ભારતની પ્રથમ મહિલા નાઈ .
- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- ''આપણા અને આસપાસના ગામમાં તારા પતિના મરી ગયા પછી કોઈ નાઈ નથી. તું તારા પતિનો વ્યવસાય ફરી શરૂ કર.''
''મા રી પાસે જીવન જીવવાના બે જ રસ્તા હતા. કાં તો હું અને મારી છોકરીઓ, આપઘાત કરીએ, ક્યાં તો હું અસ્ત્રો હાથમાં પકડી, મારા પતિના વ્યવસાયના રસ્તે આગળ વધુ.''
મેં સામાજિક વ્યક્તિગત અને અન્ય સંઘર્ષનો સામનો કરી, બીજો રસ્તો પસંદ કર્યો, અને મારા પતિ, ના નાઈ (બારબર) ના વ્યવસાયના રસ્તે આગળ વધી.
આ શબ્દો છે ભારતની પ્રથમ મહિલા નાઈ શાન્તાબાઈ યાદવના.
સામાન્ય ગામડાની એક અભણ સ્ત્રી. જેને વુમન એમ્પાવરમેન્ટ (સ્ત્રી શક્તિ સંકરણ)આ મોટા મોટા શબ્દો સાથે નાવા નિચોવાનો સંબંધ નથી, તેના કુટુંબ પર જ્યારે ભૂખની તવાઈ આવે છે ત્યારે પોતાની નારાયણી શક્તિ કામે લગાડી શું નથી કરી શકતી તેનું સચોટ ઉદાહરણ મહારાષ્ટ્રના આ અભણ શાંતાબાઈ યાદવ.
શાન્તાબાઈ ભૂતકાળમાં ભારતના પ્રથમ મહિલા નાઈ બન્યા છે, અને આજે પણ કદાચ જૂજ નાઈ મહિલામાંના એક છે.
શાન્તાબાઈ યાદવની નાઈ તરીકેની સંઘર્ષ કથા પર ફોકસ કરીએ.
શાંતાબાઈનો જન્મ નાઈ પરિવારમાં મહારાષ્ટ્રના નાના ગામમાં થયેલો. ૧૨ વર્ષની નાની વયે, શાન્તાબાઈને પરણાવી દેવામાં આવ્યા. નાની શાન્તાને દુનીયાદારીનું કોઈ જ્ઞાાન જ નહતું. પરંતુ પતિના સથવારે, શાન્તાબાઈ ઘરનું, તેમજ ખેતર વગેરેનું કામ શીખી ગયા પતિની ખેતીની આવક પૂરતી ના હોવાને કારણે, તેઓએ જોડે નાઈનો વ્યવસાય પણ શરૂ કર્યો, જેને લીધે તેઓ પોતાના કુટુંબનું ભરણપોષણ સારી રીતે કરી શકતા.
શરૂઆતનો દસકો, ઉપરાંત થોડા વર્ષો શાન્તાબાઈના સુખમાં ને સારી રીતે પસાર થયા. તેઓને ચાર દીકરીઓ થઈ. ગામમાં સારું ઘર બનાવી. છોકરીઓને ભણાવી ગણાવી ઠેકાણે પાડવી, તે શાન્તાબાઈને તેમના પતિનું જીવન સ્વપ્ન હતું.
પરંતુ અંગ્રેજીમાં કહેવત છે તેમ : મેન એન્ડ વુમન પ્રપોઝીઝ, ગોડ ડીસપોઝીઝ.
શાન્તાબાઈ પર કમનસીબનું આભ તૂટી પડયું. તેમના પતિનું હૃદયરોગને કારણે અવસાન થયું.
આ સમયે શાન્તાબાઈની મોટી દીકરી ૬ વર્ષની હતી અને સૌથી નાની દીકરી પાંચ-છ મહિનાની હતી.
ચાર દીકરીઓને ઉછેરવાનો ભાર અને આર્થિક રીતનો કોઈ સપોટ નહિ કે કોઈ સંપત્તિ નહિ. ફક્ત એક વીઘા ખેતર તે પણ ભાઈઓ સાથેના કૌટુંમ્બિક ઝઘડામાં.
શાંતાબાઈએ થોડાક જ દિવસમાં, ખેતરમાં ખેતર મજૂર તરીકે કામ કરવા માંડયું. આ વાત આજથી ૩૫ વર્ષ પહેલાંની છે. તે સમયે ખેત મજૂરને આખો દિ કમર તોડે, તો પણ રોજનો રૂપિયો કે પચાસ પૈસા મળતા. આમાંથી શાન્તાબાઈ ને તેમની ચાર દીકરીઓનું ગુજરાન પૂરું ન થતા. શાન્તાબાઈએ બીજા ખેતરમાં પણ કામ શરૂ કર્યું. પરંતુ હજુ પણ ખેતમજૂર તરીકેનું આર્થિક ઉર્પાજન ખૂબ ઓછું હતું. આખું કુટુંબ બે દિવસે એકવાર અથવા કોઈવાર રૂખુસુખુ એમ કંઈક ખાવા પામતા.
શાન્તાબાઈને તો ચારે છોકરીઓને ભણાવી ગણાવી લગ્ન કરાવી ઠરીઠામ કરવી હતી અહીં તો પેટનો ખાડો જ પૂરો ન તો થતો, તો કરવું શું.
શાન્તાબાઈના અથાગ પ્રયત્ન છતાં, કંઈ રસ્તો મળતો ન હતો. આથી આખરે શાન્તાબાઈએ હારી થાકીને છોકરીઓને લઈને સામૂહિક આપઘાત કરવાનો રસ્તો વિચાર્યો.
ગામના મોભી અને સરપંચ હરિભાઉને આ વાતની ખબર પડી. તેઓ શાન્તાબાઈ પાસે ગયા અને શાન્તાબાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
'શાન્તાબાઈ આપઘાતનો રસ્તો કાયરનો રસ્તો છે, તારા જેવી બહાદુરી સ્ત્રી એ રસ્તો ના લઈ શકે.'
'ભાઉ, મારી પાસે ભણતર નથી. ખેતીની મજૂરી સિવાય કોઈ હુન્નર નથી આવડતો, હું શું કરું આપઘાત ના કરું તો ?' શાન્તાબાઈ. ભાઉએ લાંબો વિચાર કરીને કહ્યું,
''આપણા અને આસપાસના ગામમાં તારા પતિના મરી ગયા પછી કોઈ નાઈ નથી. તું તારા પતિનો વ્યવસાય ફરી શરૂ કર.'' ભાઉં.
'ભાઉં શું વાત કરો છો, બૈરાની જાતને અસ્ત્રો પકડું, સમાજ શું કહેશે, કોઈ બૈરા માણસે આ ધંધો કર્યો છે.' શાન્તાબાઈ.
'આપઘાત કરવા કરતા, હાથમાં અસ્ત્રો પકડવો સારો. એ તો પાપનું કામ છે, જ્યારે આ તો તારી દીકરીઓને જીવાડવા માટેનું કામ છે. હિંમત કર, હિંમત.' ભાઉ અને શાન્તાબાઈએ પોતાની આંતરિક નારાયણી શક્તિ ભેગી કરી, પતિનો અસ્ત્રો, કાતરો, બ્લેડ, બ્લેડ ઘસવાનો પથ્થર, પીનો, પાણીનો વાડકો બધા નાઈના સાધનો ભેગા કર્યા અને ઘરના ઓટલે નાઈનું કામ શરૂ કર્યું.
તેણીના પ્રથમ ગ્રાહક બન્યા, હરિભાઈ સરપંચ. પછી તેમણે ગામના બીજા પુરૂષોને પણ આ ગરીબ અને લાચાર સ્ત્રીને વ્યવસાયિક મદદરૂપ થવા માટે તૈયાર કર્યા, શરૂઆતમાં દિવસના એકબે પુરૂષો હજામત કરાવવા કે વાળ કપાવવા આવવા લાગ્યા.
એક મહિનામાં તો શાન્તાબાઈ ઘણી હોંશિયાર નાઈ બની ગઈ. તેનો પુરૂષોના સંસર્ગમાં આવી હજામત કરવાનો, વાળ કાપવાનો સંકોચ પણ દૂર થઈ ગયો. હવે ઘરાકી પણ વધવા લાગી. હવે, શાન્તાબાઈ વાળ કાપવાના ૨રૃા.ને હજામતના રૂપિયો લેવાનું સરૂ કર્યું. શાન્તાબાઈ હસુરરસાપુરી (કોલ્હાપોર તાલુકો)ની આસપાસ ગામોમાં કોઈ નાઈ ન હતો આથી શાન્તાબાઈ સવારના લગભગ અગિયાર વાગ્યા સુધી પોતાના ઘરમાં, સલુન ચલાવે અને પછી દીકરીઓને જમાડી ઘરનું કામ પરવારી, હજામતની પેટી લઈ આસપાસના ગામોમાં કામ કરવા જવા લાગ્યા.
શાન્તાબાઈનો સાલસ સ્વભાવ, કામની હોંશિયારી અને ખંત અને હિમ્મતને કારણે નાઈનો ધંધો વિકસતો ગયો. શાંતાબાઈ શાળાઓમાં જઈને છોકરાઓની દાઢી મૂછનું કામ પણ કરવા લાગ્યા. તેમજ ખેડૂતોએ તેમના બળદના વાળ સાફ કરવાનું કામ પણ સાંતાબાઈને સોંપવા માંડયાં.
જોતજોતામાં શાંતાબાઈ ભારતની પ્રથમ મહિલા નાઈ બની ગઈ, અને પોતાનું નાઈનું કામ જમાવી, દીકરીઓને એ આવકમાં ઊછેરવા માંડી.
આજે ૩૩ વર્ષે શાન્તાબાઈની બધી દીકરીઓ ભણી અને લગ્ન કરી સ્થાયી થઈ ગઈ છે.
શાન્તાબાઈએ પોતાના આ નાઈના વ્યવસાય અંગેના સંઘર્ષ માટે જણાવતા કહે છે - જ્યારે ભાઉએ મને આ વ્યવસાયની શરૂઆત કરવાની કહી ત્યારે, હું શરૂઆતમાં હિંમત હારી ગઈ હતી. પરંતુ પછી મેં મારી બધી હિંમત ભેગી કરી મારી દીકરીઓ માટે નાનું સલુન શરૂ કર્યું.
મારા કુટુંબીજનોએ આ પગલાનો સખ્ત વિરોધ કર્યો. આજે પણ મારા સાસરાના લોકો મારી સાથે સંબંધ રાખતા નથી. આસપાસની સ્ત્રીઓ, તેમજ પડોશીઓ મારી ખૂબ મશ્કરી કરતા, ટીકાઓ કરતા મ્હેણાં-ટોણાં મારતા પણ મેં જરાપણ ધ્યાન ન આપ્યું. શરૂઆતમાં તો મને સમાજની બહાર મૂકવામાં આવી હતી. હું ગામે ગામ ફરતી ત્યારે મારી છોકરીઓ ખૂબ નાની હતી, મારે શાખ પડોશી પાસે મૂકવી પડતી આ નાની છોકરીઓને પણ આસપાસના લોકો ચીડવતા.
આ બધા છતાં મેં હિંમત કરી નાઈનો વ્યવસાય ચાલુ રાખ્યો, જેણે મારા કુટુંબનું ભરણપોષણ કર્યું. મારાથી થાય ત્યાં સુધી હું આ કામ કરીશ.
અસ્ત્રો, મારી બે ટંકની રોટીનું સાધન છે. ને કોઈ કામમાં શરમ શાની ?