'એવરગ્રીન' સ્કર્ટ ચોમાસામાં વધારે સુવિધાજનક છે
- શિયાળામાં ફેશનેબલ, ઉનાળામાં ફૂલ અને વરસાદમાં કમ્ફર્ટેબલ સ્કર્ટ્સ આર ફોર એવર
'ડ્રેસ સેન્સ' ધરાવતી વ્યક્તિ ઋતુ મુજબના વસ્ત્રો પરિધાન કરશે. એમ પણ કહી શકાય કે જે વ્યક્તિમાં પોશાકની પસંદગી બાબતે 'સુઝ' હશે તે સિઝનને અનુરૂપ કપડાંની પસંદગી કરશે. ઉનાળામાં કોટનના વસ્ત્રો, શિયાળામાં સિલ્ક કે પછી સિન્થેટીક કપડાં અને ચોમાસામાં સિન્થેટીક વસ્ત્ર પરિધાન સાવ સામાન્ય બાબત છે. પણ ડિઝાઈનનું શું? ફક્ત સિઝન જ નહીં પરંતુ ઓફિસમાં કેવાં કપડાં પહેરવા, પાર્ટીમાં કયો પોશાક સારો લાગશે અને ખરીદી કરવા જતી વખતે કેવા પ્રકારના કપડાં સુવિધાજનક રહેશે એની ગતાગમ હોવી પણ બહુ જરૂરી છે.
મહાનગરમાં રહેતી માનુનીઓ હવે ફક્ત પરંપરાગતત પ્રસંગે જ સાડી પહેરવાનું પસંદ કરે છે. સાડીની જગ્યા પંજાબી ડ્રેસે ક્યારે લઈ લીધી તેની યુવતીઓ અને મહિલાઓને ખબર જ ન પડી. આ તો થઈ સામાન્ય મહિલાઓની રોજિંદા પોશાકની વાત. પરંતુ ફેશનપરસ્ત યુવતીઓ અને તરૂણીઓને શું પહેરવું ગમે છે? જવાબ છે રોજિંદા પોશાક તરીકે જિન્સ પેન્ટ અથવા ટ્રાઉઝર. ત્યારબાદ વારો આવે છે સ્કર્ટનો. લંડન જેવા શહેરોમાં તો યુવતીઓ કામના સ્થળે પણ બ્લેઝર સાથે સ્કર્ટ પહેરવાનું પસંદ કરે છે. ભારતમાં પણ સ્કર્ટ પહેરવાની પરંપરા દશકાઓ પુરાણી છે. પણ સ્કર્ટ પહેરવાની ફેશને આજકાલ ફરી પાછું જોર પકડયું છે. સ્કુલ યુનિફોર્મમાં સ્કર્ટ પહેરતી છોકરી કોલેજમાં પગ મૂકે એટલે તેના સ્કર્ટની સ્ટાઈલ બદલાઈ જાય છે.
આમ તો ભારતમાં સૈકાઓથી ઘાઘરા પહેરવાની પરંપરા છે. હવેના ફેશન ડિઝાઈનરોએ આ ઘાઘરાને અનેક જાતની પેટર્નથી સજાવીને સ્કર્ટરૂપે બજારમાં મૂક્યા છે. કોઈપણ ફેશનેબલ શો રૂમમાં ખરીદી કરવા જાઓ કે પછી નાની દુકાનમાં શોપીંગ કરવા જાઓ. જુદી જુદી જાતના સ્કર્ટ તમને અચૂક નજરે પડશે. બીજા કોઈ ડ્રેસ દરેક સિઝનમાં પહેરી શકાય કે ન પહેરી શકાય પણ સ્કર્ટ એવું પરિધાન છે જે દરેક ઋતુને અનુરૂપ અને અનુકૂળ સાબિત થયું છે. ઠંડીની ઋતુમાં ફેશનેબલ અને સેક્સી દેખાવા માટે સ્કર્ટ ઊત્તમ પરિધાન છે.
જ્યારે ઉનાળામાં ગરમીમાં રાહત મેળવવા સ્કર્ટ પહેરવાની પરંપરા સર્વ સામાન્ય છે. ચોમાસામાં સાડી, પંજાબી સૂટ કે જિન્સ પહેરવા એટલે ભીંજાઈ જાઓ તો ભીનાં કપડાં પહેરીને દિવસ વિતાવવો પડે. જ્યારે શોર્ટ સ્કર્ટ પહેર્યું હોય તો કાંઈ ચિંતા જ નહીં. વસ્ત્રો જમીન પર ઘસડાઈને ગંદા થવાનો ડર નહીં અને શોર્ટ સ્કર્ટ ઉપર 'રેઈન શીટર' પહેલી લો એટલે કપડાં ભીના થવાનો પ્રશ્ન જ ન આવે. રેઈન શીટર ઉતારો એટલે સંપૂર્ણ કોરા. કહેવાનો મતલબ એ જ કે ગમે તે સિઝનમાં સ્કર્ટ 'એવરગ્રી' પરિધાન સાબિત થયું છે.
જિન્સ પેન્ટ કે ટ્રાઉઝર યુવતીને મર્દાના લૂક આપે છે. જ્યારે સ્કર્ટમાં માનુનીનો દેખાવ ખરેખર સ્ત્રૈણ લાગે છે. ઓફિસ વેઅર માટે બ્લેઝર સાથે શોર્ટ સ્કર્ટ, કોલેજમાં ટી શર્ટ કે સ્લીવલેસ ટોપ સાથે મીની અથવા લોંગ સ્કર્ટ, ઘુંટણ સુધીનું એ લાઈન સ્કર્ટ પાતળી પરમાર માટે યોગ્ય પસંદગી છે. જેના પગ લાંબા અને પાતળા હોય તેને સ્કર્ટ આકર્ષક દેખાવ આપે છે. પણ જો તમે થોડાં સ્થૂળકાય છો તો ઘેરદાર અને ઘૂંટણથી નીચે આવતું કે ઘૂંટી સુધીની લંબાઈ ધરાવતું સ્કર્ટ તમને વધારે સારું લાગશે. મધ્યમ બાંધો ધરાવતી કન્યા પણ 'યોક' પેટર્નના સ્કર્ટમાં સરસ દેખાશે. પાર્ટીમાં પહેરવા માટે મીની સ્કર્ટમાં એમ્બ્રોઈડરી કે પછી આંખોને ખટકે નહીં એવા ચમકદાર કપડાંના સ્કર્ટ સેક્સી લાગે છે. આ ઉપરાંત ગુલાબી અને લાઈટ બ્લુ રંગ પણ લેટેસ્ટ ટ્રેન્ડ છે. કોઈપણ જાતના સ્કર્ટ સાથે જુદી જુદી જાતનો કમર પટ્ટો સ્કર્ટને વધારે આકર્ષક બનાવે છે.
યુવતીઓ માટે સ્કર્ટ ભલે સુવિધાજનક પોશાક હોય પણ પુરુષોને સ્કર્ટ પહેરેલી માનુની વધારે આકર્ષક લાગે છે. જ્યોર્જટના ઘેરદાર સ્કર્ટ અને 'કલી' પેટર્નના સ્કર્ટ યુવતીને લાવણ્ય બક્ષે છે. આમ છતાં ડેનિમના સ્કર્ટ કાયમી ફેશન છે. આમ છતાં સ્કર્ટ પહેરતી યુવતીએ સૌથી પહેલાં પોતાનો શારીરિક બાંધો તપાસી લેવો જોઈએ. પાતળી કમર અને આકર્ષક પગની સ્વામીનીને કોઈપણ સ્કર્ટ શોભશે પણ સ્કર્ટ પહેરતી વખતે તમારા શરીરના વળાંકોને અનુરૂપ પેટર્ન પસંદ કરજો. હમણાં વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે લોંગ સ્કર્ટ કરતાં શોર્ટ અને ઘુંટણ સમોવડા સ્કર્ટ વધારે સુવિધાજનક રહેશે.
- નિપા