વાર્તા : કરિશ્મા .
- એનવલપ ખોલીને પ્રેમપત્રો જોતાં કિશોર ચોંકી ઉઠયો. 'આનો શો અર્થ છે કરિશ્મા?' તેનો સ્વર ફાટી ગયો. કરિશ્માને ચોખવટ કરવાની જરૂર ન લાગી. તે સંયત સ્વરે બોલી 'કિશોર, હું ઈચ્છું છું કે તું પણ મને મારા પ્રેમપત્રો પાછા આપી દે.' પણ કરિશ્મા...' કિશોર વાક્ય પૂરું કરે તેનાથી પહેલા કરિશ્માં ત્યાંથી ઉઠીને ચાલી ગઈ. કિશોેરને રૃંવે રૃંવે આગ લાગી ગઈ.
શાલીમાર હોટેલના કમરા નંબર ૧૦૩માં કિશોર બેચેનીપૂર્વક આંટા મારી રહ્યો હતો. દર મિનિટે તેની નજર કાંડા ઘડિયાળ પર જતી હતી. સમય વિતતો જતો હતો. નિર્ધારિત સમય ઉપર પિસ્તાળીસ મિનિટ વીતી ગઈ હતી, પણ હજી સુધી કરિશ્માના આવવાના એંધાણ વરતાઈ નહોતા રહ્યાં. બીજી પાંચેક મિનિટ રાહ જોઈને કિશોરે કરિશ્માને મોબાઈલ પર ફોન કર્યો. પળભરમાં કરિશ્માએ ફોેન કટ કરી નાખ્યો.
આજે કરિશ્માએ દ્રઢ નિર્ધાર કરી લીધો હતો કે કિશોરથી જે થાય તે કરી લે પણ હવેથી તે તેને મળવા પણ નહીં જાય અને તેના ફોનનો જવાબ પણ નહીં આપે.
વારંવાર મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા છતાં જવાબ ન મળતાં કિશોરની આંખોમાંથી અંગારા વરસવા લાગ્યા, તેની મુઠ્ઠીઓ ભીડાઈ, શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું, રૂમમાં છાંટેલું પરફ્યુમ અને પુષ્પગુચ્છ તેની હાંસી ઉડાવતા હોય એવું લાગતા કિશોર રૂમમાંથી બહાર નીકળી ગયો. બહાર તપતી ગરમીમાં કિશોરના ક્રોધનો જ્વાળામુખી ભળ્યો.
કિશોરને રૃંવે રૃંવે જાણે આગ લાગી ગઈ હતી. અકળામણ અસહ્ય બનતાં તે હોટેલના બારમાં ઘૂસ્યો. બેરાને ચિલ્ડ બિઅરનો ઓર્ડર આપી તે વિચારવા લાગ્યો કે હવે કરિશ્માને પકડવી શી રીતે? પણ કરિશ્મા તેને દાદ જ નહોતી આપતી.
'સાલ્લી...કુત્તી' તે બબડયો. બેરા ચિલ્ડ બિઅર ગ્લાસમાં રેડી રહ્યો હતો. બિઅરની ફેસ છલકાઈને બહાર ન નીકળે એટલે બેરા ગ્લાસને આડો કરીને ધીમે ધીમે બિઅર રેડી રહ્યો હતો. ફીણ ધીમે ધીમે નીચે બેસી રહી હતી. ગ્લાસ ટેબલ પર મુકીને બેરા બીજા ટેબલ તરફ ગયો. કિશોરે ગ્લાસ લઈને મોઢે માંડયો. ઠંડી ઠંડી બિઅર પેટમાં જતાં જાણે તેના કલેજાને ટાઢક વળી. તેણે મગજને શાંત કરવાનો પ્રયત્ન કર્યો.
ગ્લાસમાં બિઅર રેડવાની પ્રક્રિયાએ કિશોેરને વિચારતો કરી મૂક્યો હતો. 'જે કામ બળથી ન થાય તે કળથી કરવું પડે. લાગે છે ઘી સીધી આંગળીએ નહીં નીકળે. આંગળી આડી કરવી જ પડશે.'
તે વિચારી રહ્યો 'જો કરિશ્મા મારી ન થઈ તો હું તેને બીજા કોઈની પણ નહીં થવા દઉં. મારી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યા પછી તે અચાનક પોતાનો ફેંસલો બદલી જ શી રીતે શકે? અને હવે તે કૈવલ્ય સાથે પરણીને અમેરિકા જવાની તૈયારી કરી રહી છે. હું પણ જોઉં છું કે તે કૈવલ્યને કેમ પરણે છે?'
બીજી તરફ કરિશ્મા મનોમન ફફડી રહી હતી. થોડાં દિવસમાં તે કૈવલ્યનું ઘર માંડવાની છે. કિશોર છેલ્લી ઘડીએ કોઈ ધાંધલ કરશે તો? કરિશ્માની નજર સામેથી કોલેજના એ દિવસોે પસાર થવા લાગ્યા. કેવા સોનેરી દિવસો હતા એ. દુનિયાદારીની ચિંતા વિના તે ચંચળ હરણીની જેમ કોલેજ કેમ્પસમાં ફર્યા કરતી. અભ્યાસમાં તો તે નાનપણથી જ હોંશિયાર હતી. પણ ઈત્તર પ્રવૃત્તિમાં પણ તેને કોઈ પછાડી ન શકતું.
કોલેજમાં પણ તે બધી પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતી. કિશોર તેનો સહપાઠી હતો અને કૈવલ્ય તેના કરતાં બે વર્ષ સિનિયર હતો. એન્યુઅલ પ્રોગ્રામ દરમિયાન બધા મોડે સુધી કોલેજમાં બેસતાં. શ્રીમંત માતાપિતાની એકની એક પુત્રી અને તેય વળી આટલી ટેલેન્ટેડ. નિતનવા રંગબેરંગી પોશાક અને મેચીંગ આભૂષણ, જૂતાં પહેરીને દોડાદોડ કરતી કરિશ્માનો કરિશ્મા ચાલી જતો.
વાર્ષિક કાર્યક્રમની તૈયારી દરમિયાન એક સાંજે દૂરથી આવી રહેલી કરિશ્મા નજીક પહોંચી ત્યારે કિશોર બંને હાથની હથેળીને ખોબાની મુદ્રામાં પકડી રાખ્યાં હતા. કરિશ્મા પાસે આવી એટલે કિશોરે ખોબો હાથેથી બંધ કર્યો અને બંને અંગુઠા એકમેક પર ચડાવી હાથ પોતાના હોઠ પાસે લઈ ગયો.
આ હરકત કરતી વખતે તેની આંખોમાં ગજબની મસ્તી હતી. 'આ શું કરે છે કિશોર?' કરિશ્માએ કિશોેરને આશ્ચર્યથી પૂછ્યું હતું. 'એક ખૂબસુરત રંગબેરંગી પતંગિયાને કોેમળતાથી પકડીને ખોબલામાં બંધ કરી દીધું. બિલકુલ એવી કોમળતાથી હવે એ મારા ખોબામાં રહેશે, જેવી રીતે કમળમાં બીડાયેલો ભમરો રહે.'
કિશોરની અનોખી અદામાં કહેવાયેલી વાતથી આશ્ચર્યચકિત થયેલી કરિશ્માએ તેની સામે પ્રશ્નાર્થ નજરે જોતાં પૂછ્યું 'રંગબેરંગી પતંગિયું? અહીં પતંગિયું ક્યાંથી આવ્યું? આ તું શું કહે છે કિશોર? 'આ આખા કેમ્પસમાં તારા સિવાય કોઈને પતંગિયું કહી શકાય તેમ છે? એક કરિશ્મા નામની કન્યા જ કલરફૂલ બટરફ્લાયની જેમ અહીંયાથી ત્યાં ઊડતી હોય છે. પણ હવે મેં તેને મારા ખોબામાં બંધ કરી લીધી છે. સદાયને માટે.'
જાહેરમાં પ્રેમનો એકરાર કરવાની કિશોરની આ અદા પર વારિ ગઈ હતી કરિશ્મા. તોય લાજની મારી મીઠો છણકો કરતાં બોલી 'મસ્તી બહુ થઈ ગઈ હં કિશોર. ચાલો હવે રિહર્સલ કરવા માંડો.' કિશોરની વાત પર બધા વિદ્યાર્થીઓ ખડખડાટ હસી પડયા હતા, માત્ર કૈવલ્યનું મોઢું પડી ગયું હતું. રિહર્સલ દરમિયાન કરિશ્માની ટેલેન્ટ, પ્રમાણસર બાંધો, બદામ જેવા નેણ, કાળા ભમ્મર વાંકડિયા કેશ, પરવાળા જેવા હોઠ અને લિસ્સી-ચળકતી ઘઉંવર્ણી ત્વચા પર મોહી પડયો હતો કૈવલ્ય. તે મનોમન કરિશ્માને ચાહવા લાગ્યો હતો પણ ધીર-ગંભીર અને અંતર્મુખ સ્વભાવને કારણે હૈયાની વાત હોઠે લાવતા સંકોચ અનુભવી રહ્યો હતો. અને હવે તો કિશોર બાજી મારી ગયો હતો. તેણે નોંધ્યું હતું કે કિશોરના એકરારને મસ્તીમાં ખપાવી દેનાર કરિશ્માનું ચિત્ત રિહર્સલમાં નહોતું ચોંટી રહ્યું. તે વારંવાર ત્રાંસી આંખેં કિશોેરને જોઈ લેતી. તેના ચહેરા પર લજ્જા, આનંદ અને ડરની મિશ્ર લાગણી ફરી વળતી. 'આજે હું બહુ થાકી ગઈ છું. વધુ રિહર્સલ કાલે કરીશું.'' એમ કહીને 'પતંગિયુ' પોતાના ઘરે ઉડી ગયું.
ડ્રામામાં મુખ્ય નાયક-નાયિકાની ભૂમિકા ભજવતાં કિશોર-કરિશ્મા ક્યારે એકમેકની નજીક આવી ગયાં તેની કરિશ્માને જાણ સુધ્ધાં ન રહી. બધા પર પોતાનો કરિશ્મા કરનારી કરિશ્મા પર કિશોરનો કરિશ્મા ચાલી ગયો હતો. બંને એકબીજાની નજીક સરી રહ્યાં હતાં. પણ સ્ત્રીસહજ સંકોચવશ કરિશ્મા બધાની સામે એકદમ સચેત રહેતી. જાણે કાંઈ બન્યું જ ન હોયું અને કિશોરે તે દિવસે જે કહ્યું તે મજાક માત્ર હતી એવું જતાવવાના ભરપૂર પ્રયાસો કરતી કરિશ્મા જાહેરમાં તો કિશોર સાથે અન્ય વિદ્યાર્થીઓની જેમ જ વર્તતી. પણ એકલતા મળતાં જ તેને ગળે વળગી પડતી. કિશોરની છાતીમાં માથું છુપાવીને આંખો મીંચી દેતી કરિશ્મા ગજબની હળવાશ અનુભવતી. કિશોરના બાહુપાશમાં જકડાયેલી પ્રેમઘેલી કરિશ્મા ખરેખર એમ જ વિચારતી કે તે ભમરાની જેમ કમળમાં બંધ થઈ ગઈ છે તેના વાંકડિયા વાળમાં ઋજુતાથી આંગળીઓ ફેરવતો કિશોર તેને વૃક્ષની શીળી છાયા જેવો ભાસતો.
કોલેજના વિદ્યાર્થીઓ અને પરિવારજનોથી છુપાઈને મળવાનો સિલસિલો વધતો ચાલ્યો હતો. કોલેજમાં બંને માત્ર સીધાસાદા મિત્રોની જેમ મળતાં. એકાંતમાં મળતાં જ પ્રેમીજન બની જતા. ઘરમાં રાત્રે એકલી પડતી કરિશ્મા પ્રેમના ઉભરો ઠાલવવા કિશોરને શૃંગરસભર્યા પત્રો લખતી. કિશોર પણ પોતાની આગવી અલંકૃત ભાષામાં તેના જવાબ લખતો. શિયાળાની એક ઠંડી સાંજે બંને એકબીજામાં ખોવાયેલા હતા. અમાસની રાત ધરા પર ધીમા ડગલે ઉતરી રહી હતી. અંધારી રાતમાં ચમકતા સિતારામાંથી એક તારલો ધરતીને મળવા તરસી રહ્યો હોય તેમ ખરી પડયો. ખરતા તારાની સાક્ષીએ બંનેએ સાથે જીવવા-મરવાનો સંકલ્પ કર્યો, એમ વિચારીને કે ખરતો તારો તેમની અંતરની ઈચ્છા પૂરી કરશે. મંદ મંદ વાઈ રહેલા શીતળ પવનની લહેરખીઓએ બંનેના દેહમાં આગ લગાડી દીધી. 'કરિશ્મા' મદહોશીમાં તરબતર કિશોેરના સ્વરે કરિશ્માને દુનિયા ભૂલાવી દીધી. કિશોેરના ધગધગતા હોઠ ભમરો બની કરિશ્માના અધરનો રસ પી રહ્યા. કિશોરના મજબૂત હાથ કરિશ્માના સુંવાળા દેહ પર ફરી રહ્યાં હતાં. મર્યાદા ઓળંગવાની પળે સાતમા આસમાને પહોંચેલી કરિશ્મા અચાનક ચોંકી ઊઠી. તે કિશોરથી એકદમ અળગી થઈ ગઈ.
'કરિશ્મા પ્લીઝ' કિશોરનો મદહોશ સ્વર ગળગળો બન્યો. 'નહીં કિશોર, હમણા નહીં. આપણા લગ્ન થઈ જવા દે. પછી આયખું આખું તારા નામે જ હશે.' કિશોરને પોતાનું સપનું રોળાતું લાગ્યું, પણ તે સંયત સ્વરમાં બોલ્યો. 'ભલે જેવી મલ્લિકા-એ-આલમની મરજી. કરિશ્મા હસી પડી. કિશોરની આવી અદા અને વાક્છટા પર તો તે વારિ ગઈ હતી. તે રાત્રે કરિશ્મા એક પળ માટે પણ ઊંઘી શકી નહીં.
બીજે દિવસે કરિશ્માને કિશોરના ઘરે જવાનું મન થયું. લેમન કલરની શિફોનની સાડી સાથે એમ્બ્રોઈડરીવાળું બ્લાઉઝ પહેરીને તે તૈયાર થઈ. તેના પગમાં ઉત્સાહ હતો. બંનેની આર્થિક સ્થિતિમાં ઘણી અસમાનતા હતી. પણ કરિશ્મા તો કિશોેરના પ્રેમની દિવાની હતી. પોતાના બંગલોમાંથી નીકળી કરિશ્માએ કિશોરના ઘરની વાટ પકડી. તે તેને ચોંકાવી દેવા માગતી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા કિશોરના ઘરના દરવાજા પાસે પહોંચવાથી પહેલા ઘરની બારીમાંથી આવતા કિશોરના અવાજે તેના પગ થંભાવી દીધાં. કિશોર કોઈ સાથે ફોેન પર વાત કરી રહ્યો હતો.
'હવે ગોર્જિયસ કરિશ્મા અને એનો કરોડપતિ બાપ મારી મુઠ્ઠીમાં છે. કરિશ્માના બાપનો જીવ એની દીકરીમાં છે. હું કરિશ્માની ગરદન જરા અમસ્તી મરોડું એટલી જ વાર છે. એનો બાપ પગે પડતો મારી પાસે આવશે અને હું એના સામ્રાજ્યનો માલિક બની જઈશ.' કરિશ્મા પરસેવે રેબઝેબ થઈ ગઈ. તેને કિશોેરને પકડીને ચાબખા મારવાની ઈચ્છા થઈ. પણ માવિહોણી કરિશ્મા ઝટ સમજદાર થઈ ગઈ હતી. પોતાની જાતને સંભાળતી તે ત્યાંથી ચૂપચાપ સરકી ગઈ.
સાંજે કિશોરનો ફોન આવ્યો ત્યારે કરિશ્મા કાંઈ બન્યું જ ન હોય તેમ તેને મળવા ગઈ. એક એનવલપમાં તેણે પ્રેમપત્રો લઈ લીધાં. ચહેરા પર ગંભીરતા ધારણ કરીને તે કિશોર સામે બેઠી. કિશોર હમેશાંની જેમ તેની સાથે ઉત્સાહથી વાત કરી રહ્યો હતો. પણ કરિશ્માની ગંભીરતાએ તના ઉત્સાહ પર ટાઢુ પાણી રેડી દીધું. 'શું થયું કરિશ્મા?' કિશોરે ચિંતાતુર સ્વરે પૂછ્યું. જવાબમાં કરિશ્માએ પ્રેમપત્રોનું એનવલપ તેની તરફ સરકાવી દીધું. એનવલપ ખોલીને પ્રેમપત્રો જોતાં કિશોર ચોંકી ઉઠયો. 'આનો શો અર્થ છે કરિશ્મા?' તેનો સ્વર ફાટી ગયો. કરિશ્માને ચોખવટ કરવાની જરૂર ન લાગી. તે સંયત સ્વરે બોલી 'કિશોર, હું ઈચ્છું છું કે તું પણ મને મારા પ્રેમપત્રો પાછા આપી દે.' પણ કરિશ્મા...' કિશોર વાક્ય પૂરું કરે તેનાથી પહેલા કરિશ્માં ત્યાંથી ઉઠીને ચાલી ગઈ. કિશોેરને રૃંવે રૃંવે આગ લાગી ગઈ. તેનું સઘળું આયોજન વ્યર્થ ગયું હતું. પ્રેમપત્રો પાછા માગી રહેલી કરિશ્મા પાસેથી કિશોરે સારી એવી રકમ ઓકાવી હતી. આમ છતાં થોડાં પત્રો તો પોતાની પાસે રાખ્યા જ હતા.
એડવાન્સ સ્ટડી માટેના બે વરસના અમેરિકા નિવાસ પછી કૈવલ્ય ભારત પાછો ફર્યો હતો. તેનો જીવ હજી પણ કરિશ્મામાં જ પરોવાયેલો હતો. અમેરિકાથી આવીને તેણે કરિશ્મા વિશે તપાસ કરી. હજી તે કુંવારી હતી.
કૈવલ્યની ઈચ્છા જોઈને તેના માતા-પિતાએ કરિશ્માના પિતા સામે માગું મૂક્યું. એક જ ન્યાતના હોવાના નાતે કરિશ્માના પિતાને કાંઈ વાંધો ન જણાયો. કરિશ્મા પણ કૈવલ્યની પ્રકૃતિથી વાકેફ હતી. તેણે કૈવલ્ય સાથે લગ્ન કરવાની હા પાડી દીધી. બંનેની સગાઈ થવાની વાત મિત્રવર્તુળમાં ફરી વળી. પરંતુ કિશોરે નિર્ધાર કર્યો કે તે કરિશ્માને હાથમાંથી નહીં જવા દે. તેણે કરિશ્માને વારંવાર ફોેન કર્યાં, પણ તેનો નંબર જોઈ કરિશ્મા મોબાઈલ કાપી નાખતી. છેવટે કિશોરે તેને એસએમએસ મોકલ્યો 'તારા થોડાં પત્રો હજી મારી પાસે છે. તને તારું જીવન સુખેથી વિતાવવું હોય તો આજે બપોરે શાલીમાર હોટેલમાં મળજે.''
પણ કરિશ્માએ દ્રઢ નિર્ધાર કર્યો હતો કે તે કિશોરને કોઈ કાળેય નહીં મળે. શાલીમારના બારમા બિઅર પી રહેલા કિશોરે આંગળી ટેઢી કરવાનો પેંતરો શોેધી કાઢ્યો. તેમાં વળી ભાવતુ'તુ ને વૈધે કીધું. કૈવલ્યએ તેને સગાઈમાં આમંત્રણ આપ્યું. સગાઈના દિવસે કરિશ્માના પ્રેમપત્રો ગિફ્ટપેક કરીને કૈવલ્યના હાથમાં મુકતા કિશોરે કહ્યું 'સ્પેશ્યલી ફોેર યુ માય ફ્રેન્ડ'. 'થેંક્યુ', કૈવલ્યએ પણ ઉત્સાહપૂર્વક ઉત્તર વાળ્યો. મૂછમાં હસતાં કિશોરે કરિશ્મા સાથે હાથ મેળવતાં કહ્યું 'કોંગ્રેચ્યુલેશન કરિશ્મા. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. તું ભલે મને ભુલી ગઈ પણ કૈવલ્યએ આટલા વર્ષે ય મને યાદ કર્યો.' કરિશ્માએ કોઈ આઘાતજનક પ્રતિભાવ આપ્યા વિના જ સ્મિત વેર્યું. તેને પોતાને પણ સમજ નહોતી પડતી કે તેનામાં આટલી હિમ્મત, આટલો આત્મવિશ્વાસ ક્યાંથી આવ્યો. તે કિશોેરને જોઈને વિચલીત કેમ ન થઈ.
રાત્રે કિશોરે કૈવલ્યને ફોન કર્યો. 'કેવી લાગી મારી ગિફ્ટ?' 'આનાથી વધારે સારી ગિફ્ટ કોઈ હોઈ શકે જ નહીં કિશોર. કરિશ્માના પ્રેમપત્રો વાંચીને મને ખબર પડી કે મારી વાગદત્તા આટલી બધી રોમાન્ટિક પણ છે. અને મને એ પણ ખબર હતી કે તું આવી ઓછી હરકત કર્યા વિના નહીં રહે. પ્રેમનો ડોળ કરતાં કિશોરની આંખોમાં આળોટતા વાસનાના સાપોલિયા અને કરિશ્માના પિતાની દોલતની લાલચ મેં તારા ચહેરા પર કોલેજમાં જ વાંચી લીધી હતી. સીધીસાદી કરિશ્મા તારી મધઝરતી વાણી અને પ્રભાવશાળી અદામાં ભોળવાઈ ગઈ હતી. કરિશ્માનું બાહ્ય સૌંદર્ય તેના બાળક જેવા નિર્દોષ મનનું દર્પણ છે. હું તેના આંતરિક સૌંદર્યને પ્રેમ કરું છું. અને મહોેબ્બતને જેમની તેમ સ્વીકારી લેવામાં જ તેનું ગૌરવ છે. તો દોેસ્ત... લિવ અસ અલોેન પ્લીઝ.' કૈવલ્યએ એકદમ ઠંડા સ્વરમાં ઉત્તર વાળીને કિશોરને ઠારી નાખ્યો...