પૂરબહારમાં ખિલી છે ક્રોસ ડિઝાઈનના પેન્ડન્ટની ફેશન
- પુરૂષો પણ કામના સ્થળે ઇયરિંગ પહેરી શકે પણ પ્રોફેશનલ લુક જાળવીને
આપણા દેશમાં ટેમ્પલ જ્વેલરીમાં પૌરાણિક મંદિરો અને દેવી-દેવતાઓની આકૃતિઓને અત્યાકર્ષક રીતે ડિઝાઈન કરવામાં આવે છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ, અંબે મૈયા, વિઘ્નહર્તા ગણેશજીના સુવર્ણ તેમ જ હીરા-રત્ન જડિત પેન્ડન્ટ ખૂબ પહેરાય છે. તેવી જ રીતે ઈસુ ખ્રિસ્તમાં શ્રધ્ધા ધરાવનારાઓ ક્રોસનું પેન્ડન્ટ પહેરવાનું પસંદ કરે છે. જોકે આ પ્રકારના પેન્ડન્ટ માત્ર જે તે ભગવાનમાં આસ્થા હોવાના નાતે જ પહેરાય છે એમ માની લેવું ભૂલભર્યું ગણાશે. ખરેખર તો તે ફેશનના ભાગરૂપે મોટા પ્રમાણમાં ધારણ કરાય છે. વર્તમાન ફેશનની વાત કરીએ તો ક્રોસનું પેન્ડન્ટ ખૂબ પસંદ કરાઈ રહ્યું છે. અને તેનો યશ સેલિબ્રિટીઓના ફાળે જાય છે.
વાસ્તવમાં ૮૦ અને ૯૦ના દશકમાં ક્રુસીફિક્સર, એટલે કે રોઝરીઝ અત્યંત લોકપ્રિય હતી. તે વખતે રૉક બેન્ડ બ્લેક સબ્બાથના સભ્યો ક્રોસની ડિઝાઈન ધરાવતાં પેન્ડન્ટ પહેરતાં. તેવી જ રીતે પૉપ સેન્સેશન મડોનાના ૧૯૮૯ના ગીત 'લાઈક અ પ્રેયર'ની લોકપ્રિયતાએ પણ ક્રુસીફિક્સિસ એક્સેસરીને ફેશનની મુખ્ય ધારામાં લઈ આવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અને હવે આટલાં દશક પછી ક્રુસીફિક્સિસ વધુ એક વખત ફેશનનો રાજમાર્ગ સર કરી રહ્યાં છે.
અમેરિકન એન્ટ્રપ્રેન્યર અને રીઆલિટી ટીવી પર્સનાલિટી કિમ કર્દાશિયને હીરાજડિત ક્રુસીફિક્સ પહેરીને આ ડિઝાઈનને મોખરાનું સ્થાન આપી દીધું. પ્રિન્સેસ ડાયનાએ વર્ષ ૧૯૮૭માં આવું પેન્ડન્ટ પહેર્યું હતું. જ્યારે તાજેતરમાં ટીવી પર્સનાલિટી કિમ કર્દિશિયને હીરાજડિત ક્રોસ ડિઝાઈનનું પેન્ડન્ટ પહેરીને લોકોને પ્રિન્સેસ ડાયનાની યાદ અપાવવા સાથે ક્રુસીફિક્સની ફેશન પરત લાવી દીધી. જ્યારે આપણા દેશની વાત કરીએ તો રીઆલિટી ટીવી સેન્સેશન શાલિની પસ્સીએ ક્રોસના પેન્ડન્ટ તેમ જ ઈયરરિંગનો સેટ પહેરીને ગજબનું આકર્ષણ પેદા કર્યું હતું. તેના સિવાય બોલીવૂડમાં અભિનેત્રી કરતાં ફેશનિસ્ટ તરીકે વધુ જાણીતી બનેલી સોનમ કે. આહુજાએ શાટિન ગ્રીન કલરના સ્ટ્રેપલેસ ગાઉન સાથે પોલકી ક્રોસ નેકલેસ ધારણ કરીને લોકોને મોહ પમાડી દીધાં હતાં.
ફેશન ડિઝાઈનરો તેમ જ જ્વેલરી ડિઝાઈનરો ક્રોસ પેન્ડન્ટના પૂરબહારમાં ખિલેલા ટ્રેન્ડનું કારણ આપતાં કહે છે કે આજે આપણે સમયના એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છીએ જ્યાં ચારેકોર નકારાત્મકતાનું સામ્રાજ્ય છવાયેલું છે. આવી સ્થિતિમાં સકારાત્મક ઊર્જા અને ઉજળા ભાવિની આશા સાથે આ પવિત્ર ડિઝાઈનનું પેન્ડન્ટ પહેરવામાં આવે છે.
પુરૂષો પણ કામના સ્થળે ઇયરિંગ પહેરી શકે પણ પ્રોફેશનલ લુક જાળવીને
આપણા દેશમાં ઘરેણાં પહેરવા બાબતે મહિલાઓ હમેશાં અગ્રેસર રહી છે. પરંતુ પુરૂષો પણ તેમાં પાછળ નથી. સામાન્ય રીતે પુરૂષો ચેન, વીંટી અને કડું અથવા બ્રેસલેટ પહેરતાં હોય છે. જોકે કેટલાંક પ્રાંતોમાં પુરૂષો કાનમાં ચોક્કસ પ્રકારની બુટ્ટી પણ પહેરે છે. પરંતુ હવે આ ટ્રેન્ડ અમુક રાજ્યો પૂરતો સીમિત નથી રહ્યો. ફેશનેબલ પુરૂષો ઓફિસમાં સુધ્ધાં કાનમાં વિવિધ પ્રકારની બુટ્ટીઓ પહેરે છે. વળી હવે સેલિબ્રિટીઓ પણ વિવિધ જાતની ઈયરરિંગ્સ પહેરવા લાગ્યાં છે તેથી સામાન્ય લોકો અને ઑફિસે જતાં પુરૂષો પણ ઈયરરિંગ્સ પહેરવા તરફ વળ્યાં છે.
જ્વેલરી ડિઝાઈનરો કહે છે કે કાનમાં સ્ટડ પહેરવાથી જે તે પુરૂષ સ્ટાઇલિશ અને આત્મવિશ્વાસુ દેખાય છે. અલબત્ત, ઑફિસમાં સ્ટડ પહેરતી વખતે તમને ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું જ પડે. કામના સ્થળે કોઈ પાર્ટીમાં પહેરી શકાય એવી બુટ્ટી ન પહેરી શકે.
એક બેંક કર્મચારી કહે છે કે હું છેલ્લા બે દશકથી કાનમાં હીરાની બુટ્ટી પહેરું છું. પોતાની પસંદ-નાપસંદ વ્યક્ત કરવાની આ મારી રીતે છે. અલબત્ત, હું મોટા અને આંખે ઉડીને વળગે એવાં સ્ટડ નથી પહેરતો. મારી સ્ટડની પસંદગી એકદમ પ્રોફેશનલ હોય છે જે મારા સમગ્ર લુકને પ્રભાવશાળી બનાવે છે.
જ્યારે એક એન્ટ્રપ્રેન્યોરે પોતાના પચાસમા જન્મદિને કાંઈક નોખું કરવા માટે પોતાના કાન વીંધાવ્યા હતાં. તે કહે છે કે મેં કામના સ્થળે સ્ટડ પહેરવાનું શરૂ કર્યું ત્યારે ઘણાં લોકો એવી ગુસપુસ કરવા લાગ્યાં હતાં કે હું યુવાન દેખાવા માટે આ રીત અપનાવી રહ્યો છું. પરંતુ તેમની વાતોથી મને કોઈ ફરક નથી પડતો. એક પ્રોફેશનલ તરીકે નાની અમસ્તી સોલિટેર સ્ટડ, પ્લેન પ્લેટિનમ કે ડલ સિલ્વર સ્ટડ પરફેક્ટ ચોઇસ ગણાય.
મહત્વની વાત એ છે કે મોટી મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દે બિરાજતા કર્મચારીઓ પણ હવે કાનમાં સ્ટડ પહેરવા લાગ્યાં છે. આમ છતાં તેમની કંપનીના માલિકો તેનો વિરોધ નથી કરતાં. તેઓ કહે છે કે જો તેમના વ્યક્તિત્વને એક સ્ટડ પ્રભાવશાળી કે આકર્ષક બનાવતું હોય તો તે પહેરવામાં કાંઈ ખોટું નથી. હા, તેમનો લુક પ્રોફેશનલ લાગે એવો આગ્રહ અમે ચોક્કસ રાખીએ છીએ. હકીકતમાં આવી છૂટ કર્મચારીઓ અને માલિકો વચ્ચે મૈત્રીભર્યું વાતાવરણ સર્જે છે.
જોકે જ્વેલરી ડિઝાઈનરો પ્રોફેશનલ્સને કેવા સ્ટડ પહેરવા જોઈએ તેની સમજ આપતાં કહે છે કે માત્ર સોના-ચાંદી-ટિટેનિયમ જેવી ઊંચી ધાતુની સ્ટડ પહેરો, નાની સાઇઝના હૂપ બેસ્ટ ગણાશે, તેની ડિઝાઈન એકદમ સાદી હોવી જોઈએ, તમારા આઉટફિટ સાથે સ્ટડ જચવા જોઈએ, અલગ અલગ પ્રસંગે જુદી જુદી સ્ટાઇલના સ્ટડ ચોક્કસ પહેરો પરંતુ પ્રોફેશનલ લાગે એવા.