Get The App

ઠંડીની ઋતુમાં અભ્યંગનો મહિમા અનેરો .

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
ઠંડીની ઋતુમાં અભ્યંગનો મહિમા અનેરો                          . 1 - image


- ઠંડીની ઋતુમાં ત્વચા શુષ્ક થઈ જતી હોવાથી તેલ માલીશ ચામડીને સુંવાળી રાખવામાં મદદ કરે છે. સાથે સાથે રક્ત પરિભ્રમણ પણ ઝડપી બનાવે છે. આયુર્વેદમાં માલીશને અભ્યંગ કહે છે. વાસ્તવમાં દેશી ચિકિત્સા પધ્ધતિ આયુર્વેદમાં અભ્યંગનો અનેરો મહિમા વર્ણવવામાં આવ્યો છે.  એટલે સુધી કે પંચકર્મનો ફાયદો પણ ત્યારે જ થાય જ્યારે તેનાથી પહેલા માલીશ કરાવવામાં આવે. 

શિયાળો એટલે માલીશ કરાવવા કે કરવા માટેની શ્રેષ્ઠ ઋતુ. આ મોસમમાં ત્વચા શુષ્ક થઈ જતી હોવાથી તેલ માલીશ ચામડીને સુંવાળી રાખવામાં મદદ કરે છે. સાથે સાથે રક્ત પરિભ્રમણ પણ ઝડપી બનાવે છે. આયુર્વેદમાં માલીશને અભ્યંગ કહે છે. વાસ્તવમાં દેશી ચિકિત્સા પધ્ધતિ આયુર્વેદમાં અભ્યંગનો અનેરો મહિમા વર્ણવવામાં આવ્યો છે. એમ કહેવાય છે કે નિયમિત રીતે માલીશ કરવા/કરાવવાથી સંખ્યાબંધ વ્યાધિઓમાં રાહત મળે છે. એટલે સુધી કે પંચકર્મનો ફાયદો પણ ત્યારે જ થાય જ્યારે તેનાથી પહેલા માલીશ કરાવવામાં આવે. જોકે અહીં પ્રશ્ન એ છે કે અભ્યંગ માટે ક્યું તેલ ઉપયોગમાં લેવું જોઈએ? તેના સિવાય માલીશ ક્યારે કરવી અને ક્યારે નહીં, કેટલા સમય સુધી કરવી, તેનાથી ખરેખર ફાયદો થાય ખરો, આધુનિક વિજ્ઞાાન માલીશમાં માને છે કે કેમ જેવા પ્રશ્નોના ઉત્તરો પણ મેળવવા રહ્યાં. આજે આપણે અભ્યંગ વિશે થોડી જાણકારી મેળવીશું.

અભ્યંગના પ્રકાર :

સર્વાંગ અભ્યંગ : સર્વાંગ અભ્યંગ એટલે સમગ્ર શરીરની હળવા હાથે થતી માલીશ. આ માલીશમાં હળવા હાથે અથવા હળવા કરતાં સહેજ વધુ દબાણ આપીને સ્નાયુઓ, સાંધાઓ અને નસો પર તેલથી માલીશ કરવામાં આવે છે.

શિરો અભ્યંગ : માથા પર કરવામાં આવતી માલીશને શિરો અભ્યંગ કહેવામાં આવે છે. માથાના દુખાવા તેમ જ સાઈનસની સમસ્યામાં શિરો અભ્યંગ કારગર નીવડે છે.

શિરોધારા : આ પધ્ધતિમાં તેલ અથવા ઔષધિયુક્ત જળ ધીમે ધીમે માથા પર નાખવામાં આવે છે. માનસિક શાંતિ, તણાવ અને શિરદર્દ, અનિંદ્રા જેવી સમસ્યાઓમાં શિરોધારા ઉત્તમ પરિણામ આપે છે.

એકાંગ અભ્યંગ : આ માલિશ શરીરના કોઈ ખાસ ભાગમાં થતી પીડા અથવા ચોક્કસ અંગ જકડાઈ ગયું હોય ત્યાં કરવામાં આવે છે. જેમ કે ઢીંચણ કે ખભો.

પાદ અભ્યંગ : પગ અને પંજામાં થતો દુખાવો દૂર કરવા માટે પાદ અભ્યંગ કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે આ માલીશ કર્યા પછી સરસ નીંદર આવે છે. બાળકો અને વૃધ્ધોને આ અભ્યંગ સૌથી વધુ પ્રિય છે.

ઉદ્વર્તન અભ્યંગ : આ માલીશ મુખ્યત્વે શરીર પર જામેલી વધારાની ચરબી ઓછી કરીને ત્વચાને સાફ તેમ જ કોમળ બનાવવા માટે કરવામાં આવે છે. તેમાં ત્વચા પર ખાસ પ્રકારના હર્બલ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પાવડર મોટાભાગે ત્રિફળા, ચંદન, નાગરમોથા, સૂંઠ ઇત્યાદિ ભેળવીને બનાવવામાં આવે છે. આ અભ્યંગ રક્ત પરિભ્રમણ ઝડપી બનાવવા સાથે કફ દોષ અને ત્વચાની સમસ્યા દૂર કરે છે.

પિંડ સ્વેટ : આ અભ્યંગમાં ઔષધિય છોડો અથવા અન્ય સામગ્રીનો (ચોખા, મેથી, સહજનના પાંદડા ઇત્યાદિ) ઉપયોગ કરીને શરીરની માલીશ કરવામાં આવે છે.

નસ્ય : નાક વાટે તલનું તેલ, જટામાંસી ઇત્યાદિ લેવાની પ્રક્રિયા નસ્ય તરીકે ઓળખાય છે. માથાના દુખાવા, સાઇનસ, નાક સાથે સંકળાયેલી અન્ય સમસ્યાઓમાં આ ઈલાજ ખપ લાગે છે.

ગર્ભ અભ્યંગ : આ માલીશ માત્ર નિષ્ણાત વ્યક્તિ દ્વારા ગર્ભવતી મહિલાઓને કરવામાં આવે છે. વિશેષ તેલોથી કરવામાં આવતી આ માલીશ ગર્ભાવસ્થા દરમિયાન તેમ જ પ્રસૂતિ પછી શરીરને હળવું બનાવવા, શારીરિક પીડા દૂર કરવામાં કારગર પુરવાર થાય છે. તેનાથી ગર્ભસ્થ શિશુનો પણ યોગ્ય વિકાસ થાય છે.

નવજાત શિશુની માલીશ : તદ્દન હળવા હાથે કરવામાં આવતી આ માલીશ નવજાત શિશુઓની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, ત્વચાને પોષણ આપવામાં, શિશુનો યોગ્ય વિકાસ કરવામાં મદદગાર પુરવાર થાય છે. મોટાભાગના લોકો નવજાત શિશુઓને દરરોજ માલીશ કરે છે.

પ્રસવોત્તર અભ્યંગ : પ્રસૂતિ પછી જે તે મહિલાનું સ્વાસ્થ્ય પાછું મેળવવા માટે અભ્યંગ જરૂરી બની જાય છે. શિશુના જન્મ પછી જે મહિલાઓ નિયમિત રીતે માલીશ કરાવે તેમનો વાત દોષ દૂર થાય છે. સ્નાયુઓ મજબૂત બને છે અને ત્વચા પણ ટાઈટ થાય છે.

હવે અહીં એ પ્રશ્ન થવો સહજ છે કે માલીશ કરવા ક્યું તેલ ઉપયોગમાં લેવું? આના જવાબમાં નિષ્ણાતો કહે છે કે અભ્યંગ માટે તલ, સરસવ, જૈતુન, કોપરેલ તેલ સદાબહાર ગણાય છે. કોઈપણ ઋતુમાં તલના તેલથી માલીશ કરી શકાય. આ તેલ વાત દોષ દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે શિયાળામાં કરવામાં આવતાં અભ્યંગ માટે સરસવનું તેલ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ તેલ સીધું જ ગરમ કરવાને બદલે ગરમ પાણીમાં રાખીને હુંફાળું કરવું સલાહભર્યું ગણાય છે. કફ દોષમાં સરસવનું તેલ રાહત આપે છે. તેવી જ રીતે જૈતુનનું તેલ પણ ટાઢની મોસમમાં ઉત્તમ મનાય છે. આ તેલ પણ કફ દોષને સંતુલિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે ઊનાળામાં કોપરેલ તેલની માલીશ સારી માનવામાં આવે છે. આ તેલ પિત્ત દોષ સંતુલિત કરે છે. આ સદાબહાર તેલો સિવાય કેટલાંક ઔષધિય તેલો પણ અભ્યંગ માટે ઉપયોગમાં લેવાય છે. ચોક્કસ પ્રકારના ઔષધિયુક્ત તેલ ચોક્કસ ઈલાજ માટે ખપ લાગે છે. જોકે ઔષધિય તેલોનો ઉપયોગ તજજ્ઞાની સલાહ લીધા પછી જ કરવો જોઈએ.

બલા તેલ : આ તેલમાં બલા નામની ઔષધિનો ઉપયોગ કરવામાં આવે છે. તે વાત અને કફને સંતુલિત કરે છે. આ તેલ સ્નાયુઓ મજબૂત બનાવે છે જેથી થાક દૂર થાય છે, સાંધાના દુખાવામાં રાહત આપે છે. બાળકોના વિકાસમાં પણ બલા તેલ મહત્વનો ભાગ ભજવે છે.

અશ્વગંધા તેલ : અશ્વગંધા અત્યંત શક્તિશાળી આયુર્વેદિક ઔષધિ છે અશ્વગંધા તેલની માલીશ માનસિક તાણ, ચિંતા, થાક હરનારી અને સ્નાયુઓને શક્તિ પ્રદાન કરનારી માનવામાં આવી છે.

સૈંધવાદી તેલ : આ આયુર્વેદિક તેલ ખાસ કરીને સિંધવ નમક, તલના તેલ તેમ જ અન્ય કેટલીક ઔષધિઓ ભેળવીને બનાવવામાં આવે છે. આ વાતનાશક તેલ પીડા ઓછી કરવામાં સહાયક બને છે. ખાસ કરીને માંસપેશીઓમાં વળ પડતાં હોય કે તે વારંવાર ખેંચાતી હોય ત્યારે સૈંધવાદિ તેલની માલીશ રાહત આપે છે. નસોનો દુખાવો દૂર કરવામાં પણ આ તેલ કારગર પુરવાર થાય છે.

નારાયણ તેલ : અલગ અલગ જાતની ઔષધિઓના મિશ્રણથી બનાવવામાં આવતું નારાયણ તેલ વાત અને કફ દોષ સંતુલિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેવી જ રીતે સાંધાના દુખાવા, થાક અને ચિંતા હરનારા તેલ તરીકે પણ નારાયણ તેલ જાણીતું છે.

કુમકુમાદિ તેલ : આ આયુર્વેદિક તેલમાં ખાસ કરીને કેસર તેમ જ અન્ય ઔષધિઓ હોય છે જે ત્વચાની સમસ્યાઓ દૂર કરવામાં કારગર નિવડે છે. આ તેલના ઉપયોગથી ત્વચા પરના ડાઘ-ધાબા દૂર થાય છે.

અણુ તેલ : મુખ્યત્વે તલ, અશ્વગંધા, તુલસી, નાગરમોથા ઈત્યાદિનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતું અણુ તેલ માથાની માલીશ માટે શ્રેષ્ઠ મનાય છે. તેનો ઉપયોગ નસ્ય માટે પણ કરવામાં આવે છે.

આયુર્વેદમાં દરેક અંગ માટે અભ્યંગ વિષયક વર્ણન કરવામાં આવ્યું છે. જેમ કે..,

જરહર : વૃધ્ધાવસ્થા આવવામાં વિલંબ કરે છે. એટલે કે આપણે લાંબા સમય સુધી યુવાની જાળવી રાખી શકીએ છીએ.

શ્રમહર : જ્યારે તમે અતિશય થાકી ગયા હો અને થાકને કારણે તમને નીંદર ન આવતી હોય તો માત્ર પગની માલીશ કરવાથી સરસ ઊંઘ આવી જાય છે. વાસ્તવમાં અભ્યંગ શરીરમાં જમા થતાં લેક્ટિક એસિડને ઓછું કરે છે.

વાતહર : શરીરમાં વાતનો પ્રકોપ વધી જાય ત્યારે ત્વચા રૂક્ષ બને છે અને સ્નાયુઓની લવચિકતા પણ અસર પામે છે. પરંતુ અભ્યંગ માત્ર વાતને જ નહીં, કફને સંતુલિત કરે છે.

દ્રષ્ટિ પ્રસાદક : આંખોની રોશની વધારવામાં અભ્યંગ અને શિરોધરા અગત્યનો ભાગ ભજવે છે.

પુષ્ટિકર : શરીરને મજબૂત બનાવવામાં, એટલે કે માંસપેશીઓને શક્તિશાળી તેમ જ લવચિક બનાવવામાં અભ્યંગ ખૂબ કામ આવે છે. અને જ્યારે માંસપેશીઓ લવચિક હોય ત્યારે થાક ઓછો લાગે છે. સાથે સાથે સાંધાનો દુખાવો પણ દૂર થાય છે.

સ્વપ્નાકાર : અભ્યંગ શાંત-ગાઢ નીંદ્રા લાવતું હોવાથી સ્વપ્નાકાર કહેવામાં આવ્યું છે. સારી ઊંઘ લીધા પછી જે તે વ્યક્તિ તાજગી અનુભવે તે સ્વાભાવિક છે.

ત્વકદર્દ્યા : અભ્યંગ ત્વચાને મુલાયમ અને સ્વસ્થ બનાવવામાં કારગર નિવડે છે. ત્વક એટલે ત્વચા અને દર્દ્યા એટલે પીડા. આમ ત્વચામાં થતી પીડા કે વરતાતું અસુખ માલીશ કરવાથી દૂર થાય છે. એટલું જ નહીં, અભ્યંગ કરવાથી શરીરમાં રહેલા વિષારી તત્વો ચામડીના માધ્યમથી બહાર ફેંકાઈ જાય છે અને ત્વચા ચમકી ઉઠે છે.

મૃગવર્ણ બાલપ્રદા : મૃગ એટલે કે હરણ જેવી ચળકતી ત્વચા આપનારું અભ્યંગ.

કલેશ સહત્વ : કલેશ એટલે શરીરને લાગૂ પડતી વિવિધ વ્યાધિઓ. અભ્યંગ શરીરમાં પેદા થતી બીમારીઓ સામે લડવા રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

અભિઘાત સહત્વ : આનો અર્થ એ થયો કે શરીરમાં ક્યાંય ઈજા થાય તેને સહન કરવાની ક્ષમતા વધે. નિયમિત રીતે અભ્યંગ કરાવનારી વ્યક્તિમાં ઈજા સહન કરવાની શક્તિ વધે છે. તે માલીશ ન કરાવતાં લોકો કરતાં વધુ સારી રીતે ઘા ઝીલી શકે છે.

આપણી આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિમાં માલીશ કઈ કઈ રીતે કરાવી શકાય તેનું પણ વ્યવસ્થિત વર્ણન કરવામાં આવ્યું છે. જેમ કે..,

બેસીને : માથા, ગરદન અને ખભાની માલીશ બેસીને કરાવવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે. જો કોઈ વ્યક્તિ અતિશય થાકેલી હોય અને તેના માટે પથારીમાં સુવાનું પણ મુશ્કેલ થઈ પડે ત્યારે બેસીને અભ્યંગ કરાવવાનો વિકલ્પ અપનાવવો.

સુઈને : જ્યારે સમગ્ર શરીરની માલીશ કરવાની હોય ત્યારે સુઈને કરાવવી.

ઊભા રહીને : ઢીંચણ, નળા, થાપા અક્કડ થઈ ગયા હોય ત્યારે ઊભા રહીને માલીશ કરાવવાથી ઝડપી પરિણામ મળે છે.

પડખું ફેરવીને : ગર્ભવતી મહિલા માટે પડખું ફેરવીને માલીશ કરાવવાની પધ્ધતિ સલાહભરી ગણાય.

પગ ફેલાવીને : વાંસા, પેટ અને પગની માલીશ કરવાની હોય ત્યારે આ પોઝિશન સુવિધાજનક રહે છે.

વાંકા વળીને : જ્યારે પીઠના નીચેના હિસ્સામાં અને નિતંબ પર અભ્યંગની જરૂર વરતાય ત્યારે આ સ્થિતિ ઉત્તમ મનાય છે.

જોકે તજજ્ઞાો ચેતવણી ઉચ્ચારતાં કહે છે કે જો શરીરમાં ઈજા થઈ હોય, તાવ આવતો હોય ત્યારે માલીશ કરવાનું ટાળવું. તેવી જ રીતે જમ્યા પછી તરત માલીશ ન કરાવવી. તેઓ વધુમાં કહે છે કે આપણું શરીર વાત, પિત્ત અને કફના સંતુલન પર ટકેલું હોય છે. જો આ ત્રણમાંથી એકમાં પણ દોષ પેદા થાય તો શરીરમાં વ્યાધિ પ્રવેશે છે. પરંતુ નિયમિત અભ્યંગ, ખાસ કરીને ઠંડીની ઋતુમાં માલીશ કરાવવાથી વાત, પિત્ત, કફનું સંતુલન જળવાઈ રહે છે. વળી સવારના સમયમાં માલીશ કરાવ્યા પછી કુણો તડકો લેવાથી અભ્યંગનો લાભ બેવડાઈ જાય છે. તેથી શક્ય હોય તો આ મોસમમાં અભ્યંગ અચૂક કરાવવું.

- વૈશાલી ઠક્કર


Google NewsGoogle News