વાર્તા : ફૂલ તૂમ્હે ભેજા હૈ ખત મે.. .

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
વાર્તા : ફૂલ તૂમ્હે ભેજા હૈ ખત મે..                                    . 1 - image


- કોલેજમાં જવાને બહાને સૂટકેસ લઇને પબ્લિક પાર્કના પાછલા દરવાજા પાસે તને હું મળું, પછી આપણે બંને સ્ટેશને જઇને ક્યાંક દૂર ચાલ્યાં જઇએ. કોઇ સપનાના શહેરમાં, જ્યાં ફૂલોથી છવાયેલું આપણું એક  નાનકડું ધર હોય અને આપણી જિંદગીમાં મોજ-મસ્તી સિવાય બીજું કશું ન હોય.... ઝિલમિલ સિતારોં કા આંગન અને રિમઝિમ બરસતા સાવન!

''પ્રિય નિશીથ,

હું જાણું છું કે તું મારાથી ખૂબ નારાજ છે. પરંતુ પ્લીઝ, મારો આ પત્ર જરૂર વાંચજે. જોકે નારાજગી છતાં તું આ પત્ર જરૂર વાંચીશ એનો અહેસાસ મારા અંતરમાં છે, કેમકે તને એ જાણવાનું જરૂર મન થશે કે મેં સારી સાથે આમ અચાનક વિશ્વાસઘાત કેમ કર્યો? નિશીથ, તું માનીશ? તારો વિશ્વાસઘાત કરવાની મને સપનાંમાય કલ્પના નહોતી. પરંતુ એકાએક મને એમ લાગવા માંડયું કે આપણે ઉતાવળમાં એક બાલિશ નિર્ણય લઇને કેવળ આપણું જ નહિ, પણ બીજા અનેક લોકોનું ભાવિ હોડમાં મૂકી દીધું છે. આથી મેં પીછેહઠ કરી છે. આવા  નિર્ણયથી મેં બેવફાઇનું કલંક કાયમ માટે મારે માથે ઓઢી લીધું છે કે કેમ એની મને ખબર નથી. પરંતુ અગાઉ આપણે નક્કી કર્યાં મુજબ તારી સાથે ચૂપચાપ ઘર છોડીને ભાગી જવા કરતાં હવે આ પગલું  મને વધુ સમજદારીભર્યું લાગે છે.

મારાં કપડાં, મમ્મીનાં બધાં ઘરેણાં અને ૨૫ હજાર રૂપિયાથી ભરેલી બેગ હજી મારી સામે જ પડી છે, જે હું રાત્રે ઘરની બહાર ગેરેજમાં ચોરીછુપીથી મૂકી આવી હતી. ગઇ કાલે કોલેજના બહાને તને મળીને આવ્યા બાદ તારી સાથે એક નવી દુનિયા વસાવવાના ઉમંગમાં મેં આખી સાંજ સરસામાનના પેકિંગમાં વિતાવી હતી.

મમ્મીના કબાટની ચાવી તો મને આસાનીથી તેમની પાસેથી મળી ગઇ હતી. તેને બિચારીને શું ખબર કે હું તેનાં ઘરેણાં ચોરવાના ઇરાદાથી ચાવી માગતી હતી? પણ એ દાગીના કાઢતી વખતે  મારા હાથ કાંપી રહ્યા હતાં. છતાં તારા પ્રત્યેના પ્રબળ ખેંચાણને કારણે મેં એ કામ પણ પતાવી દીધું.

ત્યારબાદ વાંચવાને બહાને બધાં સૂઇ જાય તેની રાહ જોતી મોડી રાત સુધી જાગતી રહી  અને સૌ ઊંઘી ગયાં પછી ચોરીછુપીથી સૂટકેસ ગેરેજમાં સંતાડી આવી, જેથી બીજે દિવસે સવારે ઘરમાંથી તો કોલેજમાં જવાને બહાને નીકળી શકું અને પછી સૂટકેસ લઇને પબ્લિક પાર્કના પાછલા દરવાજા પાસે તને મળું. પછી આપણે બંને સ્ટેશને જઇને ક્યાંક દૂર ચાલ્યાં જઇએ. કોઇ સપનાના શહેરમાં, જ્યાં ફૂલોથી છવાયેલું આપણું એક  નાનકડું ધર હોય અને આપણી જિંદગીમાં મોજ-મસ્તી સિવાય બીજું કશું ન હોય.... ઝિલમિલ સિતારોં કા આંગન અને રિમઝિમ બરસતા સાવન!

પથારીમાં પડયા પછી મોડે સુધી મનમાં એક જ વિચાર ધૂમરાયા કરતો હતો કે આજે ઘરમાં મારી આ આખરી રાત છે. આ વિચારવલોણામાં હું રાતભર સૂઇ ન શકી અને પડખાં બદલતી તારા સંગાથમાં એક નવી જિંદગી જીવવાના ખયાલોમાં રાચતી રહી.

પણ અચાનક ખયાલોએ દિશા બદલી અને મમ્મી-પપ્પા તથા પૂર્વીથી વિખૂટા પડવાના વિચારે આંખોમાં અશ્રુ ઊભરાવા લાગ્યાં. મમ્મીનો હેતાળ ચહેરો નજર સામે તરવરવા લાગ્યો. હજી થોડાક દિવસ પહેલાં જહું બીમાર પડી હતી ત્યારે આખી રાત મમ્મી મારી પાસે જ બેઠી રહી હતી અને બેસ્વાદ સૂપ તથા જવનું પાણી પિવડાવતાં તેણે પણ સ્વાદિષ્ટ ચીજો ખાવાની છોડી દીધી હતી. મારો ઉત્સાહ વધારવા તે પોતે એજ ખાતી, જે મને આપતી.

પરીક્ષાના દિવસોમાં હું રાત્રે બે વાગ્યા સુધી જાગીને વાંચતી હોઉં ત્યારે મને એકલતા ન લાગે માટે એ પણ મારી સાથે જાગરણ કરે છે. કદાચ મને ઝોકું આવી જાય, તો તરત ઊઠીને મને ગરમાગરમ કોફી બનાવી આપે અને  મને થકાવટ લાગે તો માથામાં તેલ નાખી મસાજ કરી આપે. તને ખબર છે? ક્યારેક કોઇક પ્રકરણ મને અઘરું લાગે, તો મારી સાથે મમ્મી પણ સખી બનીને એ પ્રકરણ વાંચવા માંડે અને એકબીજાને સમજાવતાં સમજાવતાં મને આખો પાઠ સહેલો લાગવા માંડે.

શા માટે મમ્મી  મને આટલો બધો પ્રેમ કરે છે? અને હું તેનો જ અંશ છું તો પછી  મને એનું દર્દ કેમ સાલતું નથી? હું આ રીતે ઘર છોડીને ભાગી જાઉં, તો એને થનારી તકલીફને હું કઇ રીતે ભુલાવી શકું?

મારી પાસે કદાચ દુનિયાના શ્રેષ્ઠ 'પપ્પા' છે. મને લાગે છે કે હું તેમની પાસે ચાંદ-સિતારા માગું, તો અને તેમને યોગ્ય લાગે તો તે પણ લાવી આપે. મમ્મીને ન ગમે તોપણ મારી માગણી સંતોષવા તેઓ હરદમ તત્પર રહે છે. કદાચ તેમના લાડ-પ્યારથી જ હું બગડી ગઇ હતી અને સંજોગોની પરવા કર્યા વગર જીદ કરી બેઠી હતી.

મને યાદ છે  કે મારી ઘણી બહેનપણીઓનાં ઘરમાં વીસીઆર હતું. પરંતુ મારા ઘરમાં નહોતું. અને એક દિવસ હું પપ્પા પાસે જીદ લઇને બેઠી હતી. તેણે મને ઘણી સમજાવી કે આપણે થોડાક રૂપિયા ભેગા કરીને પછી ખરીદીશું. છતાં હું ટસની મસ થઇ નહોતી. અને તને ખબર છે? બીજે જ દિવસે પપ્પા 'વીસીઆર' લઇ આવ્યા હતાં!

હું તો ખુશીથી ઝૂમવા લાગી. પરંતુ જ્યારે મને ખબર પડી કે મારી હઠ પોષવા પપ્પાએ પોતાનું સ્કૂટર વેચી માર્યું હતું અને બસમાં ઓફિસે જવા લાગ્યા હતા, ત્યારે મેં ખૂબ જ ભોંઠપ અને શરમ અનુભવી હતી. એજ વખતે મેં સંકલ્પ કર્યો કે હવે હું એક સમજદાર અને સારી પુત્રી બનીને રહીશ. છતાં ક્યાં બની શકી છું? સમજદાર તો ત્યારે બની કહેવાઉં કે પપ્પાની પ્રતિષ્ઠા ઘટે એવું કોઇ કામ ન કરું. અને આટલાં વરસોમાં તેમણે આપેલાં લાડ-પ્યારનો ગેરફાયદો ઉઠાવીને તેમને લાચારીમાં ન મુકાવું પડે એવું કોઇ પગલું ન ભરું.

અને મારી ઢીંગલી જેવી પ્યારી બહેન પૂર્વી વિશે શું કહું તને? આખો દિવસ બસ મારી આગળપાછળ ભમ્યા કરે છે. કોણ જાણે ક્યારે અને કઇ રીતે પણ તે મને એક 'આદર્શ' માની બેઠી છે. જો હું ગુલાબી રંગનો ડ્રેસ પસંદ કરું, તો તે પણ ગુલાબી ફ્રોક પસંદ કરે અને મને શાહરુખ ખાનની ફિલ્મો ગમે, તો તે પણ એની જ  ફિલ્મો જુએ. મને ખુશ કરવા અને ખુશ રાખવા તે મારાં બધાં કામ હરખભેર કરતી રહે છે. પણ એના બદલામાં હું તેને શું આપવા જઇ રહી છું? ઘર છોડીને હું તેની સામે કેવો આદર્શ રજૂ કરીશ? તેના ભવિષ્યને ધૂંધળું કરવાનો અને તેની આદર્શ-મૂર્તિ ચકનાચૂર કરવાનો મને શું અધિકાર છે?

તારા સાંનિધ્યમાં જિંદગી જીવવાના મોહમાં મેં મારા જીવનનાં આ પાસાંનો વિચાર જ નહોતો કર્યો, નિશીથ! હું તો કેવળ તારા ખયાલોમાં અને ખ્વાબોમાં જ ખોવાઇ ગઇ હતી!

ફિલ્મો અને નવલકથાઓમાં ચીતરવામાં આવતી કાલ્પનિક ઘટનાઓથી હું કદાચ બહેકી ગઇ હતી. પરંતુ આપણે બંનેએ ક્યારેય એ હકીકતનો વિચાર જ ન કર્યો કે આ બધી કહાનીઓ તો લેખક-નિર્માતા કે દિગ્દર્શકનાં ભેજાંની મનઘડંત ઊપજ છે, જેની પાછળ લોકોનું મનોરંજન કરી કમાણી કરવાનો આશય મુખ્ય હોય છે. ખુદ ક્લાકારોની વાસ્તવિક જિંદગી પણ પડદા પરની જિંદગી કરતાં ઘણીવાર તદ્દન વિરોધાભાસી હોય છે. આપણે શા માટે એમના રાહ પર પગલાં માંડવા તત્પર બની ગયાં હતાં? જેમના વિશે ખુદ આપણાં હૈયામાં અવઢવ થતી હોય, એમની પાસેથી આપણે શું શીખવાનાં હતાં?

આપણે ભારતીય પરિવેશમાં જન્મ લીધો છે.  આપણા સંસ્કાર આપણને એક અમર્યાદ જીવન જીવવાની અનુમતિ આપતા નથી. આપણા જન્મ પહેલાં જેમણે પોતાનું અસ્તિત્વ ભૂલીને કેવળ આપણા જતન ખાતર જીવવાનું શરૂ કર્યું હતું  અને આપણી  પ્રગતિથી ખુશ થયા હતા. પોતે ભૂખ્યાં રહી આપણને જમાડયાં  અને જાતે જાગીને આપણને સુવાડયાં એવાં માબાપનાં તમામ લાડ-પ્યારને શું આપણે કેવળ ફરજમાં ખપાવીને એમના ત્યાગ-સમર્પણની ઉપેક્ષા કરીશું?

નહિ નિશીથ, પપ્પા-મમ્મી મારા જ ભવિષ્યને ઊજળું બનાવવા માગે છે. તેમાં તેમનો કોઇ સ્વાર્થ નથી. તેમને સહયોગ આપવો અને એમની લાગણીઓની કદર કરવી તે આપણું પરમ કર્તવ્ય છે.

હવે તમે  મને બેવફા કહો કે ડરપોક, પરંતુ રાત વીતી જાય તે પહેલાં જ મેં ગેરેજમાંથી સૂટકેસ પાછી લાવીને એક અલગ દુનિયા વસાવવાનો અને સમાજની પરવા નહિ કરવાનો સંકલ્પ તોડી નાખ્યો છે.

માબાપ કે સમાજની ઐસી-તૈસી કરીને ભલે કદાચ તને મેળવવામાં હું સફળ થઇ જાઉં, પરંતુ આપણે પણ છેવટે એજ સમાજમાં જીવવાનું છે. ડગલે ને પગલે આપણને લોકોના સંપર્કમાં રહેવું પડશે. પછી એક દિવસ આપણી સામે પણ આપણી આગામી પેઢીની જવાબદારીઓ આવશે. અને તે વખતે આપણે પણ હરપળ તેમની ફિકર-ચિંતામાં એટલાં જ પરેશાન થઇશું જેટલાં આપણાં માબાપ અત્યારે થઇ રહ્યાં છે.

આપણે કદાચ અમુક સામાજિક રિવાજોને બદલી શકીશું. પરંતુ એક ઝાટકે  બદલવાની કોશિશમાં જો આપણાં જ સપનાં રોળાઈ જાય, તો તેની હતાશા આપણને કોરી ખાશે.

વળી આપણું ભણતર હજી અધૂરું છે. આજના ગળાકાપ હોડ-હરીફાઇના યુગમાં આપણા ચોરેલા પૈસા પૂરા થાય તે પહેલાં આપણામાંથી કોઇકને સારી નોકરી મળી જ જશે, એની શી ખાતરી છે? એકવાર સંસારસાગરમાં ઝંપલાવ્યા પછી રોજિંદી ઘટમાળમાં 'પ્રેમ' કરતાંય બીજી અનેક બાબતો મહત્ત્વની બની રહે છે.

આપણી સહિયારી જિંદગી લાચાર કે  ઓશિયાળી બની જાય તેના કરતાં બહેતર છે કે આપણે આપણા વર્તમાનને વધુ સધ્ધર અને સુદ્રઢ બનાવીએ, જેથી આપણે ભવિષ્યને ઉજ્જવળ બનાવવા સુસજ્જ થઇ શકીએ.

જોકે આજે પણ નિશીથ, હું તને દુનિયાની કોઇપણ વ્યક્તિ કરતાં વધુ આત્મીય માનું છું અને તને પામવાની ચાહત એટલી જ પ્રબળ છે, જેટલી ગઇ કાલે સાંજે બધું છોડીને તારી સાથે નીકળવાના નિર્ણય વખતે હતી.

હજી પણ હું મારાં પપ્પા-મમ્મીને તારી યોગ્યતા વિશે સમજાવવાની ભરપૂર કોશિશ કરીશ અને એમની સમક્ષ મોકળા મનથી બધું કહીશ. મને ખાતરી છે કે આપણે બંને  અલગ કોમનાં હોવા છતાં તેઓ મારી ખુશીને નહિ ઠુકરાવે. તારા પ્રેમની સચ્ચાઇ તારા ઘરમાં પણ મને સ્વીકૃતિ અપાવી શકશે. હા, એમની સંમતિ મેળવવા આપણે ધીરજ ધરવી પડશે. પરંતુ પ્રતીક્ષા અને સમર્પણ એજ તો પ્રેમની કસોટી છે, એવું તેંજ મને એકવાર કહ્યું' તું એ યાદ છે ને? આ અગ્નિપરીક્ષામાંથી પસાર થયા બાદ આપણે વધુ આત્મીયતાથી, પૂરેપૂરી નિશ્ચિંતતા સાથે પ્રેમસભર જીવનસાથી બનીને પ્રેરક જિંદગીના સહપંથી બની જીવીશું.

મને વચન આપ, નિશીથ! કે તું મારા વિશે કશી ગેરસમજ નહિ કરે અને એક દિવસ વાજતેગાજતે મારા આંગણે આવીને વડીલોના આશીર્વાદો સહિત મને તારા ઘરે લઇ જઇશ.... પછી એ સ્નેહી-સ્વજનોના આશિષભર્યા વરદ હસ્તોના છાંયડા હેઠે આપણે નવી દુનિયાના શ્રીગણેશ કરીશું!

કેવળ તારી અને તારી જ,

- નિશા''


Google NewsGoogle News