Get The App

બ્રાઇડલ વેરની પસંદગીમાં આગવી સૂઝ જરૂરી

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
બ્રાઇડલ વેરની પસંદગીમાં આગવી સૂઝ જરૂરી 1 - image


સમયની સાથે બદલાતાં રહેવું તે માનવસહજ સ્વભાવ છે. સમકાલીન સંજોગો પ્રમાણે આવેલા પરિવર્તનને અપનાવવામાં જ શાણપણ છે. પરંતુ કેટલાક એવા પ્રસંગો હોય છે જેમાં વ્યક્તિને આધુનિક નહીં પણ પારંપારિક દેખાવામાં તથા જુના રિતી રિવાજને અનુસરવામાં આનંદ મળતો હોય છે. વ્યક્તિ ગમે તેટલી આધુનિક વિચારની હોય છતાં લગ્ન જેવા મહત્વના પ્રસંગે પોતાની પરંપરા અને રિવાજોને  જ અનુસરવાનો આગ્રહ રાખે છે.

આજે લગ્નપ્રસંગે પરંપરાને જાળવવામાં આવે છે. પરંતુ તેમાં થોડો આધુનિકતાનો સ્પર્શ તો હોય જ છે. એટલે કે, લગ્નની વિધિ તો પિતા કે દાદા કે પરદાદાના સમયની જ હોય જ છે. હા, વર્તમાન જરૂરિયાત પ્રમાણે તેમાં થોડી છૂટછાટ કે કાપકૂપ મૂકવામાં આવે છે. જ્યારે રિસેપ્શન, પોશાક, ભોજન જેવી અન્ય  બાબતોમાં જબરજસ્ત પરિવર્તન જોવા મળે છે.

આજે બ્રાઇડલ ફેશનમાં નીંતનવા પરિવર્તન થયા છે. અને તે કારણે કંઇ ફેશન ચાલે છે અને કંઇ 'આઉટ' થઇ ગઇ છે તેની માહિતી રાખવી મુશ્કેલ બની જાય છે. જો કે, તમામ નવોઢાને અન્યો કરતાં અલગ  અને અનોખા દેખાવાના હેવાં હોય છે. આથી તેમણે એકદમ નવી સ્ટાઇલ અને લૂક પસંદ કરવું જોઇએ જે આ પૂર્વે અન્ય કોઇ નવવધૂએ અપનાવ્યું ન હોય. અથવા તો એકદમ પારંપારિક ડિઝાઇનના પોશાક અને આભૂષણો પસંદ કરવા જોઇએ. આ બંનેમાંથી કોઇપણ એક સ્ટાઇલને પસંદ કરવાથી ફેશનેબલ દેખાઇ શકશો.

સહુ પ્રથમ લગ્નને દિવસે પહેરવાના પોશાકની પસંદગી કરવી જોઇએ. તે માટે જુદા જુદા કાપડ, સ્ટાઇલ, રંગ વગેરેનું મેચિંગ તમારા વ્યક્તિત્વ અને ત્વચાના વર્ણ સાથે કરવું જરૂરી છે. એક વખત આ વાત નક્કી થઇ ગયા પછી લગ્નપૂર્વેના સમારંભોમાં પહેરાનારા પરિધાનની પસંદગી કરવાની રહેશે. આ તમામ પરિધાનની પસંદગી કરતી વખતે નીચેની કેટલીક બાબતો ધ્યાનમાં રાખો.

* પરિધાનની પસંદગી કરતી વખતે જ્યોર્જટ, ક્રેપ, સિલ્ક, લીનન જેવા ફેબ્રિકમાંથી જ એકને પસંદ કરવું. આ કાપડ પાતળું અને વજનમાં હળવું હોવા સાથે શરીર પર ચીપકી જતું નથી.

* આજકાલ બ્રાઇડલવેરમાં લ્હેંગાની ફેશન છે. એટલે જરદોસી વર્કના તથા ભારે એમ્બ્રોઇડરી કરેલા  લ્હેંગાને થોડું વેસ્ટર્ન લુક આપવા પેન્ટ સાથે અથવા પારંપારિક ડિઝાઇન પ્રમાણે પણ પહેરી શકાય છે.

* લગ્ન પ્રસંગે એમ્બ્રોઇડરીવાળા પરિધાનને જ પસંદ કરો. પરંતુ તે એમ્બ્રોઇડરી અને આભૂષણો વચ્ચે મેળ હોવો જરૂરી છે.

* આજકાલ ડિઝાઇનર સાડીની બોલબાલા પણ વધી રહી છે. તેમાંય વર્કવાળી શિફોનસાડી ખૂબ જ સુંદર દેખાય છે. 

* સમકાલીન ઇન્ડો-વેર્સ્ટન ટ્રેન્ડમાં જુની ડિઝાઇનના સાદા બ્લાઉઝને બદલે સ્ટ્રેપી, ટૂંકી બાંયની, વન સોલ્ડર, કે ઑફ સોલ્ડર ચોલીની ફેશન છે.

* એક સમયે લગ્ન પ્રસંગે લાલ કે લીલા રંગોનું જ ચલણ જોવા મળતું હતું. પરંતુ આજે નવોઢા નવા-નવા રંગોમાં સજ્જ  જોવા મળે છે. બ્રોન્ઝ, કોપર, ગોલ્ડ કે બ્રાઉનના આછા શેડને પસંદ કરવા. અને તે પ્રમાણેની જ મેચિંગ જ્વેલરી પસંદ કરવી.

* આ સિવાય લાલ, કેસરી, ગુલાબી, ભૂરા કે લીલા રંગના જુદા-જુદા શેડ્સને પણ પસંદ કરી શકાય.

* રંગોની પસંદગીમાં એક મહત્વની બાબત એ યાદ રાખો કે જો તમે ભારે એમ્બ્રોઇડરી કરાવવાના હો તો હળવા રંગને પસંદ કરો અને જો ઘેરો રંગ લેવો હોય તો તે જ રંગની હળવી  એમ્બ્રોઇડરી કરાવવી. 

* આજકાલ જરદોસી વર્કનું ચલણ થોડું ઓછું થયું છે. તેના બદલે સિકવન્સ, બીડ્સ, સ્ટોન કે ક્રિસ્ટલ વર્કની ફેશન છે.

* બને ત્યાં સુધી  એડીવાળા ચંપલને બદલે સ્ટિલેટો પસંદ કરવા. અને તે સ્ટ્રેપવાળા હોય તો વધારે સુવિધાજનક રહેશે. કેટલાક સ્ટિલેટોમાં પાયલની ડિઝાઇન જેવી સ્ટ્રેપ આવે છે તે પહેરવાથી ફેશનેબલ દેખાશો.

* પરિધાન સાથે મેચ થતી હેર અને અન્ય  એસેસરી પસંદ કરવી.

* સિલ્કની ભારે સાડીઓ આઉટ ઓફ ફેશન ગણાય છે.

* જો ભારે એમ્બ્રોઇડરીવાળો પોશાક હોય તો હળવા આભૂષણો પસંદ કરવા.

* રિસેપ્શનમાં  ઇન્ડો-વેસ્ટર્ન લુકને પસંદ કરો તો સલવારને બદલે પેન્ટ અને શોર્ટ કુરતો સુંદર દેખાશે. 

* લગ્નને દિવસે પહેરવાના પોશાકની તૈયારી અગાઉથી કરી રાખો. છેલ્લી ઘડીએ તેમાં સુધારો કે વધારો ન કરવો પડે તેની ખાસ તકેદારી રાખવી.

* તમારા વર્ણને શોભે તેવા રંગની જ પસંદગી કરવી. શુભ પ્રસંગે ઘેરા રંગ જ શોભે પણ જો ત્વચા શ્યામવર્ણી હોય તો જે રંગો શોભતાં હોય તેને જ પસંદ કરવા.

* ચોક્કસ રંગ કે સ્ટાઇલનો આગ્રહ ન રાખવો. તેના બદલે ડિઝાઇનરના સૂચનને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે. કારણ કે ડિઝાઇનરો હંમેશા કંઇક નવીન અને આગવી ડિઝાઇન જ સૂચવતાં હોય છે.

* તમારો પોશાક તૈયાર કરનાર ડિઝાઇનરને પ્રસંગ વિશેની માહિતી ઉપરાંત તમારી વય, વ્યક્તિત્વ તથા સામાજિક મોભાની જાણકારી પણ  આપો. 

* કોઇપણ પોશાકની શોભા આંતરવસ્ત્રો પર આધારિત હોય છે. યોગ્ય ફિટિંગની લીંગરીને કારણે  પરિધાનની શોભામાં ચાર ચાંદ લાગી જશે. તે જ પ્રમાણે યોગ્ય ફિટિંગના આંતરવસ્ત્રો ન હોય તો અસુવિધાનો  અનુભવ થાય છે તે વાત પણ ન ભૂલવી જોઇએ.

* જો પરિધાનની નેકલાઇન ઊંડી હોય તો પુશ-અપ બ્રા પહેરવી નહિ.

* જો તમારું શરીર ભરાવદાર હોય તો સ્લીવલેસ બ્લાઉઝ કે ટૂંકી ચોલી ન પહેરવી જોઇએ. તેના બદલે લાચાને પસંદ કરવા. તે જ પ્રમાણે ઘેરા રંગને જ મહત્તમ પસંદ કરવો. કારણ કે ઘેરા રંગના વસ્ત્રો પહેરવાથી જાડી વ્યક્તિ પણ પાતળી દેખાય છે.

* ભરાવદાર શરીર ધરાવતી માનુનીઓએ ટાઇટ ફિટીંગના અને લો-વેસ્ટ આઉટફિટ ન પહેરવા જોઇએ. તેમણે દુપટ્ટાને બદલે ચોલી અને લ્હેંગા પર વધારે આપવું જોઇએ. ટિશ્યુ જેવા ફેબ્રિકથી દૂર રહેવું કારણ કે તે કાપડ અક્કડ રહેતું હોવાથી શરીર વધારે ફુલેલું દેખાશે.

* જો શરીર પાતળું હોય તો ભારે  એમ્બ્રોઇડરીવાળા પોશાક ન પહેરવા જોઇએ કારણ કે આનાથી શરીર વધુ પાતળું દેખાશે. ક્રેપ અને ટિશ્યુ જેવા કાપડમાં બ્રાઇટ રંગોને પસંદ કરવા જોઇએ. તે જ પ્રમાણે હોલ્ટર અથવા સ્ટ્રેપી ચોલીને બદલે કેપ સ્લીવના બ્લાઉઝ પહેરવા જોઇએ.

* જો શરીરનો નીચેનો ભાગ ભરાવદાર હોય તો એ-લાઇન લ્હેંગાને જ પસંદ કરવા જોઇએ.

* જો શરીરનો ઉપરનો ભાગ ભરાવદાર હોય તો ડીપ નેકલાઇન હોય તેવા પરિધાનને ન પસંદ કરવા. તેના બદલે ભારે એમ્બ્રોઇડરીવાળા દુપટ્ટાને પસંદ કરી એવી રીતે વીંટાળો કે તે ભાગ ઢંકાઇ જાય.

* સૌથી મહત્વની વાત એ છે કે, દુલ્હને તેના પોશાકનો રંગ, અને ડિઝાઇન એવા પસંદ કરવા જોઇએ જે દુલ્હાના પરિધાન સાથે મેચ થાય.

- નયના


Google NewsGoogle News