વાર્તા : સિધ્ધિનો સોહમ .
- 'જો સિધ્ધિ, હવે તું એક પ્રતિષ્ઠિત પરિવારની પુત્રવધૂ છે. આ રીતે સડકના કિનારે ઊભેલા ખૂમચાવાળા પાસે કાંઇપણ ખાવાપીવા માટે ઊભા રહેવાનું તને શોભતું નથી.' 'પણ મને આવા ખૂમચા પર મળતી પાણીપુરી બહુ ભાવે છે. અહીં પાણીપુરી ખાવાની જે મઝા હોય તે બીજે ક્યાંય ન મળે.' સિધ્ધિએ નિર્દોષતાપૂર્વક ઉત્તર વાળ્યો.
રૂપ રૂપના અંબાર સમી નવીનવેલી દુલ્હનને લઇને લોંગ ડ્રાઇવ પર નીકળેલા ડૉ.સોહમની નજર એક વિશાળ બુક સ્ટોલ પર પડી. છેલ્લે સોહમ અહીંથી પસાર થયો ત્યારે આ બુક સ્ટોલ ખુલ્લું મુકવાની તૈયારીઓ ચાલી રહી હતી. આજે ખુલ્લા મુકાઇ ગયેલા 'પુસ્તકોના ખજાના'ને જોઇને સોહમના પગ આપોઆપ બ્રેક પર દબાઇ ગયા. સોહમે ગાડીમાંથી ઉતરીને બુક સ્ટોલ તરફ ડગ માંડયા. તેની નજર નવી આવેલી એક મેડિકલ જર્નલ પર પડી. તેણે નિયમીત ટેવ મુજબ જર્નલના પાનાં ઉથલાવવા માંડયા. અંદરના પાને આપેલા નવા સંશોધન વિશેના એક લેખ પર તેની નજર પડતાં તેનો ચહેરો ખિલી ઉઠયો. તે આ સંશોધનાત્મક લેખ વાંચવા માંડયો. સોહમને બુક સ્ટોલમાં જ ઊભા ઊભા વાંચતો જોઇને પાંચેક મિનિટ સુધી સિધ્ધિ ચૂપચાપ ઊભી રહી. પણ તેણે જોયું કે તેનો પતિ વાંચવામાં મસ્ત-વ્યસ્ત થઇ ગયો છે ત્યારે તે ચૂપચાપ બહાર સરકી ગઇ. બહાર ઊભેલા પાણીપુરીવાળા ભૈયાને અને ટેસથી પાણીપુરી આરોગી રહેલા લોકોને જોઇને સિધ્ધિના મોઢામાં પણ પાણી આવી ગયું. તેના પગ આપોઆપ પાણીપુરીવાળાની રેંકડી તરફ ગતિ કરી ગયા.
પાનમાંથી બનાવેલા દળિયામાં પાણીપુરીવાળો ભૈયો અનોખી સ્ટાઇલમાં સામે ઊભેલા ગ્રાહકોને પાણીપુરી બનાવીને આપી રહ્યો હતો. પાણીપુરી ખાઇ રહેલા ગ્રાહકો ત્યાંથી ખસ્યા ત્યાં સુધી સિધ્ધિ પણ આતુરતાપૂર્વક અન્ય ગ્રાહકો સાથે જગ્યા ખાલી થવાની રાહ જોતી ઊભી રહી. નવા ગ્રાહકોના હાથમાં દળિયા આપી રહેલા ભૈયાના હાથમાંથી સિધ્ધિએ પણ એક દળિયો લીધો. 'મેરે લિયે સિર્ફ તીખા, મીઠા બિલકુલ મત ડાલના' સિધ્ધિએ ભૈયાને સૂચના આપી. ભૈયો ઝડપથી બધાને પાણીપુરી બનાવીને આપતો ગયો. સાત-આઠ પાણીપુરી ખાધા પછી મોઢામાંથી સીસકારા બોલાવતાં બોલાવતાં સિધ્ધિએ સોહમને બૂમ પાડી. 'સોહમ, તમે પણ આવો. ખાઇ તો જુઓ, કેવી મસ્ત ચટપટી પાણીપુરી છે. દાઢમાં સ્વાદ રહી જશે.' સિધ્ધિનો સ્વર સાંભળી સફાળો જાગી ઉઠયો હોય તેમ સોહમે ઝટપટ જર્નલ બંધ કરી અને પૈસા ચૂકવીને બહાર નીકળ્યો.
સિધ્ધિને સડકના કિનારે આવેલા ખૂમચા પર પાણીપુરી ખાતી જોઇને ડૉ.સોહમની ભ્રમર ખેંચાઇ ગઇ. પતિને પાણીપુરી આપવા લંબાયેલો સિધ્ધિનો હાથ સોહમના ચહેરાના બદલાયેલા હાવભાવ જોઇને ત્યાં જ અટકી ગયો.'તું અહીં ઊભી રહીને પાણીપુરી ખાય છે?' ધીમા પણ ક્રોધભર્યા સ્વરમાં બોલાયેલા શબ્દોએ સિધ્ધિની પાણીપુરી ખાવાની નિર્દોષ મઝા બગાડી નાખી. તેનો ચહેરો ઝંખવાણો પડી ગયો. સોહમે ઝડપથી ખિસ્સામાં હાથ નાખીને પચાસ રૂપિયાની નોટ કાઢી ભૈયાના હાથમાં પકડાવી. છૂટા પૈસા પાછા લેવાની દરકાર કર્યા વિના તે સિધ્ધિનો હાથ પકડીને તેને કાર પાસે લઇ ગયો.
ગાડીમાં બેઠા પછી સિધ્ધિએ સોહમને પૂછ્યું, 'છૂટા પૈસા પાછા કેમ ન લીધા?' આના જવાબમાં સોહમે ચહેરા પર ગંભીરતા ધારણ કરીને કહ્યું, 'જો સિધ્ધિ, હવે તું કોઇ કોલેજગર્લ નથી, પણ શહેરના એક પ્રતિષ્ઠિત પરિવારની પુત્રવધૂ છે. આ રીતે સડકના કિનારે ઊભેલા ખૂમચાવાળા પાસે કાંઇપણ ખાવાપીવા માટે ઊભા રહેવાનું તને શોભતું નથી.'
'પણ મને આવા ખૂમચા પર મળતી પાણીપુરી બહુ ભાવે છે. તમે પાણીપુરી બીજે ક્યાંય પણ ખાઓ તોય અહીં પાણીપુરી ખાવાની જે મઝા હોય તે બીજે ક્યાંય ન મળે.' સિધ્ધિએ નિર્દોષતાપૂર્વક ઉત્તર વાળ્યો.
પોતાની ખૂબસુરત નવોઢાના મુખેથી બાળક જેવો ભોળો ખુલાસો સાંભળીને સોહમ થોડો ટાઢો પડયો. તેણે પોતાના સ્વરને સંયત કરતાં કહ્યું, 'સિધ્ધિ, આ લોકો કેવા પાણીમાં પાણીપુરી માટેનું પાણી બનાવતાં હોય છે તે તને ખબર છે? આપણે ઘરમાં મિનરલ વોટરનો વપરાશ કરીએ છીએ. આવું અનહાઇજિનીક ફુડ ખાઇને માંદા પડતા સંખ્યાબંધ દરદીઓને હું રોજ તપાસું છું. તને ચટપટી વાનગીઓ ખાવાનો શોખ હોય તો તું હવેથી ઘરમાં જ બનાવી લેજે.'
સોહમની વાત સાંભળીને સિધ્ધિ ચૂપ થઇ ગઇ. પણ તે મનમાં વિચારી રહી 'પાણીપુરી ખાવાની જે મઝા અહીં હતી તે ઘરમાં તો કદાપિ ન મળે.' લોંગ ડ્રાઇવ પર ઉલ્લાસપૂર્વક નીકળેલા નવદંપતી વચ્ચે મૌન સર્જાઇ ગયું. સોહમે ગાડી ચૂપચાપ ઘર તરફ વાળી લીધી.
એવું નહોતું કે સિધ્ધિ કોઇ સાવ મધ્યમ વર્ગના પરિવારની પુત્રી હતી. ઉચ્ચ મધ્યમ વર્ગના તેના માતાપિતાના ઘરમાં સિધ્ધિને કોઇ વાતની ખોટ નહોતી. સાથે અહીં ઊભા રહીને ન ખવાય, કે આની સાથે ન બોલાય જેવા કોઇ બંધન પણ નહોતા. માતાપિતાની લાડકવાયી સિધ્ધિ એટલી સમજદાર હતી કે તેના માબાપને ક્યારેય તેને ટોકવાની જરૂર નહોતી પડી. પરંતુ સોહમનો પરિવાર અત્યંત શ્રીમંત હતો. સમાજમાં તેમની પ્રતિષ્ઠા જોતાં તેમના ઘરની સ્ત્રીઓને ચોક્કસ પ્રકારના બંધન અને મર્યાદામાં રહેવું પડતું. 'કોઇ રસ્તા પર ખાતા જોઇ જશે તો શું કહેશે?'નો ડર આ પ્રતિષ્ઠિત કુટુંબના લોકોના મનમાં અચૂક રહેતો.
એવું પણ નહોતું કે સોહમને તેમની બરાબરીના કુટુંબની કન્યા ન મળત. પણ એક લગ્ન પ્રસંગે સિધ્ધિની સુંદરતા અને ભોળપણ પર વારી ગયેલા સોહમે સિધ્ધિ સાથે જ પોતાનો સંસાર માંડવાનો નિર્ધાર કરી લીધો. થોડી આનાકાની પછી સોહમના માતા શોભનાબહેન પણ એમ વિચારીને માની ગયા કે 'આપણા કરતાં ઊતરતું ઘર છે તો વહુ આપણા તાબામાં રહેશે.'
આમેય શોભનાબહેન પોતાની કલબની પાર્ટીઓમાં અને સ્વયંસેવી સંસ્થાઓના કામમાં વ્યસ્ત રહેતાં. તેમના પતિ અશોકભાઇ જીવતા હતા ત્યાં સુધી તેમના શિરે ઘરની અને પતિની જવાબદારી હતી. બે વર્ષ પહેલાં તેમનું નિધન થયું ત્યાર બાદ તો શોભનાબહેન જાણેસાવ જવાબદારીમુક્ત બની ગયા હતા. નોકરો ઘર સાચવી લેતા. તેમને તો નોકરોને માત્ર સૂચનાઓ આપવી પડતી. સોહમ તેની હૉસ્પિટલમાં વ્યસ્ત રહેતો. શોભનાબહેન વધુ બે સ્વયંસેવી સંસ્થાઓ અને ક્લબ સાથે જોડાઇ ગયાં. સોહમના લગ્ન પછી સિધ્ધિ એકાદ-બે વખત તેમની સાથે ક્લબ અને સંસ્થાના કાર્યક્રમોમાં ગઇ હતી. પરંતુ ત્યાંની ભાષણબાજી, દંભ અને બેવડાં ધોરણો તેને ન સમજાતા. સિધ્ધિનો કંટાળો જોઇને શોભનાબહેને પણ તેને પોતાની સાથે લઇ જવાનું બંધ કરી દીધું.
આખો દિવસ ઘરમાં બેસીને કરવું શું? સિધ્ધિ કંટાળી જતી. છેવટે તેને માતાની શીખામણ યાદ આવી. 'પતિના દિલ સુધી પહોંચવાનો રસ્તો તેના પેટ પાસેથી પસાર થાય છે.' હવે સિધ્ધિ દરરોજ નવી નવી વાનગીઓ બનાવતી. પણ હૉસ્પિટલથી થાકીને આવેલા ડૉ.સોહમમાં આ વ્યંજનોની લિજ્જત માણવાના હોશ ન રહેતા. સિધ્ધિ એકદમ નિરાશ થઇ જતી. પણ તેની હતાશા દૂર થવાના એંધાણ તેની કૂખમાં વરતાઇ રહ્યાં. સિધ્ધિને ગર્ભ રહ્યો. તે ખુશખુશાલ રહેવા લાગી. પરંતુ નિયતીને કાંઇક ઓર મંજૂર હતું. સિધ્ધિની કૂખમાં રહેલા શિશુનો વિકાસ થંભી ગયો. તેને ગર્ભપાત કરાવવાની ફરજ પડી. તેના સપનાં રોળાઇ ગયા. તેના હોઠ પરનું સ્મિત ક્યાંક ગુમ થઇ ગયું. સિધ્ધિના હોઠ પર એક મુસ્કાન જોવા માટે સોહમની આંખો તરસી જતી. 'મારી સિધ્ધિની લુપ્ત થઇ ગયેલી આંખોની ચમક ક્યારે પાછી આવશે?' સોહમ વિચારી રહેતો.
સિધ્ધિનો મૂડ બદલવાનો વિચાર કરીને એક દિવસ અચાનક જ સોહમ હૉસ્પિટલમાંથી વહેલો નીકળીને ઘરે આવ્યો. રૂમમાં જઇને જોયું તો સિધ્ધિ નહોતી. પણ રૂમની બગીચા તરફ પડતી બારીમાંથી સિધ્ધિનો ખિલખિલાટ હસવાનો અવાજ આવી રહ્યો હતો. સોહમને સહજ આશ્ચર્ય થયું. કુતુહલવશ તેણે બારી ખોલીને જોયું. સિધ્ધિ એક સાવ જ ગરીબ જણાતી છોકરી અને તેની સાથે આવેલા શેરીના ગલુડિયાં સાથે રમી રહી હતી. આ નાનકડી છોકરી ગલુડિયાને સિધ્ધિના હાથમાં રહેલો દડો લાવવા પ્રેરતી હતી. ગલુડિયું પણ દોડતું દોડતું આવીને તેના હાથમાં રહેલો બોલ લેવાનો પ્રયત્ન કરતો ત્યારે સિધ્ધિ તેના નાના નાના પગ પકડી તેને વહાલ કરતી. સોહમ માટે આ દ્રશ્ય અસહ્ય હતું. જે પત્નીના ચહેરા પર એકાદ સ્મિત જોવા તેના નેણ તરસી ગયા હતા તેને ખિલખિલાટ હસતી જોઇને પણ સોહમને કોઇ ખુશી ન થઇ. 'આવી ગંદી છોકરી અને શેરીના ગંદા-ગોબરા ગલુડિયાં સાથે રમવાનું? આ સિધ્ધિને કાંઇ સમજ પડે છે કે નહીં?' તે મનમાં વિચારી રહ્યો.
સોહમ બિલ્લીપગે બગીચામાં ગયો. 'આ શું ચાલી રહ્યું છે?' કડક સ્વરમાં અચાનક અને અનપેક્ષિત સમયમાં બોલાયેલું આ વાક્ય સાંભળી સિધ્ધિ ધુ્રજી ઉઠી. તેણે કાંપતા સ્વરમાં ખુલાસો કરતાં કહ્યું, 'આ માળીકાકાની ભાણેજ છે. દેશમાંથી આવી છે. એકલી એકલી કંટાળી ગઇ હતી એટલે મને સાથે રમવા બોલાવી. તમે ઉપર જાઓ. હું ચા-નાસ્તો લઇને આવું છું.' ગલુડિયા અને માળીની ભાણેજ પર એક તીખી નજર નાખીને સોહમ ઉપર ગયો. સિધ્ધિએ બાથરૂમમાં જઇને હાથ-મોં ધોયા અને પતિ માટે નાસ્તો તૈયાર કરવા લાગી.
પોતાના રૂમમાં એકલો બેઠેલો સોહમ વિચારે ચડયો. 'આજે કેટલા મહિના પછી મેં સિધ્ધિના ચહેરા પર ખુશી જોઇ છે. તે કેટલી નિર્દોષ અને ભોળી છે. નાની નાની વાતમાં ખુશ થઇ જાય છે. માળીની ભાણેજ અને શેરીનું ગલુડિયું પણ તેને ખુશ કરી શકે છે. પરંતુ હું જ્યારે તેને ખુશ કરવાનો પ્રયત્ન કરું ત્યારે તે એવું કાંઇક કરી બેસે છે કે મને ક્રોધ આવી જાય. શેરીના ગલુડિયા સાથે તે કાંઇ રમાતું હશે? કોને ખબર ક્યાં રખડીને આવ્યું હોય. આવામાં સિધ્ધિને જ કોઇ ચેપ લાગી જાય તો? જો તેને શ્વાન બહુ વહાલાં હોય તો તેને માટે સારી નસલનું એકાદ શ્વાન લઇ આવીએ. આમેય હમણાં તો તે ફરીથી માતા બની શકે તેમ નથી.'
ફ્રેશ થઇને ગરમાગરમ ચા-નાસ્તા સાથે રૂમમાં પ્રવેશેલી સિધ્ધિના ચહેરા પર હજી પણ થોડો ભય સ્પષ્ટ દેખાતો હતો. પણ સયત થયેલા સોહમના ચહેરા પર ફરકતું સ્મિત જોઇને સિધ્ધિને હાશકારો થયો. બંનેએ સાથે બેસીને ચા-નાસ્તો કર્યો. ટ્રે લઇને પાછી જઇ રહેલી સિધ્ધિને સોહમે હાથ ઝાલીને પોતાની બાજુમાં બેસાડી. ડરની મારી સિધ્ધિ ચૂપચાપ બેસી ગઇ. 'સોહમ ફરી પાછો ગુસ્સે તો નહીં થાય ને?' તે મનમાં વિચારી રહી. પરંતુ સોહમે પ્રેમપૂર્વક સિધ્ધિના માથે હાથ મુક્યો. તેની પીઠ પસવારી સિધ્ધિની આંખોમાં આંખો પરોવીને બોલ્યો, 'તને ગલુડિયાં બહુ ગમે છે એ વાત તેં હજી સુધી મને કીધી કેમ નહીં?'
પતિના મુખેથી સ્નેહભર્યા સ્વરમાં બોલાયેલા શબ્દો સાંભળી સિધ્ધિના હૈયે ધરપત થઇ. તે એક પણ શબ્દ બોલ્યા વિના સોહમ સામે આશ્ચર્યપૂર્વક તાકી રહી. પત્નીના ચહેરાને બંને હાથમાં હળવેથી લેતાં સોહમ બોલ્યો, 'સિધ્ધિ, તારા ચહેરા પર એક નાનકડું સ્મિત જોવા મારાં નેણ તરસી ગયા છે. હું મારા ક્રોધ સામે મારો પ્રેમ ઝાંખો પડી જતો અનુભવું છું. પણ દર વખતે સંજોગો જ એવા ઊભા થાય છે કે સ્નેહનું સ્થાન આવેશ લઇ લે છે. તને જે નાની નાની વાતો ખુશ કરી શકે છે તે બધી વાતોમાં મને મારું સ્ટેટસ, મારી પ્રતિષ્ઠા, મારું પદ આડા આવે છે. હું કબૂલ કરું છું કે તારામાં રહેલી બાળક જેવી નિર્દોષતા અને ભોળપણ જોઇને જ હું તારા પ્રત્યે ખેંચાયો હતો. પણ વિવાહ પછી મને તારા આ ગુણો જ અવગુણ જેવા લાગવા લાગ્યા. મારા સામાજિક દરજ્જાએ જાણે કે તારા ભોળપણ પર તરાપ મારી. પરંતુ હવે મને મારી ભૂલ સમજાઇ છે. આપણે કાલે જ જઇને તારા માટે એક સરસ મઝાનું 'લેબરાડોર' લઇ આવીશું. અને હા, માળીની ભાણેજને પણ સાથે લઇ જઇશું. તેને માટે તને ગમે એવા કપડાં, રમકડાં અને તેના પ્રાથમિક અભ્યાસ માટેનો સામાન ખરીદી લઇશું.'
સિધ્ધિને જાણે કે હજી પણ સોહમની વાત પર વિશ્વાસ નહોતો બેસતો. તેના નયનની લિપી ઉકેલી લીધી હોય તેમ સોહમે કહ્યું, 'હું મજાક નથી કરતો. સાચું જ કહું છું. અને હવે મારી આ સૌંદર્યવતી, ભોળીભાળી પત્ની ઊભી થઇને ફટાફટ તૈયાર થશે કે આમ મારી સામે ટીકી ટીકીને જોયા જ કરશે?'
'તૈયાર? કેમ ક્યાં જવું છે?' સિધ્ધિએ નવાઇ પામી પૂછ્યું. 'હવે તું ઝાઝા પ્રશ્ન પૂછીશ કે ઝડપથી તૈયાર થઇશ?' સોહમે જવાબ આપવાને બદલે સૂચના આપતો પ્રશ્ન પૂછ્યો. સિધ્ધિ ઝપાટાભેર રસોડામાં જઇને ચા-નાસ્તાની એંઠી ક્રોકરી મુકી પાછી ફરી. રૂમમાં આવીને તેણે સોહમને કહ્યું, 'તમે નીચે બેસો, હું તૈયાર થઇને આવું છું.' 'તે હવે મારી પત્ની તૈયાર થાય ત્યારે મને રૂમની બહાર નીકળી જવું પડશે?' સોહમની આંખોમાં શરારત આવી ગઇ. 'શું તમે પણ?' સિધ્ધિ શરમાતા શરમાતા બોલી અને ઝપાટાભેટ તૈયાર થવા લાગી. તેણે સોહમને ગમતો ગુલાબી રંગનો પંજાબી સુટ પહેર્યો. મેકઅપ કરવાની તૈયારી કરતી સિધ્ધિને અટકાવતા સોહમે કહ્યું, 'રહેવા દે. તારું સાદગીભર્યું સૌંદર્ય પણ કોઇને લલચાવવા માટે પૂરતું છે. ઝાઝી તૈયાર થઇશ તો નજર લાગી જશે'. સોહમનો ડાયલોગ સાંભળી સિધ્ધિના ગાલે શરમના શેરડા પડયા.
બંને દાદરો ઉતરી નીચે આવ્યા. ગાડીમાં ગોઠવાતાં જ સોહમે કાર મારી મુકી. 'આપણે ક્યાં જઇ રહ્યાં છીએ સોહમ?' લાંબા વખતથી સંકોચાયેલી સિધ્ધિએ સવાલ કર્યો. સોહમે જવાબ આપવાને બદલે એક્સલેટર પર પગ દબાવ્યો. બુક સ્ટોલ પાસે ગાડી પાર્ક કરીને સિધ્ધિને ગાડીમાંથી ઉતરવાનો ઇશારો કર્યો. મુંંઝાયેલી સિધ્ધિનો હાથ પકડીને સોહમ તેને પાણીપુરીવાળાની રેંકડી પાસે ખેંચી ગયો. સિધ્ધિ સામે જોયા વિના જ ભૈયાને ઓર્ડર આપતાં બોલ્યો, 'દો પ્લેટ પાનીપુરી દેના ભૈયા'.