે જ્યારે આપણી ઓમકારની ધૂનની સાથે સાથે બીજી પણ એક આંતરિક ધૂન પેદા થશે. આ આંતરિક ધૂન અદભૂત હશે. આ સ્થિતિ આવતાં આપણી બાહ્ય ધૂન શાંત થઈ જશે અને આપણે આંતરિક ધૂનને શ્રોતા બની સાંભળી રહ્યા હોઇશું. આ સ્થિતિમાં અંદર રોમે રોમમાં પ્રકાશ છવાઈ જશે, અંધકાર દૂર થઇ જશે અને આપણે ઓમકારના અમૃતને માણતા માણતા મહા સુખની વર્ષામાં ભીંજાવા લાગીશું, પરમ તત્વનો અનુભવ કરવા લાગીશું. આ એક અતુલનીય અને અવર્ણનીય સ્થિતિ હશે.

ભારતીય આધ્યાત્મ જગતનું રહસ્ય ઓમકારમાં સમાઈ જાય છે. ઓમકારને એક શબ્દ તરીકે ઓળખવવો કે વર્ણવવો એક ભૂલ છે, કારણ કે ઓમકાર કોઈ શબ્દ નથી, કારણ કે દરેક શબ્દનો અર્થ હોય છે. જ્યારે ઓમકારને કોઈ શબ્દ ગણીએ તો તેનો અર્થ ન સમજાય. તે તો માત્ર એક શુધ્ધ ધ્વનિ છે. જો કે તેને એક ધ્વનિ કહેવો પણ એક લાચારી કે આપની સમજવાની મર્યાદા છે. કોઈ પણ ધ્વનિ પેદા કરવા માટે બે વસ્તુને ટકરાવવું પડે, જ્યારે ઓમકારના ધ્વનિને પેદા કરવા આવું કરવાની જરૂરીયાત જ નથી રહેતી. ઓમકાર અનાહદ નાદ છે જે કોઈ પણ જાતના ટકરાવ કે આઘાત વિના પેદા થયેલ નાદ - ધ્વનિ છે.

ઓમને અનાહતનાદ-અંતર્ધ્વનિ કહે છે, જે પ્રત્યેક વ્યક્તિની ભીતર અને આ બ્રહ્માંડમાં સતત ગૂંજ્યા કરે છે. આ શબ્દનો મહિમા અવ્યક્ત છે. ઓમ નાભિ, હૃદય અને આજ્ઞાચક્રને જગાડે છે. આને પ્રણવ સાધના પણ કહી શકાય છે. તેના અનેક ચમત્કારો છે. આપના શાોના પ્રત્યેક મંત્ર પહેલા તેનું ઉચ્ચારણ કરવામાં આવે છે. યોગ સાધનામાં તેનું વધારે મહત્વ છે. તેના સતત ઉચ્ચારણથી અનહદ નાદને જગાડી શકાય છે. વ્યર્થ માનસિક દ્વંદ્વ, તણાવ અને નકારાત્મક વિચારો દૂર થાય ત્યારે મનની શક્તિમાં વધારો થાય છે. મનની શક્તિ વધવાથી સંકલ્પ અને આત્મવિશ્વાસ વધે છે. સંમોહન સાધકો માટે આના સતત જાપ લાભદાયક છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, 'સંપૂર્ણ વેદોમાં પ્રણવ એટલે કે ઓમ - ઓમકાર હું છું.' ઓમ બધા જ મંત્રોનો અને વેદોનો સાર છે, અર્ક છે. ઓમ માં અખિલ બ્રહ્માંડ અને સમગ્ર વિશ્વ સમાવિષ્ઠ છે. પ્રવણ મંત્ર ઓમ - ઓમ આદિ મંત્ર છે, બીજ મંત્ર છે. એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું હતું ત્યારે એક ગેબી અવાજ પેદા થયો હતો. આ ગેબી અવાજ ઓમકારનો હતો. એવું પણ કહેવાય છે કે આ ગેબી અવાજમાંથી જ સૃષ્ટિનું સર્જન થયું છે. પ્રણવનો અર્થ સૃષ્ટિનું સર્જન એવો પણ થાય છે. ઓમ -ના ૧૦૦૦ અર્થ કરવામાં આવ્યા છે. અનેક મહાપુરુષોએ આ અંગે તેમની ટિપણી કરી છે. આ ૧૦૦૦ અર્થો પૈકી ભારતના અર્વાચિન ષિ અને પ્રજ્ઞા પુરુષ શ્રી વિનોબા ભાવેએ કરેલ અર્થઘટન અંગેની ટિપણી સમજવા જેવી છે. તેમના કહેવા પ્રમાણે સંસ્કૃત શબ્દ ઓમ અને લેટીન શબ્દ સહી એક જ ધાતુમાંથી આવે છે, જેનો અર્થ સર્વ થાય છે. આ બંને શબ્દો સર્વજ્ઞા, સર્વત્ર અને સમર્થ - સર્વ શક્તિમાન એવો નિર્દેશ કરે છે.

ઇતિ...

જે કણની કિંમત જાણે છે તે ધનવાન છે અને જે ક્ષણની કિંમત જાણે છે તે વિદ્વાન છે!

- અજ્ઞાત


Google NewsGoogle News