Get The App

કર્મચારીઓની આત્મહત્યા .

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
કર્મચારીઓની આત્મહત્યા                                       . 1 - image


- વાત ખાલી કામના દબાણની નથી, માનસિક સ્વાસ્થ્યની પણ છે

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- મલ્ટી-ઈન્કમ, મલ્ટી-એક્ટિવિટી, મલ્ટી-રિલેશન્સ વગેરે બધું મલ્ટિપલમાં જ જોઈએ અને તો જ લાઈફ હેપનિંગ લાગે એવા માહોલમાં માનસિક સ્વસ્થતા ટકાવ રાખવા માટે જબરજસ્ત આંતરિક સ્થિરતા જોઈએ

મા રી શાળા મારા ઘરથી લગભગ બે કિલોમીટર દૂર હતી અને અમે રોજ શાળાએ ચાલતા જતા. કાંકરિયા તળાવ અમારા રસ્તામાં આવતું અને તેની પાળે-પાળે વાતો કરતા, મજાક-મસ્તી કરતા કે તળાવમાં તરતી જળકૂકડીઓને જોતા જોતા અમારો રસ્તો કાપી કાઢતા. લગભગ એક દસકો અમારો આ નિત્યક્રમ રહ્યો, અલબત્ત નવમા ધોરણથી સાઈકલ પર જતા પણ રસ્તો તો એ જ. આમ તો આ સફર મજાની હતી પરંતુ ક્યારેક અમારી આ નાનકડી સફર કડવી બની જતી કારણ કે એ સમયે ઘણી વ્યક્તિઓ કાંકરિયામાં પડીને આત્મહત્યા કરતી. ઘણીવાર એવું બનતું કે આત્મહત્યા કરનાર વ્યક્તિની લાશ પાળી ઉપર કે બાજુના ફૂટપાથ પર સુવાડેલી જોવા મળતી તો ઘણીવાર ફાયરબ્રિગેડના જવાનો પાણીમાંથી કાઢતા હોય તેવા દ્રશ્ય પણ જોવા મળતા. એ દિવસે અમે ભારે હૃદયે ચુપચાપ ચાલી નાખતા. મને હંમેશા પ્રશ્ન થતો કે લોકો આવું કેમ કરતા હશે ?! બીજા દિવસે છાપામાં તેના કારણો પણ વાંચવા મળતા, મન વિચારતું કે આવું તો ઘણા સાથે બનતું હશે તો બધા આત્મહત્યા કેમ નથી કરતા ?! અત્યંત દયનીય દશામાં જીવન વ્યતિત કરતા લોકોની સરખામણીએ સાધન-સંપન્ન વ્યક્તિઓ વધુ આત્મહત્યા કેમ કરતા હોય છે ?! આવા પ્રશ્નો અવાર-નવાર થતા પરંતુ મનોચિકિત્સાનો અભ્યાસ શરૂ થતા સમજાવા માંડયું કે છાપામાં કે સમાજમાં ચર્ચાતા કારણો તો ઉપરછલ્લા હોય છે, મૂળમાં તો મેન્ટલ હેલ્થનો સવાલ હોય છે, કોઈ એક ઘટના નહીં પરંતુ પુરી ઘટમાળ હોય છે. તાજેતરમાં કામના ભારણ કે દબાણને કારણે થયેલી કેટલીક આત્મહત્યાઓના સંદર્ભમાં આ વાત મારા મનમાં જીવંત થઈ આવી. કામનું ભારણ કોઈ એક કર્મચારીને થોડું હોઈ શકે ?! બધા જ કર્મચારીઓને હોય પણ બધા કંઈ આવું આત્યંતિક પગલું થોડા ભરે છે ?! ફરી પાછી એ જ વાત, સવાલ જે તે કર્મચારીની માનસિક સ્વસ્થતા - મેન્ટલ હેલ્થનો છે.

આવતીકાલે 'વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે' છે અને દર વર્ષની જેમ આ વર્ષનો પણ એક આગવો થીમ છે - 'કાર્યસ્થળ પર માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનો આ સમય છે.' સંસ્થાઓએ કર્મચારીઓની માનસિક સ્વસ્થતાની કાળજી લેવાની બાબતને ગંભીરતાથી લેવી પડશે. કોવિડ પછીના સમયમાં ઘણા બધા કારણોસર કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય કથળ્યું છે. સામાન્ય નોકરિયાતથી માંડીને મોટા ધંધાદારીઓમાં માનસિક તણાવનું પ્રમાણ ખુબ વધ્યું છે. આ પરિસ્થિતિ પાછળ માત્ર કામના બોજને જવાબદાર ગણવાની વાત હિમશિલાની ટોચ જેવી ઉપરછલ્લી છે, જેનો મોટો આધાર તો પાણીમાં ડૂબેલો, વિસ્તૃત રીતે ફેલાયેલો અને ના દેખાતો ભાગ છે ! બરાબર એ જ રીતે વાત ખાલી કામના દબાણની નથી સમગ્ર માનસિક સ્વાસ્થ્ય અને તેની પર અસર કરતા અનેક પરિબળોની છે. મહામારી બાદ 'યોલો' માનસિકતા (યુ લીવ ઓન્લી વન્સ - જીવન માત્ર એક જ વાર મળ્યું છે) ઘર કરીને બેઠી છે અને સરવાળે લોકોની જરૂરિયાતો, ઉપભોગતાવાદે માઝા મુકી છે. બધાને બધું જ કરવું છે, બધું જ જોઈએ છે અને તે પણ તાત્કાલિક ! 'ફોમો'થી પીડિત લોકોને કશું બાકી ના રહી જવું જોઈએ તેનો ડર સતાવે છે. એક સાથે અનેક વસ્તુઓમાં ધ્યાન વહેંચાયેલું છે અને મગજના તાર દસે દિશામાંથી આવતા સંદેશાઓમાં ખેંચાયેલા છે. આ સંજોગોમાં વ્યક્તિએ હળવા રહેવું એક પડકાર જેવું છે. મલ્ટી-ટાસ્કિંગ, મલ્ટી-ઈન્કમ, મલ્ટી-એક્ટિવિટી, મલ્ટી-રિલેશન્સ વગેરે બધું મલ્ટિપલમાં જ જોઈએ અને તો જ લાઈફ હેપનિંગ લાગે એવા માહોલમાં માનસિક સ્વસ્થતા ટકાવ રાખવા માટે જબરજસ્ત આંતરિક સ્થિરતા જોઈએ.

હમણાં એક લેક્ચરમાં સહ-વક્તાએ કહ્યું કે કામના કલાકો પછી કામને લગતા કોમ્યુનિકેશનથી દૂર રહો. મેં કહ્યું ચોક્કસ રહો પણ સાથે સાથે નિશ્ચિત સમય પછી સોશિયલ મીડિયાથી, તમારા મોબાઈલથી પણ દૂર રહો. એવું થોડું છે કે કામ જ થકવી નાખે કે તણાવ પેદા કરે, કોઈપણ બાબતનો અતિરેક થકવી નાખે - તણાવ પેદા કરે. મગજને હળવાશ માટે નવીનતાની જરૂરિયાત હોય છે, સતત એન્ટરટેઈનમેન્ટ પણ મનોભાર પેદા કરનારું છે અને તેમાં'ય હિંસક, વિકૃત, ભય-શંકા પેદા કરનારું કન્ટેન્ટ તો ખાસ ! સતત કંઈ કરતા જ રહેવું એ જરૂરી નથી, કશું'ય ના કરવું એ પણ એક કળા છે અને એનો મહાવરો માનસિક સ્વસ્થતા વધારનારો છે. આ ઉપરાંત જેમ દરેક વ્યક્તિની રોગપ્રતિકારકતા અલગ હોય છે તેમ દરેક વ્યક્તિની માનસિક તણાવ સહન કરવાની અને તેનો અસરકારક રીતે સામનો કરીને હળવા રહેવાની ક્ષમતા પણ અલગ અલગ હોય છે. દરેકે પોતાની આ ક્ષમતાથી વાકેફ હોવું જોઈએ અને તેને મજબૂત બનાવાના દરેક પગલાં લેવા જોઈએ.

આ તો વાત થઈ અંગત સ્તરની, પરંતુ કંપની કે કાર્ય સંસ્થાએ પણ તેમના કર્મચારીઓની માનસિક સ્વસ્થતા વધારવા માટે પગલાં લેવાનો સમય આવી ગયો છે તેવો નિર્દેશ આ વર્ષના મેન્ટલ હેલ્થ ડે નો થીમ છે. પોતાના કર્મચારીઓની માનસિક સ્વસ્થતા માટે ગૂગલ 'સર્ચ ઈનસાઈડ યોર સેલ્ફ', ઈન્ટેલ 'અવેક એટ ઈન્ટેલ', એડોબ 'એડોબ લાઈફ', માઈક્સોફ્ટ 'હેડ સ્પેસ ઍક્સેસ' જેવા પ્રોગ્રામ ચલાવે છે. આમાંની દરેક કંપની દર્શાવે છે કે તેમના માનસિક સ્વાસ્થ્યને લગતા આ પ્રોગ્રામ માત્ર કર્મચારીઓ માટે જ ફાયદાકારક નથી પરંતુ

 લાંબા ગાળાની વ્યવસાયિક સફળતા માટે પણ અત્યંત જરૂરી છે. આ કંપનીઓની સફળતા બતાવે છે કે કર્મચારીઓની માનસિક સુખાકારી માટેનો તેમનો વિચારશીલ અભિગમ કાર્યસ્થળની ગતિશીલતાને પરિવર્તિત કરી શકે છે, મનોબળ વધારી શકે છે અને આખરે ઉત્પાદકતામાં વધારો કરી શકે છે.

ટૂંકમાં, 'વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે'નો થીમ ભલે કાર્યસ્થળ પર માનસિક સ્વસ્થતાને પ્રાથમિકતા આપવાનો રહ્યો પરંતુ આપણે તો એ સમજવાનું છે કે માનસિક સ્વસ્થતા અનેક પરિબળો, દૈનિક ક્રિયાઓ, તમારી જીવનશૈલી અને તણાવનો સામનો કરવાની તમારી ક્ષમતા (રેઝિલિયન્સ) ઉપર નિર્ભર છે, કાર્ય સ્થળ એ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે પછી પણ ઘણું બધું તમારા અંગત સ્તરે કરવું જરૂરી રહે છે. અને છેલ્લે સૌથી મહત્વની વાત, જો તણાવ તમારા હાથની બહાર હોય તો યોગ્ય નિષ્ણાતની સલાહ લેતા ના અચકાવું.

પૂર્ણવિરામ :

મનની સ્થિતિસ્થાપકતા (રેઝિલિયન્સ) મજબુત બનાવતા ત્રણ અભિગમ : નિયંત્રણને બદલે સંવાદિતા (Harmony rather than Control),  કઠોરતાને બદલે અનુકૂલનક્ષમતા (Adaptability rather than Rigidity)  અને બળને બદલે વિશ્વાસ  (Trust rather than Force.) 


Google NewsGoogle News