બરોળનાં રોગો અને આયુર્વેદ .
- આરોગ્ય સંજીવની
- બરોળની તકલીફો ઘણીવાર સાવ સામાન્ય અને સસ્તા ઉપાયોથી નિવારી શકાય છે.
આજના લેખમાં ''બરોળ'' વિશે વાત કરવા જઈ રહી છું. બરોળની તકલીફો ઘણીવાર સાવ સામાન્ય અને સસ્તા ઉપાયોથી નિવારી શકાય છે. આજે બરોળને લગતી સમસ્યાનાં સમાધાન વિશે જ વાત કરીશું.
બરોળનાં રોગોમાં એક અદ્ભૂત પ્રયોગ બતાવું છું. જેમાં કોડીને લીંબુના રસમાં તથા ચોખાની કાંજીમાં પલાળવાથી તે શુદ્ધ થાય છે. આ શુદ્ધ થયેલ કોડીને માટીની મટકીમાં મૂકી, કમકમાટી કરી પકવવી અને ૭ વખત લીંબુનાં રસમાં બોળવી. ફરી પાછી ઉપર મુજબ પકવવી આમ ૭ વખત પકવવી અને ૭ વખત લીંબુના રસમાં બોળવી. તેમ કરવાથી જે ભસ્મ તૈયાર થશે તેને બે-બે ચપટી મધમાં સવાર-સાંજ દર્દીને આપવાથી બરોળનાં તમામ દર્દો મટે છે. વળી, ખાંસી અને શ્વાસ જે રોગીઓને વધારે રહેતા હોય તેમને પણ આ ભસ્મ આપવાથી ખૂબ ફાયદો થાય છે. આ સિવાય બીજા કેટલાક ઉપાયો પણ સૂચવું છું. જે દર્દીને આપવાથી બરોળનાં રોગોમાં અસરકારક સાબિત થાય છે.
* થોરનાં ડીંડવાનો રસ સાકર સાથે ગરમ કરી પાવાથી બરોળની બિમારી મટે છે.
* તાડનાં ઝાડને બાળી તેની રાખ બનાવી તેનો ક્ષાર કાઢી ૨-૨ વાર આપવાથી બરોળની તમામ બિમારી મટે છે.
* મરી અને શુદ્ધટંકણખારનું સેવન કરવાથી બરોળ મટે છે.
* સરપંખાનું ચૂર્ણ ૫ ગ્રામ જેટલું રોજ દિવસમાં ૨ વાર આપવાથી બરોળના રોગમાં ખૂબ ફાયદો થાય છે.
* કુંવારપાઠાંનો રસ લગભગ ૪૦ ગ્રામ લઈ તેમાં ૫ ગ્રામ હળદર મેળવી સવાર-સાંજ પીવાથી બરોળ મટે છે.
* બરોળ તેમજ લોહીની ગાંઠ પડી ગઈ હોય તો, રોહીડાનું ચૂર્ણ ૩-૩-૩ ગ્રામ દિવસમાં ત્રણ વખત મધ સાથે રોજ લેવું.
* ચૂના અને મધનો લેપ પણ બરોળની ગાંઠ પર અસરકારક સિદ્ધ થાય છે. ગાંઠ ઉપર પહેલાં મધ ચોપડવું પછી ઉપર ચૂનો છાંટવો. તેની ઉપર રૂ લગાવી રાખવું.
* કુંવારપાઠાંનો રસ અને હળદર મેળવી રોજ ૧ તોલો લેવો.
* બરોળ તથા કલેજાની બિમારી હોય તો તે માટે લીંડીપીપર ૪૦ ગ્રામ, જવખાર ૫૦ ગ્રામ, હરડે ચૂર્ણ ૬૦ ગ્રામ આ ત્રણેય ચૂર્ણ મીક્ષ કરી રાખવા તેમાંથી રોજ સવાર-સાંજ ૫-૫ ગ્રામ ચૂર્ણ લેવું. આ ઉપાય ખૂબ સરળ અને અસરકારક છે.
* ફુલાવેલો ટંકણખાર, સંચોરો, સંચળ, જપખાર, ફુલાવેલો ટંકણખાર આ બધું જ સરખા ભાગે લઈ, કુવારના રસથી ગોળી બનાવવી. ગોળી અને ચણાનાં માપની બનાવવી. તેમાંથી ૧ થી ૨ ગોળી રોજ એકવાર પાણી સાથે લેવી. તેનાથી બરોળ, પેટમાં ગોળાં, આફરો જે કંઈ થયું હોય તે મટે છે.
* ૧ કિલો સૂકા અંજીરમાં ૫૦૦ ગ્રામ સરકો રેડી મૂકી રાખવો. તેમાંથી રોજ ૪ અંજીર સરકાવાળા ખાવાથી બરોળના તમામ રોગો પર ઘણો ફાયદો થાય છે.
* ફુલાવેલો ટંકણખાર ૧ થી ૨ ગ્રામ જેટલો ચેવલીના પાન સાથે ખાવાથી બરોળ મટે છે.
* લીવરનાં (યકૃતનાં) દુ:ખાવા માટે મૂળાનો રસ ૨૫ ગ્રામ દિવસમાં ત્રણ વાર પીવો અને બહારની બાજુ (દર્દવાળી જગ્યાએ પણ) મૂળાનાં રસની હળવે-હળવે માલીશ કરવી.
* મેથી ખાવાથી પણ બરોળમાં ફાયદો થાય છે.
* અશ્વગંધા ૧૦ ગ્રામ, જવખાર ૨૦ ગ્રામ, સંચળ ૨૦ ગ્રામ, સિંઘવ ૨૦ ગ્રામ, આંબા હળદર ૨૦ ગ્રામ આ બધા ચૂર્ણો મીક્ષ કરી તેને નારીયળની એક આંખમાં કાણું પાડી તેમાં ભરી દેવું ને બંધ કરવું પછી તેને બાળવું. ઉપરની કાચલી બળી જાય ત્યાં સુધી બાળવું પછી ઠંડુ કરી અંદરની દવાઓ સાથે વાટીને એક રસ કરવું. પહેલાં ત્રણ દિવસ નસોતરનો જુલાબ લઈ પેટ સાફ કરી લેવું પછી ઉપરની એક રસ થયેલી દવામાંથી ૧ તોલો દવા રોજ ૧ વાર ખાવી. દવાના સેવન દરમિયાન કોઈ પણ જાતની ચિકાશ ખાવી નહીં. ખોરાકમાં ફક્ત જુવાર, ચોખા, મેથીની ભાજી, રીંગણનું ભડથું લેવા.
* જવખાર, ખડીયોખાર, નવસાર, એળિયો, રેવંચીનો શીરો અને હીરાકસી આ બધી ચીજો સમભાગે લઈ કુવારનાં રસમાં ૧૨ કલાક ઘૂંટવું પછી ચણા જેવડી ગોળીઓ બનાવવી તેમાંથી ૨ ગોળી વરીયાળીના પાણીમાં આપવાથી બરોળ મટે છે.
- જ્હાનવીબેન ભટ્ટ