Get The App

ક્યારેક મૌનના પડઘાં મોટા પડતા હોય છે .

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
ક્યારેક મૌનના પડઘાં મોટા પડતા હોય છે                      . 1 - image


- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ

- પોતાના માટે જીવનસાથી મહત્ત્વની છે કે દલીલો મહત્ત્વની છે તેવો વિચાર કરવો જોઈએ. જો જીવનસાથીને મહત્ત્વ આપીશું તો મૌનનું પણ મહત્ત્વ આપોઆપ સમજાઈ જશે. આપણા જીવનમાં અને સંબંધોમાં પણ એવી ઘણી સ્થિતિ આવતી હોય છે જેમાં બોલેલા શબ્દો કરતા મૌન વધારે મોટેથી પડઘાતું હોય છે.

એક સમય હતો જ્યારે ઘરમાં કોઈપણ તકરાર થતી તો તેનો ઉકેલ ઘરમાં જ આવી જતો હતો. મોટાભાગે તો પતિ અને પત્ની વચ્ચે તકરાર હોય તો તેનો કોઠાસુઝથી ઉકેલ આવી જતો હતો. તે સમયે કોઈ ત્રીજી વ્યક્તિની સલાહ લેવામાં આવતી નહોતી. તેવી જ રીતે પરિવારમાં સમસ્યા હોય તો પરિવારના વડીલો તેનો સાચો ઉકેલ લાવતા હતા પણ હવે સ્થિતિ બદલાઈ છે. આપણે બીજાની પાસે ઉકેલ લેવા જવું પડે છે કે, કારણ કે સાચા ઉકેલ આપનારા વડીલો વધ્યા નથી અથવા તો વડીલો પાસે જવાનું આપણને ગમતું નથી. દરેક મુદ્દે હવે આપણે દલીલો કરતા થઈ ગયા છીએ. સમજવું, સમજાવવું કે પછી જતું કરવું વગેરે હવે આપણને ફાવતું નથી. દરેક વાતમાં હવે ઈગો વચ્ચે આવવા લાગ્યો છે. આ ઈગો સંબંધોને ઝડપથી ખરાબ કરી રહ્યો છે. 

થોડા સમય પહેલાં મને એક વાચકનો ઈમેલ આવ્યો હતો. તે પોતાના દાંપત્ય જીવનથી થોડો વ્યથિત હતો. તેણે ઈમેલમાં જે લખ્યું હતું અને તેની સાથે ફોન ઉપર વાત થઈ પછી મને સ્થિતિ સ્પષ્ટ થઈ. તેની વાત કંઈક આવી હતી. અમારા લગ્નને ચાર વર્ષ થયા છે. મારી પત્ની હાઈલી એજ્યુકેટેડ અને વકગ વુમન છે. અમે લોકો લગ્નના શરૂઆતના બે-ત્રણ વર્ષ ખૂબ જ ખુશ હતા અને તમામ રીતે એકબીજાને અનુકુળ થઈને રહેતા હતા. છેલ્લાં દોઢ-બે વર્ષથી અમારા લગ્નજીવનમાં સતત તણખા ઝરતા રહે છે. વાતેવાતે મારી પત્ની ગુસ્સે થઈ જાય છે. તે દરેક કામ અને બાબતે દલીલો જ કરતી રહે છે. પહેલાં અમે બધી જ જવાબદારી સંપીને ઉપાડવાનું નક્કી કર્યું હતું, પણ હવે તે આનાકાની કરે છે. ખોટા ખોટા તર્ક કરીને કામ પડતું મુકે છે અથવા તો કરતી જ નથી. તે ઉપરાંત અમારી વચ્ચે સતત મતભેદ થતા રહે છે. ઘરનું કામ હોય કે શોપિંગ હોય કે પછી ફિલ્મ જોવા જવાનું હોય તે સતત દલીલો જ કરતી રહે છે. ઘણી વખત તો હોટેલમાં જમવા જવા અંગે એટલા મતભેદ થાય છે કે અમારે ઘરે જ રહેવું પડે છે. ગમો-અણગમો દરેક વ્યક્તિને હોય તે માન્યું પણ દરેક બાબતે મતભેદ જ થતા રહે તો સાથે રહેવું કેવી રીતે શક્ય બને. ઘણી વખત એમ લાગ્યા કે છે કે તે જાણીજોઈને આમ કરતી હોય છે. મેં ઘણી વખત જોયું છે કે, તે એકલી બેઠી હોય ત્યારે હસતી હોય, ગીતો ગાતી હોય અને મૂડમાં હોય પણ હું કંઈક કહું કે પુછું તો તેના ચહેરા પર તરત જ ગંભીરતા અને ગુસ્સો ઉપસી આવે. પહેલી વારમાં જ મારી વાતનો છેદ ઉડાડી દેવાનો અને જો હું દલીલ કરું તો ઝઘડો મોટો થઈ જાય. મને હવે એમ થયા છે કે, આ રીતે સાથે રહેવું તેના કરતા અલગ થઈ જવું વધારે સારું છું.

આ વ્યક્તિના વાત પરથી એમ લાગ્યું કે, તેમણે જાત નિરિક્ષણ કર્યું જ નથી અને સતત બીજા જોડે જ પોતાની સમસ્યાઓ વિશે સલાહ લીધી છે. મનોચિકિત્સક સચોટ સલાહ આપે તે વાત સાચી પણ સામાન્ય શરદી-તાવ આવે અથવા તો સિઝનલ ફ્લૂ હોય તો એમડી ડોક્ટર પાસે ન દોડી જવાય. તેમણે સ્વાભાવિક રીતે જ પોતાની જાતને સવાલ કરવા જોઈએ. તે માત્ર એટલું વિચારે કે, લગ્નનાં પહેલાં ત્રણ વર્ષે જો દાંપત્ય સુખી હતું તો કયા કારણે હતું. ત્યારબાદ એ ઘટના કે સ્થિતિને યાદ કરવા જોઈએ જેના કારણે સંબંધમાં ખટાશ આવવા લાગી હતી. બીજી બાબત એ છે કે દાંપત્યમાં મતભેદ થવાના, આ મતભેદ માત્ર મતભેદ સુધી જ મર્યાદિત રહેવા જોઈએ. આપણે મતભેદને જ એટલા ભયાનક બનાવી દઈએ છીએ કે તે સમયાંતરે મનભેદમાં પરિણમી જાય છે. કોઈપણ સંબંધ તૂટવા માટે આ ગંભીર કારણ છે. આ કિસ્સામાં સૌથી પહેલાં કામ એ કરવાનું છે કે પતિ અને પત્ની સાથે બેસીને જ છેલ્લાં પાંચ ઝઘડા અંગે જાતે મનોમંથન કરવું જોઈએ. ઘણી વખત એવું બન્યું હોય કે બીનજરૂરી જવાબ અથવા તો દલીલના કારણે મુદ્દો વધારે ખેંચાયો હશે.

સામાન્ય એક ઘટના વિચારીએ. ધારો કે તમને દાળ કે શાકમાં કોથમીર નાખી હોય તે પસંદ નથી. આવા સંજોગોમાં તમે તેને શાંતિ સમજાવો. તેવી જ રીતે તમારી પત્નીને પંજાબી ભોજન ભાવતું નથી છતાં તમે હોટેલમાં જઈને પહેલો જ તેનો ઓર્ડર આપો છો કારણ કે તમને પસંદ છે. આ સ્થિતિ બંને માટે વિપરિત છે અને વારંવાર થતું કાર્ય વ્યક્તિને અકળાવી નાખે છે. તમે તેને કહો કે આજે હું કોથમીર ખાઈ લઈશ પણ આવતી વખતે સહેજ ધ્યાન રાખજે તો મને વધારે ગમશે. આ ખૂબ જ સાહજિક સ્થિતિ છે પણ આપણે અવળું જ કરીએ છીએ. આપણે કહીએ છીએ કે તને ખબર નથી મને કોથમીર નથી ભાવતી લગ્નના પાચં વર્ષેય મારે તને સમજાવવાની. 

આ બાબતો નાની છે પણ તેને મોટું સ્વરૂપ ધારણ કરવામાં સમય નથી લાગતો. અન્ય એક મહત્ત્વની બાબત છે ક્રોધ પર કાબૂ મેળવતા શીખવું. અણગમતી બાબતે ગુસ્સો આવે તે સ્વાભાવિક છે પણ દરેક વખતે ગુસ્સો આવે તે અયોગ્ય છે. દલીલો દ્વારા જ જો દરેક બાબતનો ઉકેલ આવતો હોય તો જોઈતું શું હતું. ઘણી વખત મૌન રહેવાથી પણ કોઈ બાબતને શાંત કરી શકાય છે. ઘણી વખત એવું બન્યું હશે કે તમે અથવા તો તમારી પત્નીએ એકબીજાને ન કહેવાનું કહી દીધું હશે જેથી ઝઘડો વધારે મોટો થયો હશે પણ આવા સમયે જો એક પાત્ર વાણીને વિરામ આપે તો અડધી સમસ્યા આપોઆપ ઉકેલાઈ જાય છે. કોઈપણ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની વૃત્તિ હોય તો તેને બદલી નાખો. કોઈપણ સમસ્યા કે ઝઘડાનો તાત્કાલિક ઉકેલ ન આવે. તેને થોડો સમય આપવો પડે. આપણને વાગ્યું હોય તો દવા લગાડીએ એટલે થોડું કંઈ તરત જ મટી જાય છે. તેને થોડા દિવસો આપવા પડે છે જ ને. તેવી જ રીતે લાગણીઓ ઘવાઈ હોય તો તેને પણ સાજી થતાં થોડો સમય આપવો પડે છે. નકામી અને નજીવી કહી શકાય તેવી સ્થિતિઓ અને ઝઘડા કે પછી દલીલોના કારણે સંબંધો તોડી નાખવા તે અયોગ્ય છે. 

સમસ્યા જ્યારે બોલવાથી થતી હોય, રિએક્ટ કરવાથી થતી હોય તો તેવા સમયમાં મૌન રહેવું વધારે સારું અને સરળ રહે છે. ઘણી વખત આપણે કોઈ એક્શનનું રિએક્શન આપી બેસીએ છીએ. આપણે હકિકતે જવાબ આપવાનો હોય છે. કોઈ સવાલ કરે તો જવાબ આપવો તેવું હોય છે. 

દાંપત્યમાં ઊભા થતા દરેક સવાલોના જવાબ શોધવા ન જવાય. બંને એકબીજાને સવાલો કરીને જવાબો શોધતા રહે તો તેનાથી દાંપત્યજીવનને જ નુકસાન થવાનું છે. ઘણી સમસ્યાઓ માત્ર મૌન રહેવાથી પણ ઉકેલાઈ જતી હોય છે. ક્યારેક આપણને લાગે છે કે, મેં તો માત્ર જવાબ આપ્યો હતો પણ સામેની વ્યક્તિને એવું લાગે છે કે, તમે રિએક્ટ કર્યું. તેવી જ રીતે ક્યારેક સામેની વ્યક્તિનો જવાબ આપણને રિએક્શન જેવા લાગે છે. આવી સ્થિતિ દાંપત્યમાં ઊભી થતી જ હોય છે. તે સમયે ખરેખર રિએક્ટ કરવાના બદલે શાંત રહીને સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. પોતાના માટે જીવનસાથી મહત્ત્વની છે કે દલીલો મહત્ત્વની છે તેવો વિચાર કરવો જોઈએ. જો જીવનસાથીને મહત્ત્વ આપીશું તો મૌનનું પણ મહત્ત્વ આપોઆપ સમજાઈ જશે. આપણા જીવનમાં અને સંબંધોમાં પણ એવી ઘણી સ્થિતિ આવતી હોય છે જેમાં બોલેલા શબ્દો કરતા મૌન વધારે મોટેથી પડઘાતું હોય છે.  


Google NewsGoogle News