વાર્તા : પ્રથમ પ્રેમની ખુશબુ .
- લડતા- ઝગડતા અમે ક્યારે યુવાન બની ગયા એની મને જાણ જ થઇ નહીં. આજે મનીષે મને બાળપણનો ઉંબરો ઓળંગાવી દીધો. હું યુવાન બની ગઇ હોવાનું મને તે દિવસે ભાન થયું. મનીષના સ્પર્શે મારા તન-બદનમાં એક મીઠી ઝણઝણાટી ફેલાવી દીધી હતી. ૧૩ વર્ષની ઉંમરમાં પુરૂષનો એ પ્રથમ સ્પર્શ મને એક નવો અનુભવ કરાવી ગયો.
વર્ષો પછી હું આજે મારા ગામમાં આવી હતી. લગ્ન પછી આ ગામ સાથે મારો સંબંધ છૂટી ગયો હતો. મારા કુટુંબના લોકો શહેરમાં જ રહેતા હતા આથી ગામનું ઘર બંધ પડયું હતું. હા, મારા કાકા- કાકી તેમ જ મમ્મી-પપ્પા રજાઓ દરમિયાન અવારનવાર અમારા આ પૈતૃક ઘરની મુલાકાત લેતા હતા. પરંતુ હું લગભગ એક દાયકા પછી આ ગામમાં આવી હતી. મારી પિત્રાઇ બહેન કવિતાના લગ્ન ન હોત તો આજે પણ હું બંસીપુર આવી શકી નહોત. કુટુંબમાં છેલ્લાલગ્ન હતા એટલે બંસીપુરમાં જ કરવાનો મારો પિતાનો આગ્રહ હતો. તેઓ ઘરમાં સૌથી મોટા હોવાને કારણે તેમની આજ્ઞાા કોઇ ઉપાળી શકતું નહીં.
દસ વર્ષની અંદર ગામની સિકલ સમૂળગી ફેરવાઇ ગઇ હતી. અમારું ગામ બંસીપુર શહેરીકરણની લપેટમાં આવી ગયું હતું. ગામમાં પાક્કા મકાનોની સંખ્યા ઘણી વધી ગઇ હતી. લોકોના ઘરમાં પાણીના નળ આવી ગયા હતા. પરંતુ અમારા ઘરની પાછળનો કુવો હજુજૂના અને વિતેલા દિવસોની યાદ દેવડાવતો હતો. ઘરમાં વીજળી આવી ગઇ હતી. પરંતુ આ વીજળી પણ દિવસમાં ઘણી વાર સંતાકુકડી રમી જતી હતી. લગ્નને હજુ પાંચ દિવસની વાર હતી પરંતુ ઘરમાં બધા એટલા વ્યસ્ત હતા કે ઘરની બહાર જવાનું કોઇ નામ જ લેતું નહોતું. ઘરની સામે વાવેલા આંબાના ઝાડ કેરીથી લચી પડયા હતા. ઝાડ પર ઝૂલતી કેરીઓ જોઇ મારું મન અતીતમાં દોડી ગયું. વિતેલા જમાનાની યાદ આવતાં જ આંખોમાં ઝળઝળીયાં આવી ગયા અને નજર સમક્ષ બે ધૂંધળી આકૃતિઓ દેખાવા લાગી. આંકો આડે બાઝેલા પડળ દૂર કરી એ આકૃતિઓને ઓળખવાનો પ્રયત્ન કર્યો. ખરું પૂછો તો આ આકૃતિઓને ઓળખવાનો પ્રશ્ન જ નહોતો. આ આકૃતિઓની સ્મૃતિ આજે પણ વિસરાઇ નથી. મારા દિલના એક ખૂણામાં આ આકૃતિઓ કેદ થઇને પડી છે.
આ આકૃતિઓ મનીષ અને નિર્ઝરીની હતી. નિર્ઝરી એટલે હું અને મનીષ મારા બાળપણનો સાથી.
'મન્યા આવું શું કરે છે. મને એક કેરી આપને.' હું ૧૫ વર્ષના મનીષને મને કરી આપવા માટે વિનવતી હતી. 'ડિંગો લે ડિંગો. આજે તો હું તને એક પણ કેરી આપવાનો જ નથી. ગઇકાલે તે મારી મમ્મી પાસે ચાડી ખાઇને મને વઢ કેમ ખવડાવ્યો હતો?'
'વઢ કેમ ન ખવડાઉ? તારા ક્લાસમાં ભણતી પેલી વર્ષા સાથે તું કેમ બોલે છે?'
'એ મને ગમે છે એટલે.'
'એનામાં એવું તે શું બળ્યું છે કે તું એની પાછળ ભમ્યાં કરે છે?'
'કેમ તને એની અદેખાઇ આવે છે?'
'અદેખાઇ કરે મારીબલા.' એમ કહી હું છણકો કરી આગળ ચાલવા લાગી. પાછળથી મનીષે આવીને મારા ખભા પર હાથ મૂક્યો. પાછળ ફરીને મેં જોયું તો તે મલકાતો હતો. 'બસ, ચીઢાઇ ગઇ. ગુસ્સાથી તમતમતો તારો ચહેરો ઘણો સુંદર લાગે છે. હું તો તને ચીઢવતો હતો. ખરું કહું મને કોણ ગમે છે?'
પ્રશ્નાર્થ ભરી નજરે મેં તેની સામે જોયું. 'મને તો મારી બાળસખી નિર્હુ ગમે છે.'
આ સાંભળી ચહેરા પર શરમની લાલી ફેલાઇ ગઇ. એક શબ્દ બોલ્યા વિના મેં મનીષ સામે જોયું અને મનીષે મારા હાથ પકડી મને તેની તરફ ખેંચી. મનીષના હાથ છોડાવી હું ઘર તરફ ભાગી નીકળી.
તે રાત્રે હું સૂઇ શકી નહીં. મનીષના વિચારોએ મને આખી રાત જગાડી. આંખ બંધ કરું કે તરત જ મારી સામે મનીષનો ચંચળ ચહેરો તરવરી ઉઠતો. મનીષ અને હું બાળપણના સાથી હતા. અમારા ઘર સામસામે જ હતા. અમે નાનપણથી સાથે રમતા હતા. મનીષની બહેન મમતા મારી સખી હતી. મનીષ મારાથી બે વર્ષ મોટો હતો. લડતા- ઝગડતા અમે ક્યારે યુવાન બની ગયા એની મને જાણ જ થઇ નહીં. આજે મનીષે મને બાળપણનો ઉંબરો ઓળંગાવી દીધો. હું યુવાન બની ગઇ હોવાનું મને તે દિવસે ભાન થયું. મનીષના સ્પર્શે મારા તન-બદનમાં એક મીઠી ઝણઝણાટી ફેલાવી દીધી હતી. ૧૩ વર્ષની ઉંમરમાં પુરૂષનો એ પ્રથમ સ્પર્શ મને એક નવો અનુભવ કરાવી ગયો. પ્રથમ પ્રેમની એ ખુશબુએ મારું અંતર ભડકાવી દીધું.
બાળપણની દોસ્તી તેમ જ પડોશી હોવાને કારણે અમારા મિલનમાં કોઇ અડચણ આવત નહીં. સમય કાઢી અમે એકબીજાને મળી લેતા. આમ અમારો પ્યાર કળીમાંથી ફૂલ બની મહેંકવા લાગ્યો.
પરંતુ ભવિષ્યમાં ફૂંકાનારી આંધીથી અમે અજાણ હતા. સ્કૂલનું ભણતર પૂરું કરી હું બાજુના શહેરની કોલેજમાં દાખલ થઇ. એ જ કોલેજમાં મનીષ પણ ભણતો હતો. રોજ સવારે બસ પકડી અમે કોલેજમાં જતા અને સાંજે પાછા ઘરે આવતા. કોલેજના છેલ્લા વર્ષમાં હતી ત્યારે મારા લગ્નની વાત શરૂ થઇ ગઇ હતી. પરીક્ષા પૂરી થતા જ મારા ઘરમાં મારા લગ્નની ઉતાવળ થવા લાગી. બધીજ બહેનોમાં સૌથી મોટી હોવાને કારણે મારે માટે સારા અને શ્રીમંત ઉમેદવારની શોધ થવા માંડી. દેખાવડી હોવાને કારણે સામેથી માગા આવતા હતા. મનીષ અને મારી જ્ઞાાતિ અલગ હોવાથી અમારા ઘરના લોકો અમારા લગ્નની સંમંતી આપશે નહીં એ વાતની અમને ખાતરી હતી.
એક દિવસ...
'મનીષ, મારે ઘરેથી મારા લગ્ન માટે ઘણું દબાણ થાય છે. શું કરવું એની જ સમજ પડતી નથી. તેમણે મારે માટે એક યુવક શોધી કાઢયો છે.'
'તારી મજબૂરી હું સમજું છું નિર્ઝુ, પરંતુ આપણા ઘરે આપણા લગ્નની મંજૂરી મળે એ વાત અસંભવ છે. હું તને ભગાડીને લઇ જઇ શકું છું. પરંતુ વડીલોની મરજી વિના લગ્ન કરવા મને પસંદ નથી અને તારા ઘરમાં તું સૌથી મોટી છે. તારી પાછળ તારી નાની બહેનો પરણવાની છે. અને હું નોકરીમાં પણ સ્થાયી નથી.'
'તું જ કંઇ ઉપાય બતાવ. મારુંતો મગજ જ કામ કરતું નથી.'
'આપણા સુખ ખાતર આપણા માતા-પિતાને દુ:ખ પહોંચાડવાનો આપણને કોઇ અધિકાર નથી. નિર્ઝુ, મારા દિલમાં તારું સ્થાન સદાય અકબંધ રહેશે. મારા પ્રથમ પ્રેમની સ્મૃતિ મારા મનમાં સદાય લીલીછમ રહેશે. હું તને ભૂલી તો નહીં શકું પરંતુ ભૂલવાનો પ્રયાસ જરૂર કરીશ.'
'શું આ તારો અંતિમ નિર્ણય છે?'
'તારો નહીં. નિર્ઝુઆ આપણો અંતિમ નિર્ણય છે. આજે આપણી છેલ્લી મુલાકાત છે. આજ પછી હું તારી જિંદગીમાં નહીં આવું.'
બસ, મારી અને મનીષની આ છેલ્લી મુલાકાત હતી. માતા-પિતાએ નક્કી કરેલા યુવાન સાથે પરણીને મેં આ ગામમાંથી વિદાય લીધી. મારા સંસારમાં હું ખુશ છું. મારા પતિ રિતેશે મને તેના પ્રેમમાં ભીંજવી દીધી છે. આજે હું ફુલ જેવા બે સંતાનની માતા છું. ધીરે ધીરે હું મનીષને ભૂલી ગઇ. સાવભૂલી ગઇ એમ તો નજ કહેવાય કારણ કે મારા મનના એક ખૂણામાં મારા પ્રથમ પ્રેમની યાદ સજીવ હતી. કોઇવાર એ યાદ દિલની બહાર આવવા પ્રયાસ કરતી ત્યારે હું રિતેશ અને મારા સંતાનોની ઓથમાં લપાઇ એ યાદો પાછી સંકેલી દેતી.
આજે ફરી એક વા૨ હૃદયમાં સચવાયેલી સ્મૃતિ ફૂંફાડા મારવા લાગી. આ દસ વર્ષ દરમિયાન મનીષ વિશે મને કોઇ જાણકારી નહોતી. મારી આંખો સામેના દરવાજા ભણી તાકીને કોઇને શોધી રહી હતી. શાયદ મનીષને શોધી રહી હતી. મનીષ વિશે જાણવા મારું મન અધીર બની ગયું હતું. ધીરે ધીરે મારા પગ સામેના ઘર ભણી વળવા લાગ્યા. ત્યાં પાછળથી અવાજ આવ્યો 'નિર્ઝરી' પાછું વળીને જોયું તો રિતેશ મને બોલાવી રહ્યો હતો. ભૂતકાળને પાછળ મૂકી હું વર્તમાન અને મારા ભવિષ્ય તરફ આગળ વધી.