વાર્તા : વાહ રે નસીબ! .
- પ્રકાશ અને રેખાનાં લગ્ન બાદ પૂનમે એમને પોતાનો બેડરૂમ ફાળવી દીધો અને પોતે બાજુના નાનકડા રૂમમાં શિફ્ટ થઈ ગઈ. ચાર મહિનામાં તો રેખાએ સરસ મજાના બાબાને જન્મ આપ્યો. પ્રકાશ અને પૂનમના આનંદનો પાર ન રહ્યો. પૂનમ બાબાને પોતાના પુત્રની જેમ આખો દિવસ પોતાની પાસે જ રાખતી. સ્તનપાન કરવા પૂરતો જ બાબો રેખા પાસે રહેતો.
પૂનમે બી.એ. કરી લીધા પછી તરત જ એના પપ્પા શાંતિભાઈ અને મમ્મી ચંદ્રિકાબહેન એના માટે યોગ્ય મુરતિયો ગોતવા લાગ્યાં હતાં. પરંતુ કોઈ મેળ પડતો નહોતો. મુરતિયો પૂનમને પસંદ કરતો તો પૂનમ એને રિજેક્ટ કરતી અને પૂનમને છોકરો પસંદ પડતો તો છોકરાનાં મા-બાપને પૂનમ થોડી શ્યામળી લાગતી. આવા નાના નાના વાંધાવચકામાં બે વરસ નીકળી ગયાં. પછી અચાનક એક દિવસ પૂનમના મામા જામનગરથી પોતાની સાથે એક યુવાનને લઈને આવ્યા. પ્રકાશ કોઈને પણ ગમી જાય એવો છોકરો હતો. વળી, એ ઉચ્ચ સરકારી હોદ્દા પર હતો અને જામનગરમાં એને ઘણો મોટો ફ્લેટ ફાળવાયો હતો. દીકરીને આવું સારું ઠેકાણું મળતું જોઈને શાંતિભાઈ અને ચંદ્રિકાબહેન ખુશ થઈ ગયાં. એમણે પ્રકાશનાં મા-બાપને બોલાવીને તુરત એની સાથે પૂનમની સગાઈ કરી લીધી. પ્રકાશનો પરિવાર અમદાવાદમાં સ્થાયી થયો હોવાથી જામનગરમાં એણે એકલું રહેવું પડતું અને બંને ટાઈમ હોટલમાં જમવા જવું પડતું. એથી પ્રકાશનાં મા-બાપના આગ્રહથી શાંતિભાઈએ સગાઈના બે મહિના બાદ જ પૂનમને પરણાવીને વળાવી પણ દીધી.
નાનકડા નગરમાં ઊછરેલી પૂનમ જામનગરની જાહોજલાલી જોઈને ખુશ થઈ ગઈ. શાળાનું શિક્ષણ પૂરું કર્યા બાદ એ કોલેજનો અભ્યાસ કરવા ચાર વરસ વડોદરા રહી હતી. એટલે એને લગ્ન બાદ શહેરીજીવનમાં એડજસ્ટ થવામાં બહુ સમય પણ ન લાગ્યો. વળી, પ્રકાશનો પણ એને દરેક બાબતમાં પૂરતો સંગાથ મળી રહેતો. પતિ-પત્ની જાણે જન્મોનો સંગાથ હોય એમ થોડા જ અરસામાં એક મજબૂત સ્નેહગાંઠથી બંધાઈ ગયાં. હવે પૂનમની દુનિયા એના પતિ પ્રકાશની આસપાસ જ ફરવા લાગી. એના મળતાવડા સ્વભાવને લીધે આડોશપાડોશની સ્ત્રીઓમાં પણ એ ઝડપથી લોકપ્રિય બની ગઈ અને એનું પોતાનું એક સોશ્યલ સર્કલ બની ગયું. પ્રકાશના ઓફિસના મિત્રો અને એમનાં કુટુંબોની પણ ઘરે આવજા રહેતી. એટલે પૂનમ અને પ્રકાશને ક્યારેય એકલું નહોતું લાગતું.
હસીખુશીથી લગ્નજીવનનાં પાંચ વરસ ક્યાં વીતી ગયાં એની ખબર પણ ન પડી. પ્રકાશનો દિવસ તો ઓફિસના કામમાં નીકળી જતો પણ પૂનમને ઘરકામમાંથી નવરાશ મળતાં બાળકનો વિચાર આવી જતો. પ્રકાશને પણ નાનાં બાળકો બહુ વહાલાં હતાં. એને સંતાનની ઈચ્છા હતી પણ એ ચહેરા પર કદી પોતાના મનના ભાવ દેખાવા દેતો નહિ. પરંતુ પૂનમનાં સાસુ-સસરાને દાદા-દાદી બનવાની ઉતાવળ હતી. તેઓ આડકતરી રીતે એક-બેવાર પૂનમ સમક્ષ એનો ઉલ્લેખ પણ કરી ચૂક્યાં હતાં. એટલે જ પૂનમે જામનગરના ટોચના ગાયનેકને મળી પોતાના અને પ્રકાશના જાતજાતના મેડિકલ રિપોર્ટ પણ કરાવી લીધા હતા. બધા જ રિપોર્ટ નોર્મલ હતા અને ડોક્ટરે પણ એમને બાળક સંબંધમાં બધું નસીબ ઉપર જ છોડી દેવાનું કહ્યું હતું. બધેથી નિરાશા મળતાં પૂનમ થોડી થોડી ઉદાસ રહેવા લાગી હતી. પરંતુ પોતાનું દુ:ખ એ પ્રકાશને કળાવા દેતી નહિ. એની પહેલાં જેટલી જ સંભાળ રાખતી. છતાં એક પુરુષ તરીકે પ્રકાશને અણસાર આવી ગયો હતો કે પત્નીના પ્રેમમાં હવે પહેલાં જેટલો ઉત્સાહ, ઉષ્મા અને ઉમંગ વર્તાતાં નથી.
એ અરસામાં એક દિવસ પૂનમને મમ્મી ચંદ્રિકાબહેનનો ફોન આવ્યો. એમણે પૂનમને નાની દીકરી રેખા માટે પ્રકાશ જેવો જ સુશીલ મુરતિયો શોધી કાઢવાની ભલામણ કરી. રેખાએ બી.એસ.સી. સુધીનું શિક્ષણ પૂરું કરી લીધું હતું. મા-બાપ એને પરણાવી દઈને પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માગતાં હતાં. સાંજે પ્રકાશ ઘરે આવ્યો એટલે પૂનમે એને મમ્મીનો ફોન આવ્યાની અને એમને રેખાનાં લગ્નની ચિંતા હોવાની વાત કરી. પ્રકાશે ચા-નાસ્તો કરી લીધા પછી પૂનમને એક રસ્તો બતાવ્યો, 'પૂની, મને લાગે છે કે આપણે રેખાને અહીં રહેવા બોલાવી લેવી જોઈએ. અહીં રહીને એ કમ્પ્યુટર અને ઈંગ્લિશ સ્પીકિંગ જેવા એકાદ-બે કોર્સ કરી શકશે અને સાથોસાથ ન્યાતજાતમાં જતી-આવતી થશે એટલે કન્યા તરીકે લોકોના ધ્યાનમાં પણ આવશે. ઉપરાંત તારી સાથે રહીને ઘર-ગૃહસ્થીની થોડીક સમજ પણ મેળવી લેશે.' પૂનમને પોતાના પતિનો વિચાર ગમ્યો અને પોતાની બહેન માટે એ આટલું ગંભીરતાથી વિચારે છે એ જાણીને એના પ્રત્યે માન પણ થયું. પૂનમે બીજા જ દિવસે ફોન કરીને ચંદ્રિકાબહેનને રેખાને જામનગર પોતાના ઘરે મોકલી આપવાનું કહી દીધું. રેખાના આવતાં જ પૂનમના ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. પ્રકાશ અને રેખા વચ્ચે સાળી-બનેવીની રૂએ હસી-મજાક ચાલ્યા કરતી. રેખાનો સ્વભાવ પૂનમથી સાવ જુદો હતો. પૂનમ જેટલી ધીરગંભીર હતી એટલી જ રેખા ચંચળ હતી. રેખાને આખો દિવસ મસ્તી-મજાક અને ધમાલ કરવી ગમતી. દેખાવે પણ એ પૂનમ કરતાં વધુ આકર્ષક હતી. પ્રકાશ ક્યારેક એને મજાકમાં કહેતો પણ ખરો કે 'પૂનીને જોવા આવ્યો ત્યારે મેં તને જોઈ હોત તો મેં તારી સાથે જ મેરેજ કર્યાં હોત.'
પ્રકાશે રેખાને એક સારા કમ્પ્યુટર ક્લાસમાં એડમિશન અપાવી દીધું હતું. અને એક પ્રોફેસર મિત્રને એણે રેખાનું ઈંગ્લિશ પાવરફુલ બનાવવાની જવાબદારી સોંપી દીધી હતી. રેખા સવાર-સાંજ પ્રોફેસર પાસે ઈંગ્લિશ સ્પીકિંગનો મહાવરો લેવા પણ જતી. સાળી-બનેવી સવારે ઘરેથી સાથે જ નીકળતાં અને અઠવાડિયામાં એકાદ-બેવાર સાંજે સાથે જ ઘરે પાછાં ફરતાં.
દિવસો અને મહિના તો ભાગતા રહેતા હતા. વચ્ચે પ્રકાશે રેખાની બે-ત્રણ મુરતિયાઓ સાથે મિટિંગ કરાવી, પણ વાત કાંઈ જામી નહિ. એ દરમિયાન પૂનમના પપ્પાને હાઈ બ્લડપ્રેશરની તકલીફ થતાં ચંદ્રિકાબહેને ફોન કરીને પૂનમને તેડાવી લીધી. પ્રકાશને રજા મળે તેમ નહોતી અને રેખા પોતાના ક્લાસ પાડવા નહોતી માગતી. એટલે પૂનમે એકલા જ જવું પડયું. પૂનમે પિયર પહોંચીને અનુભવ્યું કે પપ્પાને યુવાન દીકરીનાં લગ્નની ચિંતા હતી અને પોતે નિ:સંતાન હોવાથી પણ એમને ટેન્શન રહેતું હતું. એનો પૂનમ પાસે તાત્પુરતો કોઈ ઈલાજ નહોતો. છતાં શાંતિભાઈને હૈયાધારણ આપીને જામનગર પાછી ફરી.
જામનગર પાછા ફર્યા બાદ પૂનમને રેખાના સ્વભાવમાં થોડું પરિવર્તન આવ્યું હોવાનું લાગ્યું. ત્યારે એને ખબર નહોતી કે આ પરિવર્તનનું કારણ રેખાનું એક બહુ મોટું 'પરાક્રમ' હતું. એક દિવસ સવારથી સાંજ સુધી રેખાએ કાંઈ ખાધું-પીધું નહિ. એ ક્લાસમાં પણ ન ગઈ. આખો દિવસ મોઢામાં કાંઈક ને કાંઈક પધરાવ્યા કરતી રેખાને આ રીતે ખાવા-પીવા પર એકાએક અરુચિ થતાં પૂનમ એની અનિચ્છા છતાં પરાણે એને લેડી ડોક્ટર પાસે લઈ ગઈ. અહીં પૂનમ માટે એક મોટો આઘાત રાહ જોતો ઊભો હતો. ડોક્ટરે રેખાને તપાસી અને એનું યુરિન ટેસ્ટ કરીને એ મા બનવાની હોવાનો નિષ્કર્ષ આપ્યો. પૂનમ ઉપર તો જાણે આભ તૂટી પડયું.
ઘરે આવીને એણે રેખાનો ખૂબ ઊધડો લીધો. 'નીચ, કમજાત... તેં મા-બાપની આબરુ ધૂળમાં મેળવી. આવું કુકર્મ કર્યા પહેલાં તને એકપણ વાર વૃદ્ધ મા-બાપનો વિચાર ન આવ્યો? હવે એટલું તો બોલ કે તારા આ પાપનો ભાગીદાર કોણ છે?' પૂનમે ઘણું પૂછ્યું પણ રેખા જવાબમાં 'દીદી, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ' એટલું બોલીને ચૂપ થઈ જતી. અંતે થાકી-હારીને પૂનમ પ્રકાશના ઘરે પાછા ફરવાની રાહ જોવા લાગી.
રાત્રે પૂનમે પ્રકાશને જમાડી લીધા બાદ રેખાના પરાક્રમની વાત કરી. એને વિશ્વાસ હતો કે પ્રકાશ જરૂર આ આફતમાંથી કોઈ માર્ગ કાઢશે. રેખા વિશે સાંભળીને પ્રકાશે તત્કાળ કોઈ પ્રત્યાઘાત ન આપ્યા. 'સવારે વાત કરીશ' એટલું બોલીને એ ચૂપચાપ પડખું ફરીને સૂઈ ગયો. બીજી તરફ પૂનમે પડખાં ઘસીઘસીને રાત વિતાવી. એ આજની રાત ટૂંકામાં ટૂંકી થાય અને વહેલું સવાર પડે એવી મનોમન પ્રાર્થના કરતી હતી.
બીજી સવારે પ્રકાશે ચા-નાસ્તો કર્યા બાદ પૂનમને પોતાની પાસે બેસાડી વાત શરૂ કરી, 'પૂની, તું તો જાણે છે કે તારા પિયરની આબરુ હવે મારી આબરુ છે. રેખાએ મોટી ભૂલ તો કરી જ છે, પણ એની સજા આપણને બધાને થાય એવું હું ઈચ્છતો નથી. મને આનો એક વ્યવહારુ ઉપાય સૂઝ્યો છે. ઉપાય તને થોડો આંચકારૂપ લાગશે. એટલે તારી ઈચ્છા હોય તો જ તને કહું.'
'પ્રકાશ, તમે કેવી વાત કરો છો? તમે જે વિચાર્યું હોય એ બધાના ભલા માટે જ હોય. મને તમારા પર ભગવાન જેટલો જ ભરોસો છે. એટલે તમતમારે નિશ્ચિંત રહીને કહો.'
'જો પૂની, આપણને બન્નેને બાળકની બહુ ઈચ્છા છે, પણ ઈશ્વરને કદાચ આપણને સંતાનસુખ આપવાની ઈચ્છા નથી. અથવા તો એ બીજી કોઈ રીતે આપણને સંતાનસુખ આપવા ઈચ્છે છે. તેં મને કાલે રાત્રે કહ્યું એમ ડોક્ટર રેખાના એબોર્શનની સલાહ આપતા નથી. એમાં પણ ઉપરવાળાનો કોઈ સંકેત હશે. હવે જો તારી ઈચ્છા અને સંમતિ હોય તો આપણે રેખા અને એનું બાળક કાયમ માટે આપણી સાથે રહે એવી વ્યવસ્થા કરીએ. તારાં મમ્મી-પપ્પાની પરવાનગી લઈને હું રેખા સાથે લગ્ન કરી લઉં અને તમે બંને બહેનો મળીને સુખેથી આ ઘરમાં રહો...'
'તમારું પ્રપોઝલ વિચાર માગી લે એવું છે, પણ કાયદો આ રીતે બીજાં લગ્નની પરવાનગી આપે છે? પાછળથી કોઈક મુશ્કેલી ઊભી થાય તો?' 'એનો પણ મેં વિચાર કરી જોયો છે, જાનુ. કાયદો તો જ બીજાં લગ્ન કરનાર પતિ સામે પગલાં લે, જો એની પહેલી પત્ની એની સામે ફરિયાદ કરે. આપણા કેસમાં તો એ થવાનું જ નથી, કારણ કે હું તારી સંમતિ હોય તો જ રેખા સાથે લગ્ન કરીશ. સવાલ રહે છે તારાં મમ્મી-પપ્પાની મરજીનો, તો એ માટે તારે એમને તૈયાર કરવાં પડે.' પ્રકાશે પોતાની વાત પૂરી કરી અને એ ઓફિસે જવા રવાના થઈ ગયો. એના ગયા પછી પૂનમે પોતે પણ વિચાર કર્યો અને રેખાને પણ પ્રકાશનો પ્રસ્તાવ કહી જોયો. રેખાએ કોઈ પ્રત્યાઘાત ન આપ્યા, પણ પૂનમને એનાં પ્રકાશ સાથેનાં લગ્નમાં જ મુસીબતનો ઉકેલ દેખાયો. એ માટે એણે પિયર જઈને પોતાનાં મા-બાપને પણ રાજી કરી લીધાં. પ્રકાશે રેખા સાથે મંદિરમાં અમુક સ્નેહીઓની હાજરીમાં લગ્ન કરી લીધાં.
પ્રકાશ અને રેખાનાં લગ્ન બાદ પૂનમે એમને પોતાનો બેડરૂમ ફાળવી દીધો અને પોતે બાજુના નાનકડા રૂમમાં શિફ્ટ થઈ ગઈ. ચાર મહિનામાં તો રેખાએ સરસ મજાના બાબાને જન્મ આપ્યો. પ્રકાશ અને પૂનમના આનંદનો પાર ન રહ્યો. પૂનમ બાબાને પોતાના પુત્રની જેમ આખો દિવસ પોતાની પાસે જ રાખતી. સ્તનપાન કરવા પૂરતો જ બાબો રેખા પાસે રહેતો. બાબાના ચહેરામાં પૂનમને પોતાનું પ્રતિબિંબ દેખાતું.
એક રાત્રે બાબો અચાનક રડવા લાગ્યો.એણે બોળોતિયું ભીનું કર્યું હતું. પૂનમે એને કોરો કરીને ફરી હીંચકાવીને પોઢાડી દીધો. એ બાથરૂમ જવા રૂમની બહાર આવી. એના આશ્ચર્ય વચ્ચે રેખા અને પ્રકાશના બેડરૂમની લાઈટ આટલી મોડી રાત્રે પણ ચાલુ હતી. બંને વચ્ચેની વાતો રાતની નીરવ શાંતિને લીધે સ્પષ્ટ સાંભળી શકાતી હતી. પૂનમે કોઈક અગમ્ય કારણસર બેડરૂમના દરવાજા પાસે જઈ કાન માંડયા. 'રેખુ ડાર્લિંગ, આપણો પ્લાન કેવો સચોટ નીકળ્યો, જોયુંને! આપણી લવ-સ્ટોરીની તારી બહેનને ગંધ પણ ન આવી અને બધું થાળે પડી ગયું. આપણે બંને એક થઈ ગયાં અને બાબાને પૂનમના રૂપમાં આયા પણ મળી ગઈ. આને કહેવાય ભેજું!' 'હા, ડાર્લિંગ, વાત તો સાચી છે. હું તો મનોમન પહેલેથી માનતી હતી કે દીદી તમને પરણીને દહીંથરું લઈ ગઈ છે. ક્યાં એ કાગડી જેવી કાળી અને ક્યાં તમે! કોઈ રીતે મેળ બેસે છે? આ તો કાગડો દહીંથરું લઈ ગયો હોય એવો જ ઘાટ થયોને! દીદી પણ કેટલી ભોળી છે. મારા ક્લાસમાં જવાના બહાને આપણે એક વરસ સુધી બહાર મળી મોજમસ્તી કરતાં રહ્યાં, પણ એને બિચારીને જરાસરખી શંકા ન ગઈ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવતા જન્મે પણ મને આવી જ બહેન આપજે...'
'ફક્ત બહેન, આવો બનેવી નહિ...' છેલ્લા વાક્ય સાથે જ બેડરૂમની બત્તી ઓલવાઈ ગઈ. પૂનમ તો આ બધું સાંભળી શૂન્યમનસ્ક બની ગઈ. એક નાની બહેન મા સમાન મોટી બહેન સાથે આટલું મોટું કપટ કરી શકે? અને પ્રકાશ...! એ તો આ છળકપટના ખેલનો સૂત્રધાર હતો. પોતે માત્ર એમની શતરંજની બાજીનું પ્યાદું બનીને રહી ગઈ હતી....રેખાને સારો વર મળી ગયો હતો, એનાં મા-બાપને ઘેરબેઠાં જમાઈ મળી ગયો, રેખાના બાળકને બબ્બે મા અને એક બાપ મળી ગયાં હતાં , પણ પૂનમને શું હાથ લાગ્યું હતું....નાની બહેનના રૂપમાં એક શોક્ય! વાહ રે દુનિયા!