Get The App

કસરત અંગેની કેટલીક ગેરસમજ અને તેનું સચોટ માર્ગદર્શન

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
કસરત અંગેની કેટલીક ગેરસમજ અને તેનું સચોટ માર્ગદર્શન 1 - image


આજે કસરત પ્રત્યે લોકોમાં સજાગતાનું પ્રમાણ વધતું જાય છે. ગાર્ડન, પાર્ક અને દરિયા કિનારા જેવાં સ્થળોએ અસંખ્ય લોકો ફરવા-દોડવા નીકળે છે. એરોબિક્સ સ્ટાઇલની કસરત પણ ખાસ્સી પ્રચલિત થઈ ચૂકી છે. તદુપરાંત વેઇટલિફ્ટિંગ વગેરે જેવી કસરતોમાં લોકોનો વધતો જતો રસ તેમની સજાગતાની સાક્ષીપૂરે છે. આમ છતાં એક વાત નોંધવાલાયક છે કે કેટલાક લોકો એવા પણ છે જેઓ હોંશભેર કસરત તો શરૂ કરે છે, પણ ટૂંક સમયમાં જ તેમનો જુસ્સો ઓસરી જાય છે. આનું કારણ એ છે કે આવા લોકો થોડાક સમય માટે કસરતની પાછળ આદું ખાઈને પડી જતા હોય છે. આપણે એમ ધારીએ કે તેઓ ઉત્સાહભેર કસરત કરે છે, તેમના પર કસરતની અસર કેટલી થઈ છે તે તેઓ નિયમિત જોતા રહે છે. આવા ઉત્સાહીઓ બીજા પાસે પોતાના વિશે અભિપ્રાય માગતા જોવા મળે છે અથવા અરીસા સામે પોતાના શરીરનું નિરીક્ષણ કરતા રહે છે. કસરતથી તેમની શારીરિક સંરચના કેટલી બદલાઈ તેનો તેઓ વિચાર કરવા લાગે છે. આવી આતુરતાને ગાંડપણ ભરેલી કહી શકાય. તેઓને કસરત પછી પણ તેમનું શારીરિક માળખું યથાવત્ છે ત્યારે તેઓ કંટાળીને કસરતને તિલાંજલિ આપી દે છે.

હકીકત એ છે કે તેમનો આવો નિર્ણય  ઉતાવળિયો અને અવિચારી હોય છે. કસરતના પ્રભાવ સંબંધે આપણે 'ટીપે ટીપે સરોવર છલકાય' કહેવતને વિસારે ન પાડવી જોઈએ. મરજીવો વારંવાર દરિયામાં ડૂબકી લગાવે ત્યારે જ તેને એકાદ મોતી હાથ લાગ છે. હવે કહેવાની જરૂર નથી કે કસરત ગુણ ધીમે ધીમે બહાર આવે છે. તે કોઈ જાદુઈ ચમત્કાર નથી કે આંખ બંધ કરીને ખોલો તો પરિવર્તન દેખાય. આમ તો કસરત વિશે લોકો જાગૃત થયા છે એ ખરું, છતાં તેનો સંપૂર્ણ અને ખરા અર્થમાં પ્રચાર થયો નથી. આનું કારણ આપણા સમાજમાં ફરી વળેલી ખોટી માન્યતાઓ છે. કસરતના લાભના સંબંધમાં સચોટ જાણકારી ખાતર કેટલીક ખોટી ધારણાઓથી છૂટકારો મેળવવો ખૂબ જરૂરી છે. ખોટી માન્યતાઓ આપણા પોતાના મગજની જ ઉપજે છે. કારણ કે આવી માન્યતાઓને વિજ્ઞાાન દ્વારા હજી સુધી પુષ્ટિ મળી શકી નતી. કસરત કરનારા લોકોમાં પ્રવર્તની કેટલીક ગેરસમજણ અને તે સંદર્ભના માર્ગદર્શક જવાબ.

કસરત કરતી વખતે પાણી ન પીવું જોઈએ

મામૂલી તાવથી સિમ્ટોમેટોલોજી સુધીની તમામ બીમારીનું કારણ વખતે પાણી પીવાની ટેવ હોવાનું બતાવાય છે. આ કારણને હજી સુધી વૈજ્ઞાાનિક પરીક્ષણ થકી પુષ્ટિ મળી નથી. આથી ઉલ્ટું ડોક્ટરો હવે એવી સલાહ આપે છે કે કસરત દરમિયાન પાણી પીવું ખૂબ જરૂરી છે. કસરતના કારણે ઝડપી શ્વાસ લેવો પડે છે. આ દરમિયાન પરસેવાના રૂપમાં જે પાણી આપણા શરીરમાંથી નીકળ છે તેની પૂર્તિ માટે પાણી પીવું આવશ્યક છે. પસીના સાથે સોડિયમની સુદ્ધા ખોટ ઊભી થાય છે અને એટલે જ એની પૂર્તિ અર્થે પાણીમાં ચમચી ભરીને મીઠું નાખવું હિતાવહ છે.

કસરત પહેલાં ગ્લુકોઝનું સેવન લાભદાયી છે

આ ધારણા વજૂદહીન છે, કેમ કે ગ્લુકોઝનો પ્રભાવ અવરોધક હોય છે. કેટલાંક ગ્લુકોઝનાં મિશ્રણને લીધે પેઇનક્રિયાઝ તરત જ ઇન્સુલિનનો સ્ત્રાવ કરે છે, જેનાથી બ્લડ ગ્લુકોઝમાં ઘટ આવે છે અને આ રીતે કસતરબાજ પાસે ઓછી તાકાત બચે છે. ગ્લુકોઝ કરતાં માખણ વિનાની એક સ્લાઇઝ લાભયદાયક છે. ઉપરાંત ધીમા જ્વલનશીલ કાર્બોહાઇડ્રેટ જેવા બર્ગર ખાવાથી પણ લાભ થઈ શકે છે.

કસરત બાદ થકાવટ દૂર કરવા માટે શુદ્ધ દેશી ઘી આરોગવું જરૂરી છે

ભારતીયોમાં ભ્રામક ધારણા છે કે વધુ દંડબેઠક કરવાથી અને ભરપૂર માખણ, મલાઈ, દેશી ઘી ખાવાથી સ્ફૂર્તિ વધે છે. શરીરમાં બળ આવે છે. હકીકતમાં આવા ભોજનનું વધારે પડતું સેવન હૃદય રોગ અને એન્ઝાઇન જેવા દરદને આમંત્રણ આપે છે. ઘી વગેરે પદાર્થચરબીયુક્ત અમ્લ ધરાવે છે અને કોલેસ્ટ્રોલની વૃદ્ધિ કરે છે. વધુ ઘી આરોગવાથી ધમનીઓ અને નસોના રસ્તા સંકુચિત થાય છે. પરિણામે રક્તસંચારમાં વિઘ્ન આવે છે. આને લીધે ઓછાં કોલેસ્ટ્રોલવાળાં તેલ, જેવાં કે સોયાબીન અથવા સૂર્યમુખી ઇત્યાદિનો પ્રયોગ ગુણકારી છે. શારીરિક સંરચના ગમે તેવી હોય તો પણ આહારમાં સંતુલન જાળવવું જોઈએ.

વજન ઓછું કરવાની લાહ્યમાં છોકરીઓ પુરુષ જેવી થઈ જાય છે

આ માન્યતા હાસ્યાસ્પદ અને પાયાવિહોણી છે. વજન ઓછું કરવા દરમિયાન ટેસ્ટોસ્ટ્રોન નામક હોર્મોનનો સ્ત્રાવ શરૂ થાય છે, જેને લીધે માસ પેશીઓનો આકાર અને સંરચના બદલાઈ જાય છે. સત્ય એ છે કે વજન ઘટાડવાથી અથવા કસરતથી મહિલાઓનું શરીર સુડોળ, સ્વસ્થ અને બળવાન થાય છે. કસરતથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. માનસિક મનોબળ અને આત્મવિશ્વાસ થનગનતો થાય છે.

કસરતથી સ્ટેમિના વધે છે

દરેક કસરતનો લાભ ભિન્ન હોય છે. દોડવાથી શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે, હૃદય કામગીરી સુચારું બને છે. તેવી જ રીતે દરેક યોગાસનના જુદા જુદા લાભ હોય છે.

કસરત દરમિયાન ટ્રેક સૂટ પહેરવો જરૂરી છે

ભારતમાંના ભેજવાળા પ્રદેશમાં ટ્રેક સૂટની જરાય જરૂર નથી. તે શરીરને વધારે પડતી ઉષ્મા પ્રદાન કરે છે, જે હાનિકારક સાબિત થઈ શકે છે. ભારતમાં ઠંડીની ઋતુને બાદ કરતાં ટૂંકી પેન્ટ અને સુગમ ટી-શર્ટ પહેરીને કસરત કરવાથી રાહત મળે છે.

વેઇટલિફ્ટિંગ સાંધામાં ગાંઠ ઉત્પન્ન કરે છે

આ ધારણા વાહિયાત છે. સાચી વાત એ છેકે વેઇટલિફ્ટિંગથી માંસપેશીઓમાં લચક અને સ્ફૂર્તિનું આરોપણ થાય છે. જરૂર કરતાં  વધુ વજન ઉચકવાથી સાંધાસંબંધી રોગ ઉદ્ભવી શકે છે. કહેવાય છે કે કોઈ પણ જાતનો અતિરેક વિનાશનું મૂળ છે.

દંડબેઠકથી પેટની ચરબી ઘટે છે

ઘણા લોકો ચરબી ઓછી કરવા જરૂર કરતાં વધારે દંડબેઠક કરે છે. ફક્ત માથે ધૂન સવાર થવાથી એવું કરવામાં મોટું જોખમ છે. હા, કસરત તથા આહારમાં સંતુલન રાખવાથી ચરબીમાં ઘટાડો લાવી શકાય. ચરબીયુક્ત ખોરાક ટાળવો જોઈએ.

ઉંમર મુજબ કસરત કરવી જોઈએ

લોકો એવું કહેતા હોય છે કે વૃદ્ધાવસ્થા માત્ર ટહેલવા કે આરામ કરવા પૂરતી છે, હકીકતમાં વૃદ્ધાવસ્થામાં સુદ્ધાં હળવી કસરત અને યોગાસન સાર્થક નીવડે છે. આમ છતાં વૃદ્ધાએ શીર્ષાસન વગેરે જેવાં કઠીન આસમોથી દૂર રહેવું હિતાવહ રહે છે. વૃદ્ધાવસ્થામાં વહેલી સવારે ખુલ્લી હવામાં ફરવા જવાથી અને દોડવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે.

- અવન્તિકા



Google NewsGoogle News