mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ઊમકવિતાના શિખર પર બિરાજમાન સર્વશ્રેષ્ઠ કવિ

Updated: Oct 16th, 2023

ઊમકવિતાના શિખર પર બિરાજમાન સર્વશ્રેષ્ઠ કવિ 1 - image


- અંતર- રક્ષા શુક્લ

બધા ધર્મગ્રંથો વિગતવાર વાંચો.

મળે ના સમય તો ફકત સાર વાંચો.

ખમીરી ખુમારી હતી ખોરડે શું!

સમજવા એ સૌરાષ્ટ્ર રસધાર વાંચો.

વજન તો નથી પણ છતાં ભાર લાગે,

ઉપાધિના કેવા છે આકાર વાંચો.

લખે કેટલાં દર્દને શોખ ખાતિર,

હશે પ્રીતમાં એનો રણકાર વાંચો.

સમર્પણ શહીદી ને સંસ્કાર શું છે!

પરખવા એ ભારતની હર નાર વાંચો.

                   -પાયલ ઉનડકટ

વિલાયતના જગ વિખ્યાત કવિ, જ્હોન કીટ્સ માત્ર ૨૬ વર્ષની વયે મૃત્યુ પામ્યા તો એટલી જ નાની ઉમરે કવિ કલાપીજી એ પણ દેહ છોડયો. મહાન વિભૂતિઓ સાથે આમ જ બનતું હોય છે ! કવિ રાવજી પટેલ  પણ ભરયુવાનીમાં મૃત્યુ પામ્યા હતા. ગાંધીજીએ લતા મંગેશકરને 'ભારતની કોકિલા' તરીકે સંબોધ્યા હતા. અહીં ગાંધીજીએ જાણે અંગ્રેજી પરંપરાનું જાળવી હતી. જેને સાહિત્ય અને કવિતામાં 'નાઇટિંગેલ' પંખી સાથે સંબંધ છે. અંગ્રેજીની રોમેન્ટિક પરંપરાના કવિઓ આ મધુર અવાજવાળા પંખી પ્રત્યે ખૂબ જ આકષત થયા છે હતા અને તેમાં પણ જ્હોન કીટ્સની કવિતા 'ઓડ ટુ અ નાઇટિંગેલ' ક્લાસિકનો દરજ્જો ધરાવે છે. આ એ પંક્તિઓ છે જે લતાના અવિસ્મરણીય સૂરોથી તરબતર થયેલ  હૃદયવાળા ભારતીય માનસને સમજાવે છે. ૧૮મી સદીનો આ કવિ કીટ્સ લખે છે કે... 

Thou was not born for death,

immortal Bird !

No hungry generations 

tread thee down;

સમર્થ નિબંધલેખક અને વિવેચક વિલિયમ હેઝલીટ અંગ્રેજી ભાષાના મહાન સાહિત્યકાર હતા. તેઓ એક એવા માણસ હતા જેની તેના જીવનકાળ દરમિયાન કોઈએ કદર કરી નહીં, પણ તેનામાં એક આભિજાત્ય શાલીનતા હોવાથી બીજા સર્જકોની કદર કરવામાં મુદ્દલ પણ પાછા પડતા નહીં. જ્હોન કીટ્સને કોઈ માન્યતા આપતું નહોતું. વિવેચકો તેને ઉતારી પાડતા હતા ત્યારે હેઝલીટે કીટ્સની બરાબર કિંમત કરી. કવિ વર્ડ્ઝવર્થ સાથે હેઝલીટને ગંભીર મતભેદો હતા છતાં તેની કવિ તરીકેની યોગ્યતાને તેણે બરાબર સન્માન આપ્યું હતું.

સાદગીમાંથી કંઇક અદ્ભુત ચમત્કાર વર્ડ્ઝવર્થ નિપજાવી શકે છે. બધા કવિઓમાં વધતે-ઓછે અંશે એ તાકાત હોય છે, પણ હૃદયમાં ગોપાયેલી સંવેદનાની તીવ્રતા કે મંદતાથી પ્રકૃતિને શબ્દોમાં ઢાળતા કાં તેમાં વહી જવાય છે કે કાં પાછળ રહી જવાય છે. શેલિને વાંચીશું તો તે બધેજ નાયગરાના ધોધમાં જ ઘસડાતો માલુમ પડશે. ત્યારે વર્ડ્ઝવર્થ એક જ સ્થાને ઊભો રહેલો દેખાય છે, ધોળા વાળમાં પડેલી લીસ્સી ટાલ પર હાથ ફેરવતો, માથું નીચું નમાવીને ઉભેલો દેખાય છે. એ એક જ મહાત્મા છે. જે True to nature  છે. 'કહેવાનું તો કહી જવું' એ નિર્ણય પર જ્યારે વર્ડ્ઝવર્થ આવે છે ત્યારે તે કોઇમાં નથી દેખાતું એવું એ પેદા કરી શકે છે. કુદરત જરા સરખી પણ કઠોરતા સહન ન કરી શકે એવું એ માને છે. વર્ડઝવર્થ, શેલી, કીટ્સ વગેરેની રોમાન્ટિક કવિતા-પરંપરાથી પ્રભાવિત કલાપીએ તે કવિઓનાં કેટલાંક કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો અને અનુવાદો પણ કર્યા છે. પરંતુ કલાપીનો પ્રિય કવિ તો વર્ડઝવર્થ જ હતો. એટલે જ એની શૈલીથી કેટલાક કાવ્યો રચવા કલાપીએ પ્રયત્ન કર્યાેે હતો. વર્ડ્ઝવર્થના 'વટેમાર્ગુ' જેવો જ કલાપીનો 'ટેલિયો' છે. કલાપીને 'ટેલિયા'થી અસંતોષ હતો તેનું વિશેષ કારણ એની વર્ડ્ઝવર્થ ઉપરની આસક્તિ હતી. તેણે આ કવિનો એટલો અભ્યાસ કરેલો કે પછી તો એ વર્ડ્ઝવર્થના ભક્ત બની ગયા. તેને લાગ્યું કે પોતે વર્ડ્ઝવર્થની મૂળ કવિતા લઈ એનો ભવ્ય ભાષામાં સાદો પણ મૂળ જેટલો જ વેધક અને સંપૂર્ણ સળંગ અનુવાદ કરી શકે તો જ કંઈક સંતોષ મળે.  

ઇ.સ. ૧૭૮૦ થી ૧૮૩૦ની અર્ધી સદીના સમયગાળામાં એક નવો ટ્રેન્ડ આવ્યો કે જે રોમેન્ટિસિઝમ તરીકે ઓળખાયો. રોમેન્ટિક યુગ તરીકે ઓળખાતી આ અઢારમી સદીમાં પ્રકૃતિ એક સ્વતંત્ર વિષય તરીકે કવિતામાં વણાવા લાગી. જેમાં સર્જકો લાગણીશીલતા, ઊમલતા, ઉદાસીનતા, નિરાશા, ઉન્માદ અને કંઈક અંશે વેવલાપણાને પ્રાધાન્ય આપતા. કવિ વર્ડઝવર્થ ખૂબ સંવેદનશીલ હતા. એમને લાગતું કે સુંદર, સુગંધી ફૂલ લજ્જાશીલ તથા નમ્ર હોય છે. એણે માનવતામાં ખૂબ મોટી આશાઓ રાખેલી પણ એ આશા નિષ્ફળ નીવડતા તેઓ નિરાશ થયા. એ કહેતા કે એક સારા માણસના જીવનનો સૌથી સારો હિસ્સો એણે નામ વગર કરેલા કરુણા અને પ્રેમના નાના નાના કામો છે. નિરંજન ભગત કવિ અને કવિતા વિશે જે સુંદર ભૂમિકા બાંધેે છે જે અદ્વિતીય છે કે 'પુનરુત્થાન પછીના અર્વાચીન યુગમાં જગતસાહિત્યમાં નાટયાત્મક કવિતામાં સર્વશ્રેષ્ઠ કવિ છે શેક્સપીયર, કથાનાત્મક કવિતામાં સર્વશ્રેષ્ઠ કવિ છે મિલ્ટન અને ઊમકવિતામાં સર્વશ્રેષ્ઠ કવિ છે વર્ડ્ઝવર્થ'. અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં રોમેન્ટિક યુગમાં વર્ડ્ઝવર્થના કારણે પ્રકૃતિના લથબથ સૌદર્ય અને નિર્દોેષ, સાલસ લોકોથી ભરેલા ગ્રામ પ્રદેશનો મહિમા થયો. જેમ હિન્દુસ્તાનમાં ગાંધીજીના કારણે પ્રથમવાર જ ગ્રામપ્રદેશના તીરસ્કૃતો, નિર્ધનો અને નિરક્ષરોનો મહિમા થયો. 'ધ પ્રિલ્યુડ' અને 'લિરિકલ બેલડ્ઝ'માં વર્ડ્ઝવર્થે ગામડાના મનોહર દ્રશ્યો વર્ણવ્યા છે. કોલરીજના માત્ર ચાર કાવ્યો સાથેના ૧૭૭૮માં પ્રકાશિત થયેલ 'લિરિકલ બેલડ્ઝ'ને અંગ્રેજી સાહિત્યમાં રોમેન્ટિક ચળવળની શરૂઆત માટે નોંધપાત્ર ગણવામાં આવે છે. કોલરિજ અને વર્ડ્ઝવર્થ એકબીજાના ખાસ મિત્રો હતા. અઢારમી સદીની અત્યંત બનાવટી, દંભી અને અપરિપક્વ કવિતાને વર્ડ્ઝવર્થ અને કોલરિજે કવિતાના માધ્યમ દ્વારા રોજબરોજની સરળ ભાષામાં લખીને સામાન્ય માણસ સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. તેઓએ વાસ્તવિકતાને વ્યક્ત કરવા માટે ગરીબો દ્વારા વપરાતી ભાષાની જીવંત સચ્ચાઈ પર ભાર મૂક્યો. આ ભાષા માનવીય લાગણીઓની સર્વવ્યાપકતાને પણ સચોટ રીતે વ્યક્ત કરે છે. વર્ડ્ઝવર્થ કહેતા કે કુદરતમાં જે કૈ સુંદર અને સુમેળભર્યું  છે એને નિહાળવું એ ઈશ્વરના પ્રાગટયને જોવા બરાબર છે. સુંદર, સુગંધી નમેલું ફૂલ એમને લજ્જાશીલ અને નમ્ર લાગતું. વર્ડ્ઝવર્થ શાંત નદી માફક વહીને સાદાઈમાં પણ અદભૂત ચમત્કાર સર્જીશકે છે. બુદ્ધિ વર્ડ્ઝવર્થને દખલગીરી કરનારી લાગે છે એ માને છે કે બુદ્ધિ આકારને વિકૃત કરે છે. પૃથક્કરણ કરનારા હત્યારાઓ જ હોય છે. જો કે વર્ડ્ઝવર્થની આવી માન્યતાઓે તે એના ઉગ્ર પૂર્વગ્રહોને જ પ્રગટ કરે છે, સત્યને નહીં. 

વર્ડ્ઝવર્થના ઘણા કાવ્યો લાંબા છે. કારણ કે તેના માટે કુદરતનું વર્ણન બીજી ઘટનાઓ જેટલું જ મહત્વનું છે. જેમાં શાંતરસનાં પ્રાધાન્ય હોય છે. કુદરતની ધબકતી અનંત હસ્તી પાસે માનવ એને વહેંતિયો, શુદ્ર જંતુ સમાન લાગે છે. આ કવિએ આજથી વર્ષોે પહેલાં લખેલું કે આપણા તમામની પીડા ચીરકાળ ચાલનારી છે. બીજાને ન દેખાય તેવી એ પીડા કુદરત જેમ અનંત છે. માણસ થોડું સહન પણ કરે છે. પણ એ જ કુદરતની અમીનજરથી એ બેઠો એ થાય છે. સાર્ત્ર પ્રકૃતિને આપણા પરત્વે સાવ ઉદાસીન કહીને વર્ણવે છે અને કહે છે કે આપણાં સુખ-દુઃખ સાથે એને કશી લેવાદેવા નથી. વર્ડ્ઝવર્થ પ્રકૃતિથી વિચ્છિન્ન થતા જતા માનવી વિશે ચિન્તા પ્રગટ કરે છે, સાર્ત્ર એ પરિસ્થિતિને સ્વીકારી લેવાનું કહે છે. એ કહે છે કે જો જીવનપથ પર ચાલતા માણસની આંખ લીલુડી ધરતીના અનુપમ સૌદર્યની નોંધ પણ ન લે તો એનો માંહ્યલો લાગણીશૂન્ય જ હોવો જોઈએ. એની આંખો આડે કોઈ પડળ હોવો જોઈએ.     

Earth hath not anything to show more fair:

Dull would he be of soul 

who could pass by

A sight so touching 

in its majesty:

This City now doth, 

like a garment, wear.

'ધ ડેફોડિલ્સ' કાવ્યમાં કવિ મેઘધનુષ જોઇને એવા પુલકિત થાય છે કે એ ચિરકાળ સુધી, બલ્કે મૃત્યુ સુધી એ આનંદ તાકી રહે તેવું ઈચ્છે છે. એના જાણીતા વિધાન  ‘The Child is father of the Man' દ્વારા એ કહે છે કે બાળપણમાં માણસને કોઈ અલૌકિક ખુશી આપનારો અનુભવ જ એની પુખ્ત ઉંમરને આકારે છે. એ રીતે બાળકને માણસનો પિતા ગણાવી શકાય. 'મીઠી માથે ભાત' શ્રી વિઠ્ઠલરાય આવસત્થીનું ખુબ જાણીતું કાવ્ય છે જે આપણે બાળપણમાં ભણેલા. જેમાં શિયાળાની ઠંડીમાં સીમમાં પિતાને ભાત દેવા જતી દીકરી મીઠીને વાઘ ફાડી ખાય છે. આ કાવ્યનું અને અંગ્રેજ કવિ વર્ડ્ઝવર્થના કાવ્ય ‘Lucy Grey'નું વિષયવસ્તુ સમાન છે. બહાર ગયેલી માને બરફના તોફાનમાં મદદ કરવા માટે હાથમાં ફાનસ લઈને લ્યુસી નીકળી પડે છે અને આપણી મીઠીની જેમ ક્યારેય ઘરે પાછી ફરતી નથી. વર્ડ્ઝવર્થને ટોળાબંધ ડેફોડિલ્સને જોઇને જે અનુભવ થયો એ એટલો અદભૂત હતો જે પછીથી નિતાંત શાંતિની પળોમાં ઉભરાઈને મનની સપાટી પર આવે છે જેમાં શબ્દો પરોવાઈને 'ધ ડેફોડિલ્સ' જેવું કાવ્ય રચાય છે. કવિતાની વ્યાખ્યા વિચારીએ ત્યારે વર્ડ્ઝવર્થ પહેલા સામે આવે જેણે કહ્યું કે ‘Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquility’. 

શબાના આઝમી જ્યારે કોન્વેન્ટ સ્કૂલમાં જતા ત્યારે કુર્તા પહેરનાર પિતા કૈફી આઝમી એના 'પિતા' નામના કોન્સેપ્ટમાં ફીટ નહોતા બેસતા. પછીથી જ્યારે એનો વિકાસ થતો ગયો અને જ્યારે વિલિયમ વર્ડ્ઝવર્થ જેવા કવિ વિષે જાણ્યું ત્યારે શબાનાને સમજાયું કે એના પિતા શું હતા અને પિતા કંઈક સૌથી અલગ હતા. પછી એને પિતા તરફ ખૂબ માન થયું. વોકીંગનાં પ્રખર હિમાયતી કવિ વિલિયમ વર્ડ્ઝવર્થ તેની આખી જિંદગીમાં લગભગ ૧૭૫૦૦૦ માઈલ ચાલેલા. બેસીને લખવાના 'ગુના' (પાપ) ને બદલે તેઓ શરીરને ચાલવાની શિક્ષા કરતા. કવિ વિલિયમ વર્ડ્ઝવર્થ કહેતા કે કવિતાઓ તો ચાલતાં ચાલતાં મારા મગજમાં લખાઈ જતી. ચાલુ ત્યારે કવિતા જલ્દી સ્ફુરતી. આ મહાકવિનું નીચેનું ક્વોટને મમળાવવા જેવું છે...

'મારા પિતા ખરું કહેતા હતા' એવું માણસને જ્ઞાાન થાય છે ત્યાં સુધીમાં તો એનો દીકરો એવું વિચારતો થઈ ગયો હોય છે કે ''મારા પિતા ખોટા છે''

અઢારમી સદીના અગ્રગણ્ય કવિ વિલિયમ વર્ડઝવર્થના પૌત્ર ડા. વર્ડ્ઝવર્થ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં પ્રિન્સિપાલ હતા. તેઓ તેમના મહાન દાદા જેવા જ સાહિત્યપ્રેમી હતા. ગુજરાતી ભાષાના સાહિત્યસર્જનને હંમેશા પ્રોત્સાહન આપતા. ગુજરાતના કેટલાયે બુદ્ધિમાન વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે એલ્ફિસ્ટન કાલેજમાં જોડાયા અને સાક્ષર બની ઘડાયા. મણિલાલ રતનજી ભટ્ટ, રમણભાઈ મહીપતરામ નીલકંઠ, મણિલાલ દ્વિવેદી વગેરે પ્રિન્સીપાલ વર્ડ્ઝવર્થના પ્રીતિપાત્ર હતા જેમના સાહિત્યરસને એમણે પોષ્યો હતો.

Gujarat