Get The App

વાર્તા : આજીવન સજા .

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
વાર્તા : આજીવન સજા                                           . 1 - image


- થોડીવાર પછી તેણે માથુ ઊંચુ કરીને જોયું, તો સામે મેજ પર બંગડીઓ મૂકી હતી.  તે બંગડીઓને અડી પણ નહીં. પલંગ પાસે જ સૂટકેસ રાખી હતી. તે વિચારવા લાગી. 'સવારના પહોરમાં જ આ સૂટકેસ લઇને પિયર પાછી ચાલી જાઉં. પરેશને ભલે અહીં એકલો પડયો રહેવા દે, પરંતુ ત્યાં જઇને કહેશે શું?કયું બહાનું બતાવશે? 

લીના ઓટોરિકશામાંથી સામાન ઉતારી રહી હતી. ત્યાં જ સામે શોભા ભાભી દેખાયા.

'અરે, લીના, તું તો કાલે, આવવાની  હતી ને!'

'હા ભાભી, પરંતુ ત્યાં રમખાણો ફાટી નીકળ્યાં છે, તોફાનનું વાતાવરણ છે. કદાચ ગરબડ થાય તો મુશ્કેલીમાં મુકાઈ જાઉં. માટે આજે જ આવી ગઈ.'

'સારું થયું કે તું આવી ગઈ. પરેશ ઘરે જ છે. તારી પેલી નોકરાણી રજની પણ આજે જ આવી છે.'

'સારું' તેણે વાત પૂરી કરી.

રાજેશ તો રિકશામાંથી ઉતરીને તરત જ તેના મિત્રો પાસે રમવા ચાલ્યો ગયો હતો. લીનાએ એકલીએ સામાન ઉતાર્યો અને તે ઘર તરફ ચાલવા લાગવી.

'સારું થયું કે પરેશ ઘરે છે.' તે ખુશ થતી મનમાં જ બોલી.

તેણે ધીરેથી દરવાજો ખટખટાવ્યો. કદાચ અંદર જોરથી મ્યુઝિક સિસ્ટમ ચાલુ હશે એમ માની તેણે બે વાર ડોરબેલ વગાડી.

છતાં દરવાજો ન ખુલ્યો. સાંજના પાંચ વાગ્યા છતાં શું પરેશ ભરનિદ્રામાં હશે' તે ઊભી ઊભી વિચારવા લાગી.

તેણે ફરી જોરથી ડોરબેલ વગાડી.

'કોણ છે? આવું છું.' કહી પરેશે અંદરથી બૂમ પાડી. 

લીનાને લાગ્યું કે પરેશને દરવાજો ખોલવાની કોઈ ઉતાવળ ન હતી. હાથમાં સામાન પકડીને ઊભા રહેવામાં તેનો બધો જ ઉત્સાહ ઓગળી ગયો.

દરવાજો ખોલતાં જ પરેશ આશ્ચર્યથી બોલી ઉઠયો, 'અરે તું? તું તો કાલે આવવાની હતી?'

'હા, ભૂલ થઈ ગઈ કે આજે આવી ગઈ.' તેણે ચિડાઈને કહ્યું.

'મેં તો અમસ્તું જ કહ્યું. તે કાલે આવવાનું લખ્યું હતું. એટલે.'

'સૂઈ રહ્યા હતા?' લીનાએ છણકો કરતાં પૂછ્યું.

'ના, જરા માથું ભારે લાગતું હતું, તેથી પડી રહ્યો હતો.'

'રજનીને કહોને ચા બનાવી આપે.'

તે તો ક્યારનીય ચાલી ગઈ.'

'સારું, હું જાતે જ બનાવી લઈશ.'

લીના પોતાની સૂટકેસ લઈને રૂમમાં ગઈ. 'પણ આ શું? કોણ આવ્યું હશે અહીં? કોણે હમણાં ચા પીધી હશે? થોડી વાર પહેલાં જ... રજની આવી હશે કે બીજી કોઈ યુવતી? તેના મગજમાં વીજળીનો ઝબકારો થયો. બીજી જ ક્ષણે તે આખી વાતનો મર્મ પામી ગઈ. પરેશે કદાચ એટલા માટે જ દરવાજો ખોલવામાં વાર કરી હશે. તે પાછળના દરવાજેથી બહાર નીકળી ગઈ હશે.

કોઈપણ કુટુંબનો સર્વનાશ કરવો હોય તો આ એક પ્રમાણ જ બહુ થઈ પડે છે. તેને લાગ્યું કે પોતે ગુસ્સાથી ગાંડી થઈ જશે. તે પૂછવા માટે ભાગીને બહાર ગઈ કે, મારી ગેરહાજરીમાં અહીં આજે શું બન્યું છે.'

તે ધમણની પેઠે હાંફવા લાગી.

'તમે ક્યાં છો?' તેનો અવાજ ગુસ્સાથી કંપી રહ્યો હતો.

'આવું છું. ચા બનાવી રહ્યો છું.' ચાનો પ્યાલો લઈને પરેશ રસોડામાંથી બહાર આવ્યો.

વિશ્વાસના જે પાયા પર દાંપત્ય જીવન પાંગરે છે, તે પાયો આજે હચમચી ગયો હતો. પરેશનો મધ જેવો મીઠો સ્વર પણ ક્વિનાઈન જેવો કડવો લાગ્યો. તેને પરેશ પર એટલો બધો ગુસ્સો ચઢ્યો હતો કે, થપાટ મારીને બધી જ ચા ઢોળી નાખે અને પરેશને હલબલાવી નાખીને કહે, 'મારે નથી પીવી તમારી ચા. પહેલાં મને કહો કે મારી ગેરહાજરીમાં આજે ઘરમાં કયો ખેલ થયો. મારી સાથે આવો વિશ્વાસઘાત કેમ કર્યો? બીજાની ચારિત્ર્યહીનતા પર તો ખૂબ લેકચર આપતા હતા. હવે તમારી કલંકથા કહો.'

પરેશ રસોડામાંથી બહાર રૂમમાં આવ્યો તેજ વખતે રાજેશ પણ બહારથી આવ્યો. આમ બન્ને એક સાથે આવ્યા તેથી તેણે પોતાના ઉપર કાબૂ રાખી લીધો. ગુસ્સાને કારણે તેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.

'બેટા રાજેશ...' પિતા પરેશના આટલા શબ્દો સાંભળતાં જ રાજેશ પપ્પાના ગળે વળગી પડયો. પરેશ તેને મીઠો ઠપકો આપવા લાગ્યો.

મેં તારી સાથે કિટ્ટા કરી લીધી છે. રાજુ તું નાનાજીના ઘરે જઈને મને ભૂલી ગયો. તેં પત્ર લખવાનું પ્રોમિસ આપ્યું હતું ને? હવે હું તારી સાથે નહીં બોલું.'

રાજેશ હસતાં હસતાં બહાનાં બનાવી રહ્યો હતો. જો કોઈ બીજો દિવસ હોત, તો પિતા-પુત્રના વાર્તાલાપનો લીના પણ આનંદ માણત, પરંતુ આજે તેના હૃદયમાં જ્વાળામુખી ધખી રહ્યો હતો. તે પરેશને એકાંતમાં મળવા માટે બેચેન હતી.

દીકરા રાજેશની હાજરીમાં તે કંઈ જ ન કહી શકી. પોતાના રૂમમાં આવીને તે જે અવશેષોને જોઈ રહી હતી તે એક શરમજનક વિશ્વાસઘાતની ચાડી ખાઈ રહ્યાં હતાં.

'તેં હજી ચા ન પીધી? ઠંડી થઈ જશે.'

ચાનો પ્યાલો લઈ પરેશ તેની પાછળ પાછળ આવ્યો, તેને ખબર હતી કે શ્રીમતીજીનો મિજાજ સાતમા આસમાનમાં હતો. પરંતુ લીનાને બકારી આવવા લાગી. તેથી તેણે ઘૃણાથી મોં ફેરવી લીધું, 'મારે નથી પીવી ચા.'

કેમ? ફરી ગરમ કરી લાવું?'

'ના, પહેલાં તમે મને એ કહો કે મારા રૂમમાં શું થયું હતું?'

'તે... તે... રજની આવી હતી તારા રૂમમાં.' પરેશનું મોં પડી ગયું. 

'તે તો હું સમજી ગઈ, પરંતુ આ બધા શાના પુરાવા છે?'

'તે ડૉ પ્રમોદના બાબાને લઈને આવી હતી તેણે અહીં બધું અસ્તવ્યસ્ત કર્યું છે.'

'તમે તેને ઘરમાં કેમ આવવા દીધી? હું ઘરમાં નથી તેમ કેમ ન કહ્યું?

'દરવાજો ખુલ્લો હતો. તેથી તે અંદર આવી ગઈ. પછી હું શું કરી શકું?' પરેશે પોતાના બચાવમાં કહ્યું.

'જે કરવું જોઈએ, તે જ કર્યું છે.' તેણે વ્યંગમાં કહ્યું.

પરેશે પલંગ પર પડેલા મોગરાનાં ફૂલ, લાલ કાચની બંગડીના ટુકડા અને ઓશીકે ચોટેલ મોતી જડેલો ચાંદલો હટાવી ચાદરને વ્યવસ્થિત બિછાવી, પરંતુ આક્રોશને કારણે લીના ચૂપચાપ પૂતળાની જેમ બેસી રહી.

'હું બજારમાં જાઉં છું. સોનીએ આજે તારી બંગડીઓ આપવાનું કહ્યું છે,' પરેશે ધીરેથી કહ્યું.

'મારે નથી જોઈતી બંગડીઓ તેને જ આપી આવો.' તેણે આગ ઝરતી આંખોથી જોયું.

પરેશની નજર ઝૂકી ગઈ. ધીરેથી પગમાં ચંપલ પહેરી તે બહાર ચાલ્યો ગયો.

'કેવો ગાય જેવો બની ગયો છે આ માણસ? આજે મને આ રીતે જોઈ ગયો હોત, તો શું તે સહન કરી શકત ચૂપચાપ? તેણે પલંગની ચાદર ખેંચીને બાથરૂમમાં નાખી દીધી.

કબાટમાંથી બીજી ચાદર કાઢીને પલંગ પર પાથરી અને ઢીલીઢચ થઈને સૂઈ ગઈ.  તેણે પલંગની ચાદર તો જરૂર બદલી હતી. છતાં ક્યાંક કશુંક  અણીદાર કાંટાની જેમ ભોંકાતું હતું.

તેણે રાજેશના જન્મ સમયે રજનીને રસોઈ બનાવવા માટે રાખી હતી. તેને જોઈને કહેવું મુશ્કેલ હતું કે તે ઘરની નોકરાણી હશે.  તે ભારે ભારે સાડીઓ પહેરતી. જુદા જુદા ચાંદલા લગાવતી તેના વાળમાં હંમેશા ગજરો રહેતો હતો. હાથમાં ઘણી બધી બંગડીઓ અને સેથીમાં કંકુ હંમેશા ચમકતું રહેતું. તેને જોઈને પહેલીવાર જ તેને લાગ્યું હતું કે શ્યામ રંગ પર કંકુની લાલી જેવી શોભે છે, તેવી શોભા ગોરા રંગ પર ક્યારેય ન આવી શકે.

આતો સાજ શણગારની વાત થઇ, પરંતુ કુદરતે પણ રજનીને મન મૂકીને ઘડી હતી. તેના શરીરનો બાંધો ખૂબ જ સુડોળ હતો. વિશેષ કરીને તેની આંખોનું સૌંદર્ય અનુપમ હતું.

કદાચ એટલે જ પ્રભાબહેને કહ્યું હશે, 'નોકરાણી તો લાવી છો, પરંતુ તારા વરને સંભાળજે.' તેમની આ વાત સાંભળીને તે હસી પડી હતી, પણ આજે એ જ વાત સાચી પડી ગઇ હતી.

રજનીના ચારિત્ર્ય વિશે કેટલીય વાતો ફેલાયેલી હતી. તેના અલગારી વર્તન પર ઘણી સ્ત્રીઓ વ્યંગ બાણ ફેંકતી હતી. પરંતુ તે આવી વાતોને હસવામાં ઊડાવી દેતી. બે મહિના કામ કરીને તે તેમના ઘરેથી ચાલી ગઇ હતી. પરંતુ જ્યારે મન થતું ત્યારે દીદી દીદી કહીને તેના ઘરે આવી જતી. આજે આટલા વર્ષો પછી તેણે પોત પ્રકાશ્યું હતું.

'તારી બંગડીઓ' પરેશે ઘરમાં પગ મૂકતાં ધીરેથી કહ્યું પરંતુ લીના ઓશીકામાં મોં ઢાંકીને પડી રહી. રૂમની બહાર જતાં પગલાંનો અવાજ સંભળાયો.

થોડીવાર પછી તેણે માથુ ઊંચુ કરીને જોયું, તો સામે મેજ પર બંગડીઓ મૂકી હતી.  તે બંગડીઓને અડી પણ નહીં. પલંગ પાસે જ સૂટકેસ રાખી હતી. તે વિચારવા લાગી. 'સવારના પહોરમાં જ આ સૂટકેસ લઇને પિયર પાછી ચાલી જાઉં. પરેશને ભલે અહીં એકલો પડયો રહેવા દે, પરંતુ ત્યાં જઇને કહેશે શું?કયું બહાનું બતાવશે? સાચી વાત કહેવાથી તેની માનહાનિ નહિં થાય? ના, પિયરમાં જ રહે તે આનંદ  અને સન્માનની વાત નથી. રજનીને કારણે તે પોતાનું ઘર કેમ છોડી દે? હવેથી તે તેને પોતાના ઘરમાં આવવા જ નહીં દે. 

રાત્રે રાજેશ તેની પાસે જ સૂઇ રહ્યો હતો. લીના ઉઠીને બહાર આવી. પરેશ બહાર સોફા પર સૂઇ રહ્યો હતો. રસોડામાં ટિફિન એમને એમ જ ભરેલું પડયું હતું. કદાચ રાજેશે એક-બે પૂરીઓ ખાધી હશે.

પરેશે અચાનક પડખું ફેરવ્યું. ઘડિયાળમાં અગિયાર વાગ્યા હતા. તેના સંતૃપ્ત મોં પર નિશ્ચિતતા અને ભોળપણના ભાવ દેખાઇ રહ્યા હતા.

લીના તે જોઈ ચૂપચાપ પોતાના રૂમમાં પાછી ગઇ અને ફરીથી વિચારોમાં ડૂબી ગઇ. 'અત્યાર સુધી તેનું દાંપત્યજીવન પૂરેપૂરું સુખી હતું. પરેશની ઓફિસમાં કેટલીય સ્ત્રીઓ કામ કરતી હતી, પરંતુ આવી વાત પહેલાં ક્યારેય થઇ નહોતી, તો પછી આજે આ શું થઇ ગયું? કેવી રીતે તેમના પગ પથભ્રષ્ટ થયા?

રજનીએ તેની મોહજાળમાં તેમને ફસાવી લીધા હશે. કોઇ નબળી ક્ષણોમાં તેઓ તેના શરણે આવી ગયા હશે અને રજનીએ અવસર જોઇને ગેરલાભ ઉઠાવ્યો હશે. પરેશને એકલો જોઇને તેને મોહજાળમાં ફસાવ્યો હશે.

પરંતુ તેથી કંઇ પરેશ નિર્દોષ ન ગણાય. તેમનું મન પણ જરૂર રજની તરફ ઢળ્યું હશે.

પરંતુ આવો બનાવ તેના એકલીના જીવનમાં જ નથી બન્યો. સંસારની આ કોઇ અદ્વિતીય વાત નથી. તે વિચારી રહી.

ભૂતકાળની ઘણી બધી વાતો તેની આંખો સામે તરવરી ગઇ. તેના મામાનો વર્ષોથી કોઇ સ્ત્રી સાથે સંબંધ હતો. આ વાતની મામીને જ નહીં, માને પણ ખબર હતી, પરંતુ મામી આ અંગે કશું જ કહેતા નહીં. એકવાર માએ મામીને કહ્યું પણ હતું, 'ભાભી તમે કેવી રીતે આ બધું ચૂપચાપ સહન કરો છો? કશું કહેતાં કેમ નથી?'

માના પ્રશ્નના ઉત્તરમાં મામીએ કહ્યું હતું  'શું કહું? કયા બળ પર કહું? તમારા ભાઈ ઘરના મુખી છે. તેમને જે ગમશે એ જ કરશે. હું ના પાડીશ તો ચોરીછુપી કરશે. ઘણીવાર ઘર છોડીને ચાલ્યા જવાનો વિચાર આવે છે. પણ ક્યાં જાઉં? પરણેલી દીકરી પિયરમાં ચાર દા'ડા વહાલી લાગે. પાંચમે દિવસે દીકરીનોય ભાર લાગે. મારી માનસિક સ્થિતિ સમજીને ભાઈભાભી મને કદાચ કાયમ માટે આશરો આપે. પણ મારા એકના એક દીકરાનું શું? તમારા ભાઈ મારી સાથે ભલે ગમે તેમ વર્તે, પણ પોતાના પુત્રને દિલથી ચાહે છે. મારા પેટજણ્યાને તેના પિતાના પ્રેમથી શી રીતે વંચિત રાખું. બેન, પતિ-પત્ની ભલે છૂટાં પડે, મા-બાપ નોખા ન થવા જોઈએ. બસ આ વિચારે જ ચૂપચાપ બધું સહી રહી છું, હસતા મોેઢે. મારા સંતાનના મગજ પર અમારા તરડાઈ ગયેલા સંબંધોની માઠી અસર ન પડે. એટલા ખાતર.'

લીનાના કાનમાં જાણે કે મામીના શબ્દો પડઘાઈ રહ્યાં. આજે તેણે પોતાની જાતને મામીના સ્થાને ઊભેલી અનુભવી. મામીની વાતમાં તથ્ય હતું. ગમે તેમ તોય પરેશ રાજેશને દિલોજાનથી ચાહતો હતો. તેણે મનોમન નિર્ધાર કરી લીધો. તે ક્યારેય ઘર છોડીને જવાનો વિચાર સુધ્ધાં નહીં કરે. તે રાજેશને પિતાના પ્રેમ-હુંફથી વંચિત નહીં રાખે. તે પરેશ સાથે પણ એવી રીતે  રહેશે જાણે કાંઈ બન્યું જ નથી, પણ માત્ર રાજેશની હાજરીમાં. બાકી હવે તે પરેશને ચોેક્કસપણે 'પતિના હક'થી વંચિત રાખશે. હવેથી પરેશ ક્યારેય તેના દેહને સ્પર્શી નહીં શકે. પરેશને તે ક્યારેય માફ નહીં કરે. પરેશે તેની પીઠ પાછળ જે કર્યું તે જ જો તેણે કર્યું હોત તો પરેશ ચલાવી લેત ખરો? કદાપિ નહીં. તો પછી તે પોતે પણ શા માટે ઢીલું મુકે? પરેશને તેના આ ગુનાની સજા આજીવન ભોગવવી પડશે. હવેથી તે આ ઘરમાં રહેશે, પૂરા હકથી રહેશે, પણ માત્ર રાજેશની માતા બનીને.

- અદિતી


Google NewsGoogle News