વારસો : નવી પેઢી સુધી પહોંચવા અભિમાનનો નહિ, આકર્ષણનો વિષય બનાવો!

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
વારસો : નવી પેઢી સુધી પહોંચવા અભિમાનનો નહિ, આકર્ષણનો વિષય બનાવો! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- પોતીકા વારસાના ગૌરવની રજૂઆતમાં મુગ્ધ વિસ્મય આગળ હોય, શ્રેષ્ઠતાનું ગુમાન નહિ ! આપણો અતિસમૃદ્ધ અને અતિ રસિકરંગીન એવો વારસો એટલે આપણા જ વાંકે વિશ્વના વ્હાલનો વિષય ઓછો બને છે, એ જોઈને પીડા થાય છે

વે સ્ટર્ન કલ્ચરથી જેમની આંખો ચકાચૌંધ થતી રહે છે, એમને જત જણાવવાનું કે મધ્યયુગનું યુરોપ 'અંધકાર યુગ'માં હતું. નાના નાના ગામો ફરતે સુરક્ષા માટે કિલ્લા બાંધવામાં આવતા આપણા ગામડામાં જે સામંત, ઠાકોર, જમીનદાર રાજ કરે, એમ ત્યાં પણ ટચૂકડા રજવાડાઓ રહેતા. ઘણુંખરું શાસકો શોષણખોર હતા. ચર્ચ કે મોનેસ્ટરી સિવાય લખવા- વાંચવાનું કોઈને જ્ઞાન નહોતું. રાજા અને ચર્ચ બંને કર-મહેસૂલ ઉઘરાવતા. સાહિત્ય કે કળા સાથે સામાન્ય પ્રજાને બારમો ચંદ્રમા હતો. અક્ષરજ્ઞાન જ ન હોય ત્યાં કવિતા કે કથા શું માંડવી ? એ કામ મોટે ભાગે ગ્રીક-રોમન સંસ્કૃતિની અસર નીચે શિલ્પ કે ભીંતચિત્રોથી કરવામાં આવતું. એ ય મોટે ભાગે રાજાઓ (કિંગ્સ) કે ભાયાતો (કાઉન્ટ્સ)ના મહેલો કે ચર્ચની માલિકીના સ્થળો રહેતા. ગરીબ લોકો લાકડાના મકાનો બનાવતા અને અમીરો પથ્થરના મકાનો ચણી લેતા. ઠંડાગાર મુલ્કમાં ખાસ કશી પ્રવૃત્તિ રહેતી નહિ ! તહેવારો પણ ફિક્કા ! ફિલસોફી તો ભૂલી જ જવાની !

મોટે ભાગે પ્રજા લુહારીકામ, સુથારીકામ, ખેતી, પશુપાલન જેવા હુન્નર અને કૃષિમાં રહેતી વિજ્ઞાન નામની ચિડિયા કિસ ખેત કી મૂલી હૈ - એનું એમને ત્યારે ભાન નહોતું. એ વખતની ધાર્મિક વિચિત્રતાઓનું શિરમોર કલંક - 'વિચક્રાફ્ટ' હતું. આજે જે યુરોપિયન નારી આઝાદમિજાજ આધુનિકા ગણાય છે, એ ત્યારે કિચન ક્વિનથી વિશેષ ગણો તો માત્ર સજાવટનું રમકડું હતી. અપહરણ કે વેશ્યાવૃત્તિ તો છોડો, ગમે ત્યારે તે સ્ત્રીને ધર્મગુરૂ કે ગામના પંચાતિયા મોભાદાર આગેવાનો ડાકણ ઠેરવી દેતા ! પછી એને ટોર્ચર ચેમ્બરમાં લઈ જવાતી. ન્યાયના નામે નાટક ચાલતુ. એટલો અમાનુષી ત્રાસ કિલ્લાઓના ભેદી ઓરડાઓમાં ગુજારવામાં આવતો કે એમાથી છૂટકારો મેળવવા કોઈ પણ વ્યક્તિ જે કહો તે કબૂલ કરી લે... અને એ કબૂલાત પછી શું ? સ્વૈચ્છિક (?) રીતે ડાકણ હોવાનો ગુનો કબૂલ કરવાને લીધે જાહેરમાં એને જીવતી સળગાવી દેવામાં આવતી ! ભણવાની તો છૂટ ન્હોતી. રાજકાજ કે વહીવટમાં તો સીધી એન્ટ્રી નહોતી. ઈધર કૂવા, ઉધર ખાઈ !

સ્ત્રીઓ સાથે આવો વ્યવહાર થતો ત્યારે પુરુષો શું કરતા ? જે એ લોકો યુગોથી કરતા આવ્યા છે તે ! ભોગવિલાસ અથવા હિંસા ! મોટે ભાગે બધા અંદરોઅંદર લડતા રહેતા. ટૂંકમાં જંગલની જિંદગી હતી... અગાઉ ભવ્યતાના શિખરે પહોંચેલી ઇજીપ્શ્યન, રોમન કે ગ્રીક સંસ્કૃતિના બહુ ઓછા સુલક્ષણો મધ્યયુગના (૮મીથી ૧૫મી સદી)ના યુરોપ સુધી પહોંચ્યા હતા. ત્યારે તો આજે યુરોપિયન મુક્તિ પ્રગતિ સામે પછાત લાગતો ઇસ્લામ વધુ પ્રગતિશીલ દૌરમાં હતો !

પરંતુ, ૧૨મી સદી પછી ધીરે ધીરે કળાનો અને પછી ૧૬મી સદી આસપાસ વિજ્ઞાનનો જાદુ છવાતો ગયો. ના, આપણું બધું ચોરી ગયાવાળા ગપોડી વોટ્સેપ ફોરવર્ડને લીધે નહિ, પણ રેનેસાં (નવજાગરણ)ની અદ્ભુત ક્રાંતિકારી ઘટના બની એટલે. વિચારના વિસ્તારથી યુરોપનો નકશો પલટાતો ગયો... શ્રેષ્ઠ રસ્તો, ઉત્તમ સંગીત, આલીશાન, શિલ્પો, નયનરમ્ય ચિત્રો, પ્રભાવશાળી સાહિત્યની હેલી વરસી... ગુલામડી જેવી નારીઓ વસ્ત્રથી લઈને વિચાર સુધી સ્વતંત્ર બની, ઔદ્યોગિક ઉત્પાદનના ઉછાળા પછી તંત્રવિદ્યા અને સંચાલનની આખી એક વિદ્યાશાખા ઉભી થઈ... ભલે આજે એ પ્રજાનું રાજ જગત પર પૂરું થયું,પણ એ માનસિકતાનું રાજ પૃથ્વી પર છવાઈ ચૂક્યું છે. 

ઇસ્લામ અને હિન્દુત્વના પહેરીગરો ભલે અકળાઈ ઉઠે પણ હકીકત એ છે કે, પશ્ચિમી સભ્યતામાં ખૂટતા રંગો અમેરિકાએ પૂર્યા પછી જગતભરની નવી પેઢી પર એનો જાદુ ચુંબક જેવો છે... એ અપનાવવા માટે કે એના ભણી ખેંચાવા માટે જોર-જબરજસ્તીની જરૂર નથી. આપોઆપ એ દુનિયાભરના યૌવનને વ્હાલી લાગે છે એમાં સ્વતંત્રતા અને સુખનો અહેસાસ થાય છે. ખાસ કરીને સ્ત્રી-પુરુષ સંબંધોમાં ! ઉત્તમોત્તમ શિક્ષણ ને સ્વચ્છતા કે જાહેર શિસ્તમાં. હાઈ ટેક લાઇફમાં. 

હવે આવે છે ખૂબીની વાત ! આટઆટલી ધૂમધડાકેદાર અને ચટાકેદાર હાઇ-ટેક આધુનિકતા વચ્ચે યુરોપમાં જે કંઈ જૂનું છે, એને અદ્દલોઅદ્દલ સાચવવામાં આવ્યું છે ! જૂના રહેણાંક મકાનોને પણ સ્થાનિક વહીવટી તંત્ર પાડવાને બદલે સાચવીને રાખવાના આદેશો બહાર પાડે છે ! મધ્યયુગના નળ અને પરિવાર ખાડામાંથી પાણી ભરવા જાય એ ખાડો પણ 'ટુરિસ્ટ સ્પોટ' બની જાય છે ! પ્રાચીન વારસાના નામે તૂટેલા ઠીકરાના ગુણગાન ગાવામાં પણ બધા ભાવવિભોર બની જાય છે. ઠેર ઠેર પોતાના ગામની કે ભાષાની કે કલ્ચરની કહાની કહેતા મ્યુઝિયમ્સ બની જાય છે. એક એક કિલ્લા કે કેથેડ્રલને કાળજીથી ટુરિસ્ટ એટ્રેકશનમાં ફેરવી દેવાય છે. મોટા ભાગના યુરોપિયન મહાનગરોમાં ગામની જૂની ઓળખ બને એવા સિટી સેન્ટર કે ડાઉનટાઉનનો ઓલ્ડ ક્લાસિક લૂક ફરજિયાત જાળવવાનો રહે છે. કોઈ પણ વિસ્તારમાં કોઈ ચિત્રકાર, કવિ, લેખક, સંગીતકાર... કોઈ પણ પ્રકારનો સર્જક પેદા થયો કે પ્રાચીન પાત્રની પણ કલ્પના હોય તો તેનું ઘર સચવાય, તેના ચોક બને, અવનવી જગ્યાઓને તેના નામ અપાય, એના પૂતળાં પણ હોય ને રેસ્ટોરાં પણ હોય!

યુરોપના દરેક દેશની માફક જર્મનીના પશ્ચિમ ભાગમાં નાના-મોટા ગામડાઓ છે પણ દેખાવે એ જરાય ભુખ્ખડ નથી. વીસેક હજારની વસતિવાળા ગામમાં પણ આલાતરીન કાર અને વિશાળ સુપર સ્ટોર હોય છે. હોસ્પિટલ્સ, ટીવી ચેનલ્સ, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, સિનેમા હોલ બધું જ હોય છે ! એક મહેરબાની કુદરતે પણ કરી છે. સેન્ટ્રલી એરકન્ડીશન્ડ કહી શકાય એવા વાતાવરણમાં છૂટ્ટે હાથે હરિયાળી એણે છાંટી છે. જ્યાં નજર કરો ત્યાં વૃક્ષો, પહાડ, ઝરણા, રંગબેરંગી ફૂલો, લહેજતદાર ફળો, ખેતરોના પિક્ચર પોસ્ટકાર્ડ જેવા લેન્ડસ્કેપ નજરે પડે છે ! એ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી રખડતી ગાયો અને ભટકતા કૂતરા ક્યાંય નથી. જાહેર માર્ગો પર સાંજ પડયે માણસોનું જ નામનિશાન ન હોય ત્યાં કચરાનું તો પૂછવું જ શું ? એટિકેટ અને મેનર્સનો અપચો થઈ જાય એટલો ભારેખમ અતિરેક...ચોતરફ નિરવ ખામોશી વચ્ચે પંખીઓના કલરવ ! સ્તબ્ધ સૌંદર્ય !

પણ જે-તે ગામોમાં કોઈ ગર્વથી મોટો શોપિંગ મોલ કે સ્ટીમર કે બાગ-બગીચા નથી બતાવતું ! એ બતાવે છે જૂના-પુરાણા ઇતિહાસના અવશેષો ! રોનબૂશમાં એક કિલ્લો છે. જૂનાગઢના ઉપરકોટ સામે દરેક રીતે ચોથિયુ લાગે એવો મામૂલી ! પણ એમાં એ જમાનાના કોસ્ચ્યુમ્સ પહેરીને રૂપાળી છોકરીઓ 'ગાઇડેડ ટૂર' કરાવે છે ! એના ટાવર પર પચાસ સેન્ટના સિક્કા નાખીને 'ઓવરવ્યૂ' લઈ શકાય એવા દૂરબીનો ગોઠવાયેલા છે. બહાર નાનકડા સોવેનિયર્સની શોપ છે. નોઇબેક નામના ગામડામાં લોકો હરખાઈ હરખાઈને શનિવારની સાંજે એક ખંડેર જેવી દીવાલ પાસે એકઠા થઈને બીઅર અને વાઇનની છોળો ઉડાડે છે ! કેમ ? કારણ કે, જૂના ભૂલાઈ ગયેલા લોકગીતોનો ત્યાં 'જલસો' છે. એ 'કોન્સર્ટ' કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટની નથી પણ હાઇસ્કૂલ (એટલે ભારતના કોલેજીયન્સ)ના ફૂટડા છોકરા-છોકરીઓ કોઈ વળતર વિના જૂના ગીતોને શીખીને રજૂ કરે છે એ લોકોને પોપસંગીત પસંદ નથી એવું નથી, પણ આ લોકગીતો ગાવા- વગાડવામાં એમને ખાસ મહાત્મ્યનો અહેસાસ થાય છે. આવું જ આજે પણ બ્રિટનની કન્ટ્રીસાઈડમાં શેક્સપિયર જેવા થિયેટરનું. કેમ્બ્રિજમાં આજે પણ મોબાઈલ જનરેશનના યુવક્ યુવતીઓ યુનિવર્સિટીના ખુલ્લા બગીચામાં મિડ્સમર નાઇટ્સ ડ્રીમ ભજવે છે. આપણે સૌરાષ્ટ્રની રસધાર આમ બતાવી શકીએ છીએ મુલાકાતીઓને ગામડે ? હા, લુખ્ખાગીરી જરૂર વગર કહ્યે દેખાઈ જાય. 

બેડ ઓર્બ ગામમાં અગરિયાઓ મીઠું પકવતા... એની સ્મૃતિને સાચવી રાખીને એક અફલાતૂન 'સ્પા' બનાવી દેવાયો છે. ગરમ પાણીના ઝરાની એક ટૂર કરાવવામાં આવે છે. હાનાઉ હોય કે સ્ટાઇ-હાઉ પ્રત્યેક ગામમાં એક રોમાનિક કે ગોથિક શૈલીનું ચર્ચ હોય છે. એનું ખાસ કશું ઐતિહાસિક મૂલ્ય ન હોય તો પણ એને બહારથી આવેલા પ્રવાસીઓને બતાવવું એ જનતાજનાર્દનનો ધર્મ બની જાય છે ! કોતરણી કે કળાત્મકતા વિના પણ માત્ર જૂના જમાનામાં લોકો જમતા કે વનસ્પતિઓ ઉગાડતા એ જગ્યાઓનું સ્મારક થઈ જાય છે. જુવાનિયાઓ ત્યાં બહુ ઓછા દેખાય છે પણ પૂછો તો કોઈ એની ટીકા કરતું નથી, અહોભાવ પ્રગટ કરે છે !

ગુજરાત- રાજસ્થાન- મધ્યપ્રદેશ... ભારતમાં જ્યાં નજર કરો ત્યાં એક એકથી ચડિયાતા 'હેરિટેજ રોયલ પેલેસીઝ' છે. લોકસંગીત અને લોકકથા તો (કમ સે કમ હજુ સુધી) ગુજરાતના એકે એક ઘરમાં છે ! યુરોપમાં મોટે ભાગે સો વર્ષ જૂના કોઈ પણ મકાનને બહારથી કે અંદરથી બદલાવવા માટે સરકારી મંજૂરી લેવી પડે છે. બહાર મકાનની સાલ લખાય છે, અને પ્રવાસીઓને 'જોણું' થાય છે ! ટચૂકડી નદીઓ અંગે પણ ગળું ફુલાવીને વાતો કરવામાં આવે છે ! નદીમાં પૂર વખતે કેટલું પાણી આવ્યું એનાય સ્મારકો બને છે !

જગવિખ્યાત ભાષાશાસ્ત્રી અને પરીકથાલેખક ગ્રીમ બંધુઓએ એ જ કામ કર્ય઼ું હતું, જે ઝવેરચંદ મેઘાણીએ કર્યું હતું ! જંગલો અને ગામડાઓ ખુંદીને વાર્તાઓ એકઠી કરી ! આજે એમનું ફક્ત નામ લો તો પણ જૂની પેઢીના જર્મનો ભારે આદરથી અજાણ્યા આગંતૂકને નિહાળે છે. ગામના ચોકમાં ફૂટબોલ પ્રેક્ટિસ કરતા ટીનેજર્સ ફરતે પૂતળું કોઈ નેતાનું નહિ, લેખક ગ્રીમબંધુઓનુંં છે ! મહેલોમાં એમને સમર્પિત ચિત્રો હોય છે ! ત્રણસો-ચારસો ઘરના ગામમાં પણ ઐતિહાસિક આબોહવા ઘૂમે છે !

પ્રાગમાં જાવ તો આજે પણ જાણે આખું નગર એના લાડીલા રાજા ચાર્લ્સને, એના ફેવરિટ પેઈન્ટર આલ્ફોન્સ મૂકાને અને ત્યાં લેખક કાફકાનો રોજ ઉત્સવ મનાવતું હોય એમ લાગે. ફિનલેન્ડમાં સેઉરાસારી નામનો એક નાનકડો ટાપુ પાટનગર હેલસિન્કીની અડોઅડ છે. ત્યાં અગાઉ ફિનિશ પ્રજા કેવા મકાનોમાં રહેતી ને સમય જતાં એમાં કેવા પરિવર્તન આવ્યા એના હૂબહૂ ૮૭ મકાનો જ જંગલ વચ્ચે ઊભા કરાયા છે, પથ્થરની પ્રચંડ પવનચક્કી સહિત. આ ઓપન એર મ્યુઝિયમની મુલાકાત લઈ શકો અંદર ફરી એ પ્રકારના ઇતિહાસને સજીવન થતો જોઈ શકો. ફરતે પિકનિક સ્પોટ છે, બગીચો છે, તળાવ છે. એમ પણ લોકો આવે ફેમિલી સાથે એવી જગ્યા છે. કાફે પણ છે. એવો જ બાજુમાં સુમાલિના ટાપુ છે, નજીવા દરે ત્યાં ફેરીમાં જઈ શકાય અને ખંડેર બનેલા કિલ્લાની દીવાલો ફરતે ઉભો થયેલો કાયમી મેળો માણી શકાય આઈસ્ક્રીમથી ચકરડી સહિત ! કાલેવાલા જેવા જૂના મહાકાવ્ય થકી થયેલા અસ્મિતાબોધથી ફિનલેન્ડ છૂટું પડયું તો એના નામના ફેશન બૂટિક પણ જોવા મળે. 

ઑસ્ટ્રિયામાં તો ત્યાંનો સમ્રાટ જ મોઝાર્ટ હોય એવી અનુભૂતિ થાય. સિગ્મંડ ફ્રોઈડનું ઘર જોવા માટે લાઈનો લાગતી હોય અને 'કિસ' જેવા પેઇન્ટિંગ તો ટી શર્ટથી ટી પોટ શોભાવતા હોય ને એમ વિખ્યાત  બ્રાન્ડ બનતા હોય. સ્પેન, ફ્રાન્સ કે ઇટાલીમાં તો ડગલે ને પગલે આવું બધું જોવા મળે. એફિલ ટાવર ઉપરના એક માત્ર રેસ્ટોરાંને ફ્રેન્ચ સાયન્સ ફિક્શન લેખક જૂલે વર્નનું નામ અપાયું છે. ડેનમાર્કમાં પરીકથાના લેખક હાન્સ ક્રિશ્ચિયન એન્ડરસનના નામનો ભવ્ય પાર્ક છે. વેનિસ હોય કે પેરિસ જૂના બાંધકામની શૈલી ફેરવી ના શકો. નોર્વે તો વટથી પોતાને પરીકથાના જનક તરીકે ઓળખાવે. પ્રવાસી બોટમાં વાઈકિંગના નામો હોય. ટ્રોલ જેવા કાલ્પનિક વિલનની ગાથા કહેતા પણ મ્યુઝિયમ હોય. પાટનગર ઑસ્લોમાં સ્ટેશનની બહાર નીકળો તો સામે ભવ્ય લાયબ્રેરી, એથી પણ ભવ્ય ઓપેરા હાઉસ ને એથી પણ ભવ્યાતિભવ્ય ૧૩ માળનું બિલ્ડિંગ માત્ર એડવર્ડ મંચ ને એના 'સ્ક્રીમ' સહિતના ચિત્રોને સમર્પિત ! સ્પેન હોય કે સ્વિટ્ઝરલેન્ડ, દરેક જગ્યાએ ટ્રેડિશનલ રેસિપી મુજબ બનતી વાનગીઓની ભારે બોલબાલા. 

ઝાઝી વાતના ગાડા ભરાય. ટૂંકસાર એટલો પોતાની નાની નાની બાબતોને પણ 'ઝૂમ લેન્સ'થી નિહાળતી આ પ્રજામાં 'અમે જ નંબર વન, અમારા સિવાય બીજું કોઈ નહિ'નું વારસાગત વિશ્વગુરૂ બ્રાન્ડ અભિમાન નથી. ભૂતકાળના ગૌરવમાં આધુનિકતાનો અસ્વીકાર નથી. વારસો એમના માટે અભિમાન કરતા આકર્ષણનો વિષય છે.પણ આપણે અહીં ગોથું ખાઈને બિલકુલ ઊલટું કર્યું છે. અભિમાન પેદા કર્યું છે, આકર્ષણ નહિ ! 

એટલે તો આપણે માતૃભાષા બચાવોના ઉપદેશો આપવા પડે છે. અંગ્રેજી ઇંગ્લેન્ડની માતૃભાષા ગણો તો સમગ્ર યુરોપમાં જાપાન કે પેરૂ કે ઇઝરાયેલ કે જોડર્ન કે ઈન્ડોનેશિયા વગેરેની માફક જ પોતાની માતૃભાષા જ મુખ્ય ભાષા છે. સ્કેન્ડેવિયન દેશોમાં નોર્ડિક ભાષાઓ ચાલે છે. હા, અંગ્રેજી બધા સમજે ને ફાંકડું બોલે. પણ યુરોપિયન દેશોએ ભાષાને અહંકાર ને બદલે ઓળખ રાખી છે. એટલે સ્થાનિક ભાષામાં ફિલ્મો પણ બને ને પરદેશી ફિલ્મો નીચે પોતાની ભાષામાં સબટાઇટલ પણ મુકાય. ચિક્કાર ગ્લેમરસ મેગેઝિન્સ ને બુક્સના ઢગલા થયા કરે ને નવી પેઢી એમાં પલોટાયા કરે. પણ આ આખી પ્રક્રિયા જોરશોરથી લાઉડ બનીને બીજાને રીતસર લાગે એવી રીતે નથી થતી. એક સટલ ખૂબસૂરતી સાથે થાય છે, જેની આદત ગળથૂથીમાંથી મળે છે. અમેરિકા આ ૨૦૦ વર્ષમાં શીખી ગયું, જે આપણે ૫૦૦૦ વર્ષ પણ શીખ્યા નહી કે પોતીકા વારસાના ગૌરવની રજૂઆતમાં મુગ્ધ વિસ્મય આગળ હોય, શ્રેષ્ઠતાનું ગુમાન નહિ ! આપણો અતિસમૃદ્ધ અને અતિ રસિકરંગીન એવો વારસો એટલે આપણા જ વાંકે વિશ્વના વ્હાલનો વિષય ઓછો બને છે, એ જોઈને પીડા થાય છે.

નવીનતા, પ્રેમ, બિન્દાસ મસ્તી, ખુશમિજાજ આનંદ, વિજ્ઞાન, વેપાર, સૌંદર્ય આ બધાનો માયા સમજીને સતત બોલકો વિરોધ વારસાના નામે કર્યા કરો તો વારસો જ વિલન લાગે. પણ એનો સ્વીકાર કરી એના ઉપયોગ થકી જ વારસાને જિજ્ઞાસા અને જ્ઞાનની આંખે જુઓ તો વારસો હીરો લાગે. અભિમાન બીજાને વખોડીને મહાનતા સિદ્ધ કરે છે, આકર્ષણ બીજાને પોતાની તરફ સાહજિક રીતે ખેંચી લે છે !

ઝિંગ થિંગ

ઇતિહાસ ભૂતકાળને સમજવા માટે શીખવાનો હોય, આધુનિક વર્તમાનને ધિક્કારી, ભવિષ્યમાં જવાને બદલે ફરીથી ભૂતકાળ બની જવા માટે નહિ !


Google NewsGoogle News