ટેટૂ આર્ટિસ્ટો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ છૂટથી કરે છે
- ટેટૂની ડિઝાઈન બનાવવામાં પણ એઆઈનો પગપેસારો
- ટેટૂની ડિઝાઈન બનાવવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાથી કામ અત્યંત ઝડપથી થાય છે. અને તેમાં પરફેક્શન આવે છે તે છોગામાં. તો શું એઆઈની મદદથી બનાવેલી ડિઝાઈન સોંઘી પડે? આના જવાબમાં ટેટૂ આર્ટિસ્ટો કહે છે કે ના, તેને કારણે ટેટૂ બનાવવાનું વધુ ખર્ચાળ બને છે.
આધુનિક યુવા પેઢી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરીને પોતાને અપડેટેડ રાખે છે. યુવાનો અને યુવતીઓ લગભગ દરેક ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે હવે ટેટૂની ડિઝાઈન બનાવવા માટે પણ એઆઈની મદદ લેવામાં આવે છે. અગાઉ જે તે વ્યક્તિ ટેટૂ આર્ટિસ્ટ પાસે જઈને ડિઝાઈન પસંદ કરતી અથવા પોતાને કેવું ટેટૂ ત્રોફાવવું છે તેની ચર્ચા કરતી. પણ હવે તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પોતાને જોઈતી ડિઝાઈન તૈયાર કર્યા પછી જ ટેટૂ આર્ટિસ્ટ પાસે જાય છે. તેઓ એમ પણ માને છે કે તેમણે સ્વયં તૈયાર કરેલી અથવા કરાવડાવેલી ડિઝાઈનમાં તેમનું વ્યક્તિત્વ ઉજાગર થાય છે. વળી તેમની ડિઝાઈન એક્સક્લુઝિવ પણ બની રહે છે.
મહત્વની વાત એ છે કે હવે ટેટૂ આર્ટિસ્ટોએ પણ એઆઈની મદદથી ટેટૂની ડિઝાઈનો બનાવવાનું શરૂ કરી દીધું છે. તેઓ કહે છે કે અગાઉ હાથેથી ડિઝાઈન તૈયાર કરવામાં કંઈકેટલાય કલાક લાગી જતાં. જ્યારે એઆઈની મદદથી એ કામ મિનિટોમાં થઈ જાય છે. ત્યાર બાદ તેની પ્રિન્ટ લઈને શરીર પર બનાવવાની રહે છે.
જોકે અહીં એવો પ્રશ્ન થવો સહજ છે કે ટેટૂમાં હમણાં કેવી ડિઝાઈન ટ્રેન્ડી છે. આના જવાબમાં ટેટૂ આર્ટિસ્ટો કહે છે કે છેલ્લા કેટલાક સમયથી યુવા પેઢીમાં રીલિજિયસ ટેટૂનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેના સિવાય મંડાલા અને મિનિએચર ટેટૂએ પણ આકર્ષણ જમાવ્યું છે. મંડાલા ટેટૂમાં તન-મનનું સંતુલન દર્શાવવામાં આવે છે.
આ પ્રકારના ટેટૂમાં ચારેકોર કેનવાસ હોય છે અને વચ્ચે અણીદાર વસ્તુઓ બનાવવામાં આવે છે. જ્યારે મિનિએચર ટેટૂમાં સાવ નાના નાના ટેટૂ ત્રોફવામાં આવે છે. ટેટૂ આર્ટિસ્ટો તેની સમજ આપતાં કહે છે કે અગાઉ આખા શરીરે મોટા મોટા ટેટૂ ચીતરાવવાનો ટ્રેન્ડ હતો. જ્યારે આજની તારીખમાં યુવા પેઢી શરીરના અલગ અલગ ભાગોમાં નાના નાના ટેટૂ ત્રોફાવે છે.
આનું કારણ સમજાવતાં તેઓ કહે છે કે એઆઈ ઈમેજ તૈયાર કરનાર સૉફ્ટવેરને પણ નાણાં ચૂકવવા પડે છે. પરિણામે તેનો ખર્ચ ૧૦થી ૧૫ ટકા જેટલો વધી જાય છે. જોકે તેઓ એમ પણ કહે છે કે જેમ જેમ તેનો ઉપયોગ વધતો જશે તેમ તેમ કેટલીક એપ્લિકેશનો એડવાન્સ થતી જશે અને ધીમે ધીમે નિ:શુલ્ક સૉફ્ટવેર પણ આવી જશે. આમ ટેટૂની ડિઝાઈનનો વધેલો ખર્ચ ઘટતો જશે.
જોકે ટેટૂ આર્ટિસ્ટો કબૂલે છે કે એઆઈના વધતા જતા ઉપયોગને કારણે ટેટૂની સર્જનાત્મકતા પર અસર પડી રહી છે. તેઓ કહે છે કે પ્રત્યેક ટેટૂ આર્ટિસ્ટની સર્જનાત્મકતા વેગવેગળા પ્રકારની હોય છે. તેમનું સર્જન તેમના વિચારોને આધીન હોય છે. વળી એઆઈના ઉપયોગ દરમિયાન દરેક બાબતનું બારીકાઈપૂર્વક ધ્યાન રાખવામાં ચૂક થાય તો નાની નાની ડિટેલ્સમાં ક્ષતિ રહેવાની ભીતિ રહે છે. આમ છતાં એઆઈના ઉપયોગથી અમારું કામ સરળ બન્યું છે તેમાં બે મત નથી.
- વૈશાલી ઠક્કર