વાર્તા : એકલો છોડીને નહીં જા...
- હું તો જાણે સુમનની આંખોથી ખંેચાઈને વિવશ બની રહ્યો હતો પછી ક્યારે શું અને કેવી રીતે બની ગયું, તેની કાંઈ જ ખબર ન પડી. માત્ર ચોતરફ સુમનનો મલકાતો ચહેરો જ દેખાઈ રહ્યો હતો. હું તેની નશીલી આંખોમાં ડૂબતો જતો હતો. તે મારા પર ઝૂકેલી હતી અને મારા હાથ તેના હાથના સહારે જ ફરી રહ્યા હતા. મારી જ જિંદગી મને છેતરી રહી હતી. અને હું છેતરાઈ રહ્યો હતો.
આજે વર્ષો વીત્યાં છે. એકલતાના તાપમાં તપીને સજા ભોગવી રહ્યો છું. એમના આવવાનો કોઈ અણસાર નથી. છતાં રિટાયર થઈને વતનમાં જતો રહું, તે પહેલાં એકવાર મળી લઉં તો......
મળવાની આશા મનમાં જ ભંડારી રાખીને હું રેસ્ટોરાંમાં પહોંચ્યો ત્યારે સામે બેઠેલી સુમન પર નજર પડતાં જ મને ત્યાંથી પાછા વળી જવાનું મન થયું, પરંતુ ચાની તલબને કારણે હું ત્યાંથી પાછો વળી શક્યો નહીં અને ખૂણાના એક ટેબલ તરફ આગળ વધ્યો.
સુમન જ્યારે પહેલી વાર મને આ રેસ્ટોરાંમાં મળી, ત્યારે કેટલી ગભરું હતી! મારી ઓફિસની સામેની જ ઓફિસમાં એ ટાઈપિસ્ટ હતી. આ શહેરમાં તે નવી-નવી આવી હતી એની પિતરાઈ બહેન સાથે શાંતિસદનમાં રહેતી હતી.
વેઈટર મારી સામે ચીઝ સેન્ડવિચ અને ચા મૂકી ગયો. સુમનની પસંદગી ક્યારે મારી પસંદગી બની ગઈ, તે હું આજ સુધી જાણી શક્યો નથી મેં સુમન સામે જોયું, તો તે ચા પી રહી હતી એક સમય એવો હતો કે તે મારા પર વારી જતી હતી, પરંતુ આજે તેને મારા તરફ એક નજર નાખવાનીય ફુરસદ ન હતી. અમારી ઓફિસની નજીક માત્ર આ એક જ રેસ્ટોરાં હતી. નહીં તો કદાચ તે અહીં આવે પણ નહીં. પછી તો અમે બંને દરરોજ આજ રેસ્ટોરાંમાં મળતાં હતાં. અવારનવાર હું તેનાં કામ કરી આપતો અને તેને ધીરજ આપીને સમજાવતો.
થોડા દિવસથી હું તેનામાં અજબ પરિવર્તન જોઈ રહ્યો હતો. તે વાતવાતમાં મારો હાથ પકડી લેતી, તો ક્યારેક મારી પાસે બેસી જઈને મારા ખભે પોતાનું માથું ઢાળી દેતી.
હું મારા મનને જાગ્રત કરી દેતો કે, આ બધું સારું ન કહેવાય. હું પરિણીત હતો અને ૧૬-૧૭ વર્ષની યુવાન દીકરી શાલિનીનો પિતા પણ હતો. મારી પત્ની નાનકડા ગામની ભલીભોળી સ્ત્રી હતી. હું મારા નાના પરિવાર સાથે ખૂબ ખુશ હતો.
એક દિવસ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. આકાશમાં કાળાં ડિબાંગ વાદળ છવાયેલાં હતાં. હું રેસ્ટોરાંમાં લગભગ એકદોઢ વાગ્યે ચા પીવા પહોંચ્યો. અચાનક સુમન પણ આવીને મારી અડોઅડ બેસી ગઈ. હું ચમકીને થોડો દૂર ખસ્યો, ત્યારે તે પણ ખસીને મારી નજીક આવી ગઈ.
હું ઊભો થઈને સામેની ખુરશી પર બેસી ગયો. હું તેને બધું જ ચોખ્ખે ચોખ્ખું જણાવી દેવા માગતો હતો.
આ દરમિયાન મેં જોયું કે તેની આંખો આંસુઓથી છલકાઈ રહી હતી.
''જો સુમન. હું કોઈપણ સ્ત્રીનાં આંસુઓથી ગભરાઉં છું. હું તને કંઈક કહેવા માગું છું.'' મેં તેને ધીમેથી કહ્યું.
''કહો,'' તેણે તેની પર્સમાંથી રૂમાલ કાઢીને આંખો લૂછતાં કહ્યું.
''તને ખબર નથી, પણ હું પરણેલો છું,'' મેં તેની સામે જોઈને કહ્યું.
''તો?''
''મારી ૧૬-૧૭ વર્ષની એક દીકરી પણ છે.''
''તેથી શું?''
''આપણું વર્તન મર્યાદિત હોવું જોઈએ.'' મેં થોથવાતા સ્વરે કહ્યું.
''પણ મેં એવું તે શું કર્યું છે?'' તેણે નીચી નજરે જ પૂછ્યું.
''હું એમ કહેવા માગું છું કે.........''
''તમે મને ગમો છો. એ શું મારો ગુનો છે?'' તેણે મારી આંખોમાં આંખો પરોવીને પૂછ્યું.
''હું તારાથી ઉંમરમાં ઘણો મોટો છું.''
''તો શું થઈ ગયું?''
''મારું પોતાનું કુટુંબ છે.''
''એનો મતલબ એ થયો કે હું તમારી સાથે વાત પણ ન કરું?''
''ના, હું એમ નથી કહેતો...... પરંતુ આપણો ઘરોબો વધારે ન થાય, તે જ આપણા બંનેના હિતમાં છે.''
તે દિવસે ચા પીધા વિના જ તે ઊભી થઈ ગઈ. પછી તે ચાર-પાંચ દિવસ સુધી રેસ્ટોરાંમાં આવી જ નહીં.
ઘણીવાર મને ઈચ્છા થઈ આવી કે જઈને તપાસ કરું કે માંદી તો નથી પડી ગઈ ને, પણ મેં મારી જાત પર કાબૂ રાખ્યો.
એક દિવસ ઓફિસથી છૂટયા પછી એક છોકરાએ મને એક કવર આપ્યું, તેમાં એક ચિઠ્ઠી હતી, જેમાં લખ્યું હતું, નીચેના સરનામે આવી જશો.''
મેં ચિઠ્ઠી ફાડીને ફેંકી દીધી અને હું ઘર તરફ જવા લાગ્યો. મારા મગજમાં વિચારોનું તોફાન મચ્યું હતું. રસ્તામાં અચાનક મનમાં કશુંક નક્કી કરીને મેં સુમનના ઘર તરફ સ્કુટર વાળી દીધું. તેના ઘરે પહોંચતાં જ મને લાગ્યું કે જાણે હું સ્વપ્ન લોકમાં પહોંચી ગયો હોઉં.
ગુલાબી નાઈટીમાં સુમન મારી સામે ઊભી હતી. મારા અંતર-મનમાંથી જાણે કે કોઈ ચેતવી રહ્યું હતું કે, 'પાછો વળીજા, તારા માટે આ સારું નથી. ચોક્કસ કશુંક ખોટું પરિણામ આવશે.'
હું તો જાણે સુમનની આંખોથી ખંેચાઈને વિવશ બની રહ્યો હતો પછી ક્યારે શું અને કેવી રીતે બની ગયું, તેની કાંઈ જ ખબર ન પડી. માત્ર ચોતરફ સુમનનો મલકાતો ચહેરો જ દેખાઈ રહ્યો હતો. હું તેની નશીલી આંખોમાં ડૂબતો જતો હતો. તે મારા પર ઝૂકેલી હતી અને મારા હાથ તેના હાથના સહારે જ ફરી રહ્યા હતા. મારી જ જિંદગી મને છેતરી રહી હતી. અને હું છેતરાઈ રહ્યો હતો.
રાત્રે અગિયાર વાગ્યાના ટકોરા સાંભળી હું ઝબકીને જાગી ગયો. સુમન મને વેલની માફક વીંટળાઈને સૂતી હતી. અચાનક ભૂલનું ભાન થતાં મેં સુમનને એક જ ઝાટકે દૂર કરીને હાથ-મોં ધોયાં અને કપડાં સરખાં કરીને કશું જ બોલ્યા વિના હું ત્યાંથી નીકળી ગયો.
મારી દીકરી અને પત્ની બન્ને ચિંતાતુર હતી કેમ કે હંુ ક્યારેય આટલે મોડે સુધી કારણ વિના ઘરની બહાર નહોતો રહ્યો. હું ચૂપચાપ કશું જ કહ્યા વિના મારા રૂમમાં ચાલ્યો ગયો.
થોડીવાર પછી પત્નીએ આવીને કહ્યું, ''આજે બહુ મોડું થઈ ગયું? શાલિની પણ નથી જમી. ચાલો, જમીલો, ''મને ભૂખ નથી. તમે જમી લો.' મેં ધીમેથી કહ્યું.
થોડીવાર ઊભી રહીને તે ચાલી ગઈ. બીજા દિવસે હુ ંઊઠયો, ત્યારે મારું માથું ભારે ભારે લાગતું હતું. ગઈ કાલે સાંજે મેં જે કર્યું હતું, તે બધું મને યાદ આવતું હતું. મનમાં પારાવાર પસ્તાવો પણ થતો હતો કે, હું ત્યાં ગયો જ શા માટે?
તે દિવસે હું ઓફિસે ન ગયો. બીજા દિવસે પણ ન જઈ શક્યો. ત્રીજા દિવસે ઓફિસે ગયો તો ખરો, પણ રિસેસમાં ચ્હા પટાવળા પાસે ટેબલ પર મંગાવી લીધી. સાંજે ઓફિસેથી છૂટીને ઘેર જવા માટે જ્યારે સ્કૂટર સ્ટાર્ટ કરતો હતો ત્યારે જ કોઈકનો હાથ મારા ખભા પર મુકાયો. મેં પાછળ ફરીને જોયું, તો સુમન ઊભી હતી. તેણે હસીને પૂછ્યું, ''આજે રેસ્ટોરન્ટમાં કેમ ન આવ્યા?''
''અમસ્તોજ....''
''મારાથી નારાજ છો?''
''ના.''
''તો ચાલો, ઘરે જઈએ. ચા અને ભજિયાં ખાઈશું.''
સ્કૂટર સ્ટાર્ટ કરતાં મેં 'ના' તો કહી, પરંતુ ત્યાં સુધીમાં તો તે મારી પાછળની સીટ પર બસી ગઈ હતી. તેણે જ્યારે પ્રેમથી ''મને ઘેર મૂકી જાવ.'' કહ્યું, ત્યારે હું મારી જાત પર કાબુ રાખી શક્યો નહીં.
આ પછી હું અને સુમન રોજ ૧૦-૧૧ વાગ્યા સુધી સાથે રહેવા લાગ્યાં. મારા વર્તનમાં આવેલું આ પરિવર્તન મારી પત્ની ચૂપચાપ જોતી અને સહન કર્યે જતી હતી.
મારી દીકરીથી આ સહન ન થયું. એક દિવસ તેણે મને ટકોર કરતાં કહ્યું, ''પપ્પા...''
''હૂં'' મેં બેદરકારીથી કહ્યું.
''આજકાલ તમારી ઓફિસમાં રોજ મોડે સુધી કામ રહે છે?''
''હા'', કહીને હું રૂમમાં જવા લાગ્યો.
''આજે તો તમે પાંચ વાગ્યે જ નીકળી ગયા હતા.'' તે મારી સામે આવીને ઊભી રહી ગઈ.
''હા... હા... આજે તો હું મારા એક મિત્રના ઘરે ગયો હતો. જીભના લોચા વાળતાં મેં જવાબ આપ્યો.
''પણ તમે તો દરરોજ પાંચ વાગ્યે જ છૂટી જાવ છો અને ઘેર તો તમે...''
''બસ, બસ હવે બકવાસ બંધ કર. તું મને કોણ પૂછવાવાળી? તે આગળ કંઈ બોલે તે પહેલાં જ હું ગુસ્સે થઈ ગયો.
''હું બધું જ જાણું છું.'' તેણે ધીમા અવાજે કહ્યું.
''તો?'' સુમનના પ્રેમનો જાદૂ મારા દિલોદિમાગ પર સવાર થઈ ગયો હતો.
''પપ્પા, તમે જે કરી રહ્યા છો, તે સારું નથી. મમ્મી ચૂપ રહી શકે છે, હું નહીં.'' પડકાર ફેંકતાં તે બોલી.
મને તેના ગાલ પર એક તમાચો ચોડી દેવાની ઇચ્છા થઈ આવી.
એટલામાં તે જ બોલી ઊઠી, ''હું આવા વાતાવરણમાં વધારે વખત નહીં રહી શકું.''
''તો રવાના થા અહીંથી હું ક્યાં તમને રોકી રહ્યો છું?'' મારો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો.
શાલિનીની ચહેરો એકદમ ઉતરી ગયો. મારી વહાલી દીકરીની આંખોમાં આંસુ આવી ગયાં હતા, પરંતુ મારા માથે તો પ્રેમનું ભૂત સવાર થઈ ગયું હતું, એટલે હું જોયું ન જોયું કરીને મારા રૂમમાં ચાલ્યો ગયો. એજ સમયે મારી પત્ની બારણા પાછળથી નીકળીને રસોડામાં ચાલી ગઈ.
બીજા દિવસે સવારે આંખો ઉઘડી, ત્યારે ઘરમાં નીરવ શાંતિ પથરાયેલી હતી. મેં મારી પત્નીને બૂમ પાડી, પણ કોઈ જવાબ ન મળ્યો.
દીકરીને બૂમ પાડી, તોપણ નીરવ શાંતિ જ ફેલાયેલી રહી મેં વિચાર્યું કે, ક્યાંક ગઈ હશે, આવી જશે.
આ દરમિયાન હું ફટાફટ તૈયાર થઈ ગયો. ઓફિસે જતા, બાજુના ઘેર ચાવી આપતો ગયો.
રાત્રે ઘેર આવતાં અગિયાર વાગી ગયા હતા. ઓફિસમાં વિચારેલું કે આજે જલદી ઘેર પહોંચી જઈશ, પરંતુ નીકળતી વખતે જ સુમન મળી ગઈ હતી, તેથી જાણે હું બધું જ ભૂલી ગયો હતો.
ડોરબેલ પર આંગળી મૂકીને સતત ઘંટડી વગાડયા કરી, પણ અંદરથી કોઈ જવાબ ન મળ્યો, એટલે ગુસ્સાથી મેં જોરજોરથી બારણું ખખડાવવા માંડયું. મારા ઘરનું બારણું તો ન ખૂલ્યું, પણ પડોશમાં રહેતા કેશવલાલ બહાર નીકળ્યા અને મને ચાવી આપતાં બોલ્યા, ''ભાભી કે શાલિની બન્નેમાંથી કોઈ જ આવ્યું નથી.'' હું તેમની સામે કશું બોલું, તે પહેલાં જ એમણે પોતાના ફલેટનું બારણું બંધ કરી દીધું હતું. હું સૂતો-સૂતો વિચારતો રહ્યો કે, હવે તો કોઈ રોક-ટોક કરવાવાળું રહ્યું નહોતું, એટલે કાલે જ સુમનને અહીં લઈ આવીશ.
બીજા દિવસે સુમનને હું ખુશખબર આપવા દોડી ગયો, પણ તે મારી સાથે આવવા તૈયાર નહોતી તેણે મને ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું. કે, ''એ તમારી પત્નીનું ઘર છે. હું ત્યાં કોઈ પણ સંજોગોમાં આવીશ નહીં.' તેણે મને સમજાવી દીધું કે જો હું તેની સાથે રહેવા ઇચ્છતો હોઉં, તો મારે તેના માટે અલગ મકાન ખરીદવું પડશે. થોડો વિચાર કર્યા બાદ દીકરીને પરણાવવા માટે ભેગા કરેલા ૨૦ લાખ રૂપિયાથી મેં બીજો ફલેટ ખરીદવાનું નક્કી કર્યું.
આમ, થોડા દિવસમાં જ બે રૂમ-રસોડાનો નવો ફલેટ ખરીદીને હું સુમન સાથે ત્યાં રહેવા લાગ્યો. જેનું મકાન બંધ હતું.
નવા ફલેટમાં સુમન સાથે રહેતાં લગભગ ત્રણ વરસ વીતી ગયાં. આ દરમિયાન સુમન ખૂબ ચબરાક અને બહાદૂર થઈ ગઈ હતી. હું તો તેને પહેલાં કરતાં પણ વધારે ચાહવા લાગ્યો હતો, પરંતુ થોડા દિવસથી એવું લાગતું હતુ ંકે તેના અને મારા વચ્ચેનું અંતર વધી રહ્યું હતું તે કંઈક ખિજાયેલી જણાતી હતી.
ફેરવીફેરવીને પૂછ્યું, તો તેણે કહ્યું કે, ''તમારી સાથે સ્કૂટર પર જવામાં થોડો સંકોચ થાય છે. થોડા પૈસા હોત, તો આપણે એક કાર ખરીદી લેત.''
''પણ હું તો તને પૂરો પગાર હાથમાં આપી દઉં છું,'' મેં વિવશતાથી કહ્યું :
''ખોટું ન લગાડો. તો એક વાત કરું, તે મારા ખભે માથું ટેકવતાં બોલી.
''બોલ.''
''આપણે જૂનું મકાન વેચી નાખીએ.''
''શું...?''
''હવે તમારી પત્ની તો આવશે નહીં, મકાન બંધ રહે, તેના કરતાં તો એના પૈસા ઊભા થઈ જાય, એ વધારે સારું છે.''
''ના,'' મેં થોડો ગુસ્સો જાહેર કર્યો. તો તે નારાજ થઈને ઊભી થઈ ગઈ. આ પછી તેણે એક અઠવાડિયા સુધી મારી સાથે અબોલા રાખ્યા. મેં તેને મનાવવાનાં ઘણા પ્રયત્નો કર્યાં, પણ તેણે તેની હઠ ન છોડી.
આખરે હારીને મેં નમતું જોખ્યું. મનમાં ઉઠેલી શંકાને ડામવા મનને પણ મનાવી લીધું કે હવે તો મારે તેની સાથે જ આખી જિંદગી ગાળવાની છે, તો શું કામ તેને નારાજ કરું?
મકાન વેચવાની વાત મેં લોકો વચ્ચે વહેતી મૂકી. એક-બે ગ્રાહકો સાથે પ્રાથમિક વાત પણ થઈ હતી. જૂના મકાનમાં બે રૂમ અને પરશાળ તેમજ આગળ ખુલ્લો ચોક હતાં. સોદો લગભગ ત્રણ લાખમાં પતે તેમ હતું. આ વાત જણાવવા મેં સુમનની ઓફિસે ફોન કર્યો, તો જાણવા મળ્યું કે તે આજે વહેલી ઘેર જવા નીકળી ગઈ હતી. મેં પણ ઉત્સાહમાં આવી જઈને અડધા દિવસની રજા લઈ લીધી. હું સુમન પાસે પહોંચવા ઝડપથી પગથિયાં ચઢી રહ્યો હતો. ત્યાં જ સુમનનું મુક્ત હાસ્ય પગથિયાં પર જ સંભળાયું. સાથે સાથે મારા મિત્ર રાકેશના હસવાનો અવાજ પણ આવ્યો. અમે ત્રણેય ઘણીવાર સાથે જ સાંજ વિતાવતાં હતાં. હું દરવાજા પર જેવો હાથ મૂકૂં, ત્યાં જ સુમનનો અવાજ સંભળાયો, ''શું કામ ચિંતા કરે છે? ગાડી તો આવી જવા દે. પછી આપણે ફટાફટ લગ્ન કરી લઈશું.''
''અને આપના અનુભવી આશિકનું શું થશે?'' રાકેશે હસતાં હસતાં પૂછ્યું.
''સાવ બેવકૂફ છે એ. અરે, જે પોતાની પત્ની અને દીકરીનો ન થયો, તે મારો ક્યાંથી થવાનો? હું એને ચાહું છું એવું માનીને ફરનારાને એટલીય ખબર નથી કે એ મારા બાપ જેવડો છે.'' સુમનના શબ્દો પૂરાં થતાં જ બન્ને ખડખડાટ હસી પડયાં.
મેં પગની લાત મારીને દરવાજો ખોલી નાખ્યો. મને સામે ઊભેલો જોઈને પહેલાં તો એ બન્ને ડઘાઈ ગયાં. હું સુમન પાસે જઈને બેઠો અને તેનો હાથ પકડી રૃંધાયેલા સ્વરે મેં કહ્યું, ''મેં તને પ્રેમ કર્યા, આ ઘર આપ્યું. હું તારી આગળ હાથ જોડું છું. તું મને આમ એકલો છોડીને ક્યાંય ના જઈશ.''
''કહું છું, મારો હાથ છોડો તમે જ્યારે બધું સાંભળી જ લીધું છે, ત્યારે એ પણ જાણી લો કે હું અને રાકેશ એક જ અઠવાડિયામાં પરણી જવાનાં છીએ અને તમે અમારી વચ્ચેથી ખસી જાવ, એ તમારા હિતમાં છે.'' તેણે ધિક્કારપૂર્વક બોલતાં કહ્યું.
''તું... તારા માટે મેં મારું ઘર બરબાદ કર્યું,'' હું મિજાજ ગુમાવી બેઠો હતો, ''નીકળી જા, મારા ઘરમાંથી.''
''વાહ... '' તે ખંધું હસી. ''તમે કદાચ ભૂલો છો કે આ ઘર મારા નામે છે. હું જ આ ઘરની માલિક છું. તમે ચાલ્યા જાવ અહીંથી અને ફરી ક્યારેય તમારું ડાચું ન બતાવશો,'' આટલું કહીને તે રાકેશની બાજુમાં જઈને ઊભી રહી ગઈ. હતાશ નજરે મેં તેની સામે જોયું, ત્યારે તેણે મોં ફેરવી લીધું. હું ભાંગેલા હૈયે અને લથડતા પગે પગથિયા ઉતરી ગયો. બધું જ લૂંટાઈ ગયા પછી પ્રેમાળ પત્ની અને વ્હાલસોયી દીકરીની યાદ તાજી કરતો હું મારા જૂના ઘરે ચાલ્યો ગયો. મનમાં ઊંડે ઊંડે પણ એમ થયું કે ક્યારેક એ બન્ને ઘેર પાછાં ફરશે અને મને માફ કરી દેશે. આશાનો આ એક જ તંતુ મનેઆજ સુધી જીવવાની અને કામ કરવાની શક્તિ આપતો રહ્યો છે. ખબર નહીં, આ પ્રતીક્ષા ક્યારે પૂરી થશે કે પછી મેં આપેલાં દગા બદલ મને દગાબાજ કહીને જિંદગીભર ધુત્કારતા રહેશે.