Get The App

પતંગનો પમરાટ : આકાશને અડવાના અરમાન

Updated: Jan 27th, 2025

GS TEAM


Google News
Google News
પતંગનો પમરાટ : આકાશને અડવાના અરમાન 1 - image


- અંતર - રક્ષા શુક્લ

દીકરી, બહેન, પત્ની, માતા, સાસુ, નણંદ

અહાહા ! કેટકેટલી ઓળખાણો;

ને ખબર નહિ તોય જાણે શું શોધવા નીકળી છે ?? દર્પણની પેલે પાર મથી રહી હતી,

એ પોતાની તલાશમાં,

પણ આ શું ? એણે તો ભાળ્યો,

અસંખ્ય કાચનાં ટુકડાઓમાં વિખરાયેલો અરીસો,

કંઈ કેટલાંય ટુકડાઓમાં નિહાળી રહી છે,

એ પોતાનું પ્રતિબિંબ.

આછી-આછી કરચલીઓ,

ને રાતોની રાતોનાં ઉજાગરાઓએ ભેટ આપેલાં,

આંખ નીચેનાં કાળા કુંડાળા,

ચાલીસી વટાવેલી ફરફરતી વાળની લટો વચ્ચે,

ક્યાંક ડોકાચિયું કાઢવા મથતી એ સફેદી,

થોડીક થાકેલી, થોડીક હારેલી, 

ને તોય સ્વમાનભેર જીવવા ઝઝૂમતી,

એ આશાભરી આંખોને,

તૂટેલાં આ હજારો કાચનાં ટુકડાઓમાં,

હજીય દેખાય છે એનું મૂલ્ય,

એક-એક તૂટેલાં કાચનાં ટુકડાઓમાં,

ઝીલાતું એનું પ્રતિબિંબ,

એને પ્રતીતિ કરાવી રહ્યું છે કે;

અત્યાર સુધીની સફરમાં,

એણે એનું અસ્તિત્વ ખરેખર ટકાવ્યું છે ખરાં? 

હા ! આજે મનોમન સંકલ્પ કરી રહી છે,

કે દર્પણની પેલે પાર જઈ,

એક સ્ત્રીનાં અસ્તિત્વ પર પડેલાં ઉઝરડાંને,

હવે એ આમ દર્પણમાં વિખરાવા નહિ દે.

એના અસ્તિત્વનાં ટુકડાઓ સમેટી લેવા જેટલી સક્ષમતા, 

એટલો આત્મવિશ્વાસ, એ આત્મસન્માન, 

દર્પણની પેલે પારથી સાથે લઈને 

'ઝીલ' આજે પાછી ફરી છે !!

- વૈભવી જોશી 'ઝીલ'

આજના યુગમાં પતંગ રસિયાઓ કાગળના બદલે સૌથી વધારે નાયલોન, પોલિયેસ્ટર કે ફાઇબર ગ્લાસના બનાવેલા પતંગ ખરીદી રહ્યા છે, કારણ કે આવા પતંગ વધારે મજબૂત, ટકાઉ હોય છે જેને વધુ રંગબેરંગી અને આકર્ષક બનાવાય છે. રાતે ઊડાડવામાં આવતા તુક્કલ, ગુબ્બારાનો નઝારો તો અત્યંત નયનરમ્ય લાગે છે. પતંગ ચગાવતા ન આવડે ત્યારે અંદર બેઠેલો વાલિયો લૂટારો જાગી જાય છે અને કપાયેલી પતંગ પાછળ દોટ મૂકીને ભેરુઓને મદદ કરે છે. આમતેમ ઊડતી આવારા, અલ્લડ પતંગને ખબર નથી કે એ ઊડે છે એવું આસમાન બીજું પણ છે. એના જેમ જ ઊડનારી બીજી સેંકડો પતંગ છે. તેની દોરી એક સીમા પછી લાચાર છે. એને પણ એક સમયે કપાઈને નીચે પડતા પતંગને જોવો પડે છે. જો કે નરેન્દ્ર મોદી જીવ અને શિવને પતંગ સાથે જોડતા તેમના પતંગ કાવ્યમાં કહે છે કે કપાયેલી પતંગ પાસે આકાશનો અનુભવ છે, હવાની ગતિ અને દિશાનું જ્ઞાાન છે એ વાત ન ભૂલવી ઘટે.

આપણા તહેવારો આધ્યાત્મિક હોવા સાથે લોકોની આશા અને ઉલ્લાસને મોજ-મસ્તીમાં ઢાળી, જીવનમાં આવેલા સંઘર્ષોને વિસારે પાડીને હયાતીને ઉજવવાનો મોકો આપે છે. શ્વાસની સરગમ પર નૃત્ય કરવા પ્રેરે છે. ઉત્સવો એ જ શીખવે છે કે 'જીવન ચલને કા નામ'. પતંગ શીખવે છે કે સાહસ હોય તો પાંખ ન હોવા છતાં પવન પાવડી પર બેસી દોરી સંગાથે થોડીવાર માટે પણ ઊંચે આકાશમાં ઊડાન ભરી શકાય છે. સૌ જાણે છે કે પતંગસમીએ ઊડાનની કોઈ શાશ્વત ક્ષણ નથી. કોઈક તો એવી પળ આવે છે જ્યારે એણે ગ્રેવીટીના નિયમને માનવો પડે છે. 'હર પતંગ જાનતી હૈ આખિર નીચે આના હૈ, લેકિન ઉસસે પહલે આસમાન કો છૂ કર દિખાના હૈ.' છપ્પનની છાતી તો જીત અને હાર બંનેમાં રાખવી પડે.

વાદળો સાથે રમતા પતંગને ખબર નથી કે વાદળ એનો સાથી નથી. એ જ વાદળ જો એને ભીંજવશે તો એ એની મસ્તીભરી ઊડાનનો એ અંત હશે. સૂરજને મળીને આવતી પતંગ જાણે આંખ માટે દોથો ભરી હૂંફ લાવે છે. તેજ હવામાં ફાટી જતી, હવા વગર નીચે પટકાતી કે પવનમાં ચકરી ખાતી પતંગ જીવનચક્રની ફિલસૂફીનું જાણે બયાન કરે છે કે 'ઘડીમાં ઉપર, ઘડીમાં નીચે, ભાગ્ય સહુનું એવું ફરતું... દુ:ખ ભૂલીને ભાઈ, સુખથી જીવો, નસીબની આ નિશાળે'. આ અવિનાશી અમૃત છે ! હવાની સામે ટક્કર લેતી પતંગને જોઇને લેવીસ મમ્ફોર્ડ કહે છે કે ‘A certain amount of opposition is a great help to a man. Kites rise against, not with, the wind.'

ગુજરાતના લેખક હોય અને ગુજરાતી ફિલ્મ હોય ત્યારે હીરો-હીરોઈન ગરબે ઘુમે જ, પતંગના પેચ લડાવે જ. ગુજરાતી ફિલ્મ એક પ્રેમનો દીવાનો, એક પ્રેમની દીવાની'માં બાઈકસવાર ફિલ્મનો હીરો તેના મોઢા પર ઊડીને વીંટળાઈ જતી ઓઢણીને દૈવી સંકેત માને છે અને અને એટલે જ એક પતંગ પર પોતાના પ્રેમનો સંદેશો લખીને એ પતંગની દોર એક વિશ્વાસ સાથે પોતે જ કાપી નાખે છે કે એ પતંગ પેલી ઓઢણીવાળી પાસે જ પહોંચશે. પછી તો ડાયરેક્ટરની રોમેન્ટિક રૂટીન ફેન્ટસીના પગલે બધું શુભમંગલ. ફિલ્મ 'રઈસ'ના 'ઊડી ઊડી જાય, દિલ કી પતંગ દેખો ઊડી ઊડી જાય' ગીત ખૂબ જાણીતું થયું. વળી શાહરૂખ ખાન જેવા ડાયલોગ પણ ફેંકે કે 'અગર કટને કા ડર હોતા ના, તો પતંગ નહીં ચડાતા, ફિરકી પકડતા.' અને પ્રેક્ષકોની તાળીઓ 'ને વાહ વાહ લૂંટે.' તો જ સુરતની સ્પેશ્યલ દોરીથી શાહરુખ ખાનની આંગળીઓ પર પડેલા કાપા લેખે લાગે ને ! ફિલ્મ 'કટી પતંગ'નું ટાઇટલ ગીત જિંદગીમાં નિરાશ થયેલા માણસને કે પ્રેમીને ખૂબ યાદ આવે. એ ગીતના શબ્દો 'ના કોઈ ઉમંગ હૈ, ના કોઈ તરંગ હૈ, મેરી જિંદગી હૈ ક્યા, એક કટી પતંગ હૈ' આપણી સંવેદનાને જોરદાર રીતે સ્પર્શે છે. જિંદગીમાં અનેક મુશ્કેલીઓની સામે પેચ લડાવવાની હોય ત્યારે આપણું મનોબળ જો મજબૂત હોય તો કોઈની તાકાત નથી કે આપણો પતંગ કોઈ કાપી શકે! દૂર આકાશમાં શાનથી ઊડી રહેલી પતંગની દોર હાથમાં હોય ત્યારે એ પતંગ જોતા દિલમાં અનેરો નશો છવાઈ જતો હોય છે. એવા સમયે 'ભાભી' ફિલ્મનું સદાબહાર ગીત 'ચલી ચલી રે પતંગ મેરી ચલી રે' યાદ આવ્યા વિના ન રહે.

ઘણા પાગલ પતંગરસિયા તો વળી કોઈને મોઢે કંઈ ન કહી શકે તો દિલની ભડાસ ઠાલવવા પતંગને માધ્યમ બનાવી પોતાની લેખનકળાને વિસ્તારે છે. ધરતીને આકાશ સાથે જોડતી આ પતંગ કવિઓને અવનવા સંવેદનો આપે છે. રમેશ પારેખને ઉંચે આભમાં છવાયેલું અફાટ આકાશ એકલવાયું હોવાનો અહેસાસ આપે છે. ઉત્તરાયણમાં ઊડતી રંગબેરંગી પતંગો કવિને મન જાણે આકાશના ઉંબરે પુરાયેલો રંગોનો સાથિયો છે જે તેને ધરતી પર હેલ્લારો ગાતા યૌવન સાથે હેલે ચડવા ઉમળકાભેર ઇજન આપે છે...

'આભ, તને

આ પતંગ રૂપે છે નિમંત્રણ-

નીચે આવી ચાખ ઉમળકો,

ચાખ જુવાની, ચાખ લાગણી

ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ.'

રોહિત શર્મા દિલને જોડનારી પ્રેમની પતંગ વિશે સરસ વાત કહે છે કે ‘Baby, we two are like those kites sometime closer, Sometime fights.. still we love to fly high in the sky tangling in love< until we die !' 

પતંગની આસપાસ વીંટળાઈને આવતી અનેક વાતો ખૂબ રસપ્રદ છે. ઇતિહાસ કહે છે કે ભારતમાં બે ચીની ભાઇઓએ આવીને પતંગની શરૂઆત કરી. અંગ્રેજો અને રાજારજવાડાંઓ સંદેશવાહક તરીકે પતંગનો ઉપયોગ કરતાં હતાં. સંદેશવાહક તરીકે કબૂતરના ઉપયોગ પછીથી પતંગ આવ્યા. અમેરિકામાં તો પતંગચાહકોનું એક એસોસિયેશન પણ છે. પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં જે વિશાળ કદના હેન્ગગ્લાઇડરો બન્યા છે તે પતંગની સુધારેલી આવૃત્તિ જ છે. સ્મશાનમાં આવતી નનામીના વાંસનું રિસાઈકલિંગ એટલે પતંગની કમાનમાં વપરાતી સળીઓ. દેશમાં પતંગનું મ્યુઝિયમ બન્યું હોય તેવું એકમાત્ર પહેલું રાજ્ય ગુજરાત છે. ભારતના સમગ્ર વિસ્તારના વિવિધ પતંગ અહીં પ્રદશત કરાયા છે. પતંગનો ફોટોગ્રાફ્સ સાથેનો અદભુત અને વિસ્તૃત ઇતિહાસ માણવો-જાણવો હોય તો અમદાવાદના પાલડી ખાતે આવેલા આ 'કાઇટ મ્યુઝિયમ'ની મુલાકાત લેવી પડે. રાજકારણમાં કે બીજે કોઈનું પત્તું કપાય ત્યારે 'કોની પતંગ કપાઈ ?' એવું પૂછાતું હોય છે. પતંગનું ગણિત શીખે એ વાયુ સાથે વાતો કરે.  આ દિવસોમાં પતંગ બજાર મોડી રાત સુધી ધમધમતી રહે છે. ઉત્તરાયણના દિવસે પતંગરસિયાઓ આખો દિવસ ટેરેસ પર રહી પતંગોત્સવ માણે છે. ગીત-સંગીતની મોજમાં તરવું, બુમબરાડા અને ચીંચીયારી સાથે ડાંસના ઠુમકા મારવા, તલ, શીંગ કે દાળિયા-મમરાની ચીકી ખાવી, કપાઈને આવેલી પતંગને વાંસથી લૂંટવી.. આ બધા જ ઉત્તરાયણના નોખા નોખા રંગ છે જે આબાલ-વૃદ્ધ સૌને ચડે છે. ઉત્તરાયણની મજા સાથે ઊંધિયું પણ યાદ આવે. શિયાળાના તાજા શાકભાજી સૌને ઊંધિયું ખાવા ઉશ્કેરે છે. મકરસંક્રાંત એટલે સૌ માટે મોજેદરિયા જ એવું નથી. આપણે પતંગ ઉડાડવાની મોજ માણીએ છીએ ત્યારે એ વાત સાવ નથી જાણતા કે પતંગ અને દોરી બનાવનારનું જીવન કેટલું દોહ્યલું હોય છે. પતંગના રંગબેરંગી કાગળ અને દોરી એણે કરેલા કાળા સંઘર્ષને લીધે મેઘધનુષને આંબે છે. મકર સંક્રાંતમાં દાનપુણ્યનું પણ આગવું મહત્વ છે. આ દિવસે ગરીબોને દાન આપવાનો મહિમા છે.

પતંગ ખરેખર મેદાનમાં ઉડાડવામાં આવે તો કોઈને કંઈ હાનિ ન પહોંચે. વિદેશમાં જ્યાં જ્યાં પણ પતંગ ઉડાડવામાં આવે છે ત્યાં મેદાન અને પહાડી વિસ્તાર જ ઉપયોગમાં લેવાય છે. પણ આપણે ભારતમાં તેને શહેરમાં, સોસાયટીમાં, શેરીઓ અને પોળમાં લાવ્યાં. જે અનેક પ્રકારના અકસ્માતોને નોતરે છે. કેટલાય લોકોને મૃત્યુ સુધી ધકેલે છે. અદ્ધર આકાશમાં મુક્ત વિહાર કરતા પંખીઓને કાચ પાયેલી દોરી ખુબ નુકશાન પહોંચાડે છે. ક્યારેક તેની પાંખ કપાય છે ક્યારેક મૃત્યુ પણ પામે છે. ઉત્તરાયણ એક એવો તહેવાર છે જેમાં ગરીબ-અમીર સૌ  કોઇ પણ જાતના ભેદભાવ વિના માત્ર પતંગ અને દોર વડે આકાશમાં ઊડતા હોવાનો નિર્દોષ આનંદ મેળવી શકે છે. વર્તમાન સમય કોરોના કાળ હોવાથી આ આનંદમાં ભંગ પડવાનો સંભવ છે. આ વખતે હવે પતંગ રસિયાઓએ પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે નહીં તો દંડ થશે. પતંગમાં ઢીલ મૂકાશે પણ નિયમોમાં નહીં. અને જો જો હો, પતંગને સેનેટાઈઝ કરવાનું ન ભૂલતા પાછા. 

જલાલપોર તાલુકાના સાગરા ગામના વતની એવા ૭૩ વર્ષના ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર વિઠ્ઠલ દેલવાડીયા ૫૦૧ પતંગો એક જ દોરી ઉપર ઉડાવવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં તેઓ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે. તેઓ એક જ દોરીમાં ૨૦૦ થી ૩૦૦ જેટલા પતંગોની ટ્રેન બનાવીને ઉડાવી જાણે છે. જયપુરના મહારાજાને પતંગનો ભારે શોખ હતો. તેઓ ખાસ દોરી તૈયાર કરાવતા અને અઢી તોલાની સોનાની, ચાંદીની, કાંસાની ઘૂઘરી અને પતંગને ફૂમતે બાંધતા હતા. જેના હાથમાં પતંગ આવે તેને બાર મહિનાની ખાધાખર્ચી નીકળી જતી હતી... જીવનમાં પણ કિસ્મતની પતંગ હાથ લાગી જાય તો....

ઇતિ...

ભવિષ્ય વિશે અનુમાન ન કરો પરંતુ ભવિષ્યનું નિર્માણ કરો. 

- અબ્રાહમ લિંકન

Tags :