માઈક્રોન્યુટ્રિઅંટ્સનો ખજાનો છે પાલકનું પાણી
એ વાત સર્વવિદિત છે કે પાલક આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક હોય છે. પાલક ખાવાથી આપણને પ્રચૂર પ્રમાણમાં વિટામીન, મિનરલ તેમ જ એન્ટિઓક્સિડન્ટ મળી રહે છે. બાળકો સુધ્ધાંને પાલકનું જ્યુસ અને સૂપ આપવામાં આવે છે. તેવી જ રીતે પાલકના વિવિધ પ્રકારના શાક સ્વાદેન્દ્રિયને પોષે છે. જોકે સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે પાલકનું શાક બનાવતી વખતે તેને પાણીમાં નાખીને બાફી લેવામાં આવે ત્યાર બાદ તેનું પાણી ફેંકી દેવામાં આવે છે. પરંતુ આહાર નિષ્ણાતો કહે છે કે આ પાણીમાં જ સૌથી વધુ પોષક તત્ત્વો હોય છે. જો તમે એ પાણી શાકમાં નાખવા ન માગતા હો તો તે ફેંકી દેવાને બદલે પી જાઓ. તેઓ પાલકના પાણીમાં રહેલા ગુણો વિશે માહિતી આપતાં કહે છે....
પેટ માટે શ્રેષ્ઠ :
પાલકના પાણીમાં અન્ય પોષક તત્ત્વો સાથે ખાસ્સી માત્રામાં ફાઈબર પણ હોય છે. જે તમારી ચયાપચયની ક્રિયા ઝડપી બનાવે છે. સ્વાભાવિક રીતે જ તમારી કબજિયાતની સમસ્યા દૂર થવા સાથે તમારું વજન અંકુશમાં રાખવામાં પણ પાલકનું પાણી ખપ લાગે છે.
આંખો તેજસ્વી બનાવે :
આંખોનું તેજ વધારવામાં વિટામીન 'એ' મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પાલકના પાણીમાં લ્યુટિન, જેકસાથિન જેવા એન્ટિઓક્સિડન્ટ ઉપરાંત વિટામીન 'એ' પણ પૂરતા પ્રમાણમાં હોય છે. જે આંખોનું તેજ વધારે છે. જ્યારે તેમાં રહેલું એન્ટિઓક્સિડન્ટ એન્ટિએજિંગ એજન્ટ તરીકે કામ કરે છે.
વાળને મજબૂત બનાવે :
પાલકના પાણીમાં રહેલું આયર્ન અને પ્રોટીન વાળને અંદરથી મજબૂત અને સુંદર બનાવે છે.
ત્વચા નિખારે :
પાલકના પાણીનું સેવન કરવાથી શરીરમાં વિષારી તત્ત્વો બહાર ફેંકાઈ જાય છે. આમ શરીર ડિટોક્સિફાય થવાથી રક્ત પરિભ્રમણ સુચારું રહે છે. જેને પગલે ત્વચા કાંતિવાન બને છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે
પાલકના પાણીમાં પ્રચૂર પ્રમાણમાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ પ્રોટીન તેમ જ માઈક્રોન્યુટ્રિઅંટ્સ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સહાય કરે છે. અને જ્યારે ઈમ્યુનિટી સ્ટ્રોંગ હોય ત્યારે કોઈપણ પ્રકારના રોગ સામે સુરક્ષા મળે તે સહજ છે.
- વૈશાલી ઠક્કર