પગ ગુમાવ્યા બાદ એશિયાની સૌથી ઝડપી બ્લેડ રનર બનેલી શાલિની સરસ્વતીની પ્રેરક ગાથા
- સાજીસમી શાલિનીને ચેપમાં હાથપગ ગુમાવવા પડયા પણ તે હિંમત ન હારી
- ભારતમાં અપંગો ગૌરવભેર જીવી શકે તે માટે સર્વસમાવેશક સમાજરચના કરવી જોઇએ
આજે શાલિની સરસ્વતી ટી-૬૨ કેટેગરીમાં બ્લેડ રનર તરીકે એશિયામાં સૌથી ઝડપી દોડવીર મહિલાનો રેકોર્ડ ધરાવે છે. પણ આ સિદ્ધિ મેળવવી શાલિની માટે એક મોટો પડકાર હતો. આજે તો શાલિની મોટીવેશનલ સ્પીકર તરીકે તેની પ્રેરક ગાથા શ્રોતાઓ સમક્ષ રજૂ કરે છે. તે સહાયક ઉપકરણો બનાવતી કંપની રાઇઝ બાયોનિક્સમાં સ્ટ્રેટેજી એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ચીફ તરીકે પણ કામ કરે છે. જો કોઇને આ સિદ્ધિઓ અસાધારણ લાગતી હોય તો જણાવવાનું કે શાલિનીએ તેની જિંદગીના પહેલાં ત્રણ દાયકાં એક સામાન્ય યુવતી તરીકે વીતાવ્યા હતા. એ પછી વ્યક્તિગત ટ્રેજેડી આવી અને તેમાં તેણે બંને હાથ અને પગ ગુમાવ્યા એ પછી તે કેવી રીતે ફરી ઉભી અને દોડતી થઇ તેની ગાથા પ્રેરક અને રોમાંચક છે.
શાલિની કહે છે, મારા પતિ પ્રશાંત સાથે હું મારી લગ્ન તિથિ મનાવવા ૨૦૧૩માં કંબોડિયા ના પ્રવાસે ગઇ હતી. એ સમયે ગર્ભવતી બની હોઇ મારી ખુશી સાતમે આસમાને હતી. પણ કહ્યું છે ને કે ન જાણ્યું જાનકીનાથે કે આવતીકાલે શું થવાનું છે. કંબોડિયામાં હતી એ સમયે જ મને આછો તાવ આવતો હતો. બેેન્ગાલુરૂ પાછાં ફર્યા બાદ તાવ વધી જતાં અમે ડોક્ટર પાસે જઇ તપાસ કરાવી. તપાસમાં જણાયું કે મને એક ગંભીર પ્રકારના બેક્ટિરિયાનો ચેપ લાગ્યો છે. આ ચેપ દસ લાખ વ્યક્તિએ એક જણને લાગે છે. આ ચેપને કારણે મારાં હાથ અને પગમાં સડો થવા માંડયો.જેને પગલે મને આઇસીયુમાં એડમિટ કરવામાં આવી હતી. એ સમયે ડોક્ટરોએ મારા બચવાની તકો માત્ર પાંચ ટકા જ જણાવી હતી.
મારા માટે એ સમય ભારે અનિશ્ચિતતાનો હતો. તમને ખબર પણ ન હોય કે તમારું ભાવિ કેવું હશે અને તમે ફરી કામે ચડી શકશો કે કેમ. કામ તો જવા દો તમને મૂવી જોવા જવા મળશે કે કેમ અને તમારી દોસ્તીઓ ટકશે કે કેમ તે પણ શંકાઓ હતી. આવી સ્થિતિમાં તમે એક વ્યક્તિ તરીકેની ઓળખ ગુમાવવા માંડો છો. આ તબક્કામાંથી પસાર થવું ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું. પણ મને મારામાં રહેલી છુપી તાકાત પર વિશ્વાસ હતો. કેટલાક લોકો આ તાકાતને ઓળખી તેને કામે લગાડે છે પણ ઘણાં આમ કરી શકતાં નથી. હું નસીબદાર હતી કે મને મારી તાકાતનો અંદાજ હતો. હું મારા પરિવાર અને દોસ્તોના નેટવર્કને કારણે આ પડકાર ઝીલી તેમાંથી બહાર આવી શકી.
શાલિની આગળ કહે છે, આ ચેપની સારવાર દરમ્યાન મારા સંતાનને મેં ગુમાવી દીધું હતું. વિડંબના તો એ હતી કે મને હાથપગના નખો રંગવાનો ખૂબ શોખ હતો. પણ ક્રૂર નિયતિએ મારા હાથ-પગ જ છીનવી લીધાં. પણ મેં હિંમત અને આશા ગુમાવ્યા નહોતાં. આખરે ડિસેમ્બર ૨૦૧૪માં મેં ફરી ચાલવાનું શરૂ કર્યું. હું ભારતીય સમાજમાં અપંગો સાથે થતાં વ્યવહારથી વાકેફ હતી. લોકો મારા પ્રત્ય સહાનુભૂતિ વ્યક્ત કરે તેની મને સખ્ત નફરત હતી. પણ હું મારી જાતને પુરવાર કરવા માંગતી હતી. મારે રનિંગ બ્લેડ વડે દોડીને દુનિયાને બતાવી દેવું હતું કે હું કોઇનાથી કમ નથી.મારા કોચ બી.પી. અયપ્પાએ મને બ્લેડ પહેરી ચાલવાની તાલીમ આપવા માંડી. હું રોજ દોઢ કલાક ચાલવાનો અભ્યાસ કરતી હતી. શરૂઆતમાં તો આ તાલીમ લેવાનું ખૂબ મુશ્કેલ બની રહેતું હતું. પણ મેં નક્કી કર્યું હતું કે ગમે તે થાય મારે મારા પગ પર ફરી ઉભાં તો થવું જ છે. બે વર્ષની આકરી તાલીમ બાદ હું બેન્ગાલુરૂમાં યોજાતી દસ કિલોમીટરની હાફ મેરેથોન દોડવામાં સફળ નીવડી.
શાલિની સરસ્વતી પોતાની દોડવીર તરીકેની સફળતાનું શ્રેય પોતાના કોચને આપતાં કહે છે, મારા કોચ કદી મને અપંગ ગણતાં નથી. તેઓ સતત મને પ્રેરણા આપ્યા કરે છે. મેં બેન્ગાલુરૂની મેરેથોન દોડવા માટે જર્મનીની એક કંપની પાસેથી રનિંગ બ્લેડ ખરીદ્યા. આ રનિંગ બ્લેડ ખરીદવા માટે મારે દસ લાખ રૂપિયાની લોન લેવી પડી. પણ બેન્ગાલુરૂની મેરેથોન દોડયા બાદ દોડવું એ મારા માટે મનગમતી પ્રવૃત્તિ બની ગઇ. બીજી એક નોંધપાત્ર બાબત એ બની કે એ સમયે અખબારોમાં મારા વિશે લેખ પ્રકાશિત થવા માંડયા તેમાં એક લેખનું શીર્ષક હતું, હાથપગ વિનાની છોકરીએ મેરેથોનમાં ભાગ લીધો. આ વાંચ્યા બાદ હું મારી જાતને બીજાની નજરે જોતાં શીખી. અત્યાર સુધી તો શાલિની દોડે છે એટલું જ મહત્વનું હતું. અમે કદી મારી મર્યાદાને દોડવાની પ્રવૃત્તિ સાથે જોડી નહોતી.
શાલિની કહે છે, દોડવું એ મારા માટે શર્કિત પાછી મેળવવાનો મંત્ર બની ગયો. જ્યારે તમે હાથ-પગ ગુમાવી દો ત્યારે તમે નિયંત્રણ પરનો કાબૂ ગુમાવી દો છો. પણ આમ છતાં હું મારા શરીરને આગળ ધકેલી દોડતી થઇ એ મારા માટે જીવનમાં ફરી બેઠાં થવા સમાન ઘટના હતી. હું મારી જાતને કહેતી, જો હું આ કરી શકીશ તો બીજી ગમે તેવી મોટી આફત આવે તો પણ હું તેની સામે લડી શકીશ.શાલિની ભારતમાં અપંગો માટે પ્રવર્તતી સ્થિતિ બાબતે આકરાં વિચારો ધરાવે છે. તે કહે છે, આપણાં દેશમાં પાયાનો શિક્ષણ મેળવવાનો અધિકાર પણ બધાંને ઉપલબ્ધ નથી. સામાન્ય રીતે દુનિયાભરમાં સર્વસમાવેશક અભિગમ કેળવવામાં આવે છે. તેની સામે ભારતમાં જે તે ખામી અનુસાર લોકોને અલગ પાડી જોવાનો ખેલ ચાલે છે. દાખલા તરીકે સમાજમાંથી અંધજનોને અલગ પાડી તેમને માટે અલગ સ્કૂલ બનાવવામાં આવે છે. વાસ્તવમાં તો સહઅસ્તિત્વની ભાવના વિકસાવવી જોઇએ. બધાંને એક જ સમાજમાં સ્વીકારવા જોઇએ. જો અલગ અલગ સ્કૂલ બનાવવામાં આવે તો આપણે જે લોકો અલગ છે તેમને કદી સ્વીકારી શકીશું નહીં.
શાલિનીની વાત તો સાચી છે. જે લોકો અલગ હોય તેમના માટે આપણે જીવન સરળ બનાવતાં નથી. ભારતમાં સર્વસમાવેશક સમાજની રચના એ મુશ્કેલ ધ્યેય છે પણ એ હાંસલ કરવા જેવું છે. અપંગને દિવ્યાંગ કહી દેવાથી તો રોતોરાત સામાજિક પરિસ્થિતિ બદલાઇ જતી નથી. કેમ ખરૂંને?
- વિનોદ પટેલ