Get The App

વાર્તા : અહેસાસ પોતાની ભૂલોનો .

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
વાર્તા : અહેસાસ પોતાની ભૂલોનો                                  . 1 - image


- સમીરથી છૂટાછેડાના સમાચાર પ્રસરતા જ લોકોની તેના પ્રત્યેની દ્રષ્ટિ જ બદલાઈ ગઈ હતી. સ્ત્રીઓ તેનાથી એવી રીતે ડરવા લાગી હતી કે જાણે તે કોઈ જંગલી જાનવર ન હોય! પુરુષો તેની આસપાસ વીંટળાવા માટેનાં બહાના શોધ્યા કરતા. 2-4 લોકોએ વેળા-કવેળાએ તેના ઘરે આવવાનો પ્રયત્ન કર્યો હતો.  

ત્રણ દિવસની લાંબી રજાઓ સુમિતાને ત્રણ યુગો જેવી લાગી રહી હતી. પ્રથમ દિવસ ઘરના કામકાજમાં નીકળી ગયો. બીજો દિવસ આરામ કરવામાં અને ઘર માટે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવામાં વીતી ગયો, પરંતુ આજ સવારથી જ સુમિતાને ભારે ખાલીપો લાગી રહ્યો હતો. ખાલીપો તો તે ઘણા દિવસોથી અનુભવી રહી હતી, પણ આ જ સવારથી જ તે ઘણો કંટાળો અનુભવી રહી હતી.

રસોયણ ભોજન બનાવીને જતી રહી હતી. સવારના ૧૧ જ વાગ્યા હતા. સુમિતા સ્નાનાદિ અને નાસ્તાથી પરવારી ચૂકી હતી. કચરાપોતાં અને કપડાં ધોવાવાળી બાઈઓ પણ પોતપોતાનાં કામો પતાવીને ચાલી ગઈ હતી. એટલે કે હવે દિવસ આખો કોઈની અવરજવર રહેશે નહીં.

ટીવી જોઈને પણ બોર થઈ ગયેલી સુમિતાએ ટીવી બંધ કરી દીધું અને ફોન હાથમાં લઈને તેણે થોડીવાર વાત કરવાના ઈરાદાથી પોતાની સાહેલી આનંદીને ફોન જોડયો.

'હેલો.' સામે છેડેથી આનંદીનો અવાજ સંભળાયો. 'હેલો આનંદી, હું સુમિતા બોલું છું, કેમ છો, શું ચાલે છે?' સુમિતાએ ઉત્સાહપૂર્વક પૂછ્યું.

'અરે', સુમિતાનો અવાજ સાંભળીને આનંદીના અવાજમાં જાણે કડવાશ આવી ગઈ, 'ઠીક છું, બસ ઘરના કામકાજ કરી રહી છું.'

'કંઈ નહીં યાર, બોર થઈ રહી હતી તો વિચાર્યું કે તારી સાથે વાત કરી લઉં. ચાલને બપોરે ફિલ્મ જોવા જઈએ.' સુમિતાએ ઉત્સાહભેર કહ્યું.

'ના યાર, આજે રિંકુની તબિયત કંઈક બરાબર લાગતી નથી. હું નહીં આવી શકું. ચાલ સારું, ફોન મૂકું છું. ઘરમાં અનેક કામ પડયાં છે. ફિલ્મ જોવાનું તો મારું પણ મન હતું, પરંતુ શું કરું, પતિ અને બાળકોનાં ઢગલાબંધ કામો અને ફરમાઈશ હોય છે.' કહીને આનંદીએ ફોન મૂકી દીધો.

સુમિતાને તેણે બીજું કંઈ ન કહ્યું, પરંતુ ફોન ડિસકનેક્ટ થતાં પહેલાં સુમિતાએ આનંદીની એ વાત સ્પષ્ટપણે સાંભળી લીધી હતી જે તેણે કદાચ પોતાના પતિને કહી હશે. 'આ સુમિતાની પાસે ઘરગૃહસ્થીનું કોઈ કામ તો છે નહીં, બીજાને પણ પોતાની જેમ કામધંધા વગરની સમજે છે.' બોલતી વખતે અવાજની ખીજ સ્પષ્ટપણે અનુભવાઈ રહી હતી.

પછી શિલ્પાનું પણ આવું જ વલણ ત્યાર પછી રશ્મિનું પણ.

એટલે કે સુમિતા સાથે વાત કરવા માટે ન તો કોઈની પાસે નવરાશ છે કે ન તો રસ.

બધી સાહેલીઓ આજકાલ સુમિતાથી કતરાતી હતી. જ્યારે આ ત્રણેય એક સમયે તેની સૌથી નજીક રહેતી હતી. એક ઊંડો શ્વાસ લઈને સુમિતાએ ફોન ટેબલ પર મૂકી દીધો. હવે કોઈને ફોન કરવાની તેની ઇચ્છા જ ન રહી. તે ઊભી થઈને ગેલરીમાં આવી ગઈ. નીચેની લોન પર બિલ્ડિંગનાં બાળકો રમી રહ્યાં હતાં. કોણ જાણે કેમ તેના હૃદયમાં પીડા ઊપડી અને આંખો ભીની થઈ ગઈ. કોઈના શબ્દો તેના કાનમાં ગુંજવા લાગ્યા હતા.

'તું પણ તારાં માતાપિતાનું એકનું એક સંતાન છે સુમિ અને હું પણ. આપણે બંને એકલતાની પીડા સમજીએ છીએ. એટલા માટે મેં નક્કી કર્યં છે કે આપણે અનેક બાળકો પેદા કરીશું, જેથી આપણાં બાળકોને ક્યારેય એકલવાયું લાગે નહીં.' સમીર હસતાંહસતાં ઘણીવાર સુમિતાને ચીડવતો રહેતો હતો.

બાળકોને એકલતાની પીડા ન અનુભવાય તેની ચિંતા કરનારા સમીરની પોતાની જ જિંદગીને એકલી પાડીને સૂનકારની ખીણમાં ધકેલીને આવી હતી સુમિતા, પરંતુ ત્યારે તે ક્યાં બધું વિચારી શકી હતી કે એક દિવસે તે પોતે આટલી એકલી પડીને રહી જશે.

કેટલો કરગર્યો હતો સમીર. છેલ્લે સુધી કેટલી આજીજી કરી હતી તેણે, 'પ્લીઝ સુમિ, મને આટલી મોટી સજા ન કર. હું સ્વીકારું છું કે મારાથી ભૂલો થઈ છે, પણ મને એક તક તો આપ, એક છેલ્લી તક. હું તમામ પ્રયત્નો કરીશ કે તને હવેથી ફરિયાદની કોઈ તક ન મળે.'

સમીર વાંરવાર પોતાની ભૂલોની માફી માગી રહ્યો હતો. તેની ભૂલો કે જે હકીકતમાં ભૂલો હતી જ નહીં. નાનીનાની આશાઓ, નાનીનાની ઇચ્છાઓ હતી, જે એક પતિ સાહજિક રીતે પોતાની પત્ની પાસેથી રાખતો હોય છે. જેમકે, તેના શર્ટનું બટન ટાંકી આપે, તાવથી તપતા અને દુખતા તેના માથાને પત્ની પ્રેમથી પંપાળી આપે, ક્યારેક ઇચ્છા થાય તો તેની મનગમતી કોઈ વાનગી બનાવીને ખવડાવે વગેરે.

મલ્ટિનેશનલ કંપનીમાં પોતાની બુદ્ધિ અને કાર્યકુશળતાના જોરે સફળતા હાંસલ કરી હતી સુમિતાએ. પછી તો એક પછી એક સોપાનો સર કરતી સુમિતા પૈસા અને પદની ઝાકઝમાળમાં એટલી આંધળી થઈ ગઈ કે આત્મસન્માન અને અહંકારનો ફરક સમજવાનું જ ભૂલી ગઈ. આત્મસન્માનના નામે તેનો અહંકાર દિનપ્રતિદિન એટલો વધતો ગયો કે તે વાતવાતમાં સમીરની અવગણના કરવા લાગી. તેની નાનીનાની ઇચ્છાઓને અવગણીને તેની લાગણીઓને ઠેસ પહોંચાડવા લાગી. તેની અપેક્ષાઓની ઉપેક્ષા કરવી સુમિતાની આદત બની ગઈ.

સમીર ચુપચાપ તેના અત્યાચારો સહન કરતો રહ્યો, પરંતુ તે જેટલું વધુ સહન કરતો રહ્યો, એટલો જ સુમિતાનો અહંકાર અને આક્રોશ વધતો ગયો. સુમિતાને ઉશ્કેરવામાં તેની સાહેલીઓનો સૌથી મોટો હાથ રહ્યો. તેઓ સુમિતાની વાતોને અથવા કહો કે તેની તકલીફોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને સમીરને ખરોખોટો કહીને સુમિતા પ્રત્યે સહાનુભૂતિ દાખવતી. આ સાહેલી સુમિતાને પોતાની સૌથી મોટી શુભચિંતક લાગતી હતી. આ બધી દોડીદોડીને સુમિતાનાં દુ:ખો સાંભળવા ચાલી આવતી અને તેના કાન ભંભેરતી હતી. 'તું શા માટે તેનાં કામ કરે, તું શું તેની નોકરાણી કે ખરીદેલી ગુલામડી છે? તું સ્પષ્ટ ના પાડતી રહે.'

એક દિવસ જ્યારે સમીર બજારમાંથી તાજા ટીંડોરા લાવીને પોતાના હાથે મસાલા ભરેલા ટીંડોરા બનાવી આપવા વિનંતી કરી તો સુમિતા ખરાબ રીતે વિફરી કે તે હજુ ઑફિસથી થાકીપાકી આવી છે અને સમીર તેને ચૂલો ફૂંકવાનું કામ કરવા માટે કહે છે. એ દિવસે સુમિતાએ ન માત્ર સમીરને કંઈ આડુંઅવળું કહ્યું, બલકે ચોખ્ખેચોખ્ખું કહી દીધું કે તે હવે વધુ તેની ગુલામી નહીં કરે. ગમે તેમ તો તે પણ માણસ છે, કોઈ ખરીદેલી દાસી નથી કે જ્યારે ત્યારે નતમસ્તકે તેના આદેશનું પાલન કરતી રહે. તેને આ ગુલામીથી છુટકારો જોઈએ છે.

સમીર સ્તબ્ધ ઊભો રહી ગયો. આ નાની અમથી વાતને આટલો મોટો મુદ્દો બનાવશે, એ તો એણે સપનામાંય વિચાર્યું નહોતું ત્યાર પછી તે વારંવાર માફી માગતો રહ્યો, પણ સુમિતા ટસની મસ ન થઈ તો આખરે સુમિતાની ખુશી માટે તેણે પોતાનાં આંસુ પી જઈને છૂટાછેડાના કાગળો પર સહી કરીને તેને મુક્ત કરી દીધી.

પરંતુ સુમિતા શું ખરેખર મુક્ત થઈ શકી?

સમીરની સાથે જે બંધનમાં બંધાઈને તે રહેતી હતી, તે બંધનમાં જ તે સૌથી વધુ આઝાદ, સ્વચ્છંદ અને પોતાની મરજીની માલકણ હતી. સમીરના બંધનમાં જે સુરક્ષા હતી, તે સુરક્ષાએ તેને સમાજમાં માથું ઊંચું કરીને ચાલવાની એક ગૌરવપ્રદ આઝાદી આપી રાખી હતી ત્યારે તેની ચારેબાજુ સમીરના નામનું એક અદ્ભુત સુરક્ષા કવચ હતું, જે લોકોની લોલુપ અને હલકી દ્રષ્ટિએ તેની નજીક સુધી ફરકવા દેતું નહોતું ત્યારે તેણે એ સુરક્ષા કવચને પગની બેડીઓ સમજી હતી, તેની ઉપેક્ષા કરી હતી, પરંતુ આજે..

આજે સુમિતાને અહેસાસ થઈ રહ્યો છે કે એ બેડીઓએ તેના પગને સ્વતંત્રતાથી ચાલતા બલકે દોડતા શીખવ્યું હતું. સમીરથી છૂટાછેડાના સમાચાર પ્રસરતા જ લોકોની તેના પ્રત્યેની દ્રષ્ટિ જ બદલાઈ ગઈ હતી. સ્ત્રીઓ તેનાથી એવી રીતે ડરવા લાગી હતી કે જાણે તે કોઈ જંગલી જાનવર ન હોય અને પુરુષો તેની આસપાસ વીંટળાવા માટેનાં બહાના શોધ્યા રાખતાં. ૨-૪ લોકોએ વેળાકવેળાએ તેના ઘરે આવવાનો પ્રયત્ન કર્યો હતો. એ તો સમય જતા સુમિતાને તેમનો ઈરાદો સમજાઈ ગયો હતો, નહીંતર તો..

હવે તો બજાર કે ક્યાંય પણ જતા સુમિતા એક વિચિત્ર ડર, અસલામતી અને સંકોચથી ઘેરાયેલી રહે છે. જ્યારે સમીર સાથે રહેતો હતો ત્યારે તેને ક્યારેય, ક્યાંય પણ આવવા-જવામાં કોઈ ડર લાગતો ન હતો. તે પુરુષો સાથે પણ કેટલી ખુલ્લા મને હસીમજાક કરી લેતી હતી, કલાકો સુધી ગપ્પાં મારતી હતી, પરંતુ ન તો ક્યારેય સુમિતાને સંકોચ થયો કે ન સાથી પુરુષોને પણ, પરંતુ હવે કોઈપણ પરિચિત પુરુષ સાથે વાત કરતી વખતે તે અંદરથી ગભરાટ અનુભવે છે. હસીમજાક તો દૂર, પરિચિત સ્ત્રીઓ પોતે પણ પોતાના પતિઓને સુમિતાથી દૂર રાખવાના શક્યત: પ્રયત્નો કરવા લાગે છે.

ભારતીના પતિ વિશાલ સાથે સુમિતા પહેલાં કેટલી વાતો, કેટલી ઠઠ્ઠામશ્કરી કરતી હતી, ચારેય અવારનવાર સાથે જ ફિલ્મ જોવા, હરવાફરવા અને રેસ્ટોરન્ટમાં લંચ કે ડિનર લેવા જતા હતા, પરંતુ સુમિતાના છૂટાછેડા પછી એક દિવસ ભારતીએ બંને એકલા હતા ત્યારે સુમિતાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, 'તું મારા પતિ વિશાલથી દૂર રહે એ વધુ સારું રહેશે. પોતાનું તો ઘરે ભાંગી ચૂકી છો. હવે મારું ઘર ભાંગવાનો પ્રયત્ન ન કર.'

સુમિતા સ્તબ્ધ થઈ ગઈ. આ અગાઉ ભારતીએ ક્યારેય આ રીતની વાત કરી નહોતી. આજે શું એક એકલી સ્ત્રી દ્વારા પોતાના પતિને ફસાવવાનો ડર તેના પર હાવી થઈ ગયો? ભારતીએ તો સંપૂર્ણપણે તેની સાથે સંબંધો કાપી નાખ્યા. આનંદી, રશ્મિ, શિલ્પીનું વલણ પણ દિનપ્રતિદિન ઉદાસીન થઈ રહ્યું છે. તેઓ પણ હવે કતરાવા લાગી છે. તેમણે પહેલાંની જેમ હવે પોતાનાં લગ્નની કે બાળકોની વર્ષગાંઠ પર સુમિતાને બોલાવવાનું બંધ કરી દીધું છે. એક સમય હતો જ્યારે આ ચારેય જ્યારે ને ત્યારે સુમિતાની આસપાસ વીંટળાયેલી રહેતી હતી.

સુમિતાને ખબર જ ન પડી કે ક્યારથી તેની આંખોમાં આંસુ વહી રહ્યાં હતાં. તેને છૂટાછેડા 

ે (૧૧મા પાનાનું ચાલુ)

અહેસાસ પોતાની ભૂલોનો (વાર્તા)

લીધાને ચાર વર્ષ થઈ ગયાં. શરૂઆતમાં એકાદ વર્ષ તો લાગતું હતું કે જાણે તે કેદમાંથી મુક્ત થઈ ગઈ. હવે તે પોતાની મરજીથી રહેશે, પણ પછી દોઢ-બે વર્ષ થતાંથતાં તે સાવ એકલી પડવા લાગી. ન કોઈ હસવા-બોલવાવાળું હતું કે ન કોઈ સાથે દેનાર. બધી સાહેલીએ પોતાના પતિ અને બાળકોમાં વ્યસ્ત થતી ગઈ અને સુમિતા એકલી પડી ગઈ. આજે તેને પોતાની સ્વતંત્રતા, પોતાની નોકરી, પૈસા બધેબધું અર્થહીન લાગતું હતું. એકલા એકાકી જીવન વિતાવવું કેટલું ભયાનક અને દુ:ખદ હોય છે.

લોકોના કુટુંબ-કબીલાવાળા ઘર જોઈને સુમિતાને એકલતાનો અહેસાસ વધારે તીવ્ર થતો અને તે વિષાદગ્રસ્ત જેવી થઈ હતી. પોતાના અભ્યાસનો ઉપયોગ તેણે કેવી ખોટી દિશામાં કર્યો. સ્વભાવમાં નમ્રતાને બદલે તેણે અહંકારને વધાર્યો અને તે ભૂલની કિંમત તે હવે ચૂકવી રહી છે.

વિચારતાં-વિચારતાં સુમિતાને અફસોસ થવા લાગ્યો. જમવાનું પણ તેને મન થયું નહીં, બપોરે બે વાગ્યે તેણે વિચાર્યું કે ઘરે બોલવા કરતા એકલી જ ફિલ્મ જોઈ આવે તે વધુ સારું રહેશે. પછી તે ફિલ્મ જોવા પહોંચી ગઈ.

બીજા દિવસે ઓફિસમાં તે સૂનમૂન જેવી બેસી રહી. તેની અને સમીરની જૂની ફ્રેન્ડ અને સહકર્મચારી કોમલ કેટલાય દિવસથી જોઈ રહી હતી કે સુમિતા ઉદાસ અને ખોવાયેલીખોવાયેલી રહે છે. કોમલ સમીરને સારી રીતે ઓળખતી હતી. છૂટાછેડાની પહેલા કોમલે સુમિતાને ખૂબ સમજાવી હતી કે તે ખોટું કરી રહી છે, પણ ત્યારે સુમિતાને કોમલ પોતાની દુશ્મન અને સમીરની આત્મીય લાગતી હતી, એટલા માટે તેણે કોમલની કોઈ વાત સાંભળી નહીં. સમીરથી છૂટાછેડા લીધા પછી કોમલે પણ સુમિતા સાથે વાતચીત કરવાનું લગભગ બંધ કરી દીધું હતું, પરંતુ સુમિતાની આંખોમાંથી વારંવાર આંસુ સરી રહ્યાં હતાં, તો કોમલ પોતાની જાતને રોકી શકી નહીં. તે સુમિતાની પાસે જઈને બેઠી અને ખૂબ પ્રેમથી તેને પૂછ્યું, 'શું વાત છે સુમિતા, ખૂબ ચિંતિત દેખાઈ રહી છો?'

તેના સહાનુભૂતિભર્યા અવાજ અને સ્પર્શથી સુમિતાના મનમાં દબાયેલું દુ:ખ આંસુના સ્વરૂપે વહેવા લાગ્યું. કોમલ સુમિતાના કંઈ કહ્યા વગર જ સમજી ગઈ કે તે હવે સમીરને છૂટાછેડા આપ્યાનું દુ:ખ અનુભવી રહી છે. 'મેં તને પહેલાં જ સમજાવી હતીકે સુમિ સમીરને છોડવાની ભૂલ ન કર, પણ તેં તારા હિતેચ્છુઓની વાતમાં આવી જઈને મારી એક વાત ન સાંબળી ત્યારે હું તને દુશ્મન લાગતી હતી. આજે તારી બધી સાહેલીઓ તને એકલી છોડીને જતી રહી ને?' કોમલે કડવાશભર્યા અવાજે કહ્યું.

'બસ કર કોમલ, હવે તું મારા દુ:ખી મન પર તીર ન છોડ.' સુમિતા રડતાંરડતાં બોલી.

'મને તો પહેલાંથી જ ખબર હતી કે તે બધા પૈસા વગર તમાશો જોનારાઓમાંથી છે. તું એમને બહુ પાર્ટીઓ આપતી હતી, આમતેમ ફરવા લઈ જતી હતી, હોટલોમાં લંચ આપતી હતી, એટલા માટે બધી તારી વાતમાં હાજીહા પુરાવતી હતી ત્યારે તેમને તારી સાથે મિત્રતા રાખવામાં ફાયદો દેખાતો હતો, પરંતુ આજે તારા જેવી એકલી સ્ત્રી સાથે સંબંધ વધારવામાં  તેમને હવે બીક લાગે છે કે ક્યાંક તું તક જોઈને તેમના પતિને ફસાવે નહીં. બસ એટલા માટે તે બધી સાવચેત થઈ ગઈ છે અને તારાથી અંતર રાખવામાં જ તેમને સમજદારી લાગે છે.' કોમલનો અવાજ વધુ ઉગ્ર બનતો જતો હતો.

સુમિતા હજુ પણ ચુપચાપ બેઠી આંસુઓ સારી રહી હતી.

'અને તારા અંગે પુરુષનો દ્રષ્ટિકોણ સ્ત્રીઓથી સાવ જુદો છે. પુરુષ દરેક વખતે તારા પ્રત્યે ખોટી સહાનુભૂતિ વ્યક્ત કરીને તને પોતાની લપેટમાં લેવાની ફિરાકમાં રહે છે. એકલી સ્ત્રી માટે આ સમાજમાં પોતાની આબરૂ જાળવી રાખવી ઘણી મુશ્કેલ છે. હવે તો કોઈપણ એકલા તારે ઘરે આવવાની ઇચ્છા રાખે છે.' કોમલનો અવાજ સુમિતાની સ્થિતિ જોઈને હવે થોડો નમ્ર થયો.

'હું બધું સમજું છું કોમલ. હું પોતે પુરુષ સહકર્મચારીઓ અને પડોશીઓના વર્તનથી પરેશાન થઈ ગઈ છું.' સુમિતા આંસુઓ લૂછીને બોલી.

'તેં સમીરની સાથે તાલમેલ બેસાડવાનો થોડો પણ પ્રયત્ન કર્યો નહીં. સાથે ચાલવા માટે થોડી પણ ધીરજ રાખી નહીં. પોતાના ઘમંડ પર અડગ રહી. સમીરને સમજવાનો થોડો પણ પ્રયત્ન કર્યો નહીં. પતિ-પત્નીના સંબંધને મજાક ગણ્યો.' કોમલે કઠોર અવાજમાં કહ્યું.

પછી સુમિતાના ખભે હાથ મૂકીને પોતાના નામને અનુરૂપ કોમળ અવાજમાં બોલી, 'સમીર તને સાચો પ્રેમ કરે છે ત્યારે જ ચાર વર્ષથી એકલો છે. તેણે બીજાં લગ્ન કર્યાં નથી. તે આજે પણ તમારી પ્રતીક્ષા કરી રહ્યો છે. કાલે હું અને કેશવ તેના ઘરે ગયા હતા. જોઈને મારું તો હૃદય ખરેખર ભરાઈ આવ્યું, સુમિ. સમીરે ડાઈનિંગ ટેબલ પર પોતાની સાથે એક થાળી તારા માટે રાખી હતી.

'તે આજે પણ પોતાના પરિવાર તરીકે બસ તારી જ કલ્પના કરે છે અને તેને આજે માત્ર તારી પ્રતીક્ષા જ નહીં, તારા પાછા આવવાનો વિશ્વાસ પણ છે. તે મજબૂર થઈને બીજાં લગ્ન કરી લે તે પહેલાં તું તેની સાથે સમાધાન કરી લે, નહીંતર આખી જિંદગી પસ્તાઈશ.'

'તેના પ્રેમને જોઈને નાનીમોટી વાતોની ઉપેક્ષા કરી છે. આપણે આજ ભૂલ કરીએ છીએ કે પ્રેમની ઉપેક્ષા કરીને નાનીમોટી ભૂલોને પકડીને બેસી જઈએ છીએ અને આપણા સંબંધો, આપણું  ઘર ઉજાડી દઈએ છીએ, પરંતુ એ નથી વિચારતા કે સાથેસાથે આપણે પણ ખુદ તૂટી જઈએ છીએ.' એક ઊંડો શ્વાસ લઈને કોમલ ચુપ થઈ ગઈ અને સુમિતાના પ્રત્યાઘાત જાણવા જોવા લાગી.

'સમીર મને માફ કરશે શું?' સુમિતાએ તેની પ્રતિક્રિયા જાણતા તેના ચહેરા સામે જોવા લાગી.

'સમીરના પ્રેમ પર શંકા ન કર, સુમિ. તું જ સાચું કહે કે સમીરની સાથે ગુજારેલાં ત્રણ વર્ષોમાં તું વધારે ખુશ હતી કે તેનાથી છૂટા પડયા પછી ચાર વર્ષમાં તું વધારે ખુશ રહી છે?' કોમલે સુમિતાને પ્રશ્ન પૂછ્યો જેનો જવાબ તેના ચહેરાની ઉદાસીએ જ આપી દીધો.

'પાછી ફરી જા સુમિ, પાછી આવી જા. જીવનના તમામ રસ્તા બંધ થઈ જાય તે પહેલાં તું તારા ઘરે પાછી જતી રહે. ચાર વર્ષની ભયાનક એકલતાની ઘણી સજા ભોગવી ચૂક્યા છો તમે બંને. સમીરના દિલમાં તને લઈને કોઈ ફરિયાદ નથી. તું પણ તારા મનમાં કોઈ પૂર્વાગ્રહ ન રાખ અને આજે જ તેની પાસે ચાલી જા. તેના ઘર અને દિલના દરવાજા આજે પણ તારા માટે ખુલ્લા છે.' કોમલે કહ્યું.

ઘરે આવીને સુમિતા કોમલની વાતો પર વિચાર કરતી રહી. ખરેખર પોતાના અહમ્ને કારણે સ્ત્રી-શક્તિ અને સ્વાવલંબનના નામે અલગતાનું દુ:ખ ભોગવવાનો કોઈ અર્થ નથી.

જીવનની સાર્થકતા સંબંધો જોડવામાં છે, તોડવામાં નહીં. છૂટાછેડા પછી તેને એસારી રીતે આ સમજાઈ ગયું છે. સ્ત્રીની આબરૂ ઘર અને પતિના સાંનિધ્યમાં જ છે. પછી અચાનક જ સુમિ સમીરના આલિંગનમાં જવા માટે તડપી ઊઠી.

સમીરના ઘરનો દરવાજો ખુલ્લો હતો. સમીર રાત્રે અચાનક  જ તેને જોઈને આશ્ચર્યચકિત થઈગયો. સુમિ કંઈ પણ બોલ્યા વગર તેના આલિંગનમાં સમાઈ ગઈ. સમીરે તેને સખ્ત રીતે પોતાના આલિંગનમાં જકડી દીધી. બંને લાંબો સમય આંસુઓ સારતા રહ્યાં. મનનો મેલ અને ચાર વર્ષનું અંતર આંસુઓમાં ધોવાઈ ગયું.

ઘણીવાર પછી સમીરે સુમિને અલગ કરતા કહ્યું, 

'મારે તો કાલે રજા છે, પણ તારે તો ઑફિસે જવાનું છે ને. ચાલ હવે સૂઈ જઈએ.'

'મેં નોકરી છોડી દીધી છે સમીર.'

'છોડી દીધી? પણ શા માટે?' સમીરે આશ્ચર્યથી પૂછ્યું.

'તારા ઢગલાબંધ બાળકોનો ઉછેર કરવા માટે.' સુમિએ શરમાતા કહ્યું તો સમીર હસી પડયો. પછી બંને એકબીજાની બાહુપાશમાં સમાઈ ગયા અને પોતાના રૂમની તરફ ચાલી ગયા.


Google NewsGoogle News