વાર્તા : સારો મુરતિયો .

Updated: May 20th, 2024


Google NewsGoogle News
વાર્તા : સારો મુરતિયો                                      . 1 - image


- માયા અંદરથી હચમચી ગઈ. માયાને 'કાળી' કહીને ભાર્ગવે એના સ્ત્રીત્વ પર ઘા કર્યો હતો. કબૂલ કે માયા વાને બહુ ઉજળી નહોતી, પણ એ સાવ કાળીય નહોતી. એનો વાન ખાસ્સો ઘઉંવર્ણો હતો. અને ચહેરો પણ નમણો હતો. એની મોટી મોટી ભાવવાહી આંખો જોઈને કોઈ પણ યુવાનને એમાં ખોવાઈ જવાનું મન થઈ જાય.

'મિત્રો, આજે આપણે આપણી કોલેજના માનનીય પ્રાધ્યાપિકા માયાબહેન પાનેરીનું સન્માન કરવા અહીં ભેગા થયા છીએ. આપ સૌ જાણો છો કે માયાબહેને પિતા-પુત્રીના સંબંધો વિશે થિસીસ લખી ડૉક્ટરેટની ડિગ્રી મેળવી છે. આવા લાગણીસભર સંબંધ વિશે એમણે વરસો સુધી સંશોધન કર્યું છે. આ વિષય પરનું એમનું પુસ્તક ગુજરાતી ઉપરાંત બીજી ભાષાઓમાં પણ બેસ્ટ-સેલર પુરવાર થયું છે. પુસ્તકને સાહિત્ય એકેડેમી તરફથી પહેલુ ઇનામ પણ મળ્યું છે...'

કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રમેશ જોશી સ્ટેજ પરથી માયાના વખાણના પુલ બાંધે જતા હતા અને હૉલમાં પ્રેક્ષકો વચ્ચે પહેલી હરોળમાં બેસેલી માયા થોડા સંકોચ સાથે આંખો જમીન પર ઢાળીને એ બધુ સાંભળી રહી હતી. માયાની બાજુમાં જ ગોઠવાયેલા એના મમ્મી જ્યોત્સનાબહેન અને પપ્પા ભાસ્કરભાઈ પુત્રીની યશોગાથા સાંભળીને આનંદ અને ગર્વ અનુભવી રહ્યાં હતાં.

ચાર વકતાઓના પ્રવચન થયા બાદ માયાને મુખ્ય અતિથિના હસ્તે પ્રશસ્તિપત્ર, સ્મૃતિ ચિહ્ન અને કોલેજ તરફથી એક વિશિષ્ટ ગોલ્ડ મેડલ એનાયત થયો. એ ક્ષણને કેમેરામાં કંડારી લેવા ફોટોગ્રાફરો વચ્ચે પડાપડી થઈ. માયાની આંખો ફલેશ બલ્બના ઝબકારાથી અંજાઈ ગઈ. સન્માન સ્વીકારીને એ મંચ પરથી ઉતરતી હતી ત્યારે અચાનક એની નજર લગોલગ આવી ગયેલા એક ફોટોગ્રાફર પર પડી. એ માયાનો પોતાને જોઈતા એન્ગલથી ક્લોઝઅપ લેવા માગતો હતો. એણે ફટાફટ કેમેરાની ચાંપ દબાવવા માંડી. છતાં સતોષ ન થયો એટલે માયા પાસે આવીને એણે વિનંતી કરી, 'મેડમ, એક્સક્યુઝમી. તમને વાંધો ન હોય તો પ્રોગ્રામ પુરો થયા બાદ આપણે હૉલની બહાર મળીએ. મારે તમારા એક્સક્લુઝિવ ફોટા પાડવા છે. એક મેગેઝિને મને ખાસ અસાઇનમેન્ટ આપ્યું છે એટલે તમને રિકવેસ્ટ કરું છું...'

'જુઓ મિસ્ટર, હું કોઈ ફિલ્મ કે ટીવી સિરિયલની હિરોઈન નથી કે તમારે મારા એક્સક્લુઝિવ ફોટા લેવા પડે. રહી વાત પેલા મેગેઝિનની તો એમને પહેલા મારો કોન્ટેક્ટ કરવા દો, પછી જોઈશું...'

'પણ મેડમ...'

'ધેટ્સ ઑલ ફોર ધ ડે. બાય,' એટલું કહી માયા પોતાની સીટ પર બેસી ગઈ. આ બધુ જોઈ રહેલા જ્યોત્સ્નાબહેને માયાને પેલા ફોટોગ્રાફર વિશે પૂછ્યું પણ એણે વાત ઉડાડી દીધી. જ્યોત્સનાબહેન પોતાની પુત્રીનો સ્વભાવ અને એની પ્રકૃતિ બરાબર જાણતા હતા. એમણે જોયું કે પેલા ફોટોગ્રાફરને જોયા બાદ માયાના ચહેરા પરનું નૂર ઓલવાઈ ગયું હતું. થોડી વાર પહેલા  આનંદથી છલકાતો એનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. એટલે પ્રોગ્રામ પૂરો થયા બાદ કારમાં ઘરે જતા એમણે માયાને ફરી પૂછ્યું, 'બેટા, તેં મને પેલો કોણ હતો એ કહ્યું નહિ! એને મેં ક્યાંક જોયો હોય એવું લાગે છે... આપણી ન્યાતનો છે?'

'હા, મમ્મી એ નમૂનો આપણી ન્યાતનો જ છે. તેં એને બરાબર ઓળખ્યો. એ પેલો ભાર્ગવ પંડિત છે. હું એસ. વાય. બીએમાં હતી ત્યારે દાદીમાના આમંત્રણથી મને જોવા આવેલો,' માયાએ ફોટોગ્રાફરની ઓળખ આપી અને જ્યોત્સનાબહેન આખી વાત પામી ગયા. એમણે પછી એના વિશે એક હરફ પણ ન ઉચ્ચાર્યો.

ઘરે પહોંચ્યા પછી મમ્મી-પપ્પા સાથે ડિનર લઈને માયા પોતાના બેડરૂમમાં ચાલી ગઈ. એણે બેડરૂમની બારીમાંથી બહાર નજર કરી. આખું શહેર સૂવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે આકાશના ટમટમતા તારા ઉજાગરો કરવાના મૂડમાં હતા. આખા આકાશમાં જાણે તારાનો ચોકીપહેરો ગોઠવાઈ ગયો હતો. શિયાળાની કડકડતી ટાઢમાં તારાનો ઝગમગાટ આટલે દૂરથી પણ ઉષ્મા આપી રહ્યો હતો. અચાનક બર્ફીલા કાતિલ પવનના એક મોજાએ માયાને ધુ્રજાવી નાખી અને એણે બારી તરત બંધ કરી પલંગમાં લંબાવ્યું. હૉલમાં સાંભળેલો તાળીઓનો ગડગડાટ હજુ એના કાનમાં ગુંજી રહ્યો હતો. કેમેરાના ફ્લેશ હજી એની સ્મૃતિઓને ઢંઢોળવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને પેલો ભાર્ગવ પંડિત? 'નફ્ફટ, સાલો' માયાના મોઢામાંથી ભાર્ગવ માટે તિરસ્કાર સરી પડયો. પ્રોગ્રામની ઔપચારિકતાઓનો કંટાળો અને થાક પુષ્કળ હતો, પણ માયાનું મગજ ઉંઘવા તૈયાર નહોતું. ભૂતકાળ એના મનના બારણાં ખખડાવી રહ્યો હતો.

માયા, જ્યોત્સનાબહેન અને ભાસ્કરભાઈનું એકમાત્ર સંતાન હતું. ભાસ્કરભાઈ એક જાણીતી મિલના શોરૂમમાં કેશિયર હતા. આવક મર્યાદિત હતી, પણ એમના પરિવાર પાસે સંતોષની મોટી મૂડી હતી. માયા નાનપણથી ભણવામાં હોંશિયાર હતી. અભ્યાસ ઉપરાંત એ સ્કૂલની ઇતર પ્રવૃત્તિઓમાં પણ સૌની આગળ રહેતી. 

મા-બાપ એને ખૂબ ભણાવવા માગતા હતા. પોતાની તમામ ઇચ્છા-આકાંક્ષાઓ એમણે માયાની આસપાસ કેન્દ્રિત કરી દીધી હતી.

બધું સરસ ચાલતું હતું ત્યાં એક દિવસ ગામડેથી માયાના દાદીમાની એમના ઘરમાં એન્ટ્રી થઈ અને અચાનક ઘરનો માહોલ જાણે એક સદી પાછળ ચાલ્યો ગયો. દાદીમા પોતાની સાથે જૂનવાણી વિચારો અને રિવાજોનું પોટલું લઈને આવ્યા હતા. એમણે પોતાના એકના એક પુત્ર ભાસ્કરભાઈ પાસે હઠ લીધી કે મારે માયાના લગ્ન જોઈને જ ગામતરુ કરવું છે. જમાઈનું મોઢુ જીવતા જોઈશ તો જ મારા આત્માને શાંતિ થશે. એમણે જ્ઞાાતિમાં પોતાના સંપર્કો મારફત એક ઠેકાણું પણ જોઈ રાખ્યું હતું. છોકરો ફોટોગ્રાફર હતો અને બાપ-દાદાના વખતથી ઘરનો સ્ટુડિયો હતો. ભાર્ગવ પંડિત નામનો એ મુરતિયો આમ તો માંડ દસમુ ભણ્યો હતો, પણ આવક સારી હતી એટલે મા-બાપ એને પરણાવવા તૈયાર થયા હતા.

દાદીમાની જિદ આગળ ભાસ્કરભાઈ અને જ્યોત્સનાબહેને ઘણાં દિવસની માથાઝીંક બાદ અંતે નમતું જોખવું પડયું. એક રવિવારે ભાર્ગવ માયાને ઘરે એને જોવા આવ્યો. માયા હજુ તો માંડ ૧૮ વરસની હતી. એણે લગ્ન વિશે તો કદી સપનામાં પણ વિચાર નહોતો કર્યો. એટલે ભાર્ગવ સાથે એની વાતચીત માટે મિટિંગ ગોઠવાઈ તો પણ એણે બહુ પ્રતિસાદ ન આપ્યો. લગભગ અડધો કલાક સુધી પેલો પૂછે એનો ટૂકામાં ટૂંકો જવાબ એ આપતી રહી. એણે ન કોઈ પ્રકારનો ઉમળકો બતાવ્યો કે ન કોઈ ઉત્સાહ. ભાસ્કરભાઈ અને જ્યોત્સનાબહેન પણ ભાર્ગવના મા-બાપ સાથેના વાર્તાલાપમાં કોઈ ઉત્સાહ નહોતા બતાવતા. ઘરમાં ઉત્સાહ હતો એકમાત્ર દાદીમાને. તેઓ પુરા જુસ્સાથી ઘરમાં આંટાફેરા મારી રહ્યા હતા.

માયા અને ભાર્ગવ વચ્ચે મધ્યસ્થી કરનારા જ્ઞાાતિના એક વડીલ બે દિવસ પછી દાદીમા પાસે આવ્યા. એમનું મોંઢું પડેલું હતું. દાદીમાએ ભાર્ગવને માયા ગમી કે નહિ એવું પૂછતાં જ વડીલે મોંઢુ બગાડીને કહ્યું, 'માસી, છોકરાને માયા ગમી નહિ. એ કહે છે કે છોકરી કોલસા જેવી કાળી છે. મારે તો ગોરી છોકરી જોઈએ. ભાર્ગવનો બાપ તો ન્યાતમાં કેટલો પહોંચેલો છે એ તો તમે જાણો જ છો. હવે આખી ન્યાતને ખબર પડી જશે કે માયા કાળી છે.' આ સાંભળી ભાસ્કરભાઈ અને જ્યોત્સનાબહેનને તો પુત્રીના  લગ્ન તાત્પુરતા ટળ્યા એનો આનંદ થયો, પણ માયા અંદરથી હચમચી ગઈ. માયાને 'કાળી' કહીને ભાર્ગવે એના સ્ત્રીત્વ પર ઘા કર્યો હતો. કબૂલ કે માયા વાને બહુ ઉજળી નહોતી, પણ એ સાવ કાળીય નહોતી. એનો વાન ખાસ્સો ઘઉંવર્ણો હતો. અને ચહેરો પણ નમણો હતો. એની મોટી મોટી ભાવવાહી આંખો જોઈને કોઈ પણ યુવાનને એમાં ખોવાઈ જવાનું મન થઈ જાય.

સમય વીતતો ગયો એમ ભાર્ગવના વાકબાણની અસર પણ ઓગળતી ગઈ. માયાએ અભ્યાસમાં ધ્યાન પરોવ્યું અને બીએના ફાઇનલ વરસમાં આખી કોલેજમાં ફર્સ્ટ આવી. એણે એમએમાં પણ ઇકોનોમિક્સ જ મુખ્ય વિષય રાખ્યો. એમએમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવીને એણે બાજી મારી લીધી. એની કોલેજે જ એને લેકચરરની નોકરીની ઓફર કરી અને માયા ડોક્ટરેટનો અભ્યાસ કરવાની સાથોસાથ કોલેજના વિદ્યાર્થીઓને ભણાવા પણ લાગી. એ દરમિયાન કોલેજનો યુવાન પ્રોફેસર વિરાગ માંકડ એના પરિચયમાં આવ્યો. બન્ને વચ્ચેની મૈત્રી ગાઢ બની ગઈ અને વિરાગ માયાના ઘરે આવતો થયો. દાદીમા એ પહેલાં પરલોકની યાત્રાએ રવાના થઈ ગયા હતા. જ્યોત્સનાબહેનને વિરાગનંુ ઘરે આવવું ગમતું. ભાસ્કરભાઈને પણ એની સાથે ગપ્પા મારવાનું ગમતું. પતિ-પત્ની મનોમન એવું વિચારતા કે માયા વિરાગને પરણી જાય તો બહુ સારું. બે વરસ સુધી માયા અને વિરાગની ફ્રેન્ડશિપ ચાલી અને એ દરમિયાન કોલેજમાં પણ બધા એવું માનતા થયા હતા કે બન્ને પરણી જશે. પરંતુ વિરાગના મનમાં કંઈક જુદુ હતું. એણે અચાનક એક દિવસ આવીને માયાના હાથમાં પોતાના લગ્નની કંકોતરી મૂકી. માયાએ એને પોતાની સાથે આવો વિશ્વાસઘાત કરવાનું કારણ પૂછ્યું તો એણે બહુ શાંતિથી કહી દીધું, 'માયા, ખરું કહું તો મેં તને ક્યારેય મારી પત્ની તરીકે કલ્પી જ નથી. મારે મન તો તું હંમેશા એક સારી ફ્રેન્ડ જ રહી છે. લગ્નને સંબંધ છે ત્યાં સુધી યુ આર નોટ માય ચોઈસ. ઓકે.!'

માયાના આત્મા પર બીજો કારમો કુઠારાઘાત થયો. એ ગૂમસૂમ થઈ ગઈ. મમ્મી-પપ્પા કે મિત્રોના આશ્વાસનની એના પર કોઈ અસર નહોતી થતી. એ સવારથી લઈને રાત સુધી પોતાની દિનચર્યા યંત્રવત પુરી કરતી કોલેજમાંથી આવ્યા બાદ એ પોતાના રૂમમાં ભરાઈ જતી. ભાસ્કરભાઈ દીકરીની મનોવ્યથા જોઈને સમસમી ઊઠતા. તેઓ પણ ઉદાસ રહેવા લાગ્યા હતા, પરંતુ જ્યોત્સ્નાબહેન ઝટ દઈને હિંમત હારે એવા નહોતા. એમની હિંમત અને ધીરજે એમને એક દિવસ એક આઇડિયા સૂઝાવ્યો.

એ દિવસે પણ માયા રાત્રે યંત્રવત ડિનર ટેબલ પર જમવા બેઠી. જ્યોત્સ્નાબહેને એની અને ભાસ્કરભાઈની થાળી પીરસી અને પોતે કિચનમાં ગરમગરમ રોટલી ઉતારવા ગયા. રોટલી પુરી થઈ એટલે તેઓ પણ બાપ-દીકરી  સાથે જમવામાં જોડાયા. પાડોશમાં રહેતી નિશાનો દાખલો આપતા જ્યોત્સ્નાબહેને વાત માંડી, 'માયાના પપ્પા, તમે કાંઈ સાંભળ્યું? આપણાં પાડોશી નરેશભાઈની નિશા સાથે એનો બોયફ્રેન્ડ દગો રમી ગયો. એની સાથે બે વરસ સુધી ફર્યા બાદ બીજી છોકરીને પરણી ગયો. એ સાંભળીને નરેશભાઈના તો હોંશકોંશ ઊડી ગયા. નિશા જાણે છે કે મારા પપ્પા હાર્ટ-પેશન્ટ છે. તેઓ મારી બહુ ચિંતા કરશે તો એમની તબિયત લથડી શકે છે. એટલે એણે પોતાની ઇચ્છાઓ મારી નાખીને પિતાની સુખાકારી ખાતર ન્યાતમાંથી જ સાવ સાધારણ છોકરો પસંદ કરી લીધો. દીકરીને બાપનું પેટમાં કેટલું બળે છે એ જુઓ...' માયા મમ્મીની વાત ચૂપચાપ સાંભળતી હતી. એની નજર એકાએક ભાસ્કરભાઈ પર પડી અને એ ચોંકી ગઈ. એને થયું કે બે જ મહિનામાં પપ્પાનું શરીર ઘણું લેવાઈ ગયું છે. તેઓ મારી ચિંતામાં સરખા જમતા પણ નહિ હોય. આ બરાબર ન કહેવાય. પપ્પાને દુખી કરવાનો મને શું હક છે?'

એ દિવસે માયા ઘણાં દિવસ પછી પેટ ભરીને જમી. બીજા જ દિવસથી માયામાં આમૂલ પરિવર્તન આવી ગયું. એ ફરી હસતી, નાચતી, કૂદતી થઈ ગઈ. એના ચહેરા પર ચોવીસે કલાક આનંદ અને ઉત્સાહ વર્તાતો. માયા પોતાના દરેક કામમાં રસ લેતી થઈ ગઈ. થિસીસના રિસર્ચમાં એમણે બમણાં જોમથી ઝંપલાવી દીધંુ. ઘરમાં, પાડોશમાં અને કોલેજમાં બધા ખુશ હતા કારણ કે માયા ખુશ હતી. થોડા દિવસો પછી જ્યોત્સ્નાબહેન પોતાના સગાસંબંધીઓમાં ફરીને માયા માટે સારો મુરતિયો શોધવા લાગ્યા. ભૂતકાળમાં એમણે પસંદ કરેલા છોકરાઓને માયા રિજેક્ટ કરી ચૂકી હતી, પણ આ વખતે એમને વિશ્વાસ હતો કે હું કોઈ યુવાન વિશે માયાને એના પપ્પા મારફત વાત કરીશ તો એ ના નહિ પાડે. એટલા માટે કે અંતે તો એ એના પપ્પાની દીકરી હતી. 


Google NewsGoogle News