Get The App

વાર્તા : સાગરની સરિતા .

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
વાર્તા : સાગરની સરિતા                                   . 1 - image


- ''સરિતા, બીજું શું કહેતી હતી?'' નીતિએ મમ્મીને પૂછ્યું. ''બીજું શું કહે? મને તો તે અહીં આવે છે તે જ પસંદ નથી. પણ શું કરું? કોઇને ધક્કા મારીને થોડી કાઢી શકાય છે?'' ''તો પણ કહે, તો ખરી કે શું શું વાત થઇ?'' ''પહેલાં તો ચૂપચાપ બેઠી હતી. પછી બધાના ખબર પૂછતી હતી. મે તો તરત જ કહી દીધું, સાગર વિશે નહિ પૂછતી.

હું  વિચારોમાં સ્કુટર ચલાવતો હતો. ત્યાં અચાનક પાછળથી જોરજોરથી ગાડીના હોર્નનો અવાજ આવતાં જ હું ચોકી ઉઠયો. મને એમ થયું કે હું કોઈ અપરિચિત માર્ગ પર છું. પણ ક્ષણવારમાં પાછો વર્તમાનમાં આવી ગયો ત્યારે ખબર પડી કે, હું સાચ્ચા રસ્તે આગળ વધી રહ્યો છું.

દરરોજની જેમ ઘરનો દરવાજો ખુલ્લો હતો. મેં હળવેકથી બ્રીફકેસ મૂકી અને બૂટ કાઢી, શર્ટ ઉતારતો હતો ત્યાં માનો અવાજ આવ્યો,

''તે વધારે વખત બેઠી નહિ..''

''સરિતા, બીજું શું કહેતી હતી?'' નીતિએ મમ્મીને પૂછ્યું.

''બીજું શું કહે? મને તો તે અહીં આવે છે તે જ પસંદ નથી. પણ શું કરું? કોઇને ધક્કા મારીને થોડી કાઢી શકાય છે?''

''તો પણ કહે, તો ખરી કે શું શું વાત થઇ?''

''પહેલાં તો ચૂપચાપ બેઠી હતી. પછી બધાના ખબર પૂછતી હતી. મે તો તરત જ કહી દીધું, સાગર વિશે નહિ પૂછતી. તે ખૂબ ખૂશ છે. જો તું એમ સમજતી હોય કે તે દુ:ખી છે તો એવા ભ્રમમાં ન રહેતી.''

''તો તેણે કહ્યું, એવું નથી. હું અહીં તેને મળવા પણ આવી નથી. ફક્ત તેની ખબર પૂછવા આવી છું. હું તમને વચન આપું છું કે હું સાગરને ક્યારેય નહિ મળું. બસ આટલું કહીને તે જતી રહી.''

મમ્મીને ખબર નહોતી કે હું આવી ગયો છું. અને મે બધી વાતો સાંભળી લીધી છે. હું ચૂપચાપ શર્ટ પહેરીને સ્કુટરની ચાવી લઇને બહાર નીકળી ગયો.

સ્કુટર સ્ટાર્ટ કરીને હું તે રેસ્ટોરન્ટમાં પહોંચી ગયો, જ્યાં હું અને સરિતા મળતા રહેતાં. આ રેસ્ટોરન્ટનું ખૂણાનું ટેબલ અમારું મિલનસ્થળ હતું. આજે પણ તે ટેબલ ખાલી હતું. હું ત્યાં જઈને બેઠો. વેઇટર પાણીનો ગ્લાસ લઈને દોડતો આવ્યો.

''આજે તમારા મિત્ર ન આવ્યા?'' તેણે ખૂબ જ સહજતાથી પૂછ્યું. મે ફક્ત હસીને ના પાડી દીધી. હું ઘણીવાર અહીં બેસી રહ્યો. રાતના સાડાઆઠ વાગે ફરી ઘરે પહોંચ્યો.

''બ્રીફકેસ મૂકીને ક્યાં ગયો હતો? ખબર છે, મમતા ક્યારની તારી રાહ જુએ છે.'' ઘરમાં પ્રવેશતાં જ મમ્મી તાડુકી ઊઠી.

હું જવાબ આપ્યા વગર જ બાથરૂમમાં જતો રહ્યો. બહાર આવીને જમવાની ના પાડીને. હું મારા રૂમમાં જતો રહ્યો. મમતા મારી પાછળપાછળ આવી.

''તમારી તબીયત તો સારી છે ને?''

''હા.''

''ખબર છે આજે હું શું કામ આવી?''

''ના''

''હું સાંજના શોની પિકચરની બે ટિકિટ લઇને આવી હતી. પણ બેકાર ગઇ. તમે કેટલા મોડા આવ્યા.'' તેણે નારાજગીથી કહ્યું.

''આઈ એમ સોરી.''

''તમને શું થયું છે? મને તો કહો.''

''એકવખત કીધુંને કંઈ નહિ. તારે ઘરે જવાનું હોય તો મૂકી જા. કે પછી અહીં રાત રોકાવાની છે?'' હું થોડો ગુસ્સામાં બોલ્યો. તે જવાબ આપ્યા વગર જ જતી રહી. હું સુવાનો પ્રયાસ કરવા લાગ્યો.

સવારે આંખ ખુલી ત્યારે મમતા ચાનો કપ લઈને ઊભી હતી. ''ઓફિસ જતી વખતે મને રસ્તામાં ઘરે મૂકતાં જજો.''

કુટુંબીજનોના આગ્રહથી મારે મમતા સાથે લગ્ન કરવા પડયા. પરંતુ હું સરિતાને ભૂલી શક્યો નહિ. આમને આમ પાંચ વર્ષ વીતી ગયા.

એક દિવસ સવારે છાયામાં એક ફોટો જોઇને હું ચોંકી ઉઠયો. ફોટાની નીચે લખ્યું હતું. 'વિકાસ સાહિત્ય મંદિર'નો આજે બીજો સ્થાપનાદિન છે. આ પ્રસંગે સુપ્રસિધ્ધ લેખિકા સરિતાના બીજા પુસ્તકનું વિમોચન થવાનું છે અને સરિતાનું સમ્માન પણ થવાનું છે.

મે બધાની નજર ચૂકવીને તે છાપાનું કટિંગ ખીસામાં સરકાવી લીધું અને જલ્દી-જલ્દી તૈયાર થઇ ગયો. મમતાએ મને ટોક્યો પણ ખરો, કે હજી નવ વાગ્યા છે. ત્યાં ઓફિસ કેમ ચાલ્યા? અમારી સાથે રહેવું ગમતું નથી?

તેને જવાબ આપવાનું ટાળીને હું શુઝ પહેરવા લાગ્યો તો તેણે પૂછ્યું, ''જમવું નથી?''

''ના''

મને જુની વાતો યાદ આવી ગઈ. સરિતાએ મને કહ્યું હતું કે, ''સાગર, તારા ઘરના કહે ત્યાં તું લગ્ન કરી લે, તેઓ તારા ભલા માટે જ કહે છે. મેં નક્કી કર્યું છે કે હું અપરણીત રહીશ. પણ તું લગ્ન કરી લેજે. ક્યારેક મને યાદ તો કરીશ ને?''

આજે મને ખબર પડી કે સરિતા પોતાની વાત પર અડગ હતી. અને હું કાયર એને બીજાની સાથે લગ્ન કરવાનું પણ ન કહી શક્યો. હું તો તેની સાથે જ લગ્ન કરવા ઇચ્છતો હતો. પરંતુ ઘરનાઓ સામે મજબૂર હતો.

જે સાગર પર વિશ્વાસ કરીને પર્વત તથા મેદાન છોડીને સરિતા આવી હતી. તેને સાગરે અપનાવી નહિ. અને મધદરિયે જ ડુબાડી દીધી. કદાચ, સરિતાને ન અપનાવી શક્યો એટલે જ સાગરના જીવનમાં ખારાશ છે.

હું વિચારો કરતો તે છાપાની ઓફિસમાં પહોંચ્યો. ત્યાં જઈને વિકાસ સાહિત્ય મંદિરનું સરનામું પૂછ્યું. થોડીવારમાં સહ-સંપાદકે સરનામું આપ્યું. અને હું એકદમ ખુશ થઈ ગયો. જાણે મારી મંઝિલ મળી ગઈ.

પછી વિકાસ સાહિત્ય મંદિર પહોંચીને તે છાપાનું કટીંગ બતાવીને સરિતાના સરનામાં વિશે પૂછ્યું. પહેલાં તો તેમણે મને કંઇ પણ કહેવાની ના પાડી દીધી. ઘણી કાકલુદી બાદ તેમણે અંદર જઇને સરિતાને ફોન કર્યો. મારું નામ આપ્યું. અને સરનામું આપવું કે નહિ તેમ પૂછ્યું. સરિતાએ હા પાડતાં જ તેણે મને સરનામું ફોન નંબરો આપ્યા.

હું ઓફિસમાં પહોંચ્યો. અને સરિતાને ફોન લગાડયો. પહેલાં તો મારા 'હેલ્લો' નો કોઈ જવાબ જ ન મળ્યો. બે-ત્રણ વખત 'હેલ્લો, હેલ્લો' કરતાં તેનો એકદમ ભારે અવાજ સંભળાયો.

''સાગર.... કેટલા વર્ષો પછી તારો અવાજ સાંભળું છું.''

મને થયું કે તે બોલી નથી શકતી. અમદાવાદ છોડીને નાના ગામડામાં તે શું કરી રહી છે? મે તેને કહ્યું કે હું તેને મળવા કાલે આવું છું. ફોન મૂકીને હું મારા કામ પતાવવામાં વ્યસ્ત થઇ ગયો.

અમદાવાદ સરિતાને ખૂબ ગમતું હતું. તે છોડીને તે નાનકડા ગામડામાં શા માટે રહે છે? તે વાતનું મને આશ્ચર્ય થયું. તંદ્રામાં મારો પ્રવાસ પૂરો થયો. બસ સ્ટેન્ડ પર ઉતરીને મે રિક્ષાવાળાને 'સૃજલ એપાર્ટમેન્ટ' કહ્યું તો તે હસવા લાગ્યો.

''અરે આને 'સૃજલ એપાર્ટમેન્ટ' જવું છે.'' એમ કહીને તેણે બીજા રિક્ષાવાળા સામે આંખ મિચકારી. મને એકદમ આશ્ચર્ય થયું. મે પૂછ્યું, ''મને કંઈ સમજાતું નથી. કેમ તમે હસો છો?''

તેણે કહ્યું કે, ''સૃજલ એપાર્ટમેન્ટ એટલે કુંવારી ડોશીઓનો ફ્લેટ'' અને મને ઇશારાથી રિક્ષામાં બેસવાનું કહ્યું.

થોડીવારમાં રિક્ષા અટકી. અને રિક્ષાવાળો બોલ્યો, ''લો, સામે છે તે સૃજલ એપાર્ટમેન્ટ. હું અહીં ગેટ પર ઊભો છું. કદાચ, તો તમને અંદર જવા જ નહિ મળે પણ હું અહીં ઊભો છું. એટલે પાછા વળતી વખતે તમને તકલીફ ન પડે. જો અહીં તમારે કોઈની સાથે ઓળખાણ હોય તો અમને કહેજો. જેથી અમને પણ વાંધો ન આવે..'' એમ કહીને તે બિભત્સ રીતે હસ્યો.

રિક્ષામાંથી ઉતરીને હું ગેટની બીજી તરફ બેસેલા ચોકીદાર પાસે ગયો અને તેણે મારી સામે કરડાકીભરી આંખે જોયું. અને પૂછ્યું, ''ક્યાં જવું છે?''

''ફ્લેટ નંબર-૧ માં સરિતાને મળવું છે.''મે કહ્યું. તેણે મારું નામ પૂછ્યું.

જ્યારે મે સાગર કહ્યું તો તેણે તરત જ ગેટ ખોલી આપ્યો. ''આવો, સરિતા તમારી જ રાહ જોઇ રહી છે.''

ગેટ ખુલવાનો અવાજ સાંભળતાં જ સરિતા બહાર દોડતી આવી. ચોકીદારે તેને જોતાં જ કહ્યું. ''બેટા, આજે પહેલીવાર તને દોડતી જોવ છું. બસ, તું આવી જ ખુશ રહે એવી મારી ઇચ્છા છે.''

શું સરિતા ઉદાસ જ રહે છે. મને જોઇને તે કેટલી ખૂશ લાગતી હતી. જાણે જુદાઈના પાંચ વર્ષ ગાયબ થઇ ગયા.

તે મને અંદર લઇ ગઇ. બેઠકખંડમાં બેસાડી પાણી લઇ આવી. પછી રસોડામાં જઇને રસોઇ કરવામાં વ્યસ્ત થઇ. હળવા ગ્રે રંગની સાડીમાં તે સુંદર દેખાતી હતી.

હું તેના રૂપનું પાન કરતો હતો. ત્યાં તેનો અવાજ આવ્યો. ''શું વિચારે છે? બાથરૂમમાં જઈને નાહી લે.''

થોડીવારમાં ફ્રેશ થઇને હું બહાર આવ્યો. તો ગરમગરમ રસોઇ તૈયાર હતી. અમે જમવા બેઠા. મને જમતો જોઇને તેની આંખમાં પાણી ભરાઇ ગયા. તે નેપકીન લઇને બહાર જતી રહી. હું ચૂપચાપ જમતો રહ્યો.

જમ્યા બાદ અમે વાતો કરવા લાગ્યા. ''અવિવાહીત છોકરીઓએ એકલા રહેવું ખૂબ જ દુષ્કર કાર્ય છે. મારી પહેલી નવલકથાના પ્રશંસક એક બીલ્ડર હતા. તેમના જીવનમાં પણ મારી નવલકથા જેવી જ ઘટના ઘટી હતી. તેમની પત્ની મારી મિત્ર બની ગઇ અને તેમણે મારી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા માટે અહીં સૃજલ એપાર્ટમેન્ટ બનાવી આપ્યું. અમે આઠ કુંવારી છોકરીઓ અહીં રહીએ છીએ. તેમણે મને ભાઇની જેમ મદદ કરી. અમારા માટે બૂઢા ચોકીદારો કાકાને તેણે જ શોધી આપ્યા. તેઓ અમને પુત્રીવત પ્રેમ કરે છે.

અહીં બધી જ કુંવારી છોકરીઓ છે. એટલે લોકો ''કુંવારી ડોશીઓના ફ્લેટ'' તરીકે ઓળખે છે. જવા દે મારી વાત, તારી વાત કર. તારી પત્ની કેમ છે? તારી નોકરી કેમ ચાલે છે?''  ''હું તો ત્યાં જ નોકરી પર છું. ફરક એટલો છે કે હું મેનેજર બની ગયો છું. મારો એક પુત્ર છે. નીતિના લગ્ન થઇ ગયા છે. હું તને મારી ઓફિસનું સરનામું અને ફોનનંબર આપું છું.''

''તારે ત્યાં પુત્ર છે, એટલે સમજું છું કે તારું લગ્નજીવન સુખી હશે. પુત્રનું શું નામ રાખ્યું?''

''સરિત.''

''તે સરિતાનું 'સરિત' કર્યું. કોઈએ વિરોધ ન કર્યો.''.

''શરૂઆતમાં બધાએ કર્યો. પણ હું અડગ હતો. એટલે પછી તેમણે તેને 'પપ્પૂ' કહેવાનું શરૂ કર્યું. હું જ તેને 'સરિત' કહું છું.''

''સરિતા, તું પાછી આવી જા. હું તને સારી નોકરી અને ફ્લેટ અપાવી દઈશ. ત્યાં આપણે સાથે રહીશું''

''ના, સાગર હું અહીં ખુશ છું. અહીં પણ હું એકલી નથી. મારી સાથે તારી યાદ છે. ફક્ત તારો ફોટો મારી પાસે નથી. જો તે આપ્યો હોત તો..''

વાત કરતાં કરતાં સરિતા એકદમ રડી પડી. ઘણીવાર સુધી તે મારા ખોળામાં માથુ મૂકીને રોતી રહી. અને હું તેના વાળમાં આંગળી ફેરવતો રહ્યો. પછી ધીમેથી તેનું માથું ઊંચકીને તેની પાંપણો ચૂમી લીધી. તે અંદર જઈને મોઢું ધોઈ આવી. ''સાગર, માફ કરજે. હું મારા પર નિયંત્રણ ન રાખી શકી.'' ઊભો રહે હું કોફી બનાવું.''.

કોફી પીતાંપાતાં મે જવાની વાત કરી તો તેણે કહ્યું સાંજે બધી છોકરીઓ આવે- તેની સાથે ઓળખાણ કરીને જજે.

સાંજના તો ત્યાં મીની પાર્ટીનું આયોજન થઈ ગયું. ચોકીદાર કાકા પણ આવી પહોંચ્યા. મોકો જોઇને મે તેમને કહ્યું, ''સરિતાનું ધ્યાન રાખજો.''

તેઓ અચાનક મને ધૂરકીને બોલ્યા, ''તમે તેનું ધ્યાન રાખ્યું?''

હું ક્ષણવાર માટે હતપ્રભ બની ગયો તેણે કહ્યું. ''તમે અને તમારી જેવા અન્ય યુવકોએ આ છોકરીઓનું ધ્યાન રાખ્યું હોત તો મારી જરૂર ન પડત. પણ હું અહીં તેમનું સંપૂર્ણ ધ્યાન રાખું છું. તમે જાઓ, ચિંતા ન કરતાં.''

હું એકદમ શૂન્યમન્સક બની ગયો. ત્યાં સરિતા આવી અને કહ્યું, ''સાગર, ક્યાં ખોવાઇ ગયો? ઘર યાદ આવી ગયું ને? તું જા મને તને રોકવાનો પણ કોઈ નથી. બને તો સરિતનો એક ફોટો મોકલજે જેથી મન મનાવ્યા કરું.'' આટલું બોલતાં ફરી તેની આંખો ભરાઈ આવી.

રસ્તામાં પાછા ફરતી વખતે મને વિચાર આવ્યો કે, હું સરિતાની સામે વામણો પુરવાર થયો. તેના અનહદ પ્રેમની સામે હું એકદમ નિમ્ન બની ગયો. ખરેખર સરિતા સાગરની જ હતી અને રહેશે. તે વાતની પ્રતિતી મને આજે થઈ ગઈ.


Google NewsGoogle News