સ્કીન રોગ સાધ્ય આયુર્વેદ સાથે
- આરોગ્ય સંજીવની- જ્હાનવીબેન ભટ્ટ
આજના ઝડપી યુગનાં જમાનામાં ફાસ્ટફૂડ ખાવાનું ચલણ ખૂબ વધેલું છે. તેમજ લાઈફસ્ટાઈલ પણ ખૂબ જ અવ્યવસ્થિત થઈ ગયેલ જોવા મળેલ છે. આવી સ્થિતિમાં આજ-કાલ સ્કીન ડીસીઝ એટલે કે, ચામડીના રોગો ખૂબ થતા જોવા મળે છે. દટ્રુ, શીતપતિ, શીળસ, કંડૂતા જેવા અનેક રોગોનો સમાવેશ સ્કીન ડીસીઝમાં કરવામાં આવે છે. આ બધા જ રોગો એવા છે કે, જો તેને જડમૂળથી કાઢવામાં ન આવે તો તે અસાધ્ય બનતા વાર લાગતી નથી. આજે એવા જ એક આકુળ-વ્યાકુળ કરી નાખે તેવા 'શીળસ' રોગ વિશે વિસ્તારથી ચર્ચા કરીશું.
આ એક એવો વ્યાધિ છે કે, જેમાં દર્દીને હાથ ન રોકી શકે તેટલી ખંજવાળ આવે છે. કોઈ વિષાન્ત જીવાણું કરડી જાય અને જેવા ઢીમચાં થાય તેવા ઢીમચાં શરીરમાં ઠેર ઠેર થઈ જાય છે. તેમાં ખંજવાળ ઉપરાંત દાહ અને પીડા પણ થાય છે. ખાસ કરીને આ બીમારીમાં ઠંડો પવન સતત લાગવાથી તે શરીરનાં કફ અને વાયુના સંપર્કમાં આવે છે. પરિણામે શરીરમાં રહેતા કફ અને વાયુ દુષિત થાય છે. આ દૂષિત કફ પણ દૂષિત કરે છે. આ દૂષિત કફ-પિત-વાત-રક્તાદિ ધાતુમાં પ્રવેશે છે, અને ત્યાં નાના-નાના ઢીમચાં ઉત્પન્ન કરે છે, જેમાં ખૂબ ખંજવાળ આવે છે. આ રોગની સમયસર સારવાર થાય અને ખાન-પાનની પરેજી રાખવામાં આવે તો તેનાથી આ રોગને કાબૂમાં લાવી શકાય છે. આ 'શીળસ' રોગ શીતળ વાયુ લાગવાથી, પરસેવો થવાથી, ઠંડુ પાણી પીવાથી તુરંત ઊઠી આવે છે. જ્યારે જ્યારે આ રોગ ઉઠે ત્યારે દર્દીને જંપીને બેસવા દેતું નથી. શરીરમાં ઠેર-ઠેર ખંજવાળ ઉપડે અને બધી જગ્યાએ ખંજવાળી ન શકાય તેથી દર્દી અકળાઈ જાય છે. જેની અસર તેનાં સ્વભાવ ઉપર પડે છે. ખંજવાળ આવતા ખંજવાળ હાથથી કરવાથી તેનો ફેલાવો વધતો જાય છે, દાહ અને ખંજવાળ બંને સાથે થતા હોવાથી ''શીળસ''માં ખૂબ બેચેની વધી જાય છે.
તેથી, શીળસ થવા માંડે છે કે તરત ખોરાકમાં, રહન-સહન દબાવી દેવાનો ઉપાય ન કરતાં તેને જડમૂળથી જાય તેવા ઉપચાર કરી દૂર કરવું જોઈએ. સૌ પ્રથમ તો શીળસ શું ખાવાથી થાય છે. તે આપણાં આહારનું નિરીક્ષણ કરી નક્કી કરવું જોઈએ. ''શીળસ''ને જડમૂળથી કાઢવા માટે પથ્યાપથ્ય પાળવા ખૂબ જરૂરી છે.
આપણી આજુ-બાજુથી મળી રહે તથા અનેક ઔષધો શીતપિતની સારવાર માટે આયુર્વેદમાં બતાવેલા છે. આ ઔષધો લેપન અને સેવન કરવાથી તેને ઝડપથી મટાડી શકાય છે. લેપન માટે (૧) દૂર્વા અને હળદરને ભેગા કરીને તેનો લેપ કરવો.
(૨) સિંધવને ખૂબ બારીક વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાંથી શીળસનાં ઢીમચા ઉપર લગાવવું.
(૩) કોડીનાં પાંદડા વાટી તેનો લેપ શીળસનાં ભાગ ઉપર કરવો. વૈદ્યની સલાહ મુજબ ઉપરમાંથી કોઈપણ એક પ્રયોગ વૈદ્યની સલાહ સાથે કરવાથી ખૂબ જ ફાયદો થશે.
આ ઉપરાંત સેવન માટે અરણીનાં મૂળને વાટીને ઘી સાથે સાત દિવસ પીવાથી શીળસમાં અદ્ભૂત ફાયદો થાય છે. આ ઉપરાંત રાત્રે હળદરનાં ચૂર્ણને પલાળી રાખી સવારે નરણે કોઠે તે પાણી ઉપર-ઉપરથી પી જવું. પાણી પીધા પછી ૧ કલાક સુધી કંઈ જ ખાવું-પીવું નહીં. આ પ્રયોગથી શીળસ ઉપર ખૂબ જ ફાયદો જણાશે. આ ઉપરાંતઆભ્યાંતર ઔષધ પ્રયોગમાં હરિદ્રાખંડ, આરોગ્યવર્ધીની વટી, ગંધક રસાયાન વગેરે જેવા ઘણાં યોગો આયુર્વેદમાં દર્શાવ્યા છે, જેનો ઉપયોગ વૈદ્યની સલાહમાં રહીને કરી શકાય છે. મહામંજીષ્ઠાદિ ક્વાથ ૨ તોલા ૨ વાર ભૂખ્યા પેટે સવાર-સાંજ લેવાથી ઘણો ફાયદો જણાશે.
આ ઉપરાંત ખોરાકમાં પણ પરેજી પાળવી ખૂબ જ જરૂરી છે. તીખું-તળેલું, વાસી, વાયડું વગેરેનું સેવન અહિતકર છે. આ રોગમાં કારેલા, દાડમ, ઘઉં, ચોખા, મગ વગેરે ઉત્તમ છે. ખાટા પદાર્થો અને વિરૂદ્ધ આહાર પણ અહિતકર છે. શીતપવન, શીતસ્નાન અને આતપ સેવન પણ આ રોગનાં દર્દીઓ માટે અહિતકર છે. આયુર્વેદનાં ઔષધો અને સુયોગ્ય આહાર આ રોગને જડમૂળથી કાઢી શકે છે, તે વાતમાં શંકાને સ્થાન નથી.