Get The App

ઘરને રંગબેરંગી ખૂબસુરતી બક્ષતા સ્ટેન ગ્લાસ .

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
ઘરને રંગબેરંગી ખૂબસુરતી બક્ષતા સ્ટેન ગ્લાસ                  . 1 - image


- ગોથિક ચર્ચ કે રાજમહેલોની સજાવટ હવે મધ્યમ વર્ગના ઘરના બારી-બારણાં અને સજાવટની એકસેસરીઝમાં ડોકાય છે

ઘરની સજાવટ એક આગવી કળા છે. પધ્ધતિસર સજાવેલું ઘર મહેમાનોના આકર્ષણનું જ કેન્દ્ર નથી બનતું, પણ ઘરમાં રહેતા લોકોને પણ પ્રસન્ન રાખે છે. ખાસ કરીને જ્યારે તેમાં વિવિધ રંગોનો સુંદર રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે ચિત્ત પ્રસન્નતાથી ભરાઇ જાય છે. ઘરમાં સૂર્ય  પ્રકાશનું પરાવર્તન કઇ રીતે થાય છે, તે પણ ખૂબ મહત્વનું છે. તેથી જ સદીઓથી લોકો ગૃહસજાવટને પ્રાથમિકતા આપતાં આવ્યા છે. હોમ ડેકોરેશનમાં સંખ્યાબંધ વસ્તુઓ મહત્વનો ફાળો આપે છે, જેમાંથી એક છે સ્ટેન ગ્લાસ.

એક સમયમાં ગોપિક ચર્ચ કે રાજમહેલોની બારીઓમાં લગાવવામાં આવતા સ્ટેન ગ્લાસ તેની સજાવટને અનોખો નિખાર આપતાં. દાયકાઓ પુરાણાં આવા ચર્ચ અને મોટાભાગે પંચતારક હોટલોમાં તબદીલ થઇ ગયેલા રાજમહેલોમાં આજે પણ આ સ્ટેન ગ્લાસ જોવા મળે છે. મુંબઇનું આજનું સીએસટી સ્ટેશન જ્યારે બોરીબંદર ગણાતું ત્યારે તેની સજાવટમાં પણ સટેન ગ્લાસનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. દાયકાઓ પછી આજે તેમાંના અનેક સ્ટેન ગ્લાસ તૂટી ગયા છે, પણ જે બચ્યાં છ તે હજી પણ એટલાં જ આકર્ષક લાગે છે. પરંતુ હવે આ સ્ટેન ગલાસે ઘરની સજાવટમાં પણ મહત્વનું સ્થાન મેળવી લીધું છે. આજની તારીખમાં હોમ ડેકોરેશન માટે જે રીતે સ્ટેન ગ્લાસનો ઉપયોગ થાય છે તે જોતાં એમ લાગે છે કે અગાઉ ક્યારેય આમ જનતાએ તેનાં આટલો છૂટથી ઉપયોગ નહીં કર્યો હોય.

ઇન્ટિરિયર ડિઝાઇનરોના મત મુજબ ગૃહ સજાવટ માટે સ્ટેન ગ્લાસનો અનેક રીતે ઉપયગ થઇ શકે છે. મોટાભાગે આજે પણ લોકો સ્ટેન ગ્લાસની સજાવટમાં પરંપરાગત ડિઝાઇન પસંદ કરે છે. આમ છતાં ઘણાંં લોકો આધુનિક ડિઝાઇન પર પણ પસંદગી ઊતારે છે. એવું લાગે છે જાણે સ્ટેન ગ્લાસની જુની અને નવી ડિઝાઇનનું ખૂબસુરત સંયોજન થયું છે. સ્ટેન ગ્લાસમાં મૂર્તિ,સ્ત્રીઓના પેઇન્ટિંગ, પશુ-પક્ષીઓ,ટેકરી અને હરિયાણી ખીણ, દેવી-દેવતાઓની આકૃતિઓ, ભૌમિતિક આકૃતિઓ તેમ જ મોના લીસાની આકૃતિ પણ બનાવવામાં આવે છે. જે તે વ્યકતિએ પોતાના ઘરમાં કઇ ડિઝાઇન સારી લાગશે તે જાતે નક્કી કરવાનું હોય છે. જો તમે પોતે ડિઝાઇન નક્કી કરવામાં મુંઝવણ અનુભવતા હો તો ઇન્ટિરિયર ડિઝાઇનરનું માર્ગદર્શન પણ લઇ શકો છો.

તમે તમારા ઘરની બારીના કાચમાં, દરવાજામાં,રૂમના પાર્ટિશનમાં અથવા બાથરૂમના દરવાજામાં પણ સ્ટેન ગ્લાસનો ઉપયોગ કરી શકો છો. ઘરની બારીમાં પારદર્શક કાચનું સ્થાન કાળા કાચે લઇ લીધું છે એ વાત હવે પુરાણી બની ગઇ છે. કાળા કાચમાં પ્રાઇવસી મળે છે એ વાત ચોક્કસ, પણ તેને લીધે ઘરમાં આવતો પ્રકાશ રૃંધાઇ જાય છે અને તડકો પણ ઘરમાં પ્રવેશી શકતો નથી. જ્યારે સટેન ગ્લાસની ડિઝાઇનથી માત્ર ઘરને વધારાનું આકર્ષણ જ નથી મળતું, પણ સૂર્યનો પ્રકાશ પણ સારી રીતે ઘરમાં આવી શકે છે, આમ છતાં રંગબેરંગી ડિઝાઇન પડદાની ગરજ પણ સારે છે. વળી સ્ટેન ગ્લાસમાં કરવામાં આવેલી કલકફુલ સજાવટથી રૂમનો માહોલ પણ ખુશનુમા બની જાય છે. આ પ્રકારના ગ્લાસ પર જ્યારે બહારથી તડકો પડે છે ત્યારે તેની રંગછટા નિખરી ઉઠે છે. તેવી જ રીતે રાત્રિના સમયે જ્યારે તેની ઉપર ઘરની અંદરની લાઇટનો પ્રકાશ ફેંકાય છે, ત્યારે તેની જુદી જ આભા જોવા મળે છે.

ઘરની સજાવટમાં એક્સેસરીઝનો પણ મહત્ત્વનો ફાળો હોય છે. સ્ટેન ગ્લાસના ડેકોરેટિવ પીસને સિલિંગ પર,રસોડાની કબિનેટ પર અથવા દિવાલ પર પણ સજાવી શકાય છે. તેવી જ રીતે લેમ્પ અને અરીસા પર પણ સ્ટેન  ગ્લાસની સજાવટ કરી શકાય છે. ગૃહ સજાવટના શોખીનો તો સ્ટેન ગ્લાસનો ઉપયોગ બુકશેલ્પ, કેબિનેટના દરવાજા અને મીણબત્તીના સટેન્ડ માટે પણ કરે છે. આ ઉપરાંત બાર અથવા રેસ્ટ રૂમ, કોફી ટેબલ અને સાઇડ  ટેબલના ટોપ પર પણ સ્ટેન ગ્લાસની સજાવટનું આકર્ષણ ઊભું કરે છે.

સ્ટેન ગ્લાસની બનાવટ પુષ્કળ મહેનત અને લાંબો સમય માંગી લેતી હોવાથી તેની કિંમત પણ ઘણી વધારે હોય છે. એકાદ સરસ મઝાનું લેમ્પશેડ ખરીદવા માટે ૨૫,૦૦૦ જેવી રકમ સહેજે ખર્ચી નાખવી પડે છે. જે લોકો આટલી મોટી  રકમ ખર્ચ કરી શકે તેમ ન હોય તેમને માટે આભાસી સ્ટેન ગ્લાસ સારો વિકલ્પ છે. સટેન ગ્લાસનો આભાસ આપતા આ ગ્લાસની કિંમત ઘણી ઓછી હોવાથી સામાન્ય લોકો પણ ઘરની સજાવટમાં તેનો ઉપયોગ કરી શકે છે.

ઘરમાં સ્ટેન ગલાસથી ડેકોરેશન કરાવવાથી પહેલા નિષ્ણાત કન્સલ્ટનની સલાહ લેવી અત્યંત આવશ્યક છે. તે તમને ઘરમાં અંધારૂ ન થાય અને પ્રકાશનું પરાવર્તન સરસ રીતે થાય એવી ડિઝાઇન બતાવશે. જો કે સ્ટેન ગ્લાસમાં મોટાભાગે નારંગી,લાલ, લીલો, જાંબલી, બ્લુ, ગુલાબી, હળવો પીળો અને આકાશી જેવા રંગોનો ઉપયોગ થાય છે. 

સ્ટેન ગ્લાસને હાથથી ઘડેલા ઘરેણાંની જેમ હાથથી બનાવવાવ પડતા હોઇ પુષ્કળ મહેનત અને લાંબો સમય માંગી લે છે. જે રીતે મશીનથી બનાવેલા આભૂષણો દેખાવમાં સુંદર હોય તોય તેમાં હાથથી બનાવેલા દાગીના જેવી ભાત નથી હોતી, તેવી જ રીતે આભાસી સ્ટેન ગ્લાસ કરતાં હાથથી બનાવવામાં આવેલા સ્ટેન ગલાસ આગવા આભૂષણ જેવી ગરજ સારે છે. આ પ્રકારના સ્ટેન ગ્લાસ બનાવનારને કોઇક અનોખી વસ્તુ બનાવવાનો સંતોષ મળે છે અને સજાવટ કરાવનારનો આગવી વસ્તુ મેળવ્યાનો આનંદ.

સામાન્ય કાચની બારીઓ અથવા ટેબલ કે ટિપોયની સફાઇ માટે આપણને કિલનીંગ ઉત્પાદનો વાપરીએ છીએ, પણ સ્ટેન ગ્લાસ સાફ કરવા માટે માત્ર સાદું પાણી અને મુલાયમ કપડું જ પુરતા થઇ રહે છે. હકીકતમાં કેમિકલયુક્ત કિલનઝરનો ઉપયોગ સ્ટેન ગ્લાસના રંગોને હાનિ પહોંચાડી શકે છે.


Google NewsGoogle News