બાર પૂનમોમાં સર્વશ્રેષ્ઠ શરદપૂર્ણિમા .

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
બાર પૂનમોમાં સર્વશ્રેષ્ઠ શરદપૂર્ણિમા                            . 1 - image


હિન્દુ પંચાગમાં દર મહિને એક પૂનમ આવે છે જેનું મહત્ત્વ અનેકગણું હોય છે. લોકો ખાસ કરીને સ્ત્રીઓ પૂનમના દિવસે વ્રત રાખે છે. દરેક પૂનમે ચંદ્ર સોળેકળાએ ખીલે છે અને તેની શીતળતા અનુભવવા મળે છે. પણ બધી જ પૂનમોમાં સર્વશ્રેષ્ઠ શરદમાસની પૂર્ણિમાને ગણવામાં આવે છે. શરદપૂર્ણિમાએ ચંદ્રનો સહયોગ અશ્વિની નક્ષત્ર સાથે થાય છે. અશ્વિની નક્ષત્ર એ સર્વે નક્ષત્રોમાં પહેલું નક્ષત્ર છે તેના સ્વામી અશ્વિનકુમાર છે.

શરદપૂનમની રાત્રે ચંદ્રની ઠંડક આપતી સોળે કળાએ ખીલીને નિર્મળ આકાશમાં  અનોખા અનુભવ કરાવે છે.  શરદપૂનમને માણેકકારી પૂનમ પણ કહેવાય છે. શરદપૂનમની રાત્રે ચંદ્રને દૂધ-પૌઆ ધરાવીને એનો પ્રસાદ લેવાય છે. શરદપૂનમના દિવસે ચંદ્ર પૃથ્વીની અત્યંત પાસે આવી જાય છે. તેથી તેના કિરણોની શક્તિ પણ અનેકગણી વધી જાય છે. આ કારણે પૂનમની રાત્રે સમુદ્રમાં ભરતી આવે છે.

શ્રીકૃષ્ણની તમામ લીલાઓની ચરમસીમા એટલે રાસલીલા. રાસલીલાના તેઓ આદ્યપ્રવર્તક હતા. વિવિધ રસોનો સમુહ તે રાસ. જેમાંથી આવંદરૂપી પરમ રસ  નિષ્પન્ન થાય છે. શરદપૂર્ણિમાની શીતલ રાત્રિમાં ગોપીઓ અને રાધાથી ઘેરાયેલા ગોળાકાર વર્તુળમાં શ્રીકૃષ્ણે રાસલીલાનો આરંભ કર્યો હતો.

ઋતુઓમાં વસંતઋતુ રાજા હોય તો શરદ ઋતુઓની રાણી છે. નવરાત્રીથી શરૂ થતા શરદોત્સવનું સમાપન શરદપૂર્ણિમાને દિવસે કરવામાં આવે છે. આ દિવસે વરસાદના અમી છાંટણાની સાથે ચાંદનીની અમૃતવર્ષાથી મોતી અને માણેક પાકે છે. એવી એક પ્રચલિત માન્યતા છે. શરદપૂનમની રાત્રે ઘરની લાઈટો બંધ કરી ચંદ્રના કિરણોમાં સોયમાં દોરી જે પરોવી શકે તેની આંખો સ્વસ્થ હોય છે એમ કહેવાય છે. આ રીતે ૧૦૮ વખત સોયમાં દોરો પરોવવાથી આંખોનું તેજ વધે છે.

શરદપૂર્ણિમા એટલે મહર્ષિ વાલ્મિકિનો જન્મજયંતિનો દિવસ. સર્વશ્રેષ્ઠ શરદપૂનમના દિવસે 'કોજાગર' વ્રત પૂર્ણ થતા લક્ષ્મીપૂજાનું ઘણું જ મહત્ત્વ છે. મહાલક્ષ્મીની ઉપાસના માટે શરદપૂનમનું અનોખું મહત્ત્વ છે. ચંદ્રમાની પૂર્ણ કળાથી પ્રકાશિત રાત્રીમાં દેવી લક્ષ્મી વિહાર કરે છે અને ભક્તોને તન, મન અને વિચારોની દરિદ્રતા દૂર કરવાનું વરદાન આપે છે.

વિક્રમસંવતની આસોસુદ પૂનમ એટલે શરદપૂર્ણિમા. જૈન વ્રત  આયંબિલ, ઓળીનો નવમો અને છેલ્લો દિવસ. એક માન્યતા એવી છે કે શરદપૂનમની રાત્રે લક્ષ્મીજી સ્વયં આકાશમાં વિચરે છે અને પૃથ્વી પરના મનુષ્યોને જોતા બોલે છે કોણ જાગે છે? જે જાગતા હોય તેને ધનપ્રાપ્તિ કરાવીશ. શરદપૂર્ણિમાનું મહાત્મય એટલું બધું છે કે આ દિવસે લોકો જુદા જુદા ધાર્મિક સ્થળોએ ભગવાનના દર્શન કરવા જાય છે. અને રાત્રિએ રાસ રમે છે.

શરદપૂનમની રાત્રે અલૌકિક રાસનું સ્મરણ કરાવવા જુદા જુદા મંદિર તથા હવેલીઓમાં ભગવાનને રાસ રમવા જતા હોય તેવા શરણગાર ધરાવાય છે. તેમજ દૂધ-પૌઆ ધરાવાય છે અને રાસ પણ રમાય છે.


Google NewsGoogle News