વાર્તા : પ્રશ્ચાતાપ .
- '' અલ્પા, તું તો મારો પ્રેમ છે.'' આમ કહી જિજ્ઞોશે અલ્પાને પોતાની બાથમાં જકડી લીધી. તેણે પોતાના ધધકતા હોઠ અલ્પાના હોઠ પર ચાંપી દીધા. બન્નેના ગરમ શ્વાસ પરસ્પર ટકરાવા લાગ્યા, પરંતુ અલ્પા ભાનમાં આવી ગઈ અને તેણે જિજ્ઞોશને ધક્કો મારી દૂર હડસેલી દીધો. પછી તે દોડીને અંદર જતી રહી.
આજે જિજ્ઞોશનો સામનો અલ્પા સાથે એકાંતમાં થઈ ગયો. તે સમયે અલ્પાની બહેન સેજલ રસોડામાં નાસ્તો બનાવવામાં મશગૂલ હતી. જિજ્ઞોશ તો આવા મોકાની રાહ જ જોતો હતો. જિજ્ઞોશનો ઈરાદો પારખી જેવી અલ્પા ત્યાંથી જવા લાગી કે જિજ્ઞોશે તેનો હાથ પકડીને કહ્યું, ''અલ્પા, તું ભાગીને મારાથી ક્યાં જવા ઇચ્છે છે? તું જ્યાં જઈશ ત્યાં મારો પ્રેમ તારો પીછો નહીં છોડે.''
''ના, મારો હાથ છોડો. તમે પાગલ બની ગયા લાગો છો. હું તો એ વાત ક્યારનીય ભૂલી ગઈ છું. તમે હવે દીદીના પતિ છો. અલ્પાએ પોતાનું કાંડું છોડાવતાં કહ્યું.
''પરંતુ અલ્પા, તારી બહેન સાથે મારાં લગ્ન મજબૂરીથી થયાં છે. હું મારાં માતા-પિતાનું દિલ તોડવા નહોતો ઈચ્છતો. અલ્પા, તું તો મારો પ્રેમ છે.'' આમ કહી જિજ્ઞોશે અલ્પાને પોતાની બાથમાં જકડી લીધી.
તેણે પોતાના ધધકતા હોઠ અલ્પાના હોઠ પર ચાંપી દીધા. બન્નેના ગરમ શ્વાસ પરસ્પર ટકરાવા લાગ્યા, પરંતુ અલ્પા ભાનમાં આવી ગઈ અને તેણે જિજ્ઞોશને ધક્કો મારી દૂર હડસેલી દીધો. પછી તે દોડીને અંદર જતી રહી.
આ વાત જિજ્ઞોશનાં લગ્ન પહેલાંની છે. ત્યારે જિજ્ઞોશ અલ્પાને બેહદ પ્રેમ કરતો હતો. અલ્પા પણ તેના પર પોતાનું બધું જ લૂંટાવવા માટે તૈયાર હતી, પરંતુ જિજ્ઞોશનાં લગ્ન અલ્પાની મોટી બહેન સેજલ સાથે થઈ જતાં આ પ્રેમ અધૂરો રહી ગયો.
જિજ્ઞોશને મેળવીને સેજલ બેહદ ખુશ હતી તે તેના પતિને દિલોજાનથી ચાહતી હતી, પરંતુ જિજ્ઞોશ હજુ પણ અલ્પાને ચાહતો હતો.
આ તરફ અલ્પા જૂની વાતોને ભૂલી જવા ઇચ્છતી હતી, કારણ કે તે જાણતી હતી કે જો તે કશું આડુંઅવળું કરશે તો તેના લીધે માત્ર તેની બહેનનું જીવન જ બરબાદ નહીં થાય, સાથે સાથે તેના પરિવાર પર પણ બદનામીનો બટ્ટો જરૂર લાગી જશે. અલ્પા એવો વિચાર કરીને પોતાની બહેનને ત્યાં આવી હતી કે જિજ્ઞોશ ભૂતકાળ ભૂલી ગયો હશે, પરંતુ જિજ્ઞોશ ઘણી વાર મજાકમાં અલ્પા પાસે પ્રેમનો એકરાર કરી ચૂક્યો હતો. જિજ્ઞોશની આ હરકત જોઈ અલ્પા ગભરાવા લાગી હતી.
અલ્પાનું હૈયું જોરજોરથી ધબકતું હતું. આજે તો તેણે પોતાની જાતને બચાવી લીધી હતી, પરંતુ કાલે ઉઠીને જ્યારે જિજ્ઞોશ મોકો મળતાં જ પોતાના પ્રેમનો હક જમાવશે ત્યારે કદાચ અલ્પા પણ જિજ્ઞોશના પ્રેમથી બચી નહીં શકે.
''અલ્પા, તું આટલી બધી હાંફે છે શા માટે? તારી તબિયત તો સારી છે ને?'' અલ્પાને હાંફતી જોઈ સેજલે સવાલ કર્યો.
''મોટી બહેન, મારે ઘરે જવું છે.''
અલ્પા હાફતાં હાફતાં બોલી.
''અરે, તને આવ્યાને હજી બે દિવસ પણ થયા નથી અને જવાની વાત કરી રહી છે. શું તું મોટી બહેન પાસે વધુ ન રોકાઈ શકે?'' સેજલ પ્રેમથી અલ્પાના માથે હાથ ફેરવતાં બોલી.
મોટી બહેનની વાત સાંભળી અલ્પા થોડો સમય ચૂપ રહી પછી મન કઠણ કરતાં કહેવા લાગી, ''દીદી, તમે સમજતાં નથી, મારું મન અહીં નથી લાગતું. મારે ઘરે જવું છે.''
''ઠીક છે તું રહેવા ન ઇચ્છતી હોય તો તને રોકીશ નહીં કાલે ચાલી જજે.'' સેજલે કહ્યું.
અલ્પા પોતાના રૂમમાં સવાર પડવાની વાટ જોવા લાગી. અંધારું ધીરેધીરે અજવાળાને ગળી રહ્યું હતું. જોતજોતામાં તો રાત્રિના દસ વાગી ગયા. ઘરમાં બધેય શાંતિ પથરાયેલી હતી. એટલામાં રૂમમાં કોઈકનો પગરવ સંભળાયો. અલ્પા સમજી કે કદાચ મોટી બહેન હશે. પણ અલ્પાએ જેવી લાઈટ કરી કે તે ચમકી ગઈ, ''તમે...?''
''હા અલ્પા, મેં જાણ્યું છે કે તું કાલે જઈ રહી છો.'' જિજ્ઞોશે કામુક નજરે અલ્પા સામે જોતાં કહ્યું. અલ્પા ચૂપ રહી. જિજ્ઞોશની આંખોમાં પ્રેમનો નશો છવાઈ ચૂક્યો હતો, ''અલ્પા હું તારા વિના નહીં રહી શકું. તું મને સમજવાનો પ્રયાસ કર.'' તેણે અલ્પાના ખભા હલબલાવતાં કહ્યું.
''ના...ના, આ શક્ય નથી. તમારાં લગ્ન સેજલ દીદી સાથે થઈ ચૂક્યાં છે.'' જિજ્ઞોશનો હાથ પોતાના ખભા પરથી દૂર કરતાં અલ્પા બોલી.
''તો શું થયું? હું સેજલને સમજાવી લઈશ બસ, તું હા કહે એટલી વાર.'' આમ કહી પાગલ બનેલો જિજ્ઞોશ અલ્પાની સાવ નજીક આવી ગયો.
''આવું કદાપિ ન બની શકે. કોઈ પુરુષ બે સગી બહેનો સાથે લગ્ન ન કરી શકે.'' સહેજ પાછળ ખસતાં અલ્પા બોલી.
''તો હું સેજલને છૂટાછેડા આપીશ.'' જિજ્ઞોશની ઘેલછા જોઈને અલ્પા ગભરાઈ ગઈ. તે બે હાથ જોડતાં બોલી ''તમે મારો પીછો છોડી દો. ઈશ્વરને ખાતર તમે અહીંથી ચાલ્યા જાવ ક્યાંક સેજલ દીદી આવી જશે તો આફત તૂટી પડશે.''
પરંતુ આફત તો આવી ચૂકી હતી સેજલ બન્નેની આખી વાત સાંભળી ગઈ હતી.
સેજલ જોરજોરથી ચીસો પાડી બોલવા લાગી, તેના મોંમાંથી જાણે આગ ઝરતી હતી. ''છૂટાછેડા આપવાની શી જરૂર છે? એનાથી તો તારી મેલી મુરાદ જગત સામે આવી જશે. મને મારવી જ હોય તો ઝેર લાવી આપ ઝેર.''
થોડી ક્ષણો રોકાઈ સેજલે ક્રોધથી જિજ્ઞોશ સામે ધૂરકતાં કહ્યું, ''તને પામીને હું મારી જાતને જગતની સૌથી ભાગ્યશાળી સ્ત્રી સમજતી હતી. આ દિવસ જોતાં પહેલાં હું મરી કેમ ન ગઈ?''
જિજ્ઞોશ સેજલને રોષભરી નજરે જોવા લાગ્યો. આ તરફ અલ્પા પોતાની જાત પર શરમ અનુભવતી હતી. જિજ્ઞોશે ખુન્નસભરી નજરે સેજલ સામે જોતાં કહ્યું, ''તું હવે મારા અને અલ્પાના માર્ગમાં ક્યારે પણ નહીં આવી શકે.'' આમ કહી જિજ્ઞોશે પિસ્ટોલ કાઢીને બે ગોળી સેજલના શરીરમાં ધરબી દીધી.
સેજલના મોંમાંથી એક ચીસ નીકળી અને એ ફરસ પર ઢળી પડી.
આ બધું જોઈને અલ્પાની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. લોહીલુહાણ હાલતમાં પડેલી સેજલ તરફ ચીસો પાડતી દોડી ગઈ. અને જિજ્ઞોશ સામે જોતાં બોલી ઊઠી, ''આ તમે શું કર્યું?''
''હું બીજું શું કરી શક્યો હોત અલ્પા. તને મેળવવાનો આ એકમાત્ર માર્ગ હતો. છૂટાછેડા આપું તો બદનામી થાય, ઝેર આપું તો પણ બદનામી થાય. કહી દઈશ કે ડાકુ ઘરમાં ઘૂસી આવ્યા હતા, તેમણે સેજલ પર ગોળી ચલાવી હતી. હું આશા રાખું કે પોલીસ સામે મેં હત્યા કરી છે, એવું તું નહીં જણાવે.'' પરંતુ અલ્પાએ પોલીસને સાચી વાત કહી દીધી. જિજ્ઞોશની ધરપકડ થઈ. હવે જિજ્ઞોશને એવું થતું હતું કે પોતે ટૂંક સમયમાં ફાંસીના માંચડે ચડી જશે.
જિજ્ઞોશને પકડાવી દીધા પછી અલ્પા નિરાંતનો શ્વાસ લેવાના પ્રયાસ કરતી હતી, ત્યાં જ હોસ્પિટલમાંથી સમાચાર આવ્યા કે સેજલ હજુ જીવે છે અને તે પોલીસને પોતાનું નિવેદન આપવા ઇચ્છે છે.
સેજલ થોડીવાર માટે મોત સામે ઝઝૂમી રહી હતી. જીવન અને મૃત્યુના આ જંગમાં જીવનની હાર થતી દેખાતી હતી. એવું લાગતું હતું કે જાણે નિવેદન આપવા માટે જ તે જીવતી રહી હતી! પોલીસ સેજલનું નિવેદન લેવા આવી પહોંચી. સેજલ કમજોર પડી હતી તેણે પોલીસને જોયા પછી હાથકડી પહેરેલા જિજ્ઞોશ તરફ નજર કરી. સેજલે ધૂ્રજતા હોઠે દબાયેલા અવાજમાં પૂછ્યું, ''આને હાથકડી શા માટે લગાવી છે?''
''એણે જ તમારા પર ગોળી ચલાવી હતી.'' પોલીસે જણાવ્યું. સેજલે એક નજર જિજ્ઞોશ તરફ કરતાં કહ્યું, ''એ શા માટે મને ગોળી મારે? એ તો મને ખૂબ જ પ્રેમ કરે છે. ગોળી તો બારીમાંથી આવી મને વાગી હતી. અંધારું હોવાથી હું હત્યારાને જોઈ ન શકી.''
સેજલના નિવેદનથી સૌ આશ્ચર્યચકિત થઈ ગયાં. જિજ્ઞોશ ફાટી આંખે સેજલને જોઈ રહ્યો. શું આ એ જ સેજલ હતી જેને તે મૃત્યુના બારણે મૂકી આવ્યો હતો, તેણે આજે જિજ્ઞોશને ફાંસીના માંચડે જતાં બચાવી લીધો હતો.
જિજ્ઞોશ ગળગળો થઈ સેજલના પગ પાસે બેસી માફી માગવા લાગ્યો, ''મને માફ કરી દે, સેજલ હું પાગલ બની ગયો હતો. હું તને સમજી ન શક્યો. મને માફ કરી દે.'' કહેતાં કહેતાં તે ધૂ્રસકે ધૂ્રસકે રડવા લાગ્યો.
સેજલે ધીમે ધીમે આંખો બીડતાં છેલ્લો શ્વાસ લેતાં બોલી, ''જા, તને માફ કરી દીધો.''