વાર્તા : વિશ્વાસઘાત .
નંદિનીને ફિલ્મોમાં ખૂબ રસ પડે છે એની જાણ થતાં અવિનાશે તેની સાથે ફિલ્મ જોવાની યોજના પણ ઘડી કાઢી. નંદિની બોલતી ત્યારે અવિનાશની નજરો રહીરહીને તેના ઉપસેલા અને ભરાવદાર હોઠ પર ખોડાઈ જતી. પરિણીત પુરુષની જિંદગીમાં પારકી સ્ત્રીના પ્રવેશને આજ સુધી દોષિત માનતો અવિનાશ આજે ખુદ એક પારકી સ્ત્રીના સાંનિધ્યમાં પ્રસન્નતા અનુભવી રહ્યો હતો.
નંદિનીને ઓફિસમાં આવ્યાને માંડ એકાદ મહિનો થયો હતો, પરંતુ તેના મિલનસાર અને હસમુખા મિજાજે સ્ટાફના પુરુષ-કર્મચારીઓની સુસ્તી ઉડાવી દીધી હતી. સાંજે ચાર વાગ્યે જેવો રાજુ બધાનાં ટેબલ પર ચાના કપ મૂકે કે તરત પ્રકાશ, વિવેક અને કુણાલ પોતપોતાનો કપ હાથમાં લઈને નંદિનીના ટેબલ પર પહોંચી જતા.
ઓફિસના કોઈ પણ કર્મચારીને નંદિની સાથે મજાક-મશ્કરી કરવામાં કશો છોછ-સંકોચ થતો નહોતો. ૩૫ વરસની વય વટાવી ગઈ હોવા છતાં નંદિનીની આંખોમાં અને સ્વરમાં એવી મોહિની હતી કે ગમે તેવા પુરુષને પોતાની પાસે ખેંચી શકે.
'મેડમ, તમે જ્યારથી અહીં આવ્યાં છો ત્યારથી મારું ડાયાબિટીસ વધી ગયું છે.' પ્રકાશે ચાનો ઘૂંટડો ગળે ઉતારતાં કહ્યું.
નંદિનીએ સ્મિત વેરતાં કહ્યું, 'શું વાત કરો છો? પણ ચા તો તમે પહેલાં પણ પીતા હતા. મારા આવવાથી શો ફરક પડી ગયો?'
'સાચું કહું, મેડમ? પહેલાં તો એ ફક્ત ચામાં 'સુગર' પીતો હતો. પણ આજકાલ આંખોથી પણ 'સુગર' પી રહ્યા છે.' કુણાલે ચાની ચુસ્કી લેતાં લેતાં ટાપસી પૂરી.
ઓફિસના લગભગ તમામ કર્મચારીઓ નંદિની સાથે છેડછાડ કરવાનો લહાવો માણતા હતા. એકમાત્ર અવિનાશ સિવાય.
અવિનાશ ક્યારેય ખૂણામાં લાગેલી પોતાની ખુરશીમાંથી ઊઠતો નહિ. ચા પીવાટાણે પણ તે પોતાની ફાઈલોમાં જ ખોવાયેલો રહેતો. છતાં છેલ્લા બેએક દિવસથી અવિનાશ પણ ક્યારેક નંદિનીને ત્રાંસી આંખે જોઈ લેવાનો સમય કાઢી લેતો હતો. તેને જાણે એવું લાગતું હતું કે કામકાજ તો ખૂટવાનંુ નથી. માણસે જિંદગીમાં થોડાક રોમેન્ટિક થવું પણ જરૂરી છે.
જોકે અવિનાશને પૂરેપૂરો અહેસાસ હતો કે પરિણીત પુરુષો પારકી યુવતીના ચક્કરમાં પડીને પોતાના ગૃહસ્થી જીવનમાં આગ લગાવે છે. અને અવિનાશ પણ પોતાની પત્ની પ્રફુલ્લાનંુ દિલ તોડવા નહોતો માગતો.
લગ્નનાં સાત વરસ પછી પણ ઘરમાં કોઈ બાળકનો જન્મ નહિ થવાથી પ્રફુલ્લા પરેશાની અનુભવતી હતી. પ્રફુલ્લા પ્રત્યેની વફાદારી છતાં અવિનાશ એવું વિચારતો કે નંદિની સાથે થોડીક મોજ-મસ્તી કરીશ, તો પણ પ્રફુલ્લા માટેના પ્યારમાં ક્યારેય ઓટ નહિ આવવા દઉં. આખી ઓફિસમાં અવિનાશની ઇમેજ એક સંયમી અને સંસ્કારી પતિ તરીકેની હતી. આ ઈમેજના કિલ્લાને અતૂટ રાખવા જ તે ઈચ્છા હોવા છતાં આજ સુધી કોઈપણ પારકી યુવતી સામે નજર મિલાવી શક્યો નહોતો.
'સાહેબ, તમે પણ ક્યારેક મેડમ સાથે ચા પીવા આવતા હો તો?' એક દિવસ વિવેકે અવિનાશના ટેબલ પર ચાનો કપ મૂકતાં કહ્યું.
'એક ટેબલ પર સાથે બેસીને ચા પીવાથી શું થઇ જશે?' અવિનાશે વિવેક સામે દલીલ કરતાં કહ્યું.
'તમને ખબર નથી અવિનાશ બાબુ, જરા ત્યાં જુઓ. પ્રકાશ અને કુણાલ મેડમના પગમાં પગ ભરાવીને બેઠા છે.'વિવેકે સહેજ વાંકા વળીને નંદિની પાસે બેઠેલા બન્ને તરફ ઈશારો કરતાં કહ્યું.
સાંભળતાંવેંત અવિનાશના અંગેઅંગમાં જાણે કરન્ટ લાગ્યો અને તે લાલચુ નજરે નંદિની સામે જોવા માંડયો. નંદિની એ સમયે પ્રકાશ અને કુણાલ સાથે ખડખડાટ હસી રહી હતી.
અવિનાશને લાગ્યું કે પોતે જાણે જિંદગીની દોટમાં ઘણો પાછળ રહી ગયો છે.
વિવેકે અવિનાશને એમ પણ જણાવી દીધું કે નંદિની પોતાના પતિથી અલગ થઈને એકલી રહે છે. પ્રકાશ અને કુણાલ ઘણીવાર તેને ઘર સુધી મૂકી જવાને બહાને તેની સાથે એકાંતમાં સમય પસાર કરી આવ્યા છે.
હવે અવિનાશની અંદર સૂતેલો 'આશિક' જાગી ઊઠયો. સંયમી અને સંસ્કારી પુરુષ તરીકેની ઈમેજનો ગાઢ હચમચી ગયો. નંદિની પાસે વહેલામાં વહેલી તકે જઈ તેને પોતાના મિજાજનો પરચો દેખાડવા તે અધીરો બની ગયો. 'સંસ્કારિતાની ઈમેજના ગઢમાં ગોંધાઈને મેં ઘણો સમય વેડફી નાખ્યો છે. હવે મારે તેમાંથી બહાર નીકળવા કશુંક કરવું જ જોઈએ.' આવું વિચારતાં તેણે નંદિનીને કોઈક હોટેલમાં લંચ કે ડિનર માટે લઈ જવાનો અને તેને ઘરે મૂકવા જવાને બહાને તેનો સંગ માણવાનો સંકલ્પ કર્યો.
ઘેર ગયા પછી પણ અવિનાશને નંદિનીનું માદક સ્મિત યાદ આવતું રહ્યું. અવિનાશના ચહેરા પરથી આજે એ નિર્દોષ હાસ્ય ગાયબ થઈ ગયું હતું, જેને જોતાં પ્રફુલ્લા દિવસભરની એકલતા અને થકાવટ ભૂલી જતી.
'ઘરમાં માંડ ૫૦૦ રૂપિયા બચ્યા છે. અને હજી પગાર આવવાને આઠ દિવસ બાકી છે.' પ્રફુલ્લા આખો દિવસ આ વિચારમાં જ ડૂબેલી રહેતી. એને થયું કે સાંજે અવિનાશને આ વાત કરીશ તો મન જરાક હળવું થશે, પરંતુ અવિનાશે ટીવી જોતાં જોતાં જ જમી લીધું અને પછી સૂવાની તૈયારી કરવા લાગ્યો.
પ્રફુલ્લા રસોડું સાફ કરીને અવિનાશની બાજુમાં બેસી ગઈ. એવી આશામાં કે હવે પોતે નિરાંતે અવિનાશ સાથે દિલની વાત કરી શકશે. અવિનાશે પ્રફુલ્લાનું મન મનાવવા તેનો હાથ પકડયો અને પોતાની છાતી પર મૂક્યો. થોડીવારમાં જ અવિનાશને નીંદર આવી ગઈ. તેનાં નસકોરાંનો અવાજ સાંભળીને પ્રફુલ્લાએ ઉદાસ થઈ પોતાનો હાથ છોડાવી લીધો અને પડખું ફરીને લંબાવ્યું.
ખાસ્સી વાર સુધી અવિનાશના આ બદલાયેલા મિજાજ વિશે વિચારતાં તેને ક્યારે નીંદર આવી તેની ખબર જ ન રહી.
સવારે ઊઠતાંવેંત પ્રફુલ્લાને માથું ભારે લાગવા માડયું. તેનું શરીર પણ થોડુંક તપી રહ્યું હતું. ધીમે પગલે તે બારી પાસે ગઈ અને બહાર નજર કરી, તો અવિનાશ સ્કૂટર સાફ કરી રહ્યો હતો. પ્રફુલ્લા તેને પોતાની તબિયત વિશે કંઈ કહે તે પહેલાં જ અવિનાશે બોલવાનું શરૂ કર્યું. 'આજે મને ઓફિસમાં ઘણું કામ છે. કદાચ રાત્રે મોડું થાય તેમ છે. એટલે બસને બદલે બાઈક પર જ જાઉં છું.'
ઘરેથી નીકળતી વખતે અવિનાશે પૈસાના ડબ્બામાંથી ૧૦૦ રૂપિયાની નોટ કાઢી લઈને પોતાના ખિસ્સામાં મૂકતાં કહ્યું, 'સ્કૂટર પર જાઉં છું એટલે ખિસ્સામાં થોડાક પૈસા હોવા જોઈએ. કોને ખબર છે, ક્યારે જરૂરત પડે.'
પ્રફુલ્લા કશું બોલ્યા વિના તેની સામે તાકી રહી. ઓફિસમાં પ્રવેશતાં જ અવિનાશની નજરો નંદિનીને શોધવા લાગી. તેના ટેબલ સામેથી પસાર થતાં અવિનાશે હિંમતભેર પૂછ્યું, 'કેમ છે, નંદિની?'
અવિનાશના મોઢેથી પહેલીવાર પોતાનું નામ સાંભળતાં નંદિની કશું બોલ્યા વગર ખિલખિલાટ હસી પડી. અવિનાશને લાગ્યું કે નંદિની જાણે કહી રહી છે કે તેનો ઇશારો પોતે સમજી ગઈ છે.
પોતાના હરીફ પ્રકાશ અને કુણાલને તેમની બેઠક પર નહિ જોતાં અવિનાશે પોતાના પાડોશી શર્માજીને તેમના વિશે પૂછ્યું. તેમણે કહ્યું કે આજે બન્ને રજા પર છે.
આ સાંભળતાં જ અવિનાશ હરખાઈ ગયો. તેને થયું કે આજે તો બસ નંદિનીને કંપની આપવાનો ભરપૂર ચાન્સ મળશે. આખો દિવસ અવિનાશની આંખો નંદિનીને જ તાકતી રહી. 'રાજુ, આજે સાંજની ચા થોડીક વહેલી લાવજે. આજ તો માથું દુખવા લાગ્યું છે.' અવિનાશે કહ્યું.
અને ત્રણ વાગ્યે જ ચાનો કપ હાથમાં લઈને નંદિનીની સામેની ખુરશીમાં ગોઠવાઈ ગયો. વધુ સમય નહિ વેડફતાં તે બોલ્યો, 'નંદિનીજી, આજે મારો જન્મદિવસ છે અને આજે તમારી સાથે કોઈક હોટેલમાં ડિનર લેવાની ખૂબ ઇચ્છા છે.'
'મારી સાથે? ક્યા બાત હૈ! આમેય આજે ઘેર જઈને રાંધવાનો મારો મુડ નહોતો.' નંદિનીએ ઉમંગમાં આવતાં કહ્યું.
અવિનાશને તો જાણે ઉતરવું હતું ને ઢાળ મળી ગયો. પોતાની ખુશી છુપાવતાં ચાની ચુસ્કી લેવા માંડયો.
'ઓ. કે., ફાઈન. ઓફિસ છૂટયા પછી આપણે સાથે નીકળીશું. આજે હું સ્કૂટર લઈને આવ્યો છું.' એમ કહેતાંક અવિનાશ ઝટ ઝટ છ ક્યારે વાગે એની રાહ જોતો ઊઠીને પોતાના ટેબલ તરફ વળ્યો.
તેણે ફાઈલોમાં મન પરોવવાની કોશિશ કરી, પરંતુ 'આજે નંદિની પોતાની સાથે સ્કૂટર પર બેસશે' એની રોમાંચક કલ્પનામાં ગળાડૂબ હોવાથી કામમાં ધ્યાન કેન્દ્રિત ન કરી શક્યો.
પોણા છ વાગ્યે નંદિની પર્સ ઝુલાવતી અવિનાશની ખુરશી આગળ ઊભી રહી ગઈ. અવિનાશ ખીલી ઊઠયો. ફટાફટ ફાઈલો સમેટીને હેલ્મેટ ઉઠાવી તે નંદિની સાથે નીકળી પડયો. અવિનાશ જેવા સંયમી-સંસ્કારીને નંદિની સાથે જતો જોઈ ઓફિસમાં ઘણા અચરજ અનુભવી રહ્યા હતા.
અવિનાશ એક કલાક સુધી નંદિનીને પાછળ બેસાડી સ્કૂટર પર આમતેમ ઘૂમતો રહ્યો. પછી એક મોટી હોટેલ તરફ ઈશારો કરીને નંદિનીએ અવિનાશને બ્રેક મારવા કહ્યું.
ઘડીભર એ મોંઘી હોટેલ જોઈને અવિનાશના મનમાં ફફડાટ થયો, પરંતુ 'કશુંક મેળવવા માટે કશુંક ખોવું પડે છે.' એમ વિચારી નંદિની સાથે હોટેલમાં પ્રવેશ્યો.
'અવિનાશ બાબુ, તમે નોન-વેજ ખાઓ છો?' નંદિનીએ મેનુ પર નજર ફેરવતાં પૂછ્યું.
'ના, ના'. અવિનાશે ડોકું ધુણાવતાં કહ્યું. એને ખબર હતી કે નોન-વેજ વાનગીના ભાવ ખૂબ જ ઊંચા હોય છે.
'બસ એકાદ ભાજી અને રોટી...'
નંદિનીએ ઓર્ડર આપ્યા બાદ થોડીવારમાં આખું ટેબલ વિવિધ આઈટમોથી ભરાઈ ગયું.
ખાતાં ખાતાં અવિનાશ ઓફિસ, પોલિટિક્સ, ક્રિકેટ અને ફિલ્મો વિશે વાતે વળગ્યો. નંદિનીને ફિલ્મોમાં ખૂબ રસ પડે છે એની જાણ થતાં તેણે તેની સાથે ફિલ્મ જોવાની યોજના પણ ઘડી કાઢી. નંદિની બોલતી ત્યારે અવિનાશની નજરો રહીરહીને તેના ઉપસેલા અને ભરાવદાર હોઠ પર ખોડાઈ જતી. પરિણીત પુરુષની જિંદગીમાં પારકી સ્ત્રીના પ્રવેશને આજ સુધી દોષિત માનતો અવિનાશ આજે ખુદ એક પારકી સ્ત્રીના સાંનિધ્યમાં પ્રસન્નતા અનુભવી રહ્યો હતો. ડિનર પૂરું થયા બાદ ૨૦૦ રૂપિયાનું બિલ ચૂકવતાં અવિનાશને એમ લાગ્યું જાણે રાત્રે નંદિનીના ઘરમાં મળનારી મનગમતા એકાંતની સૌથી રોમાંચક પળ માટે તે એડવાન્સ ચૂકવી રહ્યો હતો. 'બહુ મોડું થઈ ગયું. ચાલો, હું તમને ઘર સુધી મૂકી જાઉં.' અવિનાશે હોટેલની બહાર આવતાં કહ્યું અને થોડીવારમાં નંદિનીના ઘર પાસે સ્કૂટર ઊભું રાખ્યું.
'આવો, મારા હાથની ચા પીતા જાઓ', નંદિનીએ સ્કૂટર પરથી ઉતરતાં મલકાટ સાથે અવિનાશને કહ્યું. 'ઠીક છે. ચાલો.'
ઘરમાં સામાન વેરવિખેર હતો, જાણે ઘણા દિવસથી કોઈએ સાફસૂફી ન કરી હોય એવું લાગતું હતું. 'સવારે ઓફિસે પહોંચવાની ઉતાવળમાં ઘરની સંભાળ બરાબર થતી નથી.' નંદિનીએ ખુલાસો કરતાં કહ્યું.
પણ અવિનાશ ક્યાં સાફસફાઈ જોવા આવ્યો હતો? તેણે માત્ર સ્મિત વેર્યું.
'તમે બેસો. હું તમારે માટે ગરમાગરમ ચા લઈ આવું.' કહેતાં નંદિની રસોડામાં ચાલી ગઈ. અવિનાશ સોફા પર પડેલાં થોડાંક કપડાં એક તરફ હટાવી બેસી ગયો. ત્યાંથી તેને રસોડામાં ચા બનાવતી નંદિની બરાબર દેખાતી હતી. નંદિનીની મરોડદાર પીઠને તે લાલચુ નજરે જોઈ રહ્યો હતો.
એવામાં ડોરબેલ વાગી.
'અવિનાશબાબુ, જુઓને જરા. કોણ છે?'
'અત્યારે વળી કબાબમાં હડ્ડી બનવા કોણ આવી ચડયું' એમ વિચારતાં થોડીક ચીડ સાથે અવિનાશે દરવાજો ખોલ્યો. નજર સામે પ્રકાશ અને કુણાલને જોતાં જ અવિનાશનંુ નૂર ઊડી ગયું. 'અરે અવિનાશબાબુ! તમે અહીં અને આ સમયે? પ્રકાશે અંદર આવતાં આશ્ચર્ય વ્યક્ત કર્યું. શું જવાબ આપવો તે અવિનાશને સૂઝતું નહોતું. છતાં તેણે ભોંઠપ સાથે હસવાની કોશિશ કરી. એટલામાં નંદિની ચા લઈને બહાર આવી. 'લો અવિનાશ બાબુ, તમારી ચા. પછી પ્રકાશ અને કુણાલને જોતાં બોલી, 'તમારે માટે પણ બનાવું કે?'
'પહેલાં અવિનાશબાબુને જવા દો.'પ્રકાશે આંખ મારતાં કહ્યું.
અવિનાશના પગ તળેથી જાણે ધરતી સરકી રહી હતી. તેના મગજમાંથી નંદિની સાથે એકાંત માણવાના ખયાલોનો નશો ઊતરી ગયો. તેને એકદમ ભાગી જવાનું મન થઈ આવ્યું. 'આજે અહીં ક્યાંથી ભૂલા પડયા?' પ્રકાશે ફરીથી અવિનાશને છેડયો.
'આજે અવિનાશબાબુનો બર્થ-ડે છે. અને તેમણે મને હોટેલમાં પાર્ટી આપી છે.' નંદિની હસતાં હસતાં બોલી.
'વાહ અવિનાશબાબુ, તમે તો છૂપા રુસ્તમ નીકળ્યા. એક જ ઝટકામાં અહીં સુધી પહોંચી ગયા.' કુણાલે ટીખળ કરતાં કહ્યું.
નંદિની બન્ને હાથોમાં મોઢું છુપાવતાં હસવા લાગી. અવિનાશ ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયો. સ્કૂટર સ્ટાર્ટ કરતી વખતે પણ નંદિનીના ઘરમાંથી ત્રણેનું ખડખડાટ હાસ્ય સંભળાઈ રહ્યું હતું. રાત્રે બાર વાગ્યે અવિનાશ પોતાને ઘેર પહોંચ્યો. દરવાજો ખુલ્લો જોઈ એ જરાક ગભરાયો. તેણે જલદી અંદર જઈને જોયું, તો પ્રફુલ્લા પલંગ પર પડી હતી અને તેના માથે પોતાં મૂક્યાં હતાં.
પાડોશીની કેટલીક મહિલાઓ તેની ચારે બાજુ બેઠી હતી. અવિનાશને જોતાંવેંત એક પછી એક ઊભી થઈને બહાર નીકળી ગઈ.
'અવિનાશભાઈ પ્રફુલ્લાને સાંજથી સખત તાવ ચડયો છે. અમે તેને ડોક્ટર પાસે જવા ખૂબ આગ્રહ કર્યો, પણ તમે આવશો પછી જ જશે એવી જીદ કરીને પડી રહી.' પાડોશમાં રહેતાં રમીલાબહેને કહ્યું. અવિનાશને સમજતાં વાર ન લાગી કે પૈસા ખૂટયા હોવાને કારણે જ પ્રફુલ્લાએ ડૉક્ટર પાસે જવાનું ટાળ્યું હતું. તેની આંખો ભીની થઈ ગઈ. પ્રફુલ્લાના ગાલે હાથ મૂક્યો, તો તે તાવથી ધખી રહી હતી.
એવામાં પ્રફુલ્લાએ આંખો ખોલી અને અવિનાશને જોતાં જ તેના હોઠ મલક્યા. અવિનાશે પ્રફુલ્લાને પથારીમાં બેઠી કરી અને તેને ભેટી પડયો.
'આજે ખૂબ મોડું કર્યું તમે.' પ્રફુલ્લા ધીમે રહીને બોલી.
'આજે મારું સ્કૂટર બગડી ગયું હતું. તેના રિપેરિંગમાં ૨૦૦ રૂપિયા ખર્ચાઈ ગયા.' અવિનાશે ખુલાસો કર્યો. તેણે મનોમન નક્કી કરી લીધું કે આ તેની જિંદગીનું આખરી જુઠાણું હશે. 'કંઈ વાંધો નહિ. હવે પગારને છ દિવસ જ બાકી રહ્યા છે. મને તો સીઝન બદલાવાથી તાવ ચડયો છે. સવાર સુધીમાં ઊતરી જશે.' પ્રફુલ્લાએ અવિનાશને આશ્વાસન આપતાં કહ્યું. અવિનાશને પ્રફુલ્લાના આ જૂઠા આશ્વાસન પર ભરોસો રાખવા સિવાય છૂટકો નહોતો. પ્રફુલ્લાનું માથું પોતાના ખોળામાં લઈ અવિનાશ તેને પસવારતો રહ્યો. એની આંખોમાંથી આંસુઓની સરવાણી વહી રહી હતી અને એમાં હવે પછી પ્રફુલ્લા સાથે ક્યારેય વિશ્વાસઘાત નહિ કરવાનો સંકલ્પ પણ ઘૂંટાતો જતો હતો.
- અનામિકા