વાર્તા : અધૂરું મિલન .
'સ્વાતિ, મારો વિશ્વાસ કરજે. હું તારો છું અને સદાય તારો જ રહીશ.' સુધાકરે મક્કમતાથી સ્વાતિનો હાથ પકડતાં કહ્યું. આ સંવાદોમાં ક્યારે સૂરજ ડૂબી ગયો અને અંધારું ઘેરાવા લાગ્યું એની ખબર જ ન રહી. તેણે એકદમ સુધાકરનો હાથ છોડાવ્યો અને ઊભી થઈ ગઈ. 'કાલે પાછી આવીશ. આજે જવા દો.' માંડ માંડ તે આટલું જ બોલી શકી.
'પપ્પા, દરિયાકિનારા પાસેની હોટેલ જ પસંદ કરજો. હું આખું અઠવાડિયું દરિયામાં ઊછળતાં અને કિનારે આવીને પછડાઈ જતાં મોજાં નિહાળવા ઈચ્છું છું. મને સાગરની આ મસ્તી જોવાનું ખૂબ ગમે છે.' કોલેજના વેકેશનમાં પપ્પા સાથે જગન્નાથપુરીની યાત્રાએ જવા તૈયાર થયેલી સ્વાતિએ કહ્યું.
'દીદી, સીધેસીધું કહી દેને કે તારે છીપલાં ભેગાં કરવાં છે. તને છીપલાં ખૂબ ગમે છે ને?' નાના ભાઈ પરાગે સ્વાતિને છેડતાં કહ્યું.
કંચનવર્ણી કાયા, અણીદાર નાક, દાડમના દાણા જેવા દાંત અને એકવડિયો બાંધો ધરાવતી સ્વાતિના સ્વભાવમાં પણ સાગરનું ઊંડાણ અને ગાંભીર્ય જોવા મળતું હતું.
સ્વાતિના પપ્પાને મહામહેનતે દરિયાકિનારા નજીકની એક હોટેલ મળી અને સ્વાતિ ખુશીથી છલકાઈ ઊઠી. જગન્નાથપુરી પહોંચતાવેંત થોડીવારમાં જ તે સમુદ્રતટે ફરવા નીકળી પડી. સમંદરની લહેરો જાણે તેને નિમંત્રણ આપી રહી હોય એવું તેને લાગતું. થોડી થોડીવારે હળવેથી કિનારાને વહાલથી સ્પર્શીને વેરવિખેર થઈ જતી અને ફરી પાછી મમતાથી તટ પર ઓવારી જતી લહેરોને જોતાં સ્વાતિ પ્રફુલ્લિત થઈ જતી.
સાગરતટની ભીની રેતીમાં બેેઠેલી સ્વાતિ છીપલાં શોધવામાં તલ્લીન હતી. ચારે બાજુ અનેક યાત્રાળુઓની અવરજવર હતી. પરંતુ છીપલાં વીણવામાં મશગૂલ સ્વાતિ તેનાથી બેફિકર બનીને કુદરતની અદ્ભુત કારીગરી માણી રહી હતી. એકાદ કલાક બાદ પોતાના રેશમી દુપટ્ટામાં કેટલાંય છીપલાં ભરીને તે ઊભી થઈ ત્યારે અચાનક તેને ખ્યાલ આવ્યો કે પરાગ અને પપ્પા દૂર ચાલ્યા ગયા હતા.
તે આસપાસ નજર ફેરવી રહી હતી એવામાં તેને એક સોહામણો અને સૌમ્ય યુવક દેખાયો. તે યુવાન એકીટશે સ્વાતિને જોઈ રહ્યો હતો. સ્વાતિ તેની આ અનિમેષ દ્રષ્ટિથી શરમાઈ ગઈ અને તરત કશું નહિ સૂઝતાં ઝડપભેર પોતાના કટુંબીજનો પાસે પહોંચી ગઈ.
ઉતાવળી ચાલને કારણે અને અજાણ્યાયુવકના દ્રષ્ટિ-મિલનથી સ્વાતિની ધડકન વધી ગઈ. તે રેત પર બેસી ગઈ અને દુપટ્ટો ફેલાવીને પોતે એકઠો કરેલો છીપલાંનો ખજાનો પરિવારજનોને દેખાડવા લાગી. પરંતુ એની આંખો ભયભીત હરણીની જેમ હજી પેલા સોહામણા યુવાનને શોધી રહી હતી.
સ્વાતિ રાતભર હોટેલના પલંગ પર પડખાં ફેરવતી રહી. સવારે જગન્નાથજીનાં દર્શને તો ગઈ. પરંતુ તેના મનમાં મંથન ચાલ્યા કરતું હતું કે 'કોણ હશે એ નવયુવાન? મારી આંખોમાં એ શું શોધી રહ્યો હતો? કોણ જાણે ક્યારથી એ મને નીરખી રહ્યો હતો!'
'જય જગન્નાથ'ના જયઘોષથી મંદિર ગાજી ઊઠયું. અગરબત્તીઓ અને ચંદનની ખૂશબુથી વાતાવરણ મહેકી રહ્યું હતું. લયબદ્ધ ઘંટારવ અત્યંત કર્ણપ્રિય લાગતો હતો. ભાવિકોની ભીડ વટાવતી સ્વાતિ જગન્નાથજીની મૂર્તિ સમક્ષ આવીને ઊભી રહી.
બે હાથ જોડીને સ્વાતિ મૂર્તિને નમન કરી રહી હતી એવામાં તેની બાજુમાં એજ યુવાન વંદનની મુદ્રામાં ઊભેલો તેણે જોયો. સ્વાતિએ ચોર નજરે તેની સામે જોયું. તેને જોતાંવેંત સ્વાતિની આંખો જાણે ત્યાં જ ખોડાઈ ગઈ. તેણે મનોમન વિચાર્યું, 'આ સોહામણા યુવકે મારામાં એવું તે શું જોયું હશે કે ગઈ કાલે એકીટશે મને નીરખી રહ્યો હતો.' ચૂપચાપ તે મંદિરની બહાર આવી ગઈ.
દિવસભર સ્વાતિના મગજમાં વિવિધ તરંગો ઊઠતા રહ્યા. તેના હૈયામાં એક મીઠી લહેરખી ફરી વળી. કોઈક અદ્રશ્ય આકર્ષણ જેવું તે અનુભવવા લાગી. એ અજાણ્યા યુવાનની આંખોમાં કશુંક એવું હતું, જે સ્વાતિના સમસ્ત દિલોદિમાગ પર જાણે છવાઈ ગયું હતું. એક મધુર કંપનથી તેની કાયા પુલકિત થઈ ગઈ. મન હળવું કરવા તે ફરી સાગરતટ તરફ વળી.
છીપલાંઓની ઢગલી દુપટ્ટામાં સમેટીને એ પાછા વળવાની તૈયારી કરી રહી હતી ત્યાંજ એક ઘેરો અવાજ તેના કાને અથડાયો: 'કેવો યોગાનુયોગ છે કે એક છીપ પોતાના ખોળામાં છીપલાં ભેગાં કરી રહી છે. છીપલાં બેશક સુંદર છે. પણ તું એનાથીય વધુ સુંદર છે. પણ છીપલાની માફક તારા જીવનને બંધ રાખીશ નહિ.'
સ્વાતિએ પાછળ ફરીને જોયું તો એના ધબકારા વધી ગયા. એજ યુવાન તેની સામે સ્મિત વેરતો ઊભો હતો.
'મારું નામ સુધાકર....તારું?' યુવાને મોં ખોલ્યું.
'સ્વાતિ'. મંદ સ્વરે સ્વાતિ બોલી.
ઘડીભર બંને એકબીજાની આંખોમાં તાકતાં રહ્યાં અને આંખોના સાગરમાં ડૂબકી મારીને જાણે એક સ્વપ્નનગરીમાં જઈ ચડયાં.નજરોની આપલે વડે જ બંનેએ પોતપોતાનાં દિલમાં છુપાયેલી ઉર્મિઓને વાચા આપી.
કેટલાક લોકોને આવતા જોઈને સ્વાતિ સહેજ દૂર સરકવા લાગી ત્યારે સુધાકરે કહ્યું, 'આવતી કાલે આ જ જગ્યાએ અને આ જ સમયે હું તારી રાહ જોઈશે. આવીશ ને?'
સ્વાતિએ મર્માળું સ્મિત વેર્યું અને ત્યાંથી પાછી ફરી. સુધાકરને કિનારા પર ફરતા મુલાકાતીઓ પર ચીડ ચડી, કેમ કે એની આંખોમાં આવતી કાલનાં સપનાં તરવરી રહ્યાં હતાં. મનમાં ને મનમાં હરખાતાં તેણે પોતાની હોટેલ તરફ પગલાં માંડયાં.
સ્વાતિની આંખોમાંથી નીંદર અલોપ થઈ ગઈ હતી. સુધાકરની મૂર્તિએ તેના હૈયાના દરબારમાં આસન જમાવ્યું હતું. તેના ચરિત્રની દ્રઢતા અને આકાશ જેવી વિરાટતા સ્વાતિને એવી સ્પર્શી ગઈ હતી કે એ આકાશમાં પાંખો ફેલાવીને ઊડવામાં એ નિરાંત અનુભવી રહી હતી. તે પણ સુધાકરની જેમ આવનારી કાલની ચાતકનજરે પ્રતીક્ષા કરી રહી હતી. પરંતુ મનમાં અવઢવ હતી: જેને જાણતી પણ નથી, એના એકમાત્ર વાક્યના ભરોસે આમ મળવા દોડી જવું કેટલું ઉચિત ગણાય?
પ્રેમનો આવેગ એકવાર મન પર સવાર થઈ જાય પછી એની આંધીમાં ઔચિત્યનાં મૂળિયાં ઊખડી જાય છે. મન એવી દલીલ કરતું કે મળવામાં શી તકલીફ છે? પણ સંસ્કારોની સાંકળ તેના આવેગને જકડી રહી હતી.
આ મૂંઝવણ વધી જતાં છેવટે તેણે મધ્યમ માર્ગ પસંદ કર્યો.
નક્કી કરેલો સમય વીતી ગયા બાદ તે એ સ્થળેથી થોડેક દૂર જઈને બેઠી. પોતાની નાદાની પર એને હસવું આવ્યું. પણ સુધાકરને મળવાની તલપમાંથીછુટકારો મળતા તે ચોમેર નજર ઘુમાવી રહી હતી. તેવામાં જ સુધાકર તેને દૂરથી આવતો દેખાયો. સ્વાતિએ તેની સામે જોયા વગર દરિયા સામે નજર ઠેરવી.
'તું અહીં છુપાઈને બેઠી છો? ગમે ત્યાં છુપાઈ જા, પણ મારી આંખો તને અચૂક ગોતી કાઢશે.' એમ બોલતાં સુધાકર તેની પાસે આવીને બેસી ગયો.
તને જોઈને એવું લાગ્યું જાણે હું તને વરસોથી ઓળખું છું. તને મળવા અને વાતો કરવા હૈયું અધીરું બની ગયુંછે. પ્રેમના આ ખેંચાણ સામે હું લાચાર છું.'
સ્વાતિના કાન લાલચોળ બની ગયા, ગાલ જાણે ચચરા લાગ્યા અને ધડકનો બેકાબૂ બની ગઈ.
'આ સાગર આપણા પ્રેમનો સાક્ષી છે. વિશ્વાસ રાખજે,આજીવન તને હૃદયના સિંહાસન પર બિરાજમાન રાખીશ' સ્વાતિનો હાથ પકડતાં સુધાકર બોલ્યો. ધુ્રજતા હાથે સ્વાતિએ સ્વેચ્છાએ સુધાકરના હાથમાં પોતાનો હાથ સોપ્યોં.
'સ્વાતિ, મારો વિશ્વાસ કરજે. હું તારો છું અને સદાય તારો જ રહીશ.' સુધાકરે મક્કમતાથી સ્વાતિનો હાથ પકડતાં કહ્યું.
આ સંવાદોમાં ક્યારે સૂરજ ડૂબી ગયો અને અંધારું ઘેરાવા લાગ્યું એની ખબર જ ન રહી. ઘેર પાછા ફરવાનું વિચારી રહી હતી ત્યાંજ તેને પોતાનો નાનો ભાઈ આવતો દેખાયો. તેણે એકદમ સુધાકરનો હાથ છોડાવ્યો અને ઊભી થઈ ગઈ. 'કાલે પાછી આવીશ. આજે જવા દો.' માંડ માંડ તે આટલું જ બોલી શકી.
એકમેકને નીરખવામાં જ એટલો સમય પસાર થઈ ગયો હતો કે એકબીજા વિશે કશું વધુ જાણવાનો અવકાશ જ રહ્યો નહોતો. બંનેને એમ હતું કે ઔપચારિક વાતો તો કાલે પણ થઈ શકશે.
સુધાકર પણ હતાશ થઈ ગયો અને મન બહેલાવવા સાંજે આરતીટાણે મંદિરે જઈ પહોંચ્યો. પરંતુ આરતી પતી ગઈ હતી અને બધા ભાવિકો નીકળી ગયા હતા. સ્વાતિ સાથે વીતેલી થોડીક પળોને વાગોળતો એ હોટેલના રૂમ પર પહોંચ્યો.
એણે વિચાર્યું કે આવતી કાલે સ્વાતિના કુટુંબીજનોને મળીને તેના હાથની માગણી કરીશ. કંઈ પણ થાય તો પણ મારા પ્રેમનું અપમાન નહિ થવા દઉં. સ્વાતિના સાંનિધ્યમાં સુખી સંસારનાં સપનાં જોવામાં ક્યારે આંખ મળી ગઈ તેની તેને ખબર ન રહી.
આ બાજુ સ્વાતિપણ મઝધારમાં હાલકડોલક થતી નૌકાની જેમ ઉચાટમાં પડખાં ફેરવતી રહી. એવામાં પપ્પાના અગત્યના કામ ખાતર બીજે દિવસે વહેલી સવારે તેમને અચાનક ઊપડી જવાનું નક્કી થયું. આથી બધાં સામાન સમેટવામાં લાગી ગયા હતાં.
વહેલા પાછા ફરવાની વાત સાંભળીને સ્વાતિના હૈયામાં જાણે શૂળ ભોંકાયું. પોતાની અપેક્ષાઓની તૃપ્તિ વિશે તેના મનમાં થોડો અંદેશોતો હતો. છતાં તેને આશા હતી કે આવતી કાલે બંને સાથે મળીને ભાવિ જીવનનું થોડુંક આયોજન કરી લેશે. પરંતુ તેનાં સપનાંઓની કળીઓ પર આવું હિમ પડશે એવું તો એણે ધાર્યું જ નહોતું.
સૂનમૂન બની ગયેલી સ્વાતિ સાંજે હોટેલની બહાર આવીને ઊછળતા સાગરને જોઈ રહી. પૂનમ હોવાને કારણે કિનારા પર પણ સારી એવી ભીડ જામી હતી. જેમજેમ સંધ્યા ઢળતી ગઈ અને અંધારું ઘેરાવા લાગ્યું તેમ તેમ જાણે દરિયાની લહેરો સાપની જેમ કિનારા સામે ફૂંફાડા મારીને પછી વળી જતી.
સુધાકરની યાદોમાં ખોવાયેલી સ્વાતિ સાગરતટે એકલી બેઠી રહી. તે સુધાકરનો પડછાયો બનીને કાયમ તેની સાથે રહેવા માગતી હતી. પરંતુ નિયતિએ બંનેને જુદાં કરી દીધાં.
ક્યારેક તે પોતાની જાતને પ્રશ્ન પૂછતી કે સુધાકર માટે તેને ખરેખર પ્રેમ છે કે પછી એક પ્રકારનો ક્ષણિક મોહ? સુધાકરના વ્યક્તિત્વના પ્રબળ આકર્ષણથી તો તે ખેંચાઈ નથી રહી ને?
પણ મન અનેક દલીલો કરતું. વધુ મંથન કરતાં તેને દરેક ખૂણામાં સુધાકર દેખાવા લાગ્યો. સુધાકરના સંયમ અને મક્કમ ચરિત્રથી તે ખૂબપ્રભાવિત થઈ હતી. તેના મોહક વ્યક્તિત્વથી અંજાયેલી તે બધું ભૂલી ગઈ હતી. તેને થયું: આવતી કાલે સુધાકર સાગરતટ પર મને નહિ જોતાં કેટલો બેબાકળો થઈ જશે!
પોતે જઈ રહી છે એ વાત સુધાકરને કઈ રીતે જણાવવી એના વિચારે તેને બેચેન કરી મૂકી અને અપરાધભાવ અનુભવી રહી.
સુધાકરની વિહ્વળતાના ખ્યાલે તેની આંખોમાં આંસુ આવી ગયાં. મિલનના મધુર આવેગમાં તેણે સુધાકરને એટલું પણ પૂછ્યું નહોતું કે તે જગન્નાથપૂરીમાં કયાં સુધી રહેવાનો છે.
'દીદી, અહીં એકલી બેઠી બેઠી તું શું કરી રહી છો? મમ્મી તારી ફિકર કરે છે. તને આ ઊંચા ઊંચા ભરતીનાં મોજાંથી ડર નથી લાગતો?' નાના ભાઈની ટકોર સાંભળતાં સ્વાતિની તંદ્રા તૂટી. પણ તેને તે કઈ રીતે કહે કે તેના હૈયામાં કેવો વલોપાત મચ્યો છે. તેણે ચૂપચાપ ભાઈ સાથે હોટેલ ભણી પગલાં માંડયાં.
સવાર પડતાંવેંત તે બાલ્કનીમાં આવી. સૂર્યોદયનું દ્રશ્ય જોવા અનેક પ્રવાસીઓ એકઠા થયા હતા. ઘડીભર એને થયું કે કદાચ સુધાકર પણ તેને મળવા અહીં આવ્યો હશે. પણ એની હોટેલનું નામ પણ એણે પૂછ્યું નહોતું.
અફસોસ સાથે સ્વાતિ પોતાના રૂમમાં પાછી ફરી. ટ્રેનમાં બેઠાં બેઠાં સ્મરણો વાગોળવા માંડી: સાંજે દરિયાકિનારે સુધાકરની આંખો તેને શોધવા લાગશે અને તે હતાશ થઈ જશે. આંખમાં છલકાઈ ઊઠેલાં આંસુ લૂછવા તેણે રૂમાલ કાઢ્યો કે તરત એક છીપલું એમાં ભરાઈ ગયેલું તેણે જોયું. સ્વાતિને થયું કે અમારું બંનેનું જીવન પણ આ છીપની જેમ બંધ છે. યોગ્ય સમયે બંને જણ તે ખોલી ન શક્યાં. એણે મન મનાવતાં કહ્યું: કદાચ જિંદગીના રાહ પર અમે પળભર મળ્યાં. હવે અમારા માર્ગ અલગ છે. અમારું મિલન અને આત્મીયતા માત્ર પ્રવાસ પૂરતાં સીમિત હતાં. આ જ અમારી નિયતિ છે.
તેણે બારી બહાર જોવાની કોશિશ કરી. પરંતુ નિરાશા સિવાય કશું ન મળ્યું. તેના સપનાં જાણે ચૂર ચૂર થઈ ગયાં હતાં. હૈયાના ખૂણામાંથી દર્દની એક લહેર ઊઠીને તેના સમગ્ર અસ્તિત્વને હચમચાવતી વિલીન થઈ ગઈ હતી. અને તેની સાથે જગન્નાથપૂરીના સાગરતટે બંધાયેલો સુધાકર સાથેનો નાતો પણ સમેટાઈ ગયો હતો.