Get The App

વાર્તા : મંગળ-અમંગળ .

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
વાર્તા : મંગળ-અમંગળ                                . 1 - image


- સાથે કામ કરતાં -કરતાં ક્યારે મન ચંચળ બની ગયું એની ખબર ન પડી. આ આકર્ષણ ક્યારે પ્રેમમાં પરિણમ્યું એનું ભાન  ન રહ્યું. એનો અંત જાણવા છતાં કોણ જાણે કેમ હું આગળ ડગલાં ભરતી જ ગઇ. આપણે બંને જો લગ્ન કરી લઇશું તો ઘર, સમાજ એને ખોટી રીતે જ લેશે. બધા સાથેના સંબંધો તૂટી જશે. આપણે એકલવાયાં બની જઇશું.''

સુજાતાએ ગુલાબ ચૂંટી પોતાના  વાળમાં લગાવ્યું, પછી અરીસા સામે ખુદને જોવા લાગી. હિપ પેટીકોટ ઉપર ડીપ નેકના બ્લાઉઝમાંથી ડોકાતું સુડોળ શરીર  અને પાતળી કમર જોઇને તે એકાદ ક્ષણ માટે પોતાના પર મોહી પડી. પછી હાઇ હીલવાળા સેન્ડલ પહેરી તે અરીસા સામે ઊભી રહીને સાડી પહેરવા લાગી.

''૩૦૦-૪૦૦ રૂપિયાની  સાડી ખરીદી  લેવી એ કોઇ મોટી વાત નથી સુજાતા......એને સરખી રીતે પહેરવી એ પણ એક કલા છે. મારી વહાલી, તારી જેમ કલાત્મક ઢબે સાડી પહેરવી એ બહુ ઓછાને આવડે છે.''

''હા, હા. મને પટાવવાની કોશિશ ના કર. પ્રેમી પોતાની  પ્રેમિકાની આવી રીતે જ પ્રશંસા કરતા હોય છે.''

વિચારોમાં ખોવાયેલી સુજાતાએ ફરીથી ખુદને એકવાર અરીસામાં જોઇ લીધી. આંખો ખરડાયેલી હતી. આંસુ ટપકવાં માટે બેચેન હતા, પરંતુ તેણે તેને વહેવા ન  દીધાં. આજે અજીત એવું કશું જ નહીં કહે. તેની ભાવિ પત્નીની હાજરીમાં સૌંદર્યનો એકાદ શબ્દ પણ ઉચ્ચારી નહીં શકે.

સુજાતાના મનમાં શંકા જાગી કે ક્યાંક તેણે ઉતાવળ તો નથી કરી ને? તેનો પ્રેમી કોઇ બીજા  સાથે લગ્ન કરી રહ્યો છે. તેણે જાતે જ તેને આવું કરવાની રજા શા માટે આપી? તેના મને આ વાતનો સ્વીકાર શા માટે કર્યો?

આખરી મુલાકાત સુજાતાની સામે ફિલ્મની રીલની જેમ તરવરવા લાગી.

''સુજાતા''

''તું ચોથીવાર મને બોલાવી રહ્યો છે. માત્ર નામ જ લેતો રહીશ કે પછી આગળ શું કહીશ?''

''તને પાણીમાં ધકેલી દઉં તો?''

''વિચાર તો ઘણો ઉત્તમ છે.''

''તો સાંભળ.....તારી સાડી મને તેમ કરવા મજબૂર કરી રહી છે. પારદર્શક સાડી પાણીમાં ભીંજાય તો જાણે કયામત ઊતરી આવે.''

''છી...... છી...તને શરમ નથી આવતી? હરીફરીને બસ એક જ વાત કહી રહ્યો છે?''

''કઇ?''

''એવું લાગે છે કે તારી  નજરમાં માત્ર શારીરિક આકર્ષણ જ વધુ મહત્વનું છે. યાદ છે ઓફિસમાંની એ પહેલી મુલાકાત......તું મારા માટે કવિતા રચીને  લાવ્યો હતો. શું તું ભૂલી ગયો?''

''તેનું હવે શું છે?''

''જરા એ કવિતા ફરીવાર બોલને.''

''હું તો ભૂલી ગયો છું.''

''તું છટકી જવા માગે છે કે શું? ખેર, જવા દે. મને તો યાદ છે. સંભળાવું?''

''જરૂર સંભળાવ.''

''હવા કા હર ઝોંકા તુમ્હેં ચાહકર ભી છૂને સે કતરાતા હૈ. ઉસે ડર હૈ, તુમ્હારે નાજુક શરીર કો કહીં ચોટ ન લગે. તુમ ફૂલોં કી પંખુડિયોં કો જબ સહલાતી હો, મુજે ડર હૈ, કોમલ ઉગલિયોં મેં કહીં દર્દ ન હો. સિર હિલા કર જબ તુમ બાતેં કરતી હો, ડર લગતા હૈ કહી ગરદન મેં મોંચ ન આ જાએ. ઇઠલાતી બલખાતી હુઇ જબ તુમ ચલતી હો, ડર લગતા હૈ કહીં કયામત ન આ જાએ.''

''વેલ....તો હવે શું થયું?''

''આપણી મુલાકાતની શરૂઆત કવિતાથી થઇ હતી. મારાં અંગોના વર્ણનની કવિતા  મલબાર હિલના એકાંતમાં ગાયેલી તારી કવિતા.....તારી કવિતા મારા શ્વાસમાં વસી ગઇ છે.  આ કવિતાએ પ્રેમનું રૂપ લઇ લીધું છે.''

''હવે છોડ આ બધી વાતોને ...આજે તને એક ગંભીર વાત કરવા આવ્યો છું.''

''તો પછી કહેવા માંડ.....''

''મારા ઘરમાં મારા પર દબાણ કરાઇ રહ્યું છે. મારે કોઇની સાથે જલદી લગ્ન કરી લેવાં પડશે. ક્યાં સુધી બહાનાં કરતો રહીશ?''

''એટલે?''

''તારા વિશે મેં મમ્મીને બધી વાત કરી લીધી છે. પરજ્ઞાાતિની હોવાના કારણે પહેલાં તો તે જરા ગભરાઇ ગઇ પણ મેં પરિસ્થિતિ સંભાળી લીધી. એ પહેલાં છોકરી જોશે અને પછીથી નિર્ણય આપશે.''

''તો?''

''તું તરત મારા ઘરે આવી જા. મમ્મીને પગે લાગીને  આપણે આશીર્વાદ લઇ લઇશું.''

''બસ, એટલી જ વાત છે?''

''અને પછી શું?''

''અરે, મારે પણ ઘરબાર છે, મા-બાપ છે. ૩૦ અને ૨૬ વર્ષની બે મોટી બહેનો છે. જે હજુ કુંવારી છે. તેનાથી નાની કોલેજમાં ભણે છે. એટલે મારે પણ લગ્ન માટે મંજૂરી લેવી જરૂરી છે. આવો વિચાર તારા મનમાં જરાસરખોય ન આવ્યો, અજીત?''

''તેં તો પહેલાં જ કહ્યું હતું ને કે આ લગ્ન માટે તારા ઘરનાં જરાપણ સંમત નહીં થાય.''

''એટલે?''

''તું મારી સાથે ચાલ. તારે મારી સાથે જીવન વિતાવવાનું છે. તારી સંમતિ જ માત્ર મહત્વની છે. તારાં માબાપની ચિંતા હું નથી કરતો.''

''તારે ચિંતા ન કરવાની હોય, પરંતુ મને તો ચિંતા હોય જ ને?''

''આ તું શું કહે છે, સુજાતા?''

''મારી મોટી બહેનને  આમ પણ મંગળ છે. તેનાં લગ્ન જલદી નક્કી થતાં નથી. બીજી બહેન પહેલીનાં લગ્ન થાય તેની રાહ જોતી બેઠી છે. હું ત્રીજી, ઉતાવળમાં લગ્ન કરી લઉં અને તે પણ પરજ્ઞાાતિના છોકરા સાથે? આના લીધે મારી બે બહેનો માટે જે સંબંધ લઇને આવતા હશે તો પણ બંધ થઇ જશે.''

''તો તારો નિર્ણય શો છે?''

''તે બંનેનાં લગ્ન થઇ જાય પછી હું મારાં લગ્ન વિશે વિચાર કરી શકું.''

''તો ત્યાં સુધી મારે રાહ જોવાની?''

''તને રાહ જોવડાવાવી એ વાત ખોટી છે. એ ભૂલ હું નહીં કરું.''

''સુજાતા''

''હા અજીત, ઘરબારનો ત્યાગ કરી બધા સંબંધીઓનો વિરોધ માથે વહોરી શું હું તારી સાથે સુખશાંતિથી સંસાર માંડી શકીશ? ના બિલકુલ નહીં.''

''આ  વાત તો તું પહેલાં પણ જાણતી જ હતી ને?'' ''હા જાણતી હતી, પરંતુ પ્રેમ જાણીજોઇને કરાતો નથી, તે તો થઇ જાય છે. યુવાનીનું આ એક એવું પગલું છે જેમાં કોઇનું  કશું ચાલતું નથી. વાસ્તવિકતાથી ખૂબ જ દૂર સપનાંમાં જીવવાનો આ એક પડાવ છે....સાથે કામ કરતાં -કરતાં ક્યારે મન ચંચળ બની ગયું એની ખબર ન પડી. આ આકર્ષણ ક્યારે પ્રેમમાં પરિણમ્યું એનું ભાન  ન રહ્યું. એનો અંત જાણવા છતાં કોણ જાણે કેમ હું આગળ ડગલાં ભરતી જ ગઇ. આપણે બંને જો લગ્ન કરી લઇશું તો ઘર, સમાજ એને ખોટી રીતે જ લેશે. બધા સાથેના સંબંધો તૂટી જશે. આપણે એકલવાયાં બની જઇશું.''

''તું પણ ક્યાં જૂના પુરાણાં ગીતો ગાવાં બેસી ગઇ. હવે જમાનો બદલાઇ ગયો છે.''

''હં.....હજુ લગ્ન વખતે મંગળ વિશેના વિચારો બદલાયા નથી. તું જે બદલાયેલા સમાજની વાત કરી રહ્યો છે ને અજીત, તે માત્ર પુસ્તકોમાં બદલાયેલો છે, ફિલ્મોમાં બદલાયેલો છે અને ભાષણોમાં બદલાયેલો જોવા મળે છે. આજે પણ સમાજમાં એ જ તંગ વાતાવરણ છે. એ જ નજરથી જોવાય છે. એ જ  જુનવાણી રીતરિવાજો ચાલી રહ્યા છે.''

''તો તું કહેવા શું માંગે છે?'' અજીતે મૂંઝાઇને સવાલ કર્યો.

''તું તારી મમ્મીની પસંદગીની છોકરી સાથે લગ્ન કરી લે. મહિના બે મહિનામાં બધું ભૂલી જઇશ. હું પણ ભૂલી જઇશ.''

''સુજાતા, મેં તારો સ્વીકાર શું ભૂલી જવા માટે કર્યો હતો? ખરેખર, હું આ પ્રેમને જીવનભર નહીં ભૂલી શકું.''

''એકવાર લગ્ન થઇ જવા દે. મને યાદ કરવાની પણ તને ફૂરસદ નહીં મળે. તારી પત્ની અને પરિવારથી તારા વિચારોને એક અલગ દિશા મળી જશે.''

''સુજાતા, તું આજે આવી વિચિત્ર વાતો શા માટે કરી રહી છું? આજે તું જે પણ કહે છે તે મને સમજાતું નથી.''

''અજીત, તું મારું જીવન છે. હું તારું જીવન છું, આ બધાં વાક્યો ભ્રમિત કરનારાં છે. મને તારો સંગાથ ગમ્યો, તારી કવિતાઓએ મને મુગ્ધ બનાવી. મારી સુંદરતાએ તને  મોહિત કર્યો.  આપણે વિચારી લીધું કે આ પ્રેમ છે. મારા મતે આ એક  આકર્ષણ  માત્ર છે. એમાં કોઇ શંકા નથી કે જો આપણે લગ્ન  કરશું તો ખૂબ જ સુખી રહીશું. લગ્ન નહીં કરીએ તો પણ આત્મહત્યા તો નહીં  જ કરીએ. સમય દરેક ઘા પર મલમ લગાવી દે છે. આપણે એકબીજા વિના જરૂર જીવી શકીશું.  આ વાસ્તવિકતા છે જેનો આપણે સ્વીકાર કરવો જ રહ્યો, અજીત.''

''આ તારો છેલ્લો નિર્ણય છે?''

''હા, તારાથી જુદા પડતાં પહેલાં મારી એક વિનંતી છે. તારી કવિતાથી હું ખૂબ જ પ્રભાવિત થઇ છું. તારી કવિતા મને મુગ્ધ કરે છે. કવિતાના કારણે તારા તરફ ખેંચાઇ આવી હતી, તો અત્યારે મારા માટે  એક કવિતા......''

''ઝીલ સી ગહરી નીલમ કો માત દેતી તુમ્હારી યે આંખે. બિજલી કી ચમક કો માત દેતે તુમ્હારે યે દાંત.....સૂરજ કી લાલિમા કો ચિઢાતે તુમ્હારે યે હોંઠ.....સંગે મરમર સા તરાશા હુઆ તુમ્હારા યે બદન......તુમ્હેં પાને કી ઇચ્છા મેં તડપતા હુઆ મેરા યહ  મન.....''

''અરે અજીત.......શા માટે આટલી વેદના? તારી જાતને સંભાળ, બધું બરાબર થઇ જશે.''

તે દિવસની એ મુલાકાત, એ વાતો, એ હૃદયપરિવર્તન......એના પરિણામે આજે અજીતનું સગપણ થવાનું છે. તેના મનગમતાં વસ્ત્રો તથા ઘરેણાં પહેરી સુજાતા જાતને શણગારી રહી હતી. તેના આ શણગારથી ઘરનાં સૌ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયાં હતાં.

''અરે, સગપણમાં હાજરી આપવા જાય છે કે પછી તારા જ સગપણ થઇ રહ્યા છે? તું તો નવવધૂની જેમ શણગાર સજી રહી છે.'' બહેનો એ મજાક કરી.

''હા, નવવધૂ તો મારે જ બનવાનું હતું.'' સુજાતાએ વિચાર કર્યાં પછી  પણ ક્ષણ માટે મનમાં પીડા ઉઠી. પછી વેવિશાળ પ્રસંગે ભેટ આપવા માટે સુંદર બોક્સ હાથમાં લીધું. તેમાં અજીતની કવિતાઓનો સંગ્રહ હતો.


Google NewsGoogle News