વાર્તા : કાષ્ઠ પૂતળી .
- સર્વત્ર ખુશીનો મહોલ છે. સૌ પોતાના સંતાનોની, પત્નીની ઇચ્છાને સંતોષે છે..! ઝરનાનો શું વાંક? એ તો બિચારી એનાં પતિ આનંદના દેહાંત પછી કાષ્ઠપૂતળી બની. સજીવ હોવાનો ઢોંગ કરતી. મારા મકાનમાં ફરી રહી છે..! એનો પતિ હયાત હોત તો શું તે ઝરનાને આવી કંગાળ હાલતમાં જીવવા મજબૂર કરતે ખરી?શું મારે પણ મારા પુરાણા વાઘા ત્યજી દેવા નહીં જોઈએ?
વિશ્વમંગલ હોલમાં 'તહેવારો' વિષય ઉપર પ્રવચન આપી, આવાસ ઑફિસ તરફ વળ્યો. ઑફિસ ખુલવાનો સમય થયો નહીં હોવાથી એ બસ સ્ટેન્ડ ઉપર બેઠો. એ કઈક વિચારે તે પહેલાં જ અનુકંપા એની પાસે આવી બોલી,
'આવાસ તારું આજનું પ્રવચન રેડિયો ઉપર સાંભળ્યું દિલચસ્પ હતું.'
'તું કોની કારમાં આવી?'
'રાજુ મૂકી ગયો. મારો પતિ ડ્રાઈવર છે, પરંતુ શેઠના એના ઉપર ચાર હાથ છે એટલે ક્યારેક એ મને ઑફિસ સુધી ઉતારવા આવે છે!' 'ચાલ હવે ઑફિસમાં પહોંચી જઈએ. ખન્ના સાહેબ તો આવી ગયા હશે,' અનુકંપા બોલી.
આવાસ અને અનુકંપા કચેરીમાં પહોંચી હજુ કૉમ્પ્યુટર ઉપર હાથ લગાડે ત્યાં જ પટાવાળો આવાસ પાસે આવી બોલ્યો, 'સાહેબ આપને ખન્નાસાહેબ બોલાવે છે. બે-ત્રણ કોન્ટ્રાક્ટરો તેમની કેબિનમાં બેઠા છે. કંઈક કૉન્ટ્રાક્ટની વાત કરતા હતા.'
આવાસ જનરલ મૅનેજરની કેબિનમાં પહોંચ્યો એટલે ખન્નાજીએ એને આસન આપી કહ્યું, 'આવાસ મુંબઈથી મૅનેજિંગ ડાયરેક્ટરનો ફોન હતો એટલે મેં આ ત્રણે શેઠને અહીં બોલાવ્યા છે. એમ.ડી. તારાથી થોડા નારાજ હતા, પરંતુ મે એમને સંભાળી લીધા છે. આવાસ દીપાજલી ગુ્રપ ઑફ કંપનીઝ માટે આપણા શહેરનાં પચ્ચીસ બિલ્ડિંગ તો ચટણી બરાબર છે.! આ ત્રણેય કોન્ટ્રાટ્રોને જે કામોના કોન્ટ્રાક્ટ આપ્યા છે તે પાંચસો કરોડનો છે. આપણા એમ.ડી. તો કલાક કલાકનું વ્યાજ ગણે છે. આ ત્રણેય કૉન્ટ્રાક્ટરોનો કામ શરૂ કરવાનો અંતિમ પત્ર. હજુ આપણે કેમ આપ્યો નથી. આવાસ મેં તમારી વીકલી-શીટ તપાસી છે. કુલ પંદર કેસ એક મહિના જૂના તમારી ટેબલ ઉપર ધૂળ ખાય છે. વાય ડોન્ટ યુ એક્સપીડાયેટ યોર વર્ક ? બાકીના બધા જ પ્રોજેક્ટ એન્જિનિયરોએ તેમના કામો પૂર્ણ કરી દીધા છે.'
'સર..! વીકલી-શીટના અંતિમ કોલમમાં મેં લખ્યું છે કે કૉન્ટ્રાકટ્રોએ મને કયા કયા દસ્તાવેજ સબમિટ કર્યા નથી,' પરંતુ આવાસ પોતાની વાત પૂરી કરે તે પહેલાં ખન્નાજી બોલ્યા.
'આવાસ, જે દસ્તાવેજ મળ્યા નથી. તે એક મહિનાની અવધિ દરમિયાન સબમિટ કરવાની શરતે કામ શરૂ કરવાની પરવાનગી આપી દો..! બાકીના બધા પ્રોજેક્ટ એન્જિનિયરો આમજ કરે છે પછી તમને શું વાંધો છે?'
'ઠીક છે સાહેબ, એક કલાકમાં હું પત્ર તૈયાર કરી આપની સહી માટે રજૂ કરું છું,' આવાસ નત્મસ્તકે બોલ્યો અને કેબિન બહાર નીકળ્યો.
'ખન્નાસર ભાભીએ જે પસંદ કર્યું એ બધું સાંજ સુધીમાં બંગલે પહોંચી જશે. માત્ર પાત્રીસ લાખનો જ ખર્ચ કરાવ્યો. અમારું બજેટ તો પચાસ લાખનું હતું,' એક કૉન્ટ્રાક્ટર ધીમા સ્વરે બોલ્યો પણ એ આવાસની કેબિન છોડવાની રાહ જોઈને બેઠો હતો.
'સર યુ.એસ.એ.ની ટુર માટે ટ્રાવેલ એજન્ટ આવતીકાલે સવારે પહોંચી જશે..! અમે ત્રણેય તો મળી સંપીને બધુ કરીએ છીએ,' બીજો બોલ્યો.
ખંધા ખન્નાજી નિ:શબ્દ બેસી રહ્યા. આજના સમયમાં ન જાને કોણ વાતચીત ટેપ કરતું હોય! કોનો ભરોસો થાય?
છ વાગ્યે આવાસે ઑફિસ છોડી ત્યારે એના ટેબલ ઉપર કોઈજ ફાઈલ પેન્ડિંગ રહી ન હતી! એના ચહેરાએ હાસ્યમિશ્રિત પ્રત્યાઘાત પાડયા. એ સ્વગત બોલ્યો, 'કોણ ક્યાં રમત રમી જાય શી ખબર પડે? પ્રમાણિકતાનાં રાવણે મને એટલો બધો કચડી નાંખ્યો છે કે બધા મારા કામથી નારાજ છે! મારાથી શોર્ટકટ લેવાતી જ નથી, પણ આખરે તો સાહેબના હુકમ સામે ઝુકી જવું જ પડેને....'
આવાસ ધોરી માર્ગ ઉપર આવ્યો અનુકંપા એની પ્રતિક્ષા કરતી ઊભી હતી. તેના હાથમાં પાર્સલોની મોટી કેરીબેગ જોઈને આવાસ બોલ્યો,
'આ વર્ષે સૌને દિવાળી કોમ્પ્લિમેન્ટમાં વધારે પડતી સામગ્રી મળે છે, કેમ? મને સમજાતું નથી, કોમ્પ્લિમેંટને 'લાંચ' કહેવામાં નાનમ શેની?'
'આવાસ તું કોમ્પ્લિમેંટ સ્વીકારતો નથી, પણ ખન્નાની દાંટ તો સ્વીકારે છે! આવાસ આજે સવારે જે મોલમાં હું ફરતી હતી તે મોલમાં મિસિસ ખન્ના દિવ્ય કન્સટ્રક્સનનાં માલિક સાથે ફરતી હતી. લાંબી ટુંકી ખરીદી કરી ગઈ. તું સમજે છે, આ વાતનું રહસ્ય? ખન્નાજીએ તને જે લપડાક મારી તેની પાછળ એમ.ડી.નું તો નામ વટાવાયું હતું, વાસ્તવમાં કૉન્ટ્રાક્ટરોએ તારી વિરુધ્ધ કરેલી ફરિયાદ હતી!'
'અનુકંપા, જ્યારે આપણે કૉલેજમાં હતાં ત્યારે કેવી કેવી સિધ્ધાંતોની બારાખડી લાગતાં હતાં. કમભાગ્યે મારા ભાઈ આનંદનાં અકાળ અવસાનના કારણે મારે તેની પત્ની ઝરના સાથે પુનરલગ્ન કરવા પડયા હતાં અને આપણો ભગ્ન પ્રેમ, આંસુ સારતો રહી ગયો હતો! ખેર મને એ વાતનો રંજ નથી.'
'આવાસ, ઝરના મારી પ્રાણપ્રિય સખી છે. અમારી દોસ્તી આજે પણ બરકરાર છે. ખેર..! આ કેરીબેગમાં કોમ્પ્લિમેંટ નથી ભર્યાં તું ખન્નાજીની કેબિનમાં ગયો હતો ત્યારે તારી ટેબલ ઉપર ઝરના દ્વારા તૈયાર કરાયેલું રીક્વાયરમેંટનું લિસ્ટ મેં જોયું હતું. તે લગભગ પચાસ ટકા આઈટેમ તેમાંથી છેકી નાંખી હતી. અરે તારા સંતાન નીલુ અને વંદીતના ફટાકડા, કપડાં, મીઠાઈ, શુઝ જેવી વસ્તુ પણ છેકી નાંખી છે? બિચારી ઝરના..! બે સાડી ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી તે પણ તેં છેકી નાંખી છે? આવાસ દીપોત્સવીએ સૌ સભ્યો આવી ઇચ્છા વ્યક્ત કરે એમાં તારો પરિવાર ભિન્ન ક્યાંથી રહે..!' અનુકંપાને અટકાવી આવાસ બોલ્યો....
'અનુકંપા, મારો પગાર તો પાછલી ઉધારીમાં જ પૂરો થવાનો છે. બે વર્ષથી આપણી કંપનીએ કોરોનાના બહાના હેઠળ પચાસ ટકા કાપ મૂકી બોનસ ચૂકવ્યું છે. આ વર્ષે કોઈ જાદુઈ કરામત થવાની છે કે બોનસ પૂરું મળી જવાનું છે? મારા પ્રવચનોનો પુરસ્કાર મને મળ્યો છે..! પણ પાંચ હજાર રૂપિયાની રકમ હાથમાં આવી છે જે ચકલીના મોંમાં ચોખાના દાણા સમાન છે..!' આવાસ વધુ કંઈક કહે તે પહેલા જ અનુકંપાની બસ આવી ગઈ એટલે એ સડસડાટ બસમાં બેસી ગઈ. બસની ખિડકીમાંથી એ બોલી....
'ઝરના ઉપર ગુસ્સો નહીં કરશી.. હું તારા છોકરાની માસી છું, તારી હું સાળી છું..! તારા સંતાનને મારા પોતાના ગણુ છું. કુદરતે તેથી જ મને મારી કુખે કોઈ સંતાન દીધું નથી.' અને દોડતી બસે એક પ્રેમાળ મિત્રને લઈને દોડી ગઈ. થોડી ક્ષણોમાં આવાસનો એક સહકર્મચારી બસ સ્ટેન્ડ પાસે આવી બોલ્યો..
'આવાસ આવી જા મારી કારમાં! આજે જ ડિલિવરી લીધી છે..! તારે જ્યાં જવું હોય ત્યાં હું તને ઉતારી દઈશ.' આવાસ કારમાં બેઠો. એ સ્વગત બોલ્યો....'શું મેં પહેરેલા પ્રામાણિકતાના વાઘા યોગ્ય છે? સર્વત્ર ખુશીનો મહોલ છે. સૌ પોતાના સંતાનોની, પત્નીની ઇચ્છાને સંતોષે છે..! ઝરનાનો શું વાંક? એ તો બિચારી એનાં પતિ આનંદના દેહાંત પછી કાષ્ઠપૂતળી બની. સજીવ હોવાનો ઢોંગ કરતી. મારા મકાનમાં ફરી રહી છે..! એનો પતિ હયાત હોત તો શું તે ઝરનાને આવી કંગાળ હાલતમાં જીવવા મજબૂર કરતે ખરી? શું મારે પણ મારા પુરાણા વાઘા ત્યજી દેવા નહીં જોઈએ? આજના કળિયુગનાં વાતાવરણમાં કોણ પ્રામાણિકતાનાં વાઘા પહેરે છે? સાથી કર્મચારીની ટેલિફોનની રિંગ વાગી.... એટલે આવાસના વિચારવારિ ક્ષણભર પેસી ગયાં....
'હાં કરીમ શેઠ..! થેંક્યુ..! કારની ડિલિવરી મ..ળી..! અરે શી ચિંતાં કરો છો.., તમે તમારે નિશ્ચિંત બની કામ આગળ વધારો..! બધું હું સંભાળી લઈશ....!' અને વાત પૂર્ણ થઈ.
'અલ્યા.. આ કરીમ તો રાહત કન્સ્ટ્રક્શનનો માલિક જ છે ને!' આવાસ બોલ્યો.
'હા..! ખન્નાજીનો મિત્ર છે. સાહેબે મને મૌખિક સૂચના આપી હતી કે....' પરંતુ આવાસ બોલ્યો.....
'અલ્યા.... કરીમે રાહત મલ્ટિસ્ટોરી એપાર્ટમેંટના બાંધકામનાં પ્લાન પણ કોર્પોરેશનમાં રજુ કર્યા નથી..! તે પહેલાં? અને આપણા એકાઉન્ટન્ટે એને એડવાન્સ પેમેંટ કર્યું કેવી રીતે?' આવાસ બોલ્યો.
'આવાસ તું અહીં ઉતરી જા.... હવે મારે ફ્લાયઓવર બ્રીજ ઉપર ચઢી જવું પડશે.' પેલો સમજી ગયો કે એણે બફાટ કર્યાં છે..! આ હરિશ્ચંદ્ર તો કેવા કેવા તૂટ કરશે.
'ઠીક છે.. થેંક્સ..! અને ડોન્ટ બી સ્કેડ..! હું કોઈના કામમાં ચંચુ ડૂબાડતો નથી..! સૌ પોતાનું સંભાળે તેમની જવાબદારી ઉપર..!'
આવાસને હવે નવી કારનું રહસ્ય સમજાય ગયું..! ઝરનાના લિસ્ટની બધી બાકીની વસ્તુઓ પણ ખરીદાઈ ગઈ. પોકેટમાં પડી હતી માત્ર સૌ રૂપિયાની બે કરન્સી નોટ..! આવાસ હસી પડયો.! એની નજર જમણી બાજુમાં આવેલી લોટરીની ટિકિટ વેચતા કાઉન્ટર પર પડી..! સેલ્સમેન ઊંચા અવાજે બરાડી રહ્યો હતો.... છેલ્લી એક ટિકિટ બચી છે..! પાંચ કરોડનું બંપર ઈનામ કદાચ આ ટિકિટના ભાગ્યમાં લખ્યું હોય, તમારું નામ કોણ જાણે? કોણ આગળ આવે છે?
'એક શખસ બોલ્યો..! દરરોજ આવી જ રાડ પાડે છે, આ જનાબ..! ટિકિટની ઠોકડી પડી હશે, પણ આખરે..! વેરી ક્લેવર બટ કનીંગ સેલ્સમેન છે, આ જનાબ..! દુકાનનું પર ધર્મી નામ વાંચી કોણ વિશ્વાસ કરે?'
આવાસ થોડી ક્ષણો ત્યાં જ ઊભો રહી ગયો..! ઝરના, નીલુ, વંદીત તો અનુકંપાની ડેરીંગ જોતાં જ ખુશ થઈ જશે..! શું આ લોટરીનું ઈનામ મારા ભાગ્યમાં લખ્યું હશે એટલે જ એ બાકી પડી હશે. નામ ઉપરથી સેલ્સ પર્સનને ઉતારી પાડવું શું યોગ્ય છે? આવાસનાં દિમાગમાં એક તુક્કો જન્મ્યો..! અત્યારે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે..! હું એની પાસે આજ કંપનીની પાંચ ટિકિટ ખરીદવાની વાત કરું..! જો ખરેખર પેલા વટેમાર્ગુની વાત સાચી હશે તો આ સેલ્સમેન મને પાંચ ટિકિટ વેચવા લલચાશે, પણ બીજી ક્ષણે એનાં અંતરમાંથી અવાજ આવ્યો.. આવાસ! લાંચ અને લોટરી એકજ સિક્કાની બે બાજુ છે..! બંનેય અનીતિ ગુ્રપની સુવર્ણ કણિકા છે..! જો તું લોટરીરૂપી જુગાર રમવા માગતો હોય..! કૌરવોની પ્રપંચી જાળવો ખેલાડી બનવા માગતો હોય તો પછી તારા કોન્ટ્રાક્ટરો દ્વારા અપાતાં પ્રસાધનો.. કરન્સી નોટમાં બંડલો.. સ્વીકારવાની તારી અનિચ્છાને તું કેવી રીતે યોગ્ય ઠેરવે છે..! તારી સામે જો..! જે ત્રણ કોન્ટ્રાક્ટરોનાં કામ તે આજે કર્યા છે.., તેની ઑફિસના ઇમ્પોટેડ ગ્લાસના ગેઈઇ તારી પ્રતિક્ષા કરે છે..! વિના પ્લાન બિલ્ડિંગો બની જતાં હોય, તો આ ત્રણેયે તો તારી માગણી પ્રમાણેના દસ્તાવેજો સબમિટ કરવાની જવાબદારી લીધી છે.
આવાસના પગોમાં ધૂ્રજારી આવી ગઈ. એણે પેલી લોટરીની ટિકિટ ખરીદી ત્યાંથી ચાલતી પકડી! જો ભાગ્ય મને અમીર બનાવવા માગતું હશે તો હું જરૂર અમીર બની જઈશ..! આજના સમયમાં સટ્ટા બજારમાં ખેલ જગત, ચૂંટણી બધે જ બેટિંગનું વૃક્ષ ફૂલ્યું ફાલ્યું છે..! લોટરી લેવામાં કોઈજ જુગાર રમાતો નથી. બિલ્ડિંગ ક્ષેત્રે કરપ્શન કરી આવતી કાલે બિલ્ડિંગજ તૂટી પડે તો પ્રોજેક્ટ એન્જિનિયરો પણ ક્યાં જેલમાં જતા નથી! લોટરીની ટિકિટ ખરીદી એ ખુશખુશાલ થશે આવાસ ઘરે પહોંચ્યો..!
અનુકંપાની કેરી બેગ હાથમાં લઈ ઝરના ધૂ્રજતા સ્વરે બોલી 'અનુકંપાનો ફોન આવ્યો હતો. મેં એને ઠપકો પણ આપ્યો.. હું એની કેરીબેગ અને પરત કરીશ જે મારા પ્રાણનાથને પસંદ નથી તે મારે શા માટે પસંદગીને પાત્ર બનાવવું જોઈએ.'
'ઝરના..! અનુકંપા તારી મૂહ બોલી બહેન છે..! એનું અપમાન નહીં કરશી એ બિચારી નિ:સંતાન છે. નીલુ અને વંદીતને મેં પરાયાં ક્યાં ગણે છે? શી ઈઝ ગ્રેટ લેડી..' આવાસ બોલ્યો..
'આવાસ..! ચારિત્ર્યવાનની પરિભાષામાં તો તું પણ ક્યાં બેસતો નથી..! પિત્રાઈ ભાઈનાં સંતાનોને તેં પણ ક્યાં પિતાનો પ્રેમ તારું નામ આપ્યું નથી..! સમાજને બતાવવા પૂરતો તેં મારી પાણિગ્રહણ કર્યો હતો, પરંતુ આજે પણ તારા અંતરમાં હું તારી ભાભીમા સ્વરૂપે વસતી નથી?' અને ઝરનાની આંખોમાં આંસુ આવી ગયાં. આવાસને આ આંસુની કિનાર પાછળ લખાયેલા ઝરનાનાં વિરહનાં દર્દના દર્શન જરૂર થયાં..! મારા સિધ્ધાંતોએ ઝરનાને વિરહનું દર્દ પણ ક્યાં નથી દીધું..! એ બિચારી કાષ્ઠપૂતળીમાં પ્રેમાંકરરૂપી જીવન આપવાની મારી નૈતિક ફરજ નથી? હું આજે સતયુગ અને કળિયુગનાં દોરાહા ઉપર ખડો છું..! આવાસની વિચારધારા થંભી ગઈ. એનાં ખુલ્લા દરવાજામાં પ્રવેશતા બોસને જોઈ એને નવાઈ લાગી.
'અ..રે..! ખન્ના સાહેબ તમે?' આવાસ સત્વરે બોસની આવકારવા પહોંચી ગયો..! તેની પાછળ પટાંગણમાં આવી ઊભેલા એક ટેમ્પોમાંથી ટેલિવિઝન, ફ્રિઝ, વોશિંગ મશીન અને કેટલાંયે ઉપકરણો લઈને માણસો પણ પ્રવેશ્યાં....
'આવાસ..! આ બધું તારી ભાભીએ મોકલાવ્યું છે..! આજે સવારે જ એણે આ બધું ખરીદ્યું હતું..! હવે મારે ઉતાવળ છે.. હું નીકળું છું..' કહી ખન્નાજી ઊભા થઈ ગયા..
આવાસને હવે સમજાયું કે અનુકંપાએ મિસિસ ખન્ના માટે મને કહેલી વાત કેટલી ભ્રામક હતી..! આપણે કપોલકલ્પિત ભ્રમણામાં નિર્દોષને આરોપી માની લેવાની ભૂલ કરીએ છીએ.
અચાનક આવાસનાં મોબાઈલનો ચાલુ રેડિયો ઉપર, બ્રેકિંગ ન્યુઝનાં શબ્દોગાજી ઉઠયા..! આવાસે શબ્દો ધ્યાનથી સાંભળ્યા.
'અરે ડાર્લિંગ ઝરના.. આપણે પાંચ કરોડની લોટરીનાં વિનર બની ગયા છીએ. જો આ લોટરીની ટિકિટ! એક પરધર્મી લોટરી સેલરે પણ મને આજે કેવો ફાયદો કરાવ્યો..!'
ઝરનાનાં શરીરમાં કંપારી આવી ગઈ.. 'ડાર્લિંગ! આ શબ્દ તો આવાસે આ પહેલાં મારા માટે ઉચ્ચાર્યો જ નથી.. શું કાષ્ઠ પૂતળીમાં આજે પ્રાણનો સંચાર થશે?'
- ઈશ્વર અંચેલીકર