પુરુષો માટે સ્ટાઈલિશ સમર-વેર .
અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે ફેશનને માત્ર માનુનીઓ સાથે જ લેવાદેવા છે. પુરુષોએ તો પેન્ટ-શર્ટ પહેર્યાં એટલે બહુ થઈ ગયું. પણ હવે સમય બદલાઈ ગયો છે. ભારતીય પુરુષો પણ સમર-વિન્ટર-રેની સિઝનના બદલાતા ટ્રેન્ડ સાથે રહેવા માગે છે. કદાચ તેમને કામિનીઓને મળે છે એટલી વિવિધતા ન મળે તોય અગાઉની જેમ માત્ર ઝભ્ભો-પાયજામો, પેન્ટ-શર્ટ અથવા જિન્સ - ટી શર્ટ પહેરીને કામ નથી ચલાવવું પડતું. ફેશન ડિઝાઈનરોએ તેમના માટે પણ વસ્ત્રો ડિઝાઈન કર્યાં છે.
આ સિઝનમાં પુરુષો માટે બેગી પેન્ટ કૂલ ઓપ્શન છે. એકદમ ઢીલીઢાલી બેગી પેન્ટ સાથે ફિટેડ જેકેટ અથવા ટી-શર્ટ કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ દેખાય છે. જો તમે પાર્ટીમાં જતા હો તો ટી-શર્ટને બદલે જેકેટ પહેરો અને બેગી પેન્ટ પર સ્ટાઈલિશ બેલ્ટ પહેરી લો.
આપણે ત્યાં વાઈટ પેન્ટ-શર્ટ પહેરવાની ફેશન નવી નથી. એક સમયમાં જે લોકો સફેદ ઝભ્ભો-લેંઘો પહેરતા હતા તેમને કલરફુલ કપડાં પહેરતા સંકોચ થતો તેથી તેમણે વાઈટ પેન્ટ-શર્ટ પહેરવાનું શરૂ કર્યું. પણ યુવાનોમાં આ ટ્રેન્ડ ખાસ નહોતો જોવા મળતો. ફેશન ડિઝાઈનરોએ યુવાનો માટે ડિઝાઈનર વાઈટ પેન્ટ-શર્ટ બનાવ્યાં છે. ઉપરથી થોડી ઢીલી પણ નીચેથી થોડી સાંકડી પેન્ટ પર ટી-શર્ટ અને તેને ડિઝાઈનર લુક આપવા ફુલ સ્લીવ્ઝનું જેકેટ. કોટ પેટર્નને મળતાં આવતાં બંધ ગળાના જેકેટમાં સરસ મઝાના ગોલ્ડન બટન ટાંકેલા હોય અને ખિસ્સા પાસે તેમજ બાંયમાં થોડું ગોલ્ડન વર્ક કરેલું હોય તો તે પહેરનાર વ્યક્તિ વેઈટર જેવી ન દેખાય.
જેમ શિયાળામાં ટાઢથી બચવા તમે ગરમ જેકેટ પહેરો તેમ ઉનાળામાં સ્ટાઈલિશ દેખાવા એકદમ પાતળું લેધર જેકેટ પહેરો. માત્ર વચ્ચેના ભાગમાં બટન અથવા ઝીપ, કાંડા સુધીની લંબાઈ ધરાવતી બાંય અને કમરથી એકાદ ઇંચ નીચે આવે એટલું લાંબુ જેકેટ તમે બેગી પેન્ટ, નેરો પેન્ટ, ડેનિમ કે શોર્ટસ સાથે પહેરીને સ્ટાઇલિશ દેખાઈ શકો છો.
સમર સિઝનમાં શોર્ટસ હંમેશા ટ્રેન્ડમાં રહે છે. પણ આ વર્ષે તેને થોડી જુદી સ્ટાઈલમં પહેરી જુઓ. એકદમ નોખા તરી આવશો. તમે શોર્ટસ માત્ર ટી-શર્ટ સાથે જ નહીં, કેઝ્યુઅલ શર્ટ સાથે પણ પહેરો. વધુ સ્ટાઇલિશ દેખાવું હોય તે તેના ઉપર જેકેટ પહેરો.