Get The App

વાર્તા : સચ્ચાઈ જૂઠની .

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
વાર્તા : સચ્ચાઈ જૂઠની                                     . 1 - image


- શૈલેષ આશ્ચર્યચકિત થઈ પત્નીને જોઈ રહ્યો. તેને કાશ્મીરા પર ક્રોધ નહીં પણ પ્રેમ ઉમટયો. તેણે તેને પોતાના બાહુપાશમાં લેતાં કહ્યું, 'ગાંડી, આમાં આટલું બધું વલોવાની શું જરૂર હતી? અને તેં ક્યાં એટલો મોટો ગુનો કરી નાખ્યો છે? તેં તો તારી મમ્મીના સારા ઈરાદાથી બોલાયેલા જૂઠને પોતાની ઈચ્છાઓને ભોગે સત્ય પુરવાર કરવાનો પ્રયાસ કર્યો છે.'

કાશ્મીરાએ ઝડપથી ઘરનું કામ આટોપ્યું. હજી સવારના સાડા અગિયાર માંડ થયા હતા. પણ સૂર્યનો તાપ તેનો પરચો બતાવી રહ્યો હતો. આવી ગરમીમાં હળવા રંગની કોટનની સાડી જ સારી રહેશે એમ વિચારી તેણે કબાટમાંથી ગુલાબી સાડી કાઢી. ઝડપથી કપડાં બદલી તે ઘરની બહાર નીકળી. નજીક આવેલા બસ સ્ટોપ પર પહોંચીને તે બસ સ્ટોપના શેડ નીચે ઊભી રહી ગઈ. થોડીવારમાં બસ દેખાતાં તે ઝપાટાભેર બહાર નીકળી અને બસ પકડી લીધી. લગભગ પોણા કલાકના પ્રવાસ પછી તે તેના પિયરે પહોંચી ગઈ.

કાશ્મીરાને જોઈને તેના મમ્મી લીલાવતીબેનના ચહેરા પર રાહતના ભાવ ફરી વળ્યાં. નાસ્તાની તૈયારી કરી રહેલા લીલાવતીબેને કાશ્મીરાને આવકારતાં કહ્યું, 'સારું થયું તું સમયસર આવી ગઈ'. કાશ્મીરા તેની મમ્મીને નાસ્તો બનાવવામાં મદદ કરવા ગઈ તો લીલાવતીબેને કહ્યું 'રસોડાનું કામ હું સંભાળી લઈશ. તું કેયૂરીને તૈયાર કર અને તેને છોકરાવાળા સામે શું, કેવી રીતે અને કેટલું બોલવું તે સમજાવી દે. આવા ઠેકાણા રોજરોજ નથી મળતાં. માણસો સારા છે, કુટુંબ સધ્ધર છે અને છોકરો પણ ઉચ્ચ શિક્ષિત છે. હું આ ઠેકાણુ હાથમાંથી જવા દેવા નથી માગતી.'

માતાની ચિંતા જોઈને કાશ્મીરાએ કહ્યું, 'મમ્મી, તું ચિંતા શા માટે કરે છે. આપણી કેયૂરીમાં શું કમી છે? તે સુંદર છે, ભણેલીગણેલી છે, નોકરી કરે છે, વિવેકી છે. છોકરાવાળાને તેનાથી વધુ શું જોઈએ?'

પણ લીલાવતીબેનનું મન ન માન્યું. તેમણે કાશ્મીરાને કહ્યું 'હું એને ક્યારની કહું છું કે જાંબુડી રંગની લંગડા પટ્ટાવાળી બાંધણી પહેર. છોકરાવાળા પાક્કા ગુજરાતી છે અને પરંપરામાં પણ ખૂમ માને છે. આમ છતાં કેયૂરી કહે છે આવી ગરમીમાં આટલી ભારે સાડી પહેરવાની શી જરૂર? માંડ માંડ તેનો પીળો પંજાબી સુટ પહેરવા તૈયાર થઈ છે'. મમ્મીની વાત સાંભળીને કાશ્મીરા તરત બોલી, 'પીળો પંજાબી ડ્રેસ પણ સરસ છે અને કેયૂરીને સુંદર દેખાવા કોઈ ખાસ ડ્રેસ કે સાડીની શી જરૂર છે. ઈશ્વરે જ તેને ખોબલે ખોબલે રૂપ આપ્યું છે. તેને અમસ્તાં જ બધાં 'બ્યુટી વિથ બ્રેઈન' નથી કહેતાં. તું ચિંતા ન કર. છોકરાવાળા તેને જરૂર પસંદ કરી લેશે. અને હા મમ્મી, છોકરાવાળા કાંઈ પણ પૂછે તો એનો જવાબ કેયૂરીને જ આપવા દેજે. તું કાંઈ નહીં બોલતી'.

કાશ્મીરાની વાત સાંભળીને લીલાવતીબેનના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. મમ્મીએ પોતાને છોકરાવાળા જોવા આવ્યા ત્યારે વચ્ચે બોલીને જે  ખોટી વાતો કહી હતી તેને લીધે પોતાને થયેલી માનસિક તાણની વાત છુપાવતાં કાશ્મીરાએ કહ્યું, 'મમ્મી પ્લીઝ, કેયૂરી ભણેલી છે, સમજદાર છે, બહેતર છે કે પોતાની વાત તે જાતે જ કહે'. લીલાવતીબેને કમને કહ્યું, 'સારું, પણ તું તેને સમજાવી દેજે કે બહુ બિન્ધાસ્ત થવાનો પ્રયાસ ન કરે'.

માતા સાથે વાત કરીને કાશ્મીરાએ કેયૂરીના ઓરડા તરફ જવા પગ ઉપાડયા. પણ તેના રૂમ સુધી પહોંચતા સુધીમાં તે ભૂતકાળમાં સરી પડી. શૈલેષ અને તેના માતાપિતા તેને જોવા આવવાના હતાં ત્યારે તેની મમ્મીએ તેને પરાણે જરીવાળી સાડી પહેરાવી હતી. ઉપરથી એટલાં ઘરેણાં પણ  ઠઠાર્યાં હતાં. શૈલેષ અને તેના માતાપિતા આવીને બેઠાં ત્યાર પછી અહીંતહીંની વાતો કરતાં કરતાં તેની મમ્મીએ તેમના ગમાઅણગમાની જાણકારી મેળવી લીધી. ત્યાર પછી જ્યારે શૈલેષના મમ્મીએ તેને પૂછ્યું કે, 'બેટા તને રસોઈ બનાવતાં આવડે છે?' ત્યારે તે જવાબ આપે તેનાથી પહેલાં જ લીલાવતીબેન વચ્ચે બોલી ઉઠયાં, 'આ બધી રસોઈ મારી કાશ્મીરાએ જ બનાવી છે.' શૈલેષે જ્યારે તેને પૂછ્યું કે 'તું લગ્ન પછી પણ નોકરી ચાલુ રાખવા માગે છે?' ત્યારે પણ કાશ્મીરા કાંઈ જવાબ આપે તેનાથી પહેલાં જ લીલાવતીબેન બોલી ઉઠયાં હતાં કે, 'તમે લોકો રાજીખુશીથી હા પાડશો તો કાશ્મીરા નોકરી ચાલુ રાખશે. નહીં તો ઘર સંભાળવામાં પણ તેને જરાય વાંધો નથી.' વાતવાતમાં જ્યારે લીલાવતીબેનને ખબર પડી કે શૈલેષના માબાપને પારિવારિક ફિલ્મો ગમે છે અને તેમને ફાસ્ટ ફૂડ કે તીખાં વ્યંજનો પસંદ નથી ત્યારે લીલાવતીબેન તરત બોલી ઉઠયાં હતાં, 'અમારી કાશ્મીરાને પણ મારધાડવાળી ફિલ્મો નથી ગમતી અને ફાસ્ટ ફૂડથી તો તે દૂર જ રહે છે. આજકાલની છોકરીઓ પોતાના ફિગર પ્રત્યે કેટલી જાગૃત બની ગઈ છે. જરાસરખું વજન વધે તોય તેઓ ડાયટ કરવા લાગી જાય'. જ્યારે આ વાત તદ્દન ખોટી હતી. કાશ્મીરાને એક્શન મુવીઝ જ ગમતી અને તીખાં તળેલાં પદાર્થો તેને અત્યંત પ્રિય હતાં. હા, ફાસ્ટ ફૂડ ખાવા છતાં તેનું વજન ન વધતું. શૈલેષના મમ્મી-પપ્પાએ રસોઈના વખાણ કર્યાં ત્યારે કાશ્મીરા નીચું જોઈ ગઈ હતી. હકીકતમાં તેણે આમાંથી એકેય વાનગી નહોતી બનાવી. જોકે લગ્ન થવા સુધી તેણે બધું શીખી લીધું હતું. પણ મમ્મીની વાત ખોટી ન પડે એટલે તેણે પોતાની પસંદગી તીખી વાનગીઓ છોડીને સાદી રસોઈ ખાવાનું શરૂ કરી દીધું હતું.

એક દિવસ તે એક્શન મુવી જોઈ રહી હતી ત્યારે અચાનક શૈલેષ આવી ચડયાં. તેમણે આશ્ચર્યથી કાશ્મીરા સામે જોતાં પૂછ્યું, 'શું વાત છે. આજે તું એક્શન મુવી જોવા બેસી ગઈ'. પતિની વાત સાંભળીને કાશ્મીરા એકદમ ભોંઠી પડી ગઈ. તેણે કહ્યું, 'હું તો અમસ્તા જ ચેનલ સર્ફ કરી રહી હતી' અને તેણે ચેનલ બદલી નાખી. પણ આમ કરતી વખતે તેના ચહેરાના ભાવ વાંચી ગયેલા શૈલેષને લાગ્યું કે તે આ ફિલ્મને સરસ રીતે માણી રહી હતી. શૈલેષે આખી વાત પોતાના ઉપર લઈ લેતાં કહ્યું કે 'મને તો આવી ફિલ્મો જોવાનું જ ગમે છે. ચાલ આજે તું મને આ ફિલ્મ જોવામાં કંપની આપ'. શૈલેષની વાત સાંભળીને કાશ્મીરાનો ચહેરો આનંદથી ખીલી ઉઠયો હતો. તેણે આખી ફિલ્મ રસપૂર્વક જોઈ. શૈલેષે એ વાત બરાબર નોંધી. પણ તે ચૂપ રહ્યો.

ફિલ્મ પૂરી થઈ પછી શૈલેષે કહ્યું, 'આજે આપણે ડિનર માટે બહાર જઈએ'. કાશ્મીરા ખુશ થઈ ગઈ. બંને તૈયાર થઈને બહાર નીકળ્યા. રેસ્ટોરાંમાં પહોંચ્યા પછી શૈલેષે જોયું કે કાશ્મીરા મેનુમાં સ્પાઈસી વાનગીઓના નામ રસપૂર્વક વાંચી રહી હતી. પણ છેવટે હમેશાંની જેમ ઈડલી-ઢોસા પર પસંદગી ઉતારી. જોકે તે વખતે તેના ચહેરા પર આવેલા નિરાશાના ભાવ શૈલેષે બરાબર નોંધ્યા. તેણે પત્નીનું મન જાણવા કહ્યું, 'કાશ્મીરા, દર વખતે ઈડલી-ઢોસા ખાવામાં શું મઝા? આજે આપણે પાંઉભાજી અને પિત્ઝા મગાવીએ? કાશ્મીરાએ કહ્યાગરી પત્નીની જેમ કહ્યું, 'ભલે, તમને પિત્ઝા-પાઉંભાજી ખાવા હોય તો મને પણ ચાલશે'. પરંતુ આમ કહેતી વખતે તેના ચહેરા પર ફાસ્ટ ફૂડ ખાવા મળવાની ખુશી છુપી  નહોતી રહી. શૈલેષે એ પણ નોંધ્યું કે તે હમેશાં ઈડલી-ઢોસા એટલા આનંદથી નહોતી ખાતી, જેટલી મોજથી તેણે આજે ફાસ્ટ ફૂડ ખાધું હતું. શૈલેષના અચરજનો પાર નહોતો. તેને એમ લાગતું હતું કે કાશ્મીરા એ બધું શા માટે કરે છે જે તેને ઓછું ગમે છે. શૈલેષે આડકતરી રીતે તેનું મન જાણવાનો પ્રયાસ કર્યો.

ઘરે  આવીને તેણે પત્નીને કહ્યું, 'કાશ્મીરા, લાગે છે મારી સંગતની રંગત તને બરાબરની લાગી ગઈ છે.' કાશ્મીરા પતિનો કહેવાનો અર્થ સમજી ગઈ. છતાં અજાણી બની પૂછ્યું, 'એટલે?' 'એટલે કે તને સ્પાઈસી ફૂડ ભાવવા લાગ્યું છે. એક્શન મૂવીઝ ગમવા લાગી છે. આજે તેં બંને વસ્તુ મન ભરીને માણી છે અને તેની ખુશી તારા ચહેરા પર સાફ દેખાય છે', શૈલેષ મજાક કરતો હોય એવા સૂરમાં કહ્યું હતું. પણ પતિની વાત સાંભળી કાશ્મીરાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. આટલા વખતથી તે મનમાં જે ગુનાઈત લાગણી અનુભવી રહી હતી તે જાણે કે શૈલેષે પકડી પાડી હોય એવો અહેસાસ થતાં કાશ્મીરા ભાંગી પડી.

શૈલેષે તેને રડતી જોઈને કહ્યું, 'અરે, હું તો અમસ્તો જ કહેતો હતો અને તું મારી પત્ની છે તો તને મારી સંગતની રંગત તો લાગવાની જ. એમાં રડવા જેવું શું છે?' પણ હવે કાશ્મીરા લાંબો સમય સત્ય છુપાવી શકે તેમ નહોતી. તેણે આંખો લુછીને પતિ સામે જોતાં કહ્યું, ''મારે તમારી સામે એક એકરાર કરવો છે.'' શૈલેષે તેના માથે પ્રેમથી હાથ ફેરવતાં કહ્યું 'તેં એવો તે શો ગુનો કરી નાખ્યો છે કે તને એકરાર કરવાની જરૂર પડી'. પતિનો સ્નેહ જોઈને કાશ્મીરામાં હિમ્મત આવી. તેણે કહ્યું, 'મને પારિવારિક ફિલ્મો નહીં, એક્શન મુવીઝ જ ગમે છે અને મને સાદું ભોજન નહીં, ચટપટી વાનગીઓ વધુ ભાવે છે. તમે મને જોવા આવ્યા ત્યારે જે વાનગીઓ પીરસવામાં આવી હતી તેમાંથી મેં કાંઈ નહોતું બનાવ્યું. બધું મારી મમ્મીએ જ બનાવ્યું હતું. હું તો સગાઈ અને લગ્નના ગાળા વચ્ચે આ બધું બનાવતાં શીખી.

શૈલેષ આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો. પતિની આંખમાં આવેલા પ્રશ્નો વાંચી લેતા કાશ્મીરા આગળ બોલી, 'હું અને કેયૂરી નાના હતાં ત્યારે જ અમારા પપ્પાનું નિધન થઈ ગયું હતું. મારી મમ્મીએ અમને બહુ સંઘર્ષ કરીને ઉછેરી હતી. તેના જીવનનું એક જ ધ્યેય હતું, મારી છોકરીઓને સારી રીતે ભણાવી ગણાવીને પગભર બનાવું અને સારા ઘરમાં પરણાવું. તમે અને તમારા મમ્મી-પપ્પા મને જોવા આવ્યાં ત્યારે તેણે મને બોલવા જ ન દીધી. તેણે એવું જ બધું કહ્યું જે તમને અને તમારા માતાપિતાને ગમે. મારી મમ્મીનો ખોટું બોલવાનો ઈરાદો નહોતો. બસ, તે સારું માગું હાથમાંથી સરી જવા દેવા નહોતી માગતી અને મારી પાસે તેના જૂઠને નિભાવ્યા સિવાય કોઈ માર્ગ નહોતો. હું તેને ખોટી શી રીતે પાડું? તેથી હું એ જ કરી રહી હતી જે તેણે કહ્યું હતું. પરંતુ અંદરખાનેથી હું સતત ગુનાઈત લાગણી અનુભવતી હતી. આજે મારા મનનો બોજો હળવો થયો છે. તમે ચાહો તો મારા ઉપર ગુસ્સે થઈ શકો છો'.

શૈલેષ આશ્ચર્ય ચકિત થઈ પત્નીને જોઈ રહ્યો. તેને કાશ્મીરા પર ક્રોધ નહીં પણ પ્રેમ ઉમટયો. તેણે તેને પોતાના બાહુપાશમાં લેતાં કહ્યું, 'ગાંડી, આમાં આટલું બધું વલોવાવાની શું જરૂર હતી? અને તેં ક્યાં એટલો મોટ ગુનો કરી નાખ્યો છે. તેં તો તારી મમ્મીના સારા ઈરાદાથી બોલાયેલા જૂઠને પોતાની ઈચ્છાઓને ભોગે સત્ય પુરવાર કરવાનો પ્રયાસ કર્યો છે. મને તો એ વાતનું આશ્ચર્ય થાય છે કે આવી ક્ષુલ્લક વાત તેં આટલા સમયથી છુપાવી શા માટે?

પોતાના વિચોરામાં ખોવાઈને ઊભેલી કાશ્મીરાને જોઈને ત્યાં આવી પહોંચેલા લીલાવતીબેને કહ્યું, 'અરે તું હજી અહીં જ ઊભી છે? કેયૂરીને તૈયાર ક્યારે કરીશ?' મમ્મીનો સ્વર સાંભળી કાશ્મીરા જાણે કે તંદ્રામાંથી જાગી. તેણે કહ્યું, 'મમ્મી, તું ચિંતા ન કર. હું થોડીવારમાં કયૂરીને તૈયાર કરી દઈશ'. તે તરત જ કેયૂરીના રૂમમાં સરકી.

કેયૂરીને જોવા આવેલા વિહંગ અને તેના મમ્મી-પપ્પા તેની સામે જોતાં જ રહી ગયા. તેમણે કલ્પના પણ નહોતી કરી કે તેઓ જે કન્યાને જોવા થઈ રહ્યાં છે તે આટલી સુંદર હશે. કેયૂરીએ વિવેવપૂર્વક તેમની સામે ચા-નાસ્તો ધર્યો. સ્વાદિષ્ટ નાસ્તો ખાતાં વિહંગના મમ્મીએ પૂછ્યું, 'બેટા, આ નાસ્તો તેં બનાવ્યો છે?' તેમની વાત સાંભળીને લીલાવતીબેન કાંઈક બોલવા જતા હતા, પણ કાશ્મીરાએ આંખના ઈશારાથી જ તેમને અટકાવ્યાં. કેયૂરીએ કહ્યું, 'ના, આ નાસ્તો મારી મમ્મીએ બનાવ્યો છે. પણ મને તેની બનાવેલી બધી વસ્તુ એટલી ભાવે છે કે સમય મળ્યે હું તે જરૂર શીખીશ'. પછી વિહંગે તેને પૂછ્યું હતું, 'શું લગ્ન પછી પણ તમે નોકરી ચાલુ રાખશો?' આના જવાબમાં કેયૂરીએ પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, 'હા, મારી મમ્મીએ બહુ સંઘર્ષ કરીને અમને બંને બહેનોને ભણાવીને પગભર બનાવી છે. હું તેનું અમારા માટે જોયેલું પગભર રહેવાનું શમણું શી રીતે તોડી શકું?'

કેયૂરીની વાત સાંભળીને લીલાવતીબેનના પેટમાં ફાળ પડી. તેમના ચહેરાની રંગત ઉડી ગઈ. તેમને લાગ્યું કે હવે આ લાકો કેયૂરી માટે હા નહીં  પાડે. પણ તેમના આશ્ચર્ય વચ્ચે વિહંગના પપ્પાએ કહ્યું હતું, 'તમારી પુત્રી માત્ર ઉચ્ચ શિક્ષિત અને સુંદર જ નથી, બલ્કે સંસ્કારી પણ છે. જો તે અમારા ઘરની વહુ બનશે તો તે અમારી ખુશકિસ્મતી હશે'.

લીલાવતીબેન અને કાશ્મીરાના ચહેરા પર આનંદ અને સંતોષના ભાવ ફરી વળ્યા. લીલાવતીબેને એકેય અક્ષર બોલ્યા વિના કાશ્મીરાના માથા પર હાથ ફેરવીને જાણે આંખો વડે જ કહી દીધું, 'તેં કેયૂરીને જ જવાબ આપવા દેવાનો આગ્રહ શા માટે કર્યો તે મને સમજાઈ ગયું'. 


Google NewsGoogle News