વાર્તા : જીવનભરનો સાથ
- ''તમારી સ્ત્રીઓની આ વાત જ મને સમજાતી નથી.'' ''હજુ તું અપરિણીત છે એટલા માટે નહીં સમજાય.'' શિખાએ ઊંડો શ્વાસ લેતાં કહ્યું. ''પરંતુ એટલું તો જરૂર જાણી ગયો છું કે પરિણીત પુરુષ અપરિણીત છોકરીઓને વધારે પસંદ કર ેછે અને અમારા જેવા કુંવારા પુરુષો તારા જેવી સુકોમળ પરિણીત સ્ત્રીઓને પસંદ કરે છે. આ માનસિકતા સમજવાની બાકી છે.''
''કેટલાક ચહેરા હંમેશાં સુંદર જ લાગે છે.'' આત્મીયતાપૂર્વક બોલાયેલા આ મધુર વાક્યે ચૂંટણીનો રિપોર્ટ તૈયાર કરતી શિખાને નજર ઊંચી કરવા માટે મજબૂર કરી. સામે જ સાથે કામ કરતો વરિષ્ઠ પત્રકાર દીપક ઊભો હતો. આકર્ષક અને સુડોળ વ્યક્તિત્વનો તે સ્વામી હતો.
''તું ઘરે નથી ગયો?'' સૌમ્ય રેશમી પાંપણો ઝુકાવી શીખાએ પૂછ્યું.
''બસ, જતો જ હતો. તને કેબિનમાં મોકલી જોઈ રોકાઈ ગયો. બાકી તો બીજા લોકોથી ઘેરાયેલી જ તને જોઉં છું. આજે વાત કરવા માટે તક મળી છે.'' તેણે થોડું સાહસ કરીને કહ્યું.
''શું વાત છે?'' ઓછાબોલી શિખાને ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડીમાં પણ પરસેવો વળવા લાગ્યો.
''થોડી વાત કરવી હતી. આજે સાંજે છ વાગ્યે હોટલ ઓબેરોયમાં મળજે.'' તે ગંભીર સ્વરમાં બોલ્યો.
''ના, હું નહીં આવી શકું.'' શિખાએ ગભરાતા કહ્યું, કોણ જાણે કેમ તેને દીપકથી ડર લાગી રહ્યો હતો. તે તેના કરતાં બે-ત્રણ વર્ષ મોટી હશે પણ હોટેલમાં મળવા માટેનું આમંત્રણ...
દીપક આશાભરી નજરે શિખાને જોઈને બોલ્યો, ''જો મારો પ્રેમ સાચો હશે તો તું જરૂર આવીશ, શિખા.''
દીપક તરફ આશ્ચર્યપૂર્વક નજર કરીને જવા માટે ઊભી થયેલી શિખાને આગ્રહભર્યો સ્વર કાને અથડાયો, ''સાંજે જરૂર આવજે, તારી રાહ જોઈશ.''
સાંભળ્યું ન સાંભળ્યું કરી શિખા ઝડપથી ઓફિસની બહાર નીકળી ગઈ.
દીવાલ પરની ઘડિયાળમાં ટન... ટન... ટકોરા પડતાં શિખાએ ઘડિયાળમાં જોયું તો ચાર વાગી ચૂક્યાં હતાં.
આજે સાંજે છ વાગ્યે... શું કરવું? તે મૂંઝવણમાં હતી. કદાચ, એ તને પ્રેમ કરવા લાગ્યો છે શિખા. હૃદયે એક ચંચળ સાહેલીની જેમ પજવી તો એ ચમકી ગઈ. તે અરીસા સામે જઈને ઊભી રહી. આટલાં વરસે પણ તનમન, હાવભાવ કશું ઓસર્યું નહોતું. એ જ હસતા હોઠ, ગોરા ગોરા ગાલ પર પડતાં ખંજન. પરંતુ રવિએ એની જરાસરખી દરકાર નહોતી કરી. આ વાત તો ભર્તૃહરિના 'શૃંગાર શતક'માં પણ કહી છે કે જે વસ્તુ જેને પ્રિય નથી, એ પછી ગમે તેટલી સુંદર કેમ ન હોય તેને સારી લાગતી નથી.
શિખાએ રવિને પેથોલોજી લેબની આસિસ્ટન્ટ સાથે મોજમસ્તી કરતા પકડયો હતો. આ સિલસિલો ક્યારથી ચાલતો હશે એની તેને જાણ નહોતી. કલાત્મક રીતે સજાવેલું ઘર, તેનું લોભામણું રૂપ, ભાવતાં ભોજન કશું જ રવિને બાંધી શક્તું નહોતું. તેને પ્રેમ, ગુસ્સો, રિસામણાં-મનામણાં કશું અસર કરતાં નહોતા.ં. તે તો ભમરાની જેમ મોહિનીની મોહજાળમાં ફસાયેલો હતો.
એક દિવસ પ્રેમિકાને ઘરે લાવવાનું જોખમ પણ રવિએ કર્યું. શિખાને જોઈને પેલી ચુડેલે તેને ધીમેથી કહ્યું કે આવી સ્વરૂપવાન રાતરાણી જેવી કામિનીને છોડીને મારી મોહજાળમાં તું કેવી રીતે ફસાયો?
ટન... ટન... ઘડિયાળમાં પાંચના ટકોરા પડયાં. શિખા વિચારોના વમળમાંથી બહાર આવી.
ક્રીમ કલરની સાડી, ઢીલો લાંબો ચોટલો, કપાળ પર ચાંદલો, લાઇટ મેકઅપ અને હાથમાં સુંદર મજાની બંગડીઓ પહેરી તે અરીસામાં ખુદને જોવા લાગી ત્યારે દીપકે સવારે સૌપ્રથમ કહેલા શબ્દો યાદ આવ્યા. તેને લાગતું હતું કે કદાચ પહેલીવાર તેને કોઈએ પ્રેમ કર્યો હતો, તેની પ્રશંસા કરી હતી.
ટેક્સીનું ભાડું ચૂકવી શિખા જેવી ફરી તો સામે દીપક ઊભો હતો.
''શિખા ધ્યાનપૂર્વક દીપકને જોતી રહી. સુરુચિપૂર્ણ હેરસ્ટાઇલ, લીલા રંગનું શર્ટ તથા સેન્ડ સિલ્કનું ગ્રે કલરનું ટ્રાઉઝર પહેર્યું હતું. કાલ્વિન ક્લીનની ભીની ભીની ખુશબુથી તે મહેંકી રહ્યો હતો.
''તેં મને જ શા માટે પસંદ કરી, દીપક?''
ખૂણાના એક ટેબલ પર પર્સ મૂક્તાં શિખાએ પૂછ્યું.
''ખબર નથી હું તને કેવી રીતે પ્રેમ કરવા લાગ્યો, શિખા, તારી અંદર એક અદ્ભુત આકર્ષણ છે. જે જોનારને તારા તરફ આકર્ષે છે. બિલકુલ શાંત, ખીલેલાં શ્વેત કમળ જેવી છો તું.'' દીપકે ભાવાવેશમાં કહ્યું. વેઇટરને બે કોફી તથા બે પ્લેટ કટલેટની કૂપન આપી શિખાની પાસે આવીને બેઠો.
''આ ભિક્ષુકને તારે દાન આપવું કે ન આપવું તે તારા હાથમાં છે, શિખા. ''દીપકે લાગણીમાં આવીને તેની હથેળીને ધીરેથી દબાવતાં કહ્યું.
પોતાને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરતાં શિખાએ નજર ઉઠાવી દીપક તરફ આશ્ચર્યથી જોયું. તેની નજરમાં અવિશ્વાસનો ભાવ નજરે પડતો હતો. હકીકતમાં કોઈ વ્યક્તિ કોઈને આટલો પ્રેમ કરી શકે ખરી? એને તો આ બધું ફિલ્મી વાતો જેવું લાગતું હતું.
''બરાબર તારા જેવી જ છબિ મારા મનોમસ્તિષ્કના કોમ્પ્યુટરમાં સમાયેલી હતી. વિશ્વાસ ન પડતો હોય તો મારી આંખોમાં નજર પરોવીને જો, શિખા.''
દીપકે હસતાં હસતાં કહ્યું ત્યારે શિખા પણ સાચવીને બોલી, ''અચ્છા, તો દિલદિમાગના કોમ્પ્યુટરની સ્ક્રીન આંખ હોય છે?''
''હા.'' કહીને દીપક ખડખડાટ હસી પડયો. પછી એકદમ ગંભીર બનતાં બોલ્યો, ''તારા પતિ રવિનો અફેર.''
''લાગે છે કે તું બધું જાણે છે,'' શિખા વચ્ચે જ બોલી ઊઠી. ''હા, જી. નહીં તો આટલું સાહસ ક્યાંથી કરી શકત? તારા વિશે તપાસ કરી ત્યારે આખી હિસ્ટ્રી જાણવા મળી. તે છૂંટાછેડા શા માટે નથી લીધા? આટલાં વર્ષોથી જાણવા છતાં એની સાથે શા માટે રહે છે?'' તે આત્મીયતાથી બોલ્યો.
''એ મને પ્રેમ નથી કરતો, પરંતુ હું તો તેને અનહદ પ્રેમ કરું છું. દીપક.'' શિખાએ જવાબ આપ્યો.
''તમારી સ્ત્રીઓની આ વાત જ મને સમજાતી નથી.''
''હજુ તું અપરિણીત છે એટલા માટે નહીં સમજાય.'' શિખાએ ઊંડો શ્વાસ લેતાં કહ્યું.
''પરંતુ એટલું તો જરૂર જાણી ગયો છું કે પરિણીત પુરુષ અપરિણીત છોકરીઓને વધારે પસંદ કર ેછે અને અમારા જેવા કુંવારા પુરુષો તારા જેવી સુકોમળ પરિણીત સ્ત્રીઓને પસંદ કરે છે. આ માનસિકતા સમજવાની બાકી છે.''
''સારું, ચાલ ગાર્ડનમાં જઈએ.'' સાડીનો છેડો સરખો કરતાં શિખા બોલી.
ઘેરાતું અંધારું અને વૃક્ષોની ઘટામાં દીપક તેનો હાથ પકડીને ચાલતો હતો. દીપકને અડકીને ચાલવાનું શિખાને ગમતું હતં.
''કદાચ આપણે આખું જીવન આમ સાથે ચાલતાં રહીએ તો કેવું... મારી સાથે લગ્ન કરીશ?'' ''આ તો મહત્ત્વનો નિર્ણય છે. આમાં તું ઉતાવળ કરી રહ્યો છે.'' શિખા અદાથી બોલી. ''વડીલોની જેમ તારું સમજાવવાનું, બોલવાનું મને ગમે છે. હું તને હવે ગુમાવવા ઇચ્છતો નથી. મને થાય છે કે તને ઘરે લઈ જઈ, લગ્ન કરી ઘર વસાવી લઉં.''
''હું રવિથી દૂર રહીને પણ તેની યાદોથી મુક્ત નહીં થઈ શકું. દીપક, ક્યારેક ક્યારેક મન ખૂબ જ મુંઝાય છે. પરંતુ આને તો પરિસ્થિતિથી ભાગવાની વાત જ કહેવાયને?'' શિખાના સ્વરમાં દ્રઢતા હતી.
''તારા જીવનમાં હવે હું આવી ગયો છું. ધીરે ધીરે તું બધું ભૂલી જઈશ, શિખા. બોલ, જીવનપથ પર મારી સાથે ચાલી શકીશ?''
''ના, નહીં ચાલી શકું, દીપક. મારાં બે બાળકો છે જે બહારગામ રહીને ભણે છે.''
''એ તો વળી વધારે સારું. તારા જીવનમાં આવેલા ફેરફારની અસર તેના પર નહીં પડે.''
''ઘણીબધી વ્યવહારિક મૂંઝવણો પણ હોય છે, દીપક. સારી છોકરી જોઈને લગ્ન કરી લે. આપણે આ રીતે મળતાં રહીશું બે સારા મિત્રોની જેમ. ચાલ, ઘણું મોડું થઈ ગયું છે.''
''હા, નવ વાગી ગયા. વાતોમાં ને વાતોમાં તારી સાથે સમયનું ભાન પણ ન રહ્યું.'' દીપકે ઘડિયાળ તરફ નજર કરતાં કહ્યું.
વાતો કરતાં કરતાં દીપક અને શિખા ગાર્ડન બહાર આવ્યા ત્યારે ગાઢ અંધકાર છવાઈ ગયો હતો.
''આ રવિવારે આર્ચિઝ ગેેલેરીમાં મળીશુ?'' દીપકે કાર સ્ટાર્ટ કરતાં કહ્યું.
''હા... આજે હું ખૂબ જ આનંદમાં છું. વિશ્વાસ નથી આવતો કે મારા જીવનમાં તું પ્રવેશી ચૂક્યો છે. મૃગજળ સમાન આ જીવનમાં હું એકલી અટૂલી ભલે છું, પરંતુ તારી શીતળ છાયામાં પળ બે પળનો વિશ્રામ મને નવું જીવન આપતો રહેશે.''
''કઈ તરફ લઉં?'' દીપકે પૂછ્યું.
રસ્તો બતાવતાં ઘર ક્યારે આવી ગયું, એ ખબર જ ન પડી.
''બસ, અહીં રોકજે.''
રવિવારે આર્ચિઝ ગેલેરીમાં મળવાના વાયદા સાથે દીપક ભણી નજર કરી તે પોતાના ઘર તરફ ચાલવા લાગી.
મનોમન શિખા વિચારવા લાગી કે શું દીપક જ તો ખરો જીવનસાથી નહીં હોય ને? પણ મનમાં એ પ્રશ્ન પણ મૂંઝવતો હતો કે રવિને એ છોડી કઈ રીતે શકશે?