વાર્તા : દિલજલે .
- જેમ જેમ દિવસો વીતતા ગયા, એમ વૃતાસુરની વૃત્તિ પણ આટાપાટા ખેલવા લાગી હતી. દિવસોના દિવસો એ કામકાજનું બહાનુ કાઢી બહાર રહેવા લાગ્યો હતો. જોતજોતામાં એક વર્ષ વીતી ગયું. મારા સાસુમાને દાદીમા બનવાની ઉતાવળ હતી, પરંતુ વૃતાસુર અને મારી વચ્ચે સૈયાસંગાથ સમાપ્ત થઈ ગયો હતો..! સ્વપ્નોનો પારો હાથથી ઢળી ગયો હતો..!
સોનવર્ણી યાદોની પાંદડીઓ ધીમે ધીમે થઈ ગઈ રક્તવર્ણી
ભૂલું તો કેમ ભૂલું, ભલે રહેતી આંખડી અશ્રુભીની
સમજાતું નથી કોનું વર્તન અંતરના અમીરસ ગયું શોષી
જિરવાતુ નથી ચઢેલું ઝેર હવે કણ કણમાં ગયું વ્યાપી
બેસૂરાં વાદ્યો વગાડુ તો કેમ વગાડુ ધૂ્રજતી અંગુલિથી
મૃતપાય પડેલી અંગુલિના નર્તન લાવું તો લાવુ ક્યાંથી
એમની કેળવણી મહા વિદ્યાસંકુલનું ઇન્સ્પેક્શન સુખરૂપ પૂર્ણ થઈ ગયું. કેન્દ્રની ટીમ નીકળી ગઈ એટલે પ્રિશા અને ધુમ્રકેશાએ એકબીજાને અભિવાદન આપી, શિસ્ટાચાર વ્યક્ત કર્યો. દશ પંદર મિનિટ આમ તેમ ગપસપ કરી, ધુમ્રકેશા બોલી,
'પ્રિશા, હું નીકળું છું મારાં નણંદ અને નણદોય યુએસએથી આવે છે. મારે તેમને રિસીવ કરવા એરપોર્ટ પહોંચવું છે.' કહી ધુમ્રકેશાએ પ્રિશાની રજા લીધી.
ધુમ્રકેશા જતાં પ્રિશાએ વોલક્લોક તરફ નજર કરી. બે વાગ્યાનાં ટકારા પડયા. સંકુલનાં અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને અન્ય સૌ કર્મચારીઓ, ધીમે ધીમે પટાંગણ છોડી બહાર જવા નીકળ્યા હતા. પ્રિશા સ્વગત બોલી, 'આજે શનીવાર છે.. આવતી કાલે પણ રજા છે. યંત્રવત દોઢ દિવસ પતાવવો પડશે.' એ પોતાના સ્ટાફ ક્વોટરમાં આવી. એની પાછળ, ટિફિનબોય પણ ટિફિન લઈને આવી ગયો. લંચને ન્યાય આપી એણે પોતાનું લેપટોપ ખોલ્યું..! એકાદ કલાક પછી એ સોફાચેર ઉપર પગ લંબાવી આંખ બંધ કરી બેઠી.. એણે આજે સવારે વાંચેલો એક ફકરો વાગોળ્યો.. 'કોઈપણ પ્રત્યે પોતાની આશિકી એટલી બધી ફૂલાવવી નહીં કે તેની હવા નીકળી જાય, ત્યારે દિલજતા જીવન, પરવશ બની જાય..!' પ્રિશાએ નિશાષો નાંખ્યો. ફરીથી આંખો બંધ કરી.
'હા.. મારી ભૂતકાળની પતિ પ્રત્યેની નજદિકિયા, મારી બેચેની જ બની ગઈ છે ને મારું સાફ દામન મેલું બની ગયું હતું. લોકો મારા દામનને ધિક્કારે તે પહેલા મારું મારા પ્રેમસ્વરૂપને બદલવું જોઈતું હતું, પરંતુ હું એમ કરી શકી હતી નહીં, આખરે જિંદગી જાણે મૃઘતૃષ્ણા સમાન બની ગઈ હતી.' અચાનક એની વિચારશૃંખલા તૂટી. કોલબેલ રણક્યો. એ ઉડી. ટિફિનબોય ખાલી ટિફિન લેવા આવ્યો હતો. એણે ફરીથી બારણું બંધ કર્યું. ડોરનાં ત્રણેય લોક એક પછી એ બંધ થઈ ગયા કારણ સાંજે ફરીથી આ છોકરો ડીનર લઈ આવશે ત્યાં સુધી એના ક્વાટર ઉપર કોઈ આવતું નથી.
અચાનક એના લેપટોપ ઉપર એક પછી એક સાત તસવીર ફ્લેશ થઈ. બધી તસવીર ધીમે ધીમે ડાઉનલોડ થઈ ગઈ. પ્રિશાએ એક પછી એક બધી તસવીર તરફ નજર કરી 'કોણ છે, આ બધાં? ધુમ્રકેશાએ એ બધી તસવીર મને શા માટે મોકલી હશે? કદાચ એની ભૂલ તો થઈ નથી ને..! આમ પણ એ ભલે ચીફ જનરલ મેનેજર જેવા સિનિયર હોદ્દા ઉપર કામ કરે છે, પરંતુ એ મારા ઉપર વધારે અવલંબન રાખે છે..! આજે પણ સંકુલનું ઇન્સ્પેક્શન પૂર્ણ થયા પછી એ ક્યાં બોલી નહીં હતી, 'યાર પ્રિશા..! તારે જીએમ નહીં, ચીફ જીએમ બનવું જોઈએ..' અ..ને.. એ મરક મરક હસી. મારા ગાલો ખણવા લાગી હતી..! ધીમે ધીમે બધી તસવીર ડાઉનલોડ થઈ ગઈ. આખરે ધુમ્રકશાએ લખ્યું હતું, 'મા મારાં નણંદ નણદોયની તસવીરો છો..! પંદર દિવસ માટે આવ્યાં છે, તે પછી દિલ્હી જશે.. ત્યાંથી યુએસએ જશે..!'
પ્રિશાની નજર સમક્ષ હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું..! એણે ધુમ્રકેશાનાં નણંદ નણદોયનો ક્લોઝ્ડ સ્નેપ એનલાર્જ કર્યો.. એ તસવીર જોઈને એની આંખો ફાટીને જાણે ફાડચાં થઈ ગઈ..! એ સ્વગત બોલી, 'ઓહ..! તો ધુમ્રકેશાનો નણદોય એ ચિત્રકેતુ છે..! અ..ને.. આ .. એની નણંદ છે..' પ્રિશાએ પોતાનું લેપટોપ બંધ કર્યું. એ સોફા ઉપર આડી પડી..! હવે એને રિસ્ટવોચનો ટીક ટીક કરતો અવાજ પણ કર્કશ લાગ્યો. એણે રિસ્ટવોચ છોડી, સાઈડડ્રોવરમાં મૂક્યું અને ડ્રોવર બંધ કર્યું.. પેલો અવાજ હવે મંદ તો પડયો, પરંતુ બંધ નહીં થયો.. હા..! અંતરના દરવાજા બંધ કરવાથી, વિસરાયેલા પડછાયા વિલિન થતા હોત તો આજના જગતમાં મારા જેવા દિલજલે પાત્રો, ઉદાસીના ઉદ્ધીમાં ડૂબકી થોડાં ખાતે..! એનાથી આંતરિક બાહ્ય ઉષ્મા સહેવાય નહીં. એણે એર કન્ડિશનર વધુ તેજ કર્યું. કોલેજ કેમ્પસનાં ક્લોકમાં ત્રણનાં ટકોરા પડયા. એણે લીંબુપાણી પીધું. હવે એની જીવનવીણાનાં વિસરાયેલા સૂર ફરીથી નાચવા લાગ્યા..! એક સાથે મધુરધ્વનિ કરતાં વાદ્યોની માફક પ્રિશાની ભીતરથી પણ વાદ્યસમાન છૂપાયેલાં પાત્રો બહાર આવ્યાં.. સૌ જાણે એ ને કંઈક કહેવા આતુર હતાં..! સૌને વિદાય કરી એણે વૃતાસુર અને ચિત્રકેતુને સમીપ બેસાડયા..! પ્રિશા બોલી..! ભૂતકાળનો ભરડો એને પસંદ પડયો..!
''હું, વૃતાસુર અને ચિત્રકેતુ એક સાથે એડમિનિસ્ટ્રેસન ફેકલ્ટીમાં અભ્યાસ કરતાં હતાં. કોલેજમાં સૌ અમારી દોસ્તીની કસમ ખાતાં હતાં. એમાં પણ જ્યારે બેચલર્સનાં અંતિમ દિવસોમાં કોલેજ મ્યુઝિકલ નાઇટમાં અમે ત્રણેયે ગાયેલું નસીબ ફિલ્મનું ગીત, 'જિંદગી ઇન્તેકામ લેતી હૈં, દિલજનોં કી જાન લે..તી.. હૈ..' પછી તો સહ વિદ્યાર્થીઓમાં ગણગણાટ શરૂ થઈ ગયેલો.. આ બંને પૈકી કોની ગલીમાં પ્રિશાના કદમ પડશે..! કહેવું મુશ્કેલ છે..!
હું તો બાલ્યાવસ્થાથી જ એક એનજીઓની હોસ્ટેલમાં ઉછરી હતી. મારા માટે ના તો કોઈ પરિવાર હતો, ના તો કોઈ મેળાવડા હતા. મારું સર્વસ્વ તો ચિત્રકેતુ અને વૃતાસૂર જ હતા. કોલેજનાં ચારેય વર્ષો દરમિયાન જ્યારે પણ લાંબી રજા પડતી ત્યારે ક્યાં તો હું વૃતાસુરને ત્યાં કે ચિત્રકેતુને ત્યાં જતી હતી અને પરિવારના સૌને પોતાના સ્વજન ગણી પ્રેમ કરતી..!
બેચલર્સના વેકેશનમાં હું વૃતાસુર સાથે એના ગામ નવસારી ગઈ હતી. અ..મે.. બંને એક મહિનો ત્યાં રહેવાનાં હતાં. સામાન્યત: ઉનાળુ વેકેશનમાં સર્વત્ર લગ્નમંડપો મંડાય છે..! વૃતાસુરનો પરિવાર આમ તો નાનો, પરંતુ એનાં પિતાનો દબદબો સર્વત્ર ફેલાયેલો હતો..! સમાજમાં એમનું સ્થાન ગૌરવવંતું હતું.
વૃતાસુરનાં પિત્રાઈભાઈનાં લગ્ન લેવાવાનાં હતાં. લગ્નપ્રસંગ હોવાથી તેમના તથા વૃતાસુરનાં બંગલે અવરજવર વધી ગઈ હતી. તે દિવસે વૃતાસુરનાં ભાઈનાં લગ્ન અટોપાઈ ગયાં હતાં એટલે ચોથા દિવસે તેઓ સૌ ડિનર લેવા આવ્યા હતા. વાતવાતમાં વૃતાસુરનાં કાકા બોલ્યા હતા.
'જુઓ, મારી ગુણીયલ વહુની બહેન પણ એન્જિનિયર થયેલી છે. મારી ઇચ્છા તેની સાથે વૃતાસુરનું સગપણ કરવાની છે. તમે સૌ જરા વિચાર કરી જો જો..! તે છોકરી પણ લગ્નમંડપમાં હરતી ફરતી હતી ત્યારે આપણએ સૌ એ તેને જોઈ હતી..' વિચારીને મને જવાબ આપજો.
'અ..રે.. દેવરજી.., એમાં વિચારવાનું શું હોય..? મ..ને..તો..તે દીકરી ખૂબ ગમી હતી..! મેં તો હસતાં હસતાં તમારા ભાઈને કહ્યું પણ હતું, કે તે વૃતાસુરનાં લાયક છે..!' વૃતાસુરની હરખઘેલી માતા બોલી હતી..
તે દિવસે વાતચીત વધી ગયેલી.. વૃતાસુર તો નારાજ થઈ સૌનો ચર્ચાચોરા છોડી પોતાનાં કમરામાં ચાલી ગયો હતો.
ખુશનુમા પ્રભાતે ઉઠી મેં વૃતાસુરનો ઓરડો નોક કર્યો હતો. અંદરથી કોઈજ ઉત્તર મળ્યો ન હતો..! મેં ધીમેથી, પરંતુ ધૂ્રજતા હાથે બારણું ખોલ્યું હતું..! ઓરડો અંધકારમાં લિપ્ત હતો.. મેં વૃતાસુરની મમ્મીને બૂમ પાડી કહ્યું હતું, 'આન્ટી, વૃતાસુર ઓરડામાં નથી..'
વૃતાસુરનાં પિતાએ તેને ફોન જોડયો હતો. ત્રણ કે ચારેક પ્રયત્ન પછી તેણે ફોન ઉઠાવ્યો હતો અને બોલ્યો હતો, 'પપ્પા હું વલસાડ આવ્યો છું..! મારાં લગ્નનો પ્રસ્તાવ મને માન્ય નથી....'
'અ..રે.. પણ, બેટા..! એ તો પ્રાથમિક વાતચીત હતી.. તારી ઇચ્છા જાણ્યા વિના હું તારા કાકા સમક્ષ હા થોડો બોલતે..! તારી જેવી ઇચ્છા હોય, તેવી તું જણાવજે..! તું સત્વરે નવસારી આવી જા..! ખોટી ચિંતા રાખીશ નહીં..'
બપોરે વૃતાસુર નવસારી આવી ગયો હતો. મેં એને સમજાવવા કોશિશ કરી હતી, પરંતુ તેનું મન પીગળ્યું ન હતું. મેં એને અમારી દોસ્તીનાં સોગંદ દીધાં ત્યારે તે માંડ બોલ્યો હતો, 'પ્રિશા, હું તને પસંદ કરું છું..! શું તું મારી જીવનસારથી બનવા તૈયાર છે? મારા જીવનરથનાં મનરૂપી અશ્વો બહુ તોફાની છે..! જો મારા જીવનરથની ગગરી તારા જેવી સમજુ જીવનસંગિનીની ખાંધ ઉપર નહીં હશે તો મારો રથ અધવચ્ચે ભાંગી પડશે.. જો તું મારી હિતેચ્છુ હોય તો મને પસંદ કરી લે.'
વૃતાસુરનો પ્રસ્તાવ આકસ્મિક હતો. હું ક્ષણભર હચમચી ગઈ હતી, પરંતુ પ્રેમાળ પરિવારની પ્રીતની દોરીએ મને બાંધી દીધી હતી..! તાબડતોબ ઘડિયાં લગ્ન લેવાય ગયાં હતાં. અ..મે.. બંને એક વીક બેન્કોક ફરવા ગયાં હતાં. પરિવારની ઇચ્છાને આધીન અમારે ત્યાંથી ઈટલી જવું પડયું હતું. એક મહિના પછી અમે પરત નવસારી આવી ગયાં હતાં.
મેં અને વૃતાસુરે હવે માસ્ટર્સ કરવાનો વિચાર મુલતવી રાખ્યો હતો. વૃતાસુર તો એના ફેમિલી બિઝનેસમાં વ્યસ્ત થઈ ગયો હતો.
હવે અમારો સંપર્ક અમારા મિત્ર ચિત્રકેતુ સાથે પણ હાય હલોનો રહી ગયો હતો..! આ..ને.. ચારેક મહિના પછી તેના ઉપર પણ પૂર્ણવિરામ મૂકાય ગયો હતો. જેમ જેમ દિવસો વીતતા ગયેલા, એમ વૃતાસુરની વૃત્તિ પણ આટા પાટા ખેલવા લાગી હતી. દિવસોનાં દિવસો એ કામકાજનું બહાનુ કાઢી બહાર રહેવા લાગ્યો હતો. જોત જોતામાં એક વર્ષના વહાણાં વાયાં હતાં. મારા સાસુમાને દાદીમા બનવાની ઉતાવળ હતી, પરંતુ વૃતાસુર અને મારી વચ્ચે સૈયાસંગાથ સમાપ્ત થઈ ગયો હતો..! સ્વપ્નોનો પારો હાથથી ઢળી ગયો હતો..!
વેડિંગ એનિવર્સરીનો દિવસ વનવગડાનાં સૂકાં પાંદડાંની જેમ મેં વીતાવ્યો હતો. પરિવારમાં હવે આપસમાં ગૂસપૂસ થવા લાગી હતી. સૌને હવે વહેમ પડી ગયો હતો કે અમારી બંને વચ્ચે તનમેળ અને મનમેળનો સેતુ ભાંગીને ભૂકો થઈ ગયો છે..!
લગ્નની બીજી એનિવર્સરી આવી હતી..! વૃતાસુરની ઇચ્છા હતી કે અમે બંને અમારી બીજી વેડિંગ એનિવર્સરી ગોવા ઉજવીએ..! મારો ભીતરથી એક આશાનો અંકૂર ફૂટયો હતો..! મને લાગ્યું હતું કે ગોવાનાં ઉદ્ધીનાં વારિ નવી ભરતી લાવશે..! હું અને વૃતાસુર સુરતથી પ્લેનમાં ગોવા પહોંચી ગયાં હતા. દિવસ આખો સ્વિમિંગ, કસિનો ગેમ્બલિંગ, નાઈટ પાર્ટી સેલિબ્રેસન વગેરેમાં વીતી ગયો હતો. રાત્રીનાં દશેક વાગ્યા હતા..! વૃતાસુરે મને કહ્યું હતું, 'પ્રિશા..! સા..મે.. જો..! ચિત્રકેતુ અહીં ક્યાંથી?' 'હાં..! લાગે તો ચિત્રકેતુ..!' મેં કહ્યું હતું.'તો નાલાયક, બદ્ચલન..! તેં એ..ને..તારા રંગની રોનક વધારવા બોલાવ્યો છે, કેમ?' એણે મારા ઉપર હાથ ઉગામી કહ્યું હતું.
રડમશ ચહેરે હું અમારા રૂમમાં આવી ગઈ હતી..! મારા ચારિત્ર્ય ઉપર થયેલી એ જીવલે દુ:ખ ઝીરવવો મુશ્કેલ હતો.
રાત્રીના બે વાગ્યા હતા. મેં વૃતાસુરની બહુ રાહ જોઈ હતી, પરંતુ વૃતાસુરના દુર્લભ દર્શનનો લહાવો મળ્યો ન હતો..! અમે એક વીક ગોવા રોકાયાના હતા, પરંતુ વૃતાસુર વિના વધુ સમય બરબાદ નહી કરવાનું મને યોગ્ય લાગ્યું હતું. મેં રૂમ છોડી દીધો હતો. રિસેપ્સન કાઉન્ટર ઉપર આવી મેં એકાઉન્ટ સેટલ કર્યો હતો. અચાનક ચિત્રકેતુ મારી પાસે આવી બોલ્યો હતો..
'પ્રિશા..! હા..વ.. આર યુ..! વ્હેર ઈઝ યોર બીલવ્ડ વૃતાસુર.'
'તને ખ..બ..ર.. દર્શના તારા દોસ્તની..!' મેં ગુસ્સો કરી કહ્યું હતું.
'પ્રિશા.. પ્લીઝ..! ડોન્ટ મીસ ક્વોટ મી..! આ..વ.. સામે વેઈન્ટિંગ હોલમાં બેસીએ..!' તે બોલ્યો હતો..! અ..મે.. સામ સામે સોફા ઉપર ગોઠવાયાં હતાં. એ..ણે.. અમારા બંને માટે સોફ્ટ ડ્રીંક ઓર્ડર કર્યું હતું.
'બહુ ઉતાવળ કરી, તેં પ્રિશા..! તારા જેવી નિર્દોષ હરણી માટે તે લાયક હતો નહીં..! મિત્ર મારો, પરંતુ તેણે તારી સાથે લગ્ન કરવા પહેલાં મને પણ જાણ કરી ન હતી..! લગ્ન દિવસે હું એટલે જ હાજર રહ્યો ન હતો..' 'ચિત્રકેતુ, ભલે અમારી વચ્ચે મતભેદ પડયા છે, પરંતુ મારો ભોળો વૃતાસુર સમજી જશે..! માફી માગી લેશે..! મારી ફ્લાઈટ ચાર વાગ્યાની છે..! એ જરૂર નવસારી પહોંચ્યો હશે..! મારે પણ સાસરે પહોંચી જવું છે..' કહી હું ઉઠવા જતી હતી.
'પ્રિશા..! ભગવાનની ઇચ્છા જેવી હતી, એવું થયું..! બાકી આજે હું તને એક ગુપ્ત વાત કહ્યાં વિના રહી શકતો નથી..! આ..ઈ.. વોઝ ઈન લવ વીથ યુ..! ખે..ર..! મારે બે વાગ્યે એરપોર્ટ પહોંચવાનું છે..! આ.. બોક્ષ.. મને ગઈકાલે વૃતાસુરે આપ્યું હતું..! તને પહોંચાડવા માટે..' અ..ને.. ચિત્રકેતુ પ્રિશાને એકલી છોડી.. સડસડાટ ચાલી ગયો હતો.. તે દિવસે એટેચીમાં રાખેલું તે બોક્ષ ખોલવાનું હું ભૂલી ગઈ હતી..! હું નવસારી આવી હતી.. પાંચ સાત દિવસ ત્યાં રહી વૃતાસુરની રાહ જોઈ રહી હતી..! એક રાત્રે અચાનક મને યાદ આવ્યું, પેલું પાર્સલ..!
'ઓ..હ..! ચિત્રકેતુ મારફતે મોકલેલું પાર્સલ મેં ક્યાં મૂક્યું.. છે..' મેં શોધાશોધ કરી હતી. તે ખોલ્યું હતું.
પાર્સલમાં હતી એક નોટિસ..! ડાયવોર્સ નોટિસ..! મારી આંખો રાત આખી સૂકાય ન હતી..! ભગ્નહૃદયે મેં વૃતાસુરનો આવાશં છોડી દીધો હતો.. અને મુંબઈ આવી ગઈ હતી. સંજોગાનુસાર મને કેળવણી વિદ્યાસંકૂલમાં એડમિનિસ્ટ્રેશનમાં કામ મળી ગયું હતું. બાહોશીના કારણે હોય કે ધુમ્રકેશાની ભલમનસાઈના કારણે હોય, હવે હું જનરલ મેનેજર બની ગઈ છું..!
વિતેલાં પાંચ વર્ષ દરમિયાન મેં માસ્ટર્સ પણ પૂરું કર્યું છે..! મારા ઓરડાનો ડોલબેલ વાગ્યો.. વિચારોનાં પડછાયાને વિખેરી, મેં બારણું ખોલ્યું.. એ ટિફિનબોય હતો.
ગોવાનાં રિસોર્ટમાં છેલ્લે ચિત્રકેતુ મને મળ્યો હતો. કદાચ એ ત્યાંથી સીધો અમેરિકા ગયો હશે..! આજે વર્ષો પછી ધુમ્રકેશાના કારણે મને એ યાદ આવ્યો..! વર્ષો વીતી ગયાં..! મને ખબર નથી મારો નિષ્ઠુર પતિ વૃતાસુર શું કરતો હશે.. શું ચિત્રકેતુને તેની માહિતી હશે? ભલે હોય, પરંતુ મારે હવે એ બંનેથી અંધકારમાં ડૂબી જવું છે..! શું પ્રિશા ધુમ્રકેશાનાં કારણે ચિત્રકેતુના પરિચયમાં આવશે? એ..મ..ને મળે તો શું એ પણ એના શાંત સંસારવારિમાં પ્રિશાનાં પરિચયનો પથ્થર ફેંકવાનું ટાળશે..? શું પ્રિશાએ એકાદ માસ માટે રજા લઈ દૂર જવું જોઈએ? પ્રશ્નોની ભૂતાવળ પ્રિશા ફરતે ભરડો રચે છે..! પ્રિશા ચીસ પાડી પટાંગણમાં દોડે.. છે..!!
- ઈશ્વર અંચેલિકર