વાર્તા : વિષ કન્યા .

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
વાર્તા : વિષ કન્યા                                       . 1 - image


- મારી સામે એક વાત  સ્પષ્ટ થઈ કે મારી  ઇચ્છાથી  હું શિખાથી દૂર નહીં થઈ શકું. તેનો નશો મારા માટે ઝેર સમાન બની રહેશે. આજે નહીં તો  કાલે નિશાને પણ બગાડશે. આ વાત હું સારી રીતે સમજતો હતો. શિખા નામની ખૂબસૂરત વિષકન્યાથી  નિશાને બચાવવા માટે આ શહેર છોડીને જવાનો આ જ એકમાત્ર ઉપાય મને નજરે પડતો હતો.

મારી   બદલી વડોદરાથી રાજકોટ  થવાની હોવાથી હું ખૂબ જ ચિંતિત હતો. મારી દીકરી નિશા કોલેજમાં ભણે છ ે અને  તેને  હજુ  એક વર્ષનો અભ્યાસ બાકી છે  જ્યારે  પુત્ર  નવીન ૧૧મા ધોરણમાં છે. જો મારી બદલી બે વર્ષ પાછી ઠેલાય તો તેમના અભ્યાસમાં ખલેલ પડે  નહીં.  મારા ઉપરી અધિકારી સુધીની  ભલામણ  કરાવી  મારી  બદલી  રોકી શકાય. રવિવારની  સવારે  આવા  વિચારોમાં જ  હું  ડૂબેલો હતો ત્યાં  સરલા  તેની યુવાન પુત્રી શિખા સાથે પહેલી વખત અમારે ઘરે મળવા આવી પહોંચી.

સરલાનું  કુટુંબ  બે  અઠવાડિયાં પહેલાં અમારી કોલોનીમાં રહેવા આવ્યું હતું. મારી પુત્રી નિશાને તેની જ ઉંમરની  શિખા સાથે જતાં આવતાં  ઓળખાણ થઈ હતી. તેના  આમંત્રણના કારણે જ  માદીકરી અમારા  ઘરે  આવ્યાં  હતાં.

સરલા  મને ફેશનેબલ  સ્ત્રી  લાગી. પોતાની સાડી તેણે આકર્ષક રીતે પહેરી હતી. ચહેરા પર કુશળતાપૂર્વક મેકઅપ કર્યો  હતો. તેની વાતચીત કરવાની ઢબ દિલચસ્પ   અને મોહક  હતી.

શિખાનું  રૂપયૌવન  કોઈને પણ લોભાવે તેવું હતું. ભૂરા જીન્સ પર પીળા રંગના ટોપમાં, કોઈ મોડલની જેમ આકર્ષક લાગતી હતી. જિંદાદિલ, વ્યવહાર અને હસમુખા સ્વભાવના કારણે તેણે પોતાના વ્યક્તિત્વમાં ગજબનું આકર્ષણ પેદા કર્યું હતું. અમારી વાતચીતનું કેન્દ્ર એ  જ   બની  રહી હતી અને મારે તેના પરથી નજર હટાવવા  વારંવાર પ્રયાસા ે  કરવા  પડતા હતા.

મારા  એક સવાલના  જવાબમાં  સરલાએ  કહ્યું, 'કોઈને  હળવામળવા  કરતાં  નિર્મળને  અખબાર  તથા મેગેઝિન વાંચવાનો ખૂબ જ શોખ છે જ્યારે અમારો  માદીકરીનો  સ્વભાવ સાવ જુદો છે.'

માદીકરી વાતચીત કરવામાં પાવરધી હતી એ વાતમાં  જરાપણ  શંકા નહોતી.  એ જ્યાં સુધી  અમારે ઘરે રોકાયા ત્યાંસુધી અમારા ઘરનું  વાતાવરણ પ્રફુલ્લિત  બની  રહ્યું.

''શિખા, શું તું મોડલિંગ કરે છે?''

''હું એડ એજન્સીમાં કામ કરું છું, સર. હું મારી જાતને  મોડલ  જેવી ખૂબસૂરત નથી માનતી, છતાં પણ તમારા શબ્દોમાં રહેલી પ્રશંસા માટે આભાર.'' શિખાએ દિલકશ  અંદાજમાં  સહેજ સ્મિત ફરકાવી જવાબ આપ્યો.

જ્યારે શિખાને એ વાતની જાણ થઈ કે તેની  ઍડ એજન્સી મારી ઓફિસની નજીકમાં છે ત્યારે   તેણે  સહજ રીતે  મારી  સંમતિ  માગતા કહ્યું,  સર  લંચબ્રેક વખતે  હું ક્યારેક   તમને મળવા આવી શકું?'

'હા....હા................. જ્યારે  મને મળવા આવીશ ત્યારે  દરેક વખતે  આઈસ્ક્રીમ ખવડાવીશ. ઘણીવાર  આવી વાત સાંભળવી  નાનકડી બાળકીની જેમ ..... લાગી.'

***

 અમારે ત્યાં  મા દીકરી લગભગ  બે કલાક બેઠા, ત્યાં સુધીમાં  તેઓ  તેમના ઘરે  આવવાનું  કહી  તેમના ગયા પછી મારી પત્ની સીમાએ  ઉત્સુકતાવશ પૂછયું, 

''કેવા લાગ્યા આ  મા દીકરી ?''

લગભગ  દરેક પરણેલો પુરુષ  જાણતો  હોય છે કે પોતાની પત્નીની  સામે બીજી  સ્ત્રીઓની   અને તેમાં પણ ખાસ કરીને યુવતીઓની દિલ ખોલીને પ્રશંસા કરતાં અટકી જવું જોઈએ. ભૂતકાળમાં બનેલી  આવી  ઘટના હું ભૂલ્યો નહોતો, સીમાનો મૂડ  ઘણીવાર ખરાબ કરી ચૂક્યો હતો ત્યારબાદ  તેને મનાવી લેવા  મારે  કંઈક મથામણ  કરવી પડી  હતી.

એટલે તેણે ફેંકેલી જાળમાંથી બચીને મેં લાપરવાહીથી  ખભા ઉલાળી જવાબ આપ્યો, ''બકબક ખૂબ કરે છે બંને. છોકરીમાં તો જરાપણ રીતભાત નથી. એની મિત્રતા વધારવાના  ચક્કરમાં ન પડવું , નહીં તો  રોજના ચક્કર ચાલુ થઈ જશે.'' મારા જવાબથી સંતોષ પામેલી  સીમા કહે ''પાડોશીઓ સાથે થોડું હળવામળવાનું તો રાખવું જોઈએ, પરંતુ મને પણ જરૂર કરતાં વધુ સ્વતંત્ર મિજાજની લાગી. દરેક  સમજુ  માએ  પોતાની  યુવાન પુત્રીને સારી રીતભાત તો  શીખવવી જ  જોઈએ, મા નહીં તો કોણ શીખવશે?''

સીમા એ  બંનેની જે રીતે  ટીકા કરતી હતી તે મને ગમ્યું નહીં. સીમાની  નારાજગીને  ધ્યાનમાં રાખી  મારે  શિખા અને  શિખાની  માતાની  બાબતમાં ખોટું  બોલવું પડયું. પત્નીની  વાત  મારો  મૂડ  બગાડતી હતી, પણ સાચી વાત તો એ હતી કે માદીકરી  બંનેના  વ્યક્તિત્વથી  ખૂબ પ્રભાવિત  થયો હતો. ખાસ કરીને  શિખા આખી રાત મારા  સપનામાં  આવી, મારા મનને પંપાળ્યા કરતી રહી. મારું  મન  એ વાતની સાફ પુષ્ટિ આપતું  હતું  ક ે શિખા  પણ  મારા વ્યક્તિત્વથી  ખૂબ પ્રભાવિત  થઈ છે. એક સુંદર, યુવાન  છોકરી  સાથે  કાયમની  મિત્રતા કરવાની વાત મારા મનમાં અજીબ આનંદ પેદા કરતી હતી. તેણે મને 'સર'  કહી સંબોધ્યો  તેથી મારા મનમાં પણ કોઈ અપરાધભાવના  પેદા ન  થઈ.

શિખા  સાથે મારી બીજી મુલાકાત બે દિવસ પછી થઈ. લંચ સમયે તે મારી ઓફિસમાં  મળવા આવી હતી.  મારી કારમાં બેસાડી  હું  તેને  એક સારા રેસ્ટોરાંમાં આઇસકીમ ખાવા લઈ ગયો. એ ભવિષ્યમાં શું કરવાની ઇચ્છા રાખે છે, એવા સવાલના જવાબમાં  તેણે  તોફાની સ્વરે કહ્યું, ''સર, મને હરવાફરવાનો, ખાવાપીવાનો, મોજમસ્તી કરવાનો શોખ છે. મને  કશુંક  કરવામાં  કે  બનવામાં રસ નથી.''

''તો તારે તારા શોખ પૂરા કરવા માટે કોઈ શ્રીમંત પતિ શોધવો પડશે.''  મેં કહ્યું.

''એ તો શોધી જ કાઢીશ સર, મારો પતિ કરોડપતિ હશે.''  તેની આંખમાં સપના દેખાયાં.

કોઈ  યુવક કરોડપતિ નથી બની શકતો, તારી ઇચ્છા પૂરી કરવા તારે કોઈ આધેડ ઉંમરના શ્રીમંત સાથે લગ્ન કરવા પડશે. જે તું કરીશ નહીં.'

''તમે  એમ  શા  માટે  વિચારો  છો, સર? યુવાનો સાથે  મારો  તાલમેળ બરાબર જામતો નથી.  આમ પણ તેઓ મેચ્યોર નથી હોતા. તમે જાણો છો મારો પતિ કેવો હશે?''

''કેવો?''  મેં  જરા  હસીને  સવાલ  કર્યો.  ''લાંબું છતાં  સપ્રમાણ  શરીર, ઘઉંવર્ણો, નાની મૂછ, વાંકડિયા વાળ, આનંદિત સ્વભાવ, મેચ્યોર, જિંદાદિલ... એમ  સમજોને લગભગ તમારા જેવો.'' આમ કહી તે હસી પડી. ''પણ હું કરોડપતિ નથી.'' મારી પ્રશંસા સાંભળી  મારું  મન પ્રફુલ્લિત થઈ ઊઠયું. ''એટલે જ તો 'લગભગ''  શબ્દનો પ્રયોગ કર્યો છે.''

''જો હું કરોડપતિ હોત અને અપરિણીત પણ હોત તો તું મારી સાથે લગ્ન કરે ખરી?''

''તરત'' પછી થોડીવાર અટકી તોફાની અંદાજમાં બોલી, ''સર, તમે માત્ર કરોડપતિ હોવાની શરત પૂરી કરી હોત તો તમે પરિણીત હોવા છતાં પણ તમને મારા દિલમાં વસાવી જ લીધા હોત. તમે  મને  ખરેખર  ગમો છો.'

મારા  વધતા જતા હૃદયના  ધબકારાને કાબૂમાં રાખવા માટે વાતને મારે જ બીજા પાટે   લઈ જવી પડી, પરંતુ એ  સાચું  હતું  કે  એ પછી મેં શિખાને એવી જ નજરથી જોવાનું શરૂ  કર્યું  કે  જે રીતે  કોઈ પ્રેમી તેની પ્રેમિકાને  જુએ.

વિદાય લેતાં પહેલાં શિખા બોલી, ''સર, શનિવારે હું તમને પાર્ટી આપીશ.'' 

''કઈ ખુશીમાં?''

''મારો જન્મદિવસ છે. તમારી સાંજનો થોડો

સમય મારા માટે રિઝર્વ રાખજો.''

''એટલે ઓફિસ બંધ થાય એ પછી પાર્ટી આપીશ?''

''ત્યારે   જ તો મજા આવશેને.''

''તું તારા ઘરે પાર્ટી શા માટે નથી આપતી? જેથી અમે સૌ તારી પાર્ટીમાં સામેલ થઈ શકીએ. મેં માર્ગ બતાવ્યો.

'' ઘરની પાર્ટીમાં મને મજા નથી આવતી. સર, તમે કોઈ કારણસર મને સાથ આપવા ન ઇચ્છતા હો તો ના કહી દો.''  તે પડકાર ફેંકતી હોય એ રીતે બોલી.

''મને તારી સાથે રહેવું ગમશે શિખા,

પરંતુ..''

''પરંતુ શું સર?''

'' તારા  કે મારા ઘરનાંને જ્યારે જાણ થશે કે તેં માત્ર મને જ પાર્ટીનું  આમંત્રણ આપ્યું છે  તો તે સૌને આ વાત વિચિત્ર નહીં લાગે?'' '' બસ, આ જ તમારી  મૂંઝવણ  છે  તો  પછી આપણે કોઈને  કહેવાની શી જરૂર છે.''

''જો કોઈ પરિચિતે આપણને બંનેને સાથે જોઈ લીધા તો સૌને ખબર પડી જશે.'' આટલા ડરતા રહેશો તો મિત્રતા કેવી રીતે ટકી શકશે.''શિખા નારાજ અવાજે  બોલી. '' ઠીક છે, ગુસ્સો થૂંકી નાખ. તારી પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ સ્વીકારું છું, પણ એક શરતે.''

''કેવી શરત, સર?'' તે જરા હેરાન થઈ ગઈ.

''જન્મદિવસ પર હું તારા માટે મનગમતો સુંદર ડ્રેસ  ખરીદીશ. મારા તરફથી એ તને જન્મદિવસની ભેટ  હશે.''

''થેન્કયૂ   સર  ઇન  એડવાન્સ.''  આનંદથી તેનો ચહેરો ખીલી ઊઠયો. એ જોઈ મારું મન પણ પ્રફુલ્લિત  થઈ ઝૂમી  ઊઠયું.

એ  પછી  શનિવારના  કાર્યક્રમ  વિશે  મેં  કોઈને વાત  નહોતી  કરી  તેમ  શિખાએ પણ નહોતી કરી. એ શનિવારે  સાંજે  મારી ઓફિસમાં આવી ગઈ. પહેલાં અમે ડ્રેસ ખરીદ્યો જેને જોઈ તે ખૂબ જ ખુશ થઈ. શિખાના આનંદ સામે ડ્રેસના પંદરસો રૂપિયા ખર્ચતા મને કોઈ ખંચકાટ ન થયો.

એ પછી અમે એક મોંઘા રેસ્ટોરાંમાં ગયા. શિખા આનંદથી ઝૂમતી હતી. મેં તેનો હાથ મારા હાથમાં લીધો  અને  તેની  પ્રેમભરી  વાતો  સાંભળતો રહ્યો. મારી આ પ્રકારની વર્તણૂક માટે તેણે કોઈ વિરોધ પ્રગટ ન કર્યો.  આ વાતે મારા મનમાં ઊથલપાથલ  મચાવી  દીધી.

ખાણીપીણીનું બિલ તગડું આવ્યું. શિખા જ બિલ ચૂકવવા ઇચ્છતી હતી, પરંતુ મેં ના પાડી અને બિલ મેં ચૂકવી દીધું.

શિખાના કહેવા મુજબ મેં તેને તેના ઘરની નજીકના  બસસ્ટોપ પર ઉતારી દીધી. ઘરે આવી ઔપચારિકતા ખાતર હું થોડો જમ્યો પછી તબિયત બરાબર નથી એવું બહાનું બતાવી  બેડરૂમમાં  જઈ સૂઈ ગયો. 

મારું મન ઘરની કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવા ઇચ્છતું નહોતું. આંખો મીંચી હું શિખા વિશે વિચારવા લાગ્યો. તેનાં સપના જોવા લાગ્યો. કલ્પનાના  નવા નવા  રંગો પૂરતો રહ્યો.  મારા  મનમાં હું એકાએક  યુવાન થઈ ગયો  હોઉં  એવું અનુભવી રહ્યો હતો એટલે આ સપના પણ મને ખૂબ જ રંગીન અને મસ્તીભર્યા  લાગતાં  હતાં. શિખા સાથે શનિવારે વિતાવેલી સાંજની જાણ મારા કુટુંબને  ન થઈ એટલે મેં  રાહત  અનુભવી.

શિખા સાથેના મારા સંબંધોને હું કોઈપણ સંજોગોમાં ખરાબ થવા દેવા માગતો નહોતો, પરંતુ સાથે સાથે  એ પણ જરૂરી હતું કે મારી નિયત પર કોઈને કશી શંકા ન થાય. આ કારણે  જ્યારે  તે મારા ઘરે આવતી ત્યારે હું ઓછું  બોલતો. જો સરલા સાથે આવે  તો જ  તેની સાથે વાતચીત કરતો નહીં  તો મારા રૂમમાં જઈ મારા  કામમાં પરોવાઈ જતો.

એક દિવસ  શિખાએ મારા આ પ્રકારના વ્યવહાર  અંગે સવાલ  કર્યો  ત્યારે  મેં  તેને  સમજાવતાં કહ્યું, ''તારા કે મારા કુટુંબને આપણી આ મિત્રતા પચશે નહીં. શિખા, આપણે એકબીજાને મળી શકીએ છીએ  તેનાથી જ આનંદ સાથે સંતોષ માનવો જોઈએ.'',  તેણે સંમતિપૂર્વક ડોકી હલાવી.

''પરંતુ એ બધાં આપણી સ્વચ્છ મિત્રતામાં અશ્લીલતા  સહેલાઈથી જોઈ લેશે. ત્યારબાદ તેમની નારાજગી અને વિરોધના કારણે  મળવાનું ઓછું  થઈ જશે. જ્યારે હું  નથી ઇચ્છતો  કે આવું બને એટલા માટે તારે પણ ચતુરાઈપૂર્વક સૌની હાજરીમાં મારી સાથે  યોગ્ય  વ્યવહાર  કરવો જોઈએ. જ્યારે આપણે બંને એકલાં હોઈએ ત્યારે તું મન મૂકીને ખુલ્લા દિલે વાત કરી શકે છે.'' 

''તમારી વાત પર હું ધ્યાન આપીશ, સર. તમે દૂરંદેશી અને સમજદાર  છો.''  શિખાએ મારો ઈશારો  માત્ર એકવારમાં  સમજી લીધો અને એ પ્રમાણે વર્તવા લાગી. એકવાર નિશા તથા સીમાની સાથે શિખાને ઘરે પણ જઈ આવ્યો. તે દિવસે નિર્મળસાહેબ સાથે પણ મુલાકાત થઈ. મને એ માણસ ખાસ ગમ્યા નહીં, ખૂબ જ  શુષ્ક  સ્વભાવના હતા. તેમને  જોઈને એવું લાગ્યું કે અમારું આવવું તેમને ગમ્યું નથી. તેમની  પત્ની  અને પુત્રીને કંઈ કહેતા તો ઊંચા અવાજમાં જ કહેતા. તેમને ઓછું બોલવાની આદત ન હોત તો તેમની સાથે વાત કરવાનું કદાચ   મુશ્કેલ  બની ગયું હોત.

બે દિવસ પછી એક  રેસ્ટોરાંમાં  કોફી  પીતાં શિખાએ રહસ્યસ્ફોટ કરતાં કહ્યું, ''સરલા મારી અસલ મા નથી. મારી મા તો મારા  જન્મ પછી તરત મૃત્યુ પામી હતી.''

''એમ! એટલે જ સરલા ઉંમરમાં  નાની  દેખાય છે.''

''પપ્પા પણ તેમના બીજીવારના પતિ છે.

તેમના પહેલા પતિનું મૃત્યુ, લગ્નના એક વર્ષ પછી માર્ગ અકસ્માતમાં થયું હતું.'' 'સરલાને પોતાનું કોઈ સંતાન નથી?'' 

શિખા એકાએક ઉદાસ થઈ ગઈ. પછી બોલી, ''સર, તમે જો કોઈને ન કહો તો એક એવી વાત કહું, જે મારા મનને ઘણા સમયથી પીડા આપી રહી છે.''

''તું મને જે કહેવા ઇચ્છતી હોય તે કહે.

મારી જીભ પર ક્યારેય એ વાત નહીં આવે.''

તેનો હાથ મારા હાથમાં લઈ મેં આશ્વાસન આપતાં  કહ્યું.

''સર, ડોક્ટરની  તપાસમાં  એવું  બહાર આવ્યું કે મારા પપ્પા પિતા બની શકે તેમ નથી  એટલે અપરમાને કોઈ સંતાન થયું નથી એટલે મારા  પપ્પા મને પણ તેમની પુત્રી નથી માનતા.

મારી અપરમા  મને ખૂબ પ્રેમ કરે છે, પણ  પિતાનો પ્રેમ કેવો હોય તેની મને ખબર નથી. ક્યારેક મને મારું જીવન  નકામું  લાગે  છે, સર.''આટલું બોલી તેણે ડૂસકું ભર્યું.

મેં  દિલથી હમદર્દી  બતાવી, ઘણો સમય તેને સમજાવવા પાછળ ગાળ્યો, જીવન જીવવા માટે આશાનું  ભાથું  બંધાવ્યું. એ સામાન્ય  અને સહજ થઈ ત્યારે પ્રેમભરી નજરે મારા તરફ જોઈ  તેણે એ રીતે  મારો  આભાર માન્યો કે  એ કદાચ હું  આજીવન ભૂલી  શકીશ નહીં.

મારી ઉંમરના પુરુષને પણ  યુવતીઓ એટલી જ આકર્ષક લાગતી હોય છે જેટલી કોઈ  યુવકને  લાગતી હોય છે. શિખાની  આકર્ષક  દેહલતાને ભોગવી લેવાની મારા મનમાં ઇચ્છા થતી નહોતી, એવું ખોટું તો હું નહીં બોલું. પરંતુ મારી આ ઇચ્છા સરળતાપૂર્વક  પૂરી થઈ  તેનાથી મને જરૂર આશ્ચર્ય થયું.

 શિખાના  પરિચયના  લગભગ બે  મહિના  પછીની વાત છે.  એ  દિવસે  બપોરે  બાર વાગ્યે  મારા પર ઓફિસમાં તેનો ફોન  આવ્યો. વાતમાં  ને વાતમાં તેણે કહ્યું કે તેનાં  મમ્મીપપ્પા  સાંજ સુધી  કોઈ  સગાંને ત્યાં ગયા છે. ''

''તું ઓફિસ કેમ નથી ગઈ?'' આ પ્રશ્ન કરતાંની સાથે મારું હૃદય જોરજોરથી ધડકવા લાગ્યું હતું. 

''બસ, એમ જ આજે મૂડ નહોતો.'' તેણે  હસીને કહ્યું.

''એકલી  શું  કરે  છે ઘરમાં?'' 

''અત્યારે તો બોર થઈ રહી છું, સર.''

''તારી એકલતાને દૂર કરવા આવી જાઉં?''

જો તમે આવશો તો મારા હાથે બનાવેલી આમલેટ  ખવડાવીશ.

''તારા હાથેથી મને આમલેટ ખવડાવીશ કે બનાવીશ?''

''બંને કરીશ, સર.'' તેણે તોફાની શબ્દોમાં કહ્યું.

શિખાની હસવાની  દિલકશ અદા  મન ે  પ્રભાવિત કરી ગઈ. બપોરે તેને મળવા જવાનો નિર્ણય  કર્યો.  હોસ્પિટલમાં કોઈની ખબર કાઢવા જવાનું છે એવું બહાનું બતાવી અડધા દિવસની રજા લઈ નીકળી પડયો.

મારી  કારને શિખાના ઘરથી થોડે દૂર  ઊભી રાખી  અને પગે ચાલતો તેને ઘરે પહોંચ્યો. શિખા આનંદથી મને મળી. હું મારી અંદર બેચેની અનુભવતો હતો. તેના  શરીરને  ભોગવવા માટેની ઇચ્છાના લીધે મારું મન  થનગની રહ્યું હતું.

પહેલાં અમે ડ્રોઇંગરૂમમાં બેઠાં અને વાતચીત કરતાં રહ્યાં. તે જ્યારે આમલેટ બનાવવા રસોડામાં ગઈ તો હું પણ તેની પાછળ પહોંચી ગયો.

રસોડામાં  જગ્યા  ઓછી હતી એટલે અમે  લગભગ લગોલગ ઊભાં હતાં. તેના શરીરમાંથી  કોઈ સરસ સેન્ટની  સુગંધ  આવતી હતી. જેનાથી હું મદહોશ થતો રહ્યો. એનું જોબન મારા લોહીમાં ઉત્તેજના ફેલાવતું હતું.

શિખા કઈક લેવા માટે ફરી તો મારી સાથે અથડાઈ પડી. મેં તેને સંભાળી  અને પછી બંને હાથમાં ભીંસી. તેણે કેટલીક ક્ષણ મારી આંખોમાં  તાક્યા  કર્યું  પછી શરમાઈને નજર ઝુકાવી લીધી.

મેં  તેના ચહેરાને મારા હાથથી પકડી ઊંચો   કર્યો.  તેની આંખો બંધ હતી, ''આઈ લવ યૂ શિખા.'' મેં તેના કાનમાં કહ્યું અને તેની ગરદનને ચૂમી લીધી.

શિખાના મુખમાંથી સિસકારો સરી પડયો અને તે મને વીંટળાઈ ગઈ. મેં  તેના ગુલાબી હોઠને ચૂમી લીધા. તેણે કશો વિરોધ કર્યા  નહીં એટલે મારી હિંમત વધતી ગઈ.

 આખરે મારા મનની ઇચ્છા પૂરી થઈ. શિખાએ બેડરૂમમાં  પોતાનું શરીર મારા હવાલે કરી દીધું.

''જે કંઈ બની ગયું તેનાથી તને જરાપણ અફસોસ તો થતો નથી ને?'' મેં તેના રેશમી વાળમાં હાથ પસવારતા કોમળ સ્વરે પૂછયું. 

''સર, જે મારું મન કહે છે તે હું કરીને જ રહું છું. મારી પાસે પસ્તાવાનો કે   કર્યા  પર રડવાનો જરાપણ સમય નથી. હવે હું આમલેટ બનાવવા માટે જાઉં?'' તેનો આત્મવિશ્વાસ નિહાળી હું ચકિત  રહી ગયો.

.... બન્યા. આ વાત તે મને ફોન પર કહેતી.  આ બંને તક મેં ઝડપી લીધી અને મનભરીને તેને પ્રેમ  કર્યો.   

કોઈને  પણ અમારા  પ્રેમસંબંધ અંગે ગંધ  સુધ્ધાંય નહોતી આવી.  એક નવા ઉમંગ, નવા ઉત્સાહ સાથે હં  જીવી રહ્યો હતો,   પરંતુ લગભગ  એકાદ મહિના પછી એક એવી ઘટના   બની જેના કારણે મારા અંતરમાં  ખળભળાટ મચી ગયો.  

એ દિવસે હું ઓફિસના કામે ક્યાંક જતો હતો. શહેરના પ્રસિદ્ધ બજારના રસ્તેથી પસાર થતાં મારી નજર રસ્તાની પેલે પાર ઊભેલી શિખા અને મારી પુત્રી નિશા પર ગઈ. બંને બે યુવાનો સાથે વાતચીત કરી રહી હતી.

નિશા તો આ સમયે કોલેજમાં હોવી જોઈએ. શિખા સાથે તેની હાજરી મને ખટકી. તેને ઠપકો આપવાના ઈરાદા સાથે કારને રસ્તાની એક ઊભી રાખી.

 કાર થોભાવી રસ્તાની પેલી તરફ જવા લાગ્યો ત્યાં તો શિખા અને નિશા પેલા યુવકો સાથે કારમાં બેસી ગઈ હતી અને જોતજોતાંમાં કાર મારી આંખ સામેથી  અદ્રશ્ય થઈ ગઈ. 

મને મારી પુત્રી પર ગુસ્સો આવ્યો.  શિખા મને ખુબ જ ગમતી હતી, પરંતુ હું નહોતો ઇચ્છતો કે નિશા તેની સાથે હરેફરે. પોતાની પુત્રીનું  ભવિષ્ય  ધ્યાનમાં રાખીને જ્યારે મેં શિખાનું વ્યક્તિત્વ માપ્યું  ત્યાર ે મને તેનામાં ખામી જ ખામી નજરે ચડી.

એક પિતાની દૃષ્ટિએ શિખા તેજ, ચાલુ તથા પુરુષો સાથે જરૂર કરતાં વધુ ખુલ્લી છોકરી લાગી. છુટ્ટા હાથે ખર્ચ કરવાની તેની  ટેવ તથા પૈસા  તરફનો  તેનો મોહ  તેને ખોટા રસ્તે લઈ જવા માટે સક્ષમ હતો. જો હું તેને મેળવી શકું તો બીજો કોઈપણ એવું  કરવામાં શા માટે સફળ ન થઈ શકે?

શિખા જેવી છોકરીના જીવનમાં મારા જેવા અન્ય પુરુષ પ્રેમીઓ પણ હોઈ શકે છે. આ વિચાર મારા મનમાં સ્ફૂર્યા   પછી શિખા અને મારા સંબંધો મને  અરુચિકર  લાગ્યા. હું મારી પુત્રીને કોઈપણ ભોગે  શિખાથી દૂર રાખવા ઇચ્છતો હતો. 

કાલે કદાચ નિશા પણ ભટકી જઈ મારા  જેવા કોઈ પુરુષની પ્રેમિકા માત્ર ડ્રેસ, નોટો અને  જવેરાતના કારણે બની જાય તો? આ વિચાર આવતા મારી હાલત ખરાબ થઈ ગઈ. નિશા- શિખાનું હળવામળવાનું સંપૂર્ણ રીતે બંધ કરી દેવાનો નિર્ણય કરી હું એ દિવસે ઓફિસ બહાર નીકળ્યો.

મારા સવાલના જવાબમાં  નિશાએ મને  જવાબ આપ્યો કે તે તો આખો દિવસ કોલેજમાં  જ હતી. થોડીવાર પછી શિખાને ફોન કર્યો.   એ દિવસે કોઈ નવી  ફિલ્મ  જોવા  ગયા  હતા એવી તેણે કબૂલાત કરી. નિશા  તેની  સાથે હતી કે નહીં એ વાત તેણે કહી નહીં.

નિશા જૂઠું બોલી હતી. તેના મનમાં ચોર હતો. તે જાણતી હતી કે વાત છુપાવીને તે ખોટું  કરી રહી છે.

નિશાને ખૂબ જ ઠપકો આપવાનો મને વિચાર આવ્યો, પણ મેં મારી જીભ પર લગામ  રાખી. હું ઊંડો વિચાર કરી હવે પછીનું પગલું ભરવા ઇચ્છતો હતો.

આમ તો પ્રશ્ન સરળતાથી ઉકેલી શકાય તેમ હતો. નિશાને નજરમાં રાખીને મારે શિખાના  કુટુંબ સાથેનો મારા કુટુંબનો સંબંધ સંપૂર્ણ રીતે તોડી નાખવો જોઈએ,  પરંતુ   શિખાથી એકાએક દૂર થવાનું શું મારા માટે સહેલું હતું? મેં મારા હૈયાને ઢંઢોળ્યું  અને જોયું તો શિખાના રૂપ અને યૌવનનો નશો મારા પર  સવાર હતો.

શિખા સાથેનો સંબંધ કાપી નાખવા સિવાય કોઈ બીજો ઉપાય શોધવા માટે રાતભર હું પાસા ઘસતો રહ્યો. બીજા દિવસે  થાકેલા મન અને  ઉદાસ ચહેરા સાથે ઓફિસે ગયો.

લંચના  સમયે શિખા મને મળવા  આવી.  હું  તેની સાથે બરાબર વાત પણ ન કરી શક્યો. મારા મનમાં તેના તરફ રોષ હતો. હું નિશાથી તેને દૂર રહેવા માટે ચેતવણી આપવા ઇચ્છતો હતો છતાં  એમ  કરવાની હિંમત એકઠી  કરી શક્યો નહીં.

જે  છોકરી સાથે હું  ખુદ પ્રેમસંબંધ જાળવી રાખવા  ઇચ્છતો હતો તેને ચારિત્રહીન કયા મોંએ કહી શકું? પોતાની પુત્રીને દૂર રહેવાની વાત કહી દીધા પછી મને તેની સાથે સંબંધ રાખવાનો શો અધિકાર હતો?

મારા ખરાબ મૂડને પામી જઈ શિખાએ પૂછયું, ''સર, આજે તમારી તબિયત બરાબર નથી કે શું?''

''કંઈ ખાસ વાત નથી.'' મેં થાકેલા સ્વરે જવાબ આપ્યો.

''પરમ દિવસે સાંજે તમારે મારા ઘરે આવવું પડશે.''

''શા માટે?''

''મમ્મીપપ્પા એક લગ્નમાં જવાના છે. હું તમારા માટે  રસોઈ  બનાવીશ. તમે  આવશો ને?'' મારે  ખરેખર ના કહેવી જોઈતી હતી, પરંતુ તેમ ન કરી શક્યો. તેણે હાથ લંબાવી મારો હાથ તેના હાથમાં લીધો. એ સ્પર્શથી  મારા શરીરમાં  ઉત્તેજના ફરી વળી. મારું મસ્તક આપોઆપ  હકારમાં હલી ગયું.

શિખાના ગયા પછી મારી સામે  એક વાત  સ્પષ્ટ થઈ કે મારી  ઇચ્છાથી  હું શિખાથી દૂર નહીં થઈ શકું. તેનો નશો મારા માટે ઝેર સમાન બની રહેશે. આજે નહીં તો  કાલે  નિશાને પણ બગાડશે. આ વાત હું સારી રીતે સમજતો હતો.

મારી પરવશતા આંસુ વાટે બહાર નીકળવા લાગી ત્યાં મારી નજર ટેબલ પર પડેલા એક કવર પર પડી.

એ કવરની અંદર એક પ્રધાન દ્વારા લખાયેલો ભલામણ પત્ર હતો. જે પત્રને મારે ઉચ્ચ  અધિકારીઓ સુધી પહોંચાડવાનો હતો. જેનાથી મારી બદલી અટકી જાય. મેં કંઈક વિચારીને એ  કવર  સાથે જ પત્રને ફાડવાનું  શરૂ કર્યું.

 શિખા નામની ખૂબસૂરત વિષકન્યાથી  નિશાને બચાવવા માટે આ શહેર છોડીને જવાનો આ જ એકમાત્ર ઉપાય મને નજરે પડતો હતો. 


Google NewsGoogle News