વાર્તા : સંબંધોની અનુભૂતિ

Updated: May 13th, 2024


Google NewsGoogle News
વાર્તા : સંબંધોની અનુભૂતિ 1 - image


- હમણાં તો દિવાળી પર થનારા વધારાના ખર્ચ માટે પૈસા આપતી વખતે દેવાંશુએ કહ્યું હતું કે થોેડી સમજદારીથી ખર્ચ કરજે. અને હવે તે પોતે જુગાર રમવા જઈ  રહ્યો છે! એ સમયે તેણે એવું  વિચારીને કંઈ કહ્યું નહોતું  કે નોકરિયાત  માણસ માટે પોતાના બજેટને સમતોલ રાખવું જરૂરી હોય છે એટલે ખર્ચા માટેના કઠોર નિયમ બનાવવા પડતા હોય છે. 

લગ્ન પછી વિમલેશની આ પહેલી દિવાળી હતી.   તેથી એ આ દિવાળીના તહેવારને ઘણી    ધામધૂમથી ઊજવવા માગતી હતી. તેના આ ઉત્સાહનું કારણ એ હતું કે તેના સાસુસસરા અને નણંદદિયર પહેલી જ વખત તેના ઘરે આવતાં હતાં, એટલું જ નહીં, દિવાળીનો તહેવાર પણ તેમની સાથે ઊજવવા માગતા  હતાં.  તેથી તેમના સ્વાગતમાં  તે કોઈ ઊણપ રાખવા માગતી નહોતી.

આ પ્રસંગે દેવાંશુએ પણ વિમલેશને ઘણી છૂટ આપી રાખી હતી. જો કે  આ   પ્રસંગે ખૂબ ખર્ચ કરવાથી ઘણીવાર  આખા વર્ષનુ બજેટ બગડી  જતું હોય છે. તેમ છતાં તે પોતાની નવી પત્નીના અરમાનો પર અંકુશ મૂકવા માગતો નહોતો. સાથે ઘણી છૂટ પણ આપવા ઈચ્છતો નહોતો. કદાચ એટલા માટે જ દિવાળી પર ખર્ચ કરવા માટેની વધારાની રકમ વિમલેશના હાથમાં મૂકતી વખતે   એવું કહેવાનું નહોતો ચૂક્યો, '' વિમલેશ, થોડી સમજદારીથી પૈસા ખર્ચજે.''

દેવાંશુ સ્વતંત્ર વિચારો ધરાવતો યુવાન હતો અને નારી સ્વતંત્રતાનો હિમાયતી પણ હતો. તે વિમલેશને  ક્લબ, પાર્ટીઓમાં લઈ જતો  હતો, પરંતુ લગ્ન થતાં જ કોણ જાણે કેમ તે પત્ની પ્રત્યે કડક બની ગયો હતો. એને એવું લાગતું હતું કે જો તે પત્ની પર અંકુશ નહીં રાખે તો તે પાછળથી તેનું કહેવું નહીં માને. કદાચ આ જ કારણે તે તેની સાથે વધુ  મુક્ત મને વાત કરી શકતો નહોતો.

દેવાંશુનું હમેશાં  ખામોશ રહેવું, માત્ર જરૂરી વાત કરવી, ક્યારેક ક્યારેક વિમલેશને ખટકતું હતું.    ક્યારેક તો વિમલેશને એવું લાગતું કે ક્યાંક બળજબરીપૂર્વક  તેના લગ્ન દેવાંશુ સાથે  કરાવ્યાને અથવા ક્યાંક તેનુ ંકોઈ ચક્કર તો નથી  ચાલી રહ્યું ને! પરંતુ દેવાંશુના સ્વભાવ અથવા વ્યવહારથી મનમાં ઊભી થતી ધડમાથા વગરની શંકાઓની કોઈ સાબિતી શોધી શકતી નહોતી. 

ક્યારેક વિચારતી કે ક્યાંય દેવાંશુ અંતર્મુખી તો નથી..... આડી અવળી વાતો કરવાનું તેના સ્વભાવમાં ન  પણ હોય. પરંતુ એવું નહોતું કે તે મિત્રો સાથે પણ  ચૂપચાપ બેસી રહેતો હોય. તેમની સાથે  હસવું, વાતો કરવી વિમલેશના વિચારોને પણ ખોટું ઠેરવતું હતું.

દેવાંશુની આ  ખામોશીના કારણે વિમલેશ એકલતા અનુભવતી હતી, નવી જગ્યા, નવા લોકો સાથે પણ તાલમેલ સાધી શકતી નહોતી. તે  એમ વિચારીને શાંત  રહેતી  કે કદાચ ધીમે ધીમે તેની મનોવૃત્તિમાં પરિવર્તન આવી જાય. તેની નાની નાની વાતોનું તે ક્યારેય ખોેટુ ંલગાડતી નહોતી. તેનું  માનવું  હતું કે ગૃહસ્થજીવનની સફળતાની પહેલી ચાવી જીવનસાથીની મનોવૃત્તિને સમજી તે અનુસાર આચરણ કરવાની છે. શરૂઆતના દિવસોની સહનશીલતા, ગંભીરતા અને સમજદારી જ ભવિષ્યનો પાયો  હોય છે. તેથી, દેવાંશુના સ્વભાવને તેના વ્યક્તિત્ત્વનો  હિસ્સો  માની સ્વીકારી લીધો હતો.

વિમલેશે એક એવા પરિવારમાં જન્મ લીધો હતો જ્યાં સંસ્કારો જ જીવનની મૂડી હતા. શિસ્ત, સંયમી વ્યવહાર અને બધા સાથે તાલમેળ સાધીને સાથે રહેવાનું  શિક્ષણ તેના સંયુક્ત પરિવારની  જ ભેટ હતી.   પિયરમાં દીદી, કાકાકાકીના પરિવાર સાથે વિધવા  ફોઈ તથા તેમના બે બાળકો પણ રહેતાં હતાં. સંયુક્ત  વેપાર હોવાના કારણે પૈસાની કોેઈ  કમી નહોતી. તેમ છતાં તેમને ખોેટા ખર્ચ કરવાની  પરવાનગી નહોતી. ઘરમાં જે પણ ખાવાની વસ્તુ આવતી હતી તે બધાં ભેગા મળીને ખાતાં હતાં. વિમલેશે ક્યારેય પરિવારમાં નાની નાની વાતો પર કંકાસ થતો જોયો નહોતો. જો ક્યારેક કોઈ વાત બની જાય તો બધા ંદાદી પાસે જતાં.  પછી તે જે આદેશ આપે તેનુ ંસહુ પાલન કરતાં હતાં. જ્યારે દેવાંશુને નોકરીના કારણે આ શહેરમાં એકલા આવવું પડયું   ત્યારે તેને ઘણું ખરાબ લાગ્યું હતું. તેથી જ સાસરીના લોકો પોતાના ઘરે આવીને દિવાળી ઊજવશે તે જાણી વિમલેશ આનંદમાં આવી ગઈ હતી.

દિવાળીને એક અઠવાડિયાની વાર હતી. પડદાનું કાપડ લાવીને તેણે જાતે જ પડદા સીવ્યા.  આખું ઘર સાફ કર્યું.  થોડું ફર્નિચર પણ ખરીદ્યું. એક રૂમ આવનારા લોકો માટે  પણ વ્યવસ્થિત કરવાનો હતો.

આ તરફ કેટલાક દિવસોથી વિમલેશ જોઈ રહી હતી કે ઓફિસેથી આવ્યા પછી દેવાંશુ ક્યાંક ચાલ્યો જતો હતો. એ દિવસે પણ જવાની તૈયારી કરવા લાગ્યો. એટલે વિમલેશે તેને પુછ્યું, તો પહેલા ંતો તેણે  વાતને ટાળી. પણ  પછી બોલ્યોે, ''દિવાળી સુધી અમે કેટલાક મિત્રો ફ્લશ રમીએ છીએ, તેથી ફ્લશ રમવા જાઉં છું.''

'તો શું દેવાંશું જુગારી છે? મનમાં ચાલતા પ્રશ્નને વિમલેશે દેવાંશું સમક્ષ ડરતાં ડરતાં  રજૂ કર્યો તો એણે  સહજ સ્વરમાં કહ્યું, ''અરે, આ કંઈ જુગાર થોડો છે. આ તો મોટા લોકોની શાનનું પ્રતીક છે. દિવાળી પર જુગાર રમવો એ તો અમારી પરંપરા છે.''

''પરંપરાના નામે અયોગ્યને યોગ્ય ન ઠેરવો દેવાંશુ. તમે કદાચ ભૂલી ગયા છો કે આ જુગારમાં યુધિષ્ઠિર રાજપાટ તો શું પણ પોતાની પત્ની સુધ્ધાં હારી ગયાં  હતા.'' વિમલેશે ભય અને  સંકોચ છોડીને કહ્યું.

''અરે, છોડો. આ કંઈ જુગાર થોડો છે. મન ખુશ  રાખવાનું એક સાધન છે અને એ પણ વર્ષમાં એકવાર માત્ર દિવાળી પર.'' દેવાંશુએ ગુસ્સે થતાં કહ્યું.

''મન ખુશ રાખવાનાં બીજા સાધનો છે. તો પછી આ જ કેમ? વિમલેશે  પૂછ્યું તો દેવાંશુ કોઈ જવાબ આપ્યા વગર ચાલ્યો ગયો.

વિમલેશનું મન અજાણી આશંકાથી ઘેરાઈ ગયું. દેવાંશુનું નવું સ્વરૂપ જોઈને તે દંગ રહી ગઈ. તેને ખબર પડતી  નહોતી. ............. તેણે શું કરવું જોઈએ.

પછી વિચારવા  લાગી કે સંભવ છે કે આ રમતની શરૂઆત મનોવિનોદ, મનોરંજન કે પછી સમય પસાર કરવા માટે થઈ હોય. કારણ કે પ્રાચીન સમયમાં તહેવારો જ જીવનની નીરસ દિનચર્યાથી મુક્તિ મેળવવાનું સાધન હતું. તેથી આવા  અવસરે મનુષ્ય  અનેક પ્રકારનાં મનોવિનાદનાં સાધનો અપનાવતો હતો. પત્તા રમવાનું પણ એમાંનું જ એક સાધન હશે, પરંતુ  મન ખુશ કરવાના આ સાધનને વિકૃત કરવું અને તેને નફાનુકસાન કે પરંપરા સાથે  જોડવુ એ કંઈ બુદ્ધિમત્તાનું લક્ષણ ગણાય? આ તો  ભ્રાંતિ છે.... સભ્યસમાજનું  દૂષણ .... હકીકતમાં, જે વ્યક્તિને પોતાના  પરિશ્રમ પર વિશ્વાસ નથી હોતો એ જ ભાગ્યના ભરોસે  બેસીને આ પ્રકારના અખતરા કરે છે. 

વિમલેશને યાદ આવ્યું કે તેના ઘરમાં પણ આ  પ્રસંગે  પત્તા રમાતાં હતાં. ઘરના પૈસા ઘરમાં જ રહેતા હતા એટલે કોઈને કંઈ ખરાબ લાગતું  નહોતું. જે   જીતે  તે બીજા દિવસે મીઠાઈ મંગાવીને બધાંને વહેંચે. વિમલેશે ક્યારેય તેને ખરાબ  દ્રષ્ટિથી જોઈ નહોતી, પરંતુ દેવાંશુનું મિત્રો સાથે પરંપરાના નામે રમવું એ તેના સંસ્કારી  મનને ઘાયલ કરી ગયું.

વિમલેશ  ફરી વિચારવા લાગી કે હમણાં તો દિવાળી પર થનારા વધારાના ખર્ચ માટે પૈસા આપતી વખતે દેવાંશુએ કહ્યું હતું કે થોેડી સમજદારીથી ખર્ચ કરજે. અને હવે તે પોતે જુગાર રમવા જઈ  રહ્યોે છે! એ સમયે તેણે કહેલું વાક્ય તેના દિલને વાગી ગયું હતું, પરંતુ  એવું  વિચારીને એણે કંઈ કહ્યું નહોતું  કે નોકરિયાત  માણસ માટે પોતાના બજેટને સમતોલ રાખવું જરૂરી હોય છે એટલે ખર્ચા માટેના કઠોર નિયમ બનાવવા પડતા હોય છે. જો કે, ત્રણ-ચાર દિવસ અગાઉથી જુગાર રમવા જવાની બાબતને સ્વીકારી શકતી નહોતી. એણે તો એવું વિચાર્યું હતું કે દિવાળીના કામમાં તે દેવાંશુની પણ થોડી મદદ લેશે. દિવાળી માટે તે  જાતે મીઠાઈ, નાસ્તો બનાવવા માગતી હતી.  સાસુસસરા આવતાં હોવાના કારણે ઘરને નવેસરથી   વ્યવસ્થિત કરવું પણ જરૂરી હતું, પરંતુ દેવાંશુ ઓફિસેથી આવીને જુગાર રમવા મિત્રો પાસે ચાલ્યો ગયો એટલે તેની યોજના પર પાણી ફરી વળ્યું.

મોડી રાત્રે  દેવાંશુ પાછો ફર્યો ત્યારે એનો ચહેરો લટકેલો હતો. કદાચ હારીને આવ્યો હતો, એટલું જ નહીં, મોમાંથી દારૂની વાસ પણ આવતી હતી. વિમલેશ અંદરથી કંપી ઊઠી ...  જુગાર અને દારૂ! પૂછવાની ઈચ્છા જ ન થઈ.... વધુ પૂછપરછ નકામો ઝઘડો વધારત એટલે ચૂપ  રહેવાનું જ યોગ્ય માન્યું.

બીજા દિવસે  સાસુસસરાનો રૂમ  ઠીક કરવા માટે મદદ કરવાના હેતુથી વિમલેશે દેવાંશુને રોકવાની કોશિશ કરી તો એ બોલ્યો, ''આવ્યા પછી કરી લઈશું.''

આવ્યા પછી કંઈ કરવાની તાકાત જ નહોતી. એટલે બીજા દિવસે નોકરાણીની મદદથી ડ્રોઈંગરૂમમાંથી  દીવાન ખસેડી  બેડરૂમમાં મુકાવ્યો અને એક ફોલ્ડિંગ પલંગ તેની સાથે જોડીને  ડબલબેડ બનાવ્યો. તે રૂમનું કબાટ ખાલી કરી નાખ્યું. જેથી સાસુસસરા સારી રીતે પોતાનો  સામાન એમાં  મૂકી શકે. નણંદ અને દિયરને સૂવા માટે બે ફોેલ્ડિંગ પલંગ મગાવી લીધા હતા.

ઘરની સજાવટ માટે વિમલેશે  દીવાઓની સાથે સાથે વીજળીના બલ્બની વેલ પણ ખરીદી લીધી હતી.   જે તેણે વરંડામાં લગાવી હતી. આ બધામાં તેને દેવાંશુનો  સહકાર ખટકતો હતો, એટલું જ નહીં, દુઃખી  પણ કરી રહ્યો હતો.

દેવાંશુનું વલણ જોઈને વિમલેશે મનમાં જ નક્કી કરી લીધુ ંહતું કે આ વખતે તે દિવાળીના દિવસે તેને ઘરની બહાર નહીં જવા દે. તહેવારના દિવસે જો ઘરનો માલિક જ ઘરમાં ના રહે તો તહેેવાર કેવો?

દિવાળીના દિવસે બધા જ આવવાના હતા એટલે વિમલેશે બધી તૈયારીઓ અગાઉથી કરીને રાખવાની હતી. આખરે એ દિવસે પણ આવી ગયો જેની આતુરતાપૂર્વક તે રાહ જોતી હતી. સાસુ તેના સ્વચ્છ ઘરને જોઈને ખુશ  થઈ રહ્યાં  હતાં જ્યારે સસરા, દિયર અને  નણંદ તેણે બનાવેલા પકવાન ખાઈને તેની પ્રશંસા કરતાં થાકતા નહોતાં.

સાસુસસરા જમીને આરામ કરવાં લાગ્યાં.  થોડીવાર  ગપ્પા માર્યા પછી દેવાંશું પણ સૂઈ ગયો. પરંતુ નણંદ અમિતા અને દિયર સુધાંશુ પોતાની ભાભી સાથે વાત કરતાં થાકતાં જ નહોતા. તે જ્યાં  પણ જતી ત્યાં તેની પાછળ પાછળ જતાં હતાં અને બધાં કામમાં મદદ કરતાં હતાં.  પોતાના કુટુંબનો પ્રેમ અને વિશ્વાસ મેળવીને વિમલેશ ખુશીથી  ફૂલી સમાતી નહોતી. તેણે આવા જ ઘરની કલ્પના કરી હતી.

સાંજે દેવાંશુએ પોતાના મિત્રો  પાસે જવાની પરવાનગી માગી ત્યારે વિમલેશે કહ્યું, ''મિત્રોના ઘરે રમવા જતાં પહેલાં  અમારી સાથે પણ રમીને તો જુઓ. અમે પણ કંઈ કાચા ખેલાડી નથી, પરંતુ  અમારો સિધ્ધાંત છે કે અમે ઘરમાં જ, ઘરના લોકો સાથે રમીએ છીએ, બહાર નહીં. પણ અમારાથી કોઈ  જીતી શકતું નથી.''

દેવાંશુ ભાઈબહેન  સામે ના ન પાડી શક્યો. વિમલેશની ચેલેન્જ સ્વીકારી સુધ્ધાં અને અમિતાને પણ તેણે રમવા માટે કહ્યું, પણ તેમણે ના પાડતા કહ્યું, ''ભાઈ તમે અને ભાભી જ રમો, અમને તો આ રમત આવડતી જ નથી. અમ ેતો બસ  જોઈશું.''

સુધાંશુ દેવાંશુ પાસે અને અમિતા  વિમલેશ પાસે  બેસી ગઈ. દેવાંશુએ પત્તા વહેંચ્યા અડધો કલાક સુધી રમત  ચાલી, પરંતુ વિમલેશનું પલ્લું જ ભારે રહ્યું. વિમલેશ   પોતાના ભારે પત્તા જોઈને સહજ  સ્વરમાં કહેતી, ''આજે તો મારું ભાગ્ય સાથ  આપી રહ્યું છે, તમારું નહીં.  તમે અહીં જ  મારાથી હારો છો  તો  તમારા મિત્રો સામે પણ હારશો જ. જુગાર રમનારા તો પહેલાં જ  દિવસથી ભાગ્યના ગુલામ બની જાય છે.''

''હા... ભાઈ, ભાભી સાચું જ કહે છે. ખરેખર તમારું ભાગ્ય સાથ આપતું નથી. ત્યાં પણ તમારી હાર નિશ્ચિત છે.'' સુધાંશુએ પણ  ભાભીની હામાં હાં ભેળવતાં કહ્યું.

ત્યાં અચાનક ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. દેવાંશુએ કહ્યું, ''ફોન જગદીશનો  હશે. એને કહી દો કે હું નહી આવી શકું. તબિયત સારી નથી.''

દેવાંશુની વાત સાંભળીને વિમલેશની સાથે સાથે અમિતા અને સુધાંશુના ચહેરા પણ ખુશીથી ચમકી ઊઠયાં. વિમલેશે પોતાની મંજિલ મેળવી લીધી હતી. પરંતુ જો સુધાંશુ અને અમિતાએ તેને સાથ ન આપ્યો હોત તો દેવાંશુને રોકવાનું તેને માટે મુશ્કેલ હતું. તેણે દેવાંશુને જુગાર રમતો રોક્યો હતો સાથે દૂષણ તરફ આગળ વધતો પણ અટકાવ્યો હતો.

દિવાળી ખરાબ પર સારપના વિજયનું પ્રતીક છે. મહારાભારત જેવા ગ્રંથોમાં જુગારના આ દૂષણને આદર્શ સ્વરૂપે બતાવવાનો શા માટે પ્રયાસ કર્યો તે સમજની બહાર હતું. માનવી એના આધારે આ દૂષણને પરંપરાના નામે સ્વીકારી યોગ્ય ઠેરવવા લાગ્યો છે. વિમલેશે  મનમાં ને મનમાં સુધાંશુ અને  અમિતાને ધન્યવાદ આપ્યા. હકીકતમાં દેવાંશુ  પાસે બેઠેલો સુધાંશુ તેના પત્તા જોઈને ઈશારાથી અમિતાને બતાવી દેતો હતો અને  અમિતા દેવાંશુની નજર બચાવીને તેના ભારે પત્તા તેના હાથમાં પકડાવી દેતી હતી.

દેવાંશુના ઉદાસ  ચહેરાએ વિમલેશના મનમાં હલચલ  મચાવી દીધી હતી. તેથી એણે તેનો બગડેલો મૂડ ઠીક કરવા  કહ્યું, ''રમત તો પૂરી થઈ ગઈ  હવે ફટાકડા ફોડીએ. આખરે દિવાળી પર થોેડા ધૂમધડાકા થવા જોઈએ.''

''હા ભાભી, તમે ઠીક કહો છો.  ભાઈ તમે પણ ચાલો.'' સુધાંશુ અને અમિતાએ દેવાંશુની તરફ જોઈને કહ્યું.

દેવાંશુએ  ના પાડી છતાં પણ તેને બળજબરીપૂર્વક અગાસી પર લઈ જવામાં આવ્યો. ચારેબાજુ ઝળહળતી રોેશનીના પ્રકાશમય દીવા અને  આજુબાજુથી આવતા ફટાકડાના અવાજમાં  દેવાંશુનું  બાળપણ જાણે પાછું આવી  ગયું. એકાએક તેને લાગ્યું કે દિવાળીનો તહેવાર બંધ ઓરડામાં પુરાઈને પોતાનું ભાગ્ય અજમાવવામાં પસાર કરવાને બદલે ઘરના લોકો સાથે મોજમસ્તી કરીને ઊજવવામાં ઘણું સુખ રહેલું છે. એને એવી અનુભૂતિ થઈ કે સાચું સુખ, સાચી શાંતિ પોતાના લોકો સાથે  હળીમળીને  રહેવામાં મળે છે. તેમનાથી દૂર રહેવામાં નહીં. સુખ દુઃખની ક્ષણો સાથે  રહીને નિભાવવાની અનુભૂતિ જ સંબંધોમાં નિકટતા લાવે છે. આ અનુભૂતિએ તેના ઉદાસ મનમાં એકાએક ખુશી ભરી દીધી અને તેણે ફટાકડાના પેકેટમાંથી એક કોઠી સળગાવી. તેમાંથી નીકળતાં પ્રકાશમય કિરણોએ માત્ર તેના જ નહીં, પણ સહુ કોઈના ચહેરા પર નવી આભા પાથરી દીધી.


Google NewsGoogle News